વર્ષ 1984 માં સર્વોદય આશ્રમમાં જન્મેલ અલ્પેશભાઈને તેમના પિતા તરફથી વારસામાં ગાંધી વિચારો મળેલા છે. તેમણે વર્ષ 2008 માં ગુજરાત વિદ્યાપીઠમાંથી એમએસડબ્લ્યૂ કર્યું અને ત્યારબાદ મુંબઈમાં રૂપિયા 40 હજારની નોકરી શરૂ કરી. પરંતુ ત્યાં તેમને સતત એમજ લાગ્યા કરતું હતું કે, તેઓ જે કઈંક કરવા ઈચ્છતા હતા તેનાથી તો સાવ અલગ જ કરી રહ્યા છે. હંમેશથી કઈંક સ્વતંત્ર કામ કરવા ઈચ્છતા હતા, જેમાં નોકરી નહીં, પરંતુ ગામડાંના વિકાસ માટે કઈંક કરી શકાય. પોતાના ભણતરનો ઉપયોગ થઈ શકે.
આ દરમિયