મોટા શહેરોમાં દરેક જણ અશુદ્ધ હવા અને પ્રદુષણની ફરિયાદ કરતું જોવા મળતું જ હોય છે. ન આસપાસ હરિયાળી જોવા મળે છે કે ન તો પક્ષીઓની ચહલ પહલ. દિલ્લી જેવા કેટલાંય શહેરોમાં પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અનુકૂળ ઈકો સિસ્ટમના અભાવને તેનું મુખ્ય કારણ ગણી શકાય. જયારે, દિલ્લી(દ્વારકા )માં જ રહેતા રશ્મિ શુકલાએ પોતાના ઘરની છત પર જ એટલી હરિયાળી પાથરી દીધી છે કે આજે તેમનો બગીચો કેટલાંય પક્ષીઓનું ઘર બનીને ઉભો છે.
તેઓ છેલ્લા 15 વર્ષથી ગાર્ડનિંગ કરી રહ્યા છે અને લગભગ દરેક ઋતુગત ફળ, શાકભાજી અને સાથે-સાથે ફૂલો પણ ઉગાડે છે. તેમનાં બગીચામાં ક્યારેય કોઈ પણ પ્રકારના કીટનાશક કે રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી થતો તેના કારણે માટીમાં કેટલાય પ્રકારના કીડાઓ રહે છે જેના લીધે પક્ષીઓ પણ અહીં વસવાટ કરે છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતાં રશ્મિ જણાવે છે કે, “મારી બાલ્કની અને અગાશી પરનાં બગીચામાં છેલ્લા દસ વરસથી બુલબુલ, સનબર્ડ, ટેલરબર્ડ અને ગોરૈયાનાં માળાઓ છે અને આ કારણે જ આખુ ઘર તેમનાં કલરવથી ગુંજી ઉઠે છે. મને ખુશી છે કે મારું ઘર હવે આ પક્ષીઓનું ઘર પણ બની ચૂક્યું છે.
તેમ છતાં 15 વર્ષ પહેલાં, ગાર્ડનિંગ વિષે તેમને કંઈ વિશેષ જાણકારી ન હતી. પરંતુ પ્રકૃતી માટેનો તેમનો પ્રેમ અને વૃક્ષો પ્રત્યેનો તેમનો લગાવ પહેલાંથી જ હતો અત્યારે પણ છે. આજ પોતાની ખુદની મેહનતથી તેમણે ઘરની છત ઉપર એક સુંદર ઈકો સિસ્ટમ તૈયાર કરી લીધી છે. હાલ તેમનાં બગીચામાં અલગ અલગ પક્ષીઓના આઠ માળાઓ બનેલાં છે.

બાલ્કનીમાં ફક્ત પાંચ છોડવાઓથી કરી શરૂઆત.
રશ્મિ મૂળ રૂપે પટણાના વતની છે, પરંતુ છેલ્લા કેટલાંય વર્ષોથી તેઓ દિલ્લીમાં રહે છે. કેમ કે તેમનાં પિતા એક કૃષિ અધિકારી હતાં, તેથી તેઓ વૃક્ષ અને છોડવાઓ વિષે નાનપણથી જ સાંભળાતા અને સમજતા આવ્યા છે પરંતુ તેમણે ક્યારેય બાગવાની નહોતી કરી. પોતાનાં બાળકોની જવાબદારી તથા ભાડાનાં ઘરમાં જગ્યાના અભાવના કારણે તેઓ આ બાબતે વધારે કંઈ કરી શકે તેમ નહોતા.
15 વરસ પહેલાં જયારે તેમણે પોતાનું નવું ઘર ખરીદ્યું ત્યારે મનમાં સાચવેલા આ શોખને પૂરો કરવાનો મોકો મળ્યો છતાં હજી પણ આ માટે તેમની પાસે જમીન પર જગ્યા તો નહોતી જ પરંતુ તેમનો આ ફ્લેટ બિલ્ડીંગના સૌથી છેલ્લા માળે હોવાના કારણે ઉપર અગાશી પરનો ભાગ તેમના ફાળે આવ્યો. કહેવાય જ છે ને કે અભાવ અને અમાસમાં પણ જો આપણને ક્યાંક પહોંચવાની શ્રદ્ધા હોય ત્યાં રસ્તાઓની ચિંતા ભગવાન કરે છે જે રશ્મિ માટે તદ્દન સિદ્ધ થાય છે. અને પછી તો ત્યાં જ રશ્મિએ પોતાનો બગીચો બનાવ્યો.
તેઓ કહે છે કે,” મારી પાસે 1000 વર્ગ ફૂટના મકાનના હિસાબે છત ઘણી મોટી છે જેમાં પાણીની ચાર ટાંકીઓ બનેલી છે અને બાકી વધેલી જગ્યાનો ઉપયોગ છોડવાઓને રોપવા માટે કર્યો છે.
રશ્મિને ફૂલોનો ખુબ જ શોખ છે તેટલા માટે જ શરૂઆત તેમણે ત્યાંથી જ કરી હતી. પછી તો લીંબુ, દાડમ, ચીકુ જેવા ફળોના છોડ પણ વાવ્યા. કેટલાક શરૂઆતી છોડને ઉગાડવામાં સફળતાં મળ્યા બાદ તેમણે વધારે છોડવાઓને રોપવાની શરૂઆત કરી.

