જો કોઈ તમને કહે કે તેણે ઈંટો કે પથ્થરો વગર પોતાનું ઘર બનાવ્યું છે, તો શું તમે વિશ્વાસ કરશો? કદાચ નહિ. કારણ કે આપણને બધાને એવું જ લાગે છે કે કોઈ ઈંટ વિના ઘર કેવી રીતે બનાવી શકાય છે. પરંતુ આજે અમે તમને કેરળના મોબીશ થોમસનો પરિચય કરાવી રહ્યા છીએ, જેમણે પોતાના ઘરના નિર્માણમાં ઈંટોનો ઉપયોગ કર્યો નથી.
કેરળના વાયનાડ જિલ્લાના સુલતાન બથેરીના રહેવાસી મોબીશ થોમસે તેમનું ઘર ‘લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર (LGSFS) ટેક્નોલોજી’નો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઘરના બાંધકામ માટેની આ ટેકનોલોજી પર્યાવરણને અનુકૂળ છે. 1400 ચોરસ ફૂટના આ મકાનમાં મોબિશ તેની પત્ની, બે બાળકો અને માતા-પિતા સાથે રહે છે. તેમનું ઘર સુંદર અને સ્ટાઇલિશ તેમજ પ્રકૃતિને અનુકૂળ અને આરામદાયક છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા, તેમણે LGSFS ટેક્નોલોજી, ઘરના બાંધકામમાં વપરાતી સામગ્રી અને તેની વિશેષતાઓ વિશે સમજાવ્યું.
તેમણે કહ્યું, “જ્યારે મેં ઘર બનાવવાનું નક્કી કર્યું ત્યારે મારા મગજમાં કેટલીક બાબતો હતી. જેમ કે હું ઇચ્છતો હતો કે ઘર બાંધવામાં ઓછામાં ઓછો સમય લાગે. ઉપરાંત, ઘર બનાવવા માટે રેતી, ધાતુ અને ક્રેશર જેવી સામગ્રી સરળતાથી ઉપલબ્ધ ન હતી, તેથી હું આ વસ્તુઓનો બને તેટલો ઓછો ઉપયોગ કરવા માંગતો હતો. તેથી મેં મારા કેટલાક મિત્રોને તેના વિશે કહ્યું અને પૂછ્યું કે શું કોઈ આર્કિટેક્ટ અથવા કંપની આ રીતે કામ કરી શકે છે.”
મોબીશને ‘LGSFS’ ટેક્નોલોજી વિશે જાણ થઈ. જેમાં ઘરનું બાંધકામ ઈંટો અને પથ્થરોથી નહીં પરંતુ સ્ટીલ કે ધાતુના બનેલા હોય છે. સૌ પ્રથમ, ઘરના નકશા અનુસાર, સ્ટીલનો ઉપયોગ કરીને ઘરની રચના તૈયાર કરવામાં આવે છે. પછી આ માળખું ઘરની સાઇટ પર લાવવામાં આવે છે અને સ્થાપિત થાય છે.

તેમણે કહ્યું, “ઘણા લોકોએ મને કહ્યું કે આ ટેકનિકથી માત્ર ત્રણ મહિનામાં ઘર બની જાય છે. ઉપરાંત, સ્ટીલ પર્યાપ્ત મજબૂત હોવાથી ઘર મજબૂત અને ટકાઉ બને છે. તેથી મેં બે-ત્રણ કન્સ્ટ્રક્શન કંપનીઓ પાસેથી આ ટેક્નોલોજી વિશે માહિતી લીધી અને ત્યાર બાદ ODF ગ્રુપને મકાન બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો.”
LGSFS ટેકનોલોજી શું છે
ODF ગ્રુપના માજિદે તેના ઘરની ડિઝાઇન તૈયાર કરી હતી અને હાશિમ મોહમ્મદ તેના આર્કિટેક્ટ હતા. તેમણે કહ્યું, “LGSFS ટેક્નોલોજીમાં ઘર, ઓફિસ કે અન્ય કોઈ બિલ્ડિંગનું માળખું મુખ્યત્વે સ્ટીલનું બનેલું હોય છે. ત્યારપછી તેને ઘરની સાઈટ પર ઈન્સ્ટોલ કરવામાં આવે છે અને ક્લાયન્ટની જરૂરિયાત મુજબ આ સ્ટ્રક્ચર પર અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને ઘરને પુરુ બનાવવામાં આવે છે. આ કામમાં સામાન્ય મકાનનાં બાંધકામ કરતાં ઘણો ઓછો સમય લાગે છે. જો કોઈ પણ પ્રકારના અવરોધો ન હોય તો ત્રણ મહિના કે તેથી ઓછા સમયમાં ઘર બનાવી શકાય છે.”
જો કે, જ્યારે તેને 2020 માં મોબીશના ઘરનો કોન્ટ્રાક્ટ મળ્યો, ત્યારે કોરોના રોગચાળો ફેલાવા લાગ્યો અને થોડા દિવસોમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું. તેથી સપ્ટેમ્બર, 2020 ના અંતમાં તેઓએ કામ શરૂ કર્યું અને જાન્યુઆરી 2021 માં ઘર સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું. આ ઘરને બનાવવામાં કુલ સાડા ચાર મહિનાનો સમય લાગ્યો હતો, કારણ કે કોરોના રોગચાળાને કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ વધારે મજૂરી પણ કરાવી શક્યા ન હતા. તેમ છતાં તેઓએ આ ઘરનું કામ સામાન્ય ઘરો કરતાં ઘણું વહેલું પૂરું કર્યું હતુ.