જૈવિક રીતે પોતે જાતે જ કરે છે બાગવાની
રશ્મિ પોતાના બગીચા માટે માટી તૈયાર કરવાથી લઇને તેમાં નિશ્ચિત સમય અંતરાલે ખાતર નાખવાનું, કૂંડાઓની ફેરબદલી જેવા કામ જાતે જ કરે છે. તેમણે આગળ જણાવ્યું કે જયારે તેમને ગાર્ડનિંગની વધારે કંઈ જાણકારી ન હતી તે સમયે તેમણે એક માળી પણ રાખ્યો હતો જે વિવિધ રસાયણનો ઉપયોગ કરીને છોડવાઓને ઉછેરતો હતો. પરંતુ જયારે તેમને જૈવિક પ્રક્રિયાની ખબર પડી ત્યારે તેમણે જાતે જ બાગવાની કરવનો નિર્ણય લીધો. તેઓ ઘેર જ સૂકા પાંદડા અને રસોડાના કચરામાંથી ખાતર બનાવે છે અને માટીમાં કોકોપીટ, દેશી ગાયનું કોહવાયેલું છાણ વગેરે ભેળવીને પોટિંગ મિક્સ તૈયાર કરે છે. તેઓ છોડવાઓને નુકસાન કરતાં કીડાઓનાં નિયંત્રણ માટે દૂધનો છંટકાવ કરે છે જે એક જૈવિક કીટનાશક તરીકેનું કામ કરે છે.
રશ્મિ આગળ જણાવે છે કે,” જયારે આપણી માટી રસાયણ મુક્ત હોય છે ત્યારે તેમાં પ્રાકૃતિક રૂપે સૂક્ષ્મ જીવોનો ઉદ્દભવ થાય છે તેનાથી ચિંતિત ના થઇ ને ખુશ થવું જોઈએ કે આપણું જૈવિક મોડલ સફળ થયું.

છત ઉપર ઝૂંપડી બનાવીને શહેરમાં જ ગામડાંની મજા લૂંટે છે.
રશ્મિ પોતાના ટેરેસ ગાર્ડનમાં વિવિધ ઘણી બાબતોનું ધ્યાન રાખે છે. જેમ કે, હળવી અને ભરભરી માટી તથા કૂંડાઓનું ચયન, પાણીનો ભરાવો ન થાય તે જોવું, છોડવાઓમાં નિશ્ચિત સમયે કટિંગ કરવું વગેરે. આ સાથે જ તે ગાર્ડનિંગ માટે વધારેમાં વધારે નકામા ડબ્બાઓનો ઉપયોગ કરે છે. તેઓ મોટા છોડને ગ્રો બેગમાં ઉગાડે છે. રશ્મિ ગાર્ડનિંગમાં DYI પદ્ધતિનો પણ ઉપયોગ કરે છે જેમાં તે પોતાની રચનાત્મકતાનો પ્રયોગ પણ કરે છે.
તેમના આવા જ ઘણા પ્રયોગોમાંનો એક પ્રયોગ છે વાંસમાંથી બનાવેલી ઝૂંપડી. લીલાછમ વૃક્ષો અને છોડવાની વચ્ચે બનેલી આ ઝૂંપડી શહેરમાં જ ગામડાંનો અનુભવ કરાવે છે. આ ઝૂંપડીને તેમણે સ્થાનિક વાંસના કારીગરોની મદદથી બનાવડાવી છે.
બગીચા સાથે સંકળાયેલ પડકારોની વાત કરીએ તો, જેમ કે તેઓ એપાર્ટમેન્ટમાં રહે છે તો કેટલાંક લોકોને એમ લાગતું હતું કે આવી પ્રક્રિયાઓથી મચ્છરનો ઉપદ્રવ વધશે અને સીવેજ માટે પણ સમસ્યા ઉભી થશે. પરંતુ રશ્મિએ તેના નિરાકરણ માટેનું પણ ચોકસાઈ પૂર્વક ધ્યાન રાખ્યું. જેમ કે, મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે તે તીવ્ર સુગંધ વાળા છોડવાઓને ઉછેરે છે જયારે છત પરના દરેક કૂંડાઓને જમીનની સપાટી પરથી સહેજ ઊંચા રાખે છે જેથી ત્યાં પાણીનો ભરાવો ન થાય.

રશ્મિનો આ બગીચો દરેકને ખુબ જ પસંદ પડી રહ્યો છે. તેઓ ગાર્ડનિંગ સંલગ્ન દરેક માહિતીને પોતાની યૂટ્યૂબ ચેનલ પરથી લોકો સુધી પણ પહોંચાડી રહ્યા છે. ગયા વર્ષે જ તેમણે આ ચેનલની શરૂઆત કરી હતી અને માત્ર એક જ વર્ષ માં તેમનાં ત્રણ લાખ કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર થઇ ચુક્યા છે.
ગાર્ડનિંગથી જોડાયેલી જાણકારી માટે તમે તેમને rashmishukla1415@gmail.com પર મેઈલ કરી શકો છો.
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 51 વર્ષની ઉંમરે જમીન ખરીદી ખેતી શરૂ કરી, 10 વર્ષમાં વાર્ષિક કમાણી પહોંચી 15 લાખ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.