હાશિમ કહે છે, “સ્ટીલ ખૂબ જ મજબૂત હોય છે અને સાથે જ, તે ભૂકંપ અને આગ જેવી આપત્તિઓ સામે પ્રતિરોધક પણ રહે છે. ઉપરાંત, જો કોઈ વ્યક્તિ ઘણા વર્ષો પછી પોતાનું ઘર ફરીથી બનાવવા માંગે છે, તો આ સ્ટીલનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. આથી આ ટેક્નોલોજી ઈકો ફ્રેન્ડલી છે. બીજી એક વસ્તુ જે આ ટેક્નોલોજીને ખાસ બનાવે છે તે એ છે કે તે ‘ડેબરિસ ફ્રી’ છે. ઘણીવાર સામાન્ય રીતે ઘર બાંધ્યા પછી, બાંધકામનો ઘણો કચરો બાકી રહે છે. જે આપણા પર્યાવરણ માટે હાનિકારક છે. પરંતુ આ ટેક્નોલોજી વડે ઘર બાંધવામાં કોઈ હાનિકારક કચરો થતો નથી.”
ઇંટોનો ઉપયોગ કર્યો નથી
મોબિશે ઘરના બાંધકામમાં ઇંટોનો ઉપયોગ કર્યો નથી. ઇંટોને બદલે, તેઓએ સિમેન્ટ ફાઇબર બોર્ડનો ઉપયોગ કર્યો છે. સિમેન્ટ ફાઇબર બોર્ડ મજબૂત અને ટકાઉ તેમજ ભેજ, આગ અને ઉધઈ પ્રતિરોધક હોય છે. આનો ઉપયોગ દિવાલો અને છત બનાવવા માટે થઈ રહ્યો છે. “મારા ઘરની તમામ દિવાલો અને પહેલા માળની છત બનાવવા માટે સિમેન્ટ ફાઇબર બોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટીલ સ્ટ્રક્ચરની બંને બાજુએ સિમેન્ટ ફાઇબર બોર્ડ લગાવવામાં આવ્યા છે,” તેમણે કહ્યું.

ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એટેચ બાથરૂમ સાથે એક બેડરૂમ છે. આ ઉપરાંત બે કિચન, એક લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ અને કોમન રૂમ છે. પહેલા માળે બે બેડરૂમ અને એક કૉમન બાથરૂમ છે. ગ્રાઉન્ડ ફ્લોરની છત માટે તેઓએ આર.સી.સી. નો ઉપયોગ કર્યો છે. જ્યારે, પહેલા માળની છત સિમેન્ટ ફાઇબર બોર્ડની બનેલી છે. તેમણે કહ્યું, “અમે ઘરના બાંધકામમાં બહુ ઓછા કોંક્રિટનો ઉપયોગ કર્યો છે. વાસ્તવમાં અમે પહેલીવાર આ ટેક્નોલોજી સાથે ઘર બનાવી રહ્યા હતા, તેથી અમે ગ્રાઉન્ડ ફ્લોરની છત બનાવવા માટે આરસીસીનો ઉપયોગ કર્યો, કારણ કે મારા માતાપિતાને સિમેન્ટ ફાઇબર બોર્ડ પર શંકા હતી.”
પરંતુ હવે તેનો પરિવાર ઘણો ખુશ છે. કારણ કે ઘર સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ આરામદાયક પણ છે. તેમના ઘરની અંદરનું તાપમાન સંતુલિત રહે છે, જેના કારણે તેમને ઉનાળામાં ACની જરૂર નથી પડતી. કારણ કે તેમના ઘરની દિવાલો વચ્ચે ખાલી જગ્યા છે, જેના કારણે તેઓ થર્મલ એફિસિએન્ટ છે. તેમજ દિવાલો પર પ્લાસ્ટર પણ કરવામાં આવ્યું નથી. તેમના ઘરના નિર્માણમાં સૌથી ઓછા સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમણે ભૂગર્ભજળ રિચાર્જ માટે 2000 લિટરની ક્ષમતા સાથે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી છે.

આ આલીશાન ઘર માત્ર 34 લાખમાં બન્યું હતું
મોબિશ કહે છે, “ઘર બનાવવા માટેની તમામ સામગ્રી, ઘર નિર્માણ અને ફર્નિચરનો ખર્ચ લગભગ 34 લાખ રૂપિયા સુધી થયો હતો. જો કે, જો ઘર સામાન્ય રીતે બાંધવામાં આવ્યું હોય, તો તેમાં કદાચ વધુ ખર્ચ થતો. ખાસ કરીને કોરોના રોગચાળા દરમિયાન. કારણ કે, તે સમયે વાહનવ્યવહાર પણ ખૂબ જ મુશ્કેલ હતો, તેથી અન્ય જગ્યાએથી રેતી, ઇંટો વગેરે લાવવાનો ખર્ચ પણ વધી ગયો હોત. જો કે, તેમનું એમ પણ માનવું છે કે જો વધુ લોકો આવી ટેકનિક અપનાવે તો આ ખર્ચ વધુ ઘટાડી શકાય છે.
અંતમાં, તે દરેકને સલાહ આપે છે કે જે લોકો પોતાનું ઘર બનાવવાનું વિચારી રહ્યા છે તેઓએ પહેલા ઘર બનાવવાની તમામ તકનીકો અને પદ્ધતિઓ વિશે માહિતી મેળવવી જોઈએ. આ પછી સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. જો તમે આ ટેક્નોલોજી વિશે વધુ જાણવા માંગતા હોય તો તમે info@odfgroup.in પર ઈમેલ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: માત્ર 5 થી 10 લાખમાં બની જશે તમારું સસ્ટેનેબલ & પર્યાવરણને અનુકૂળ ઘર, જાણો કેવી રીતે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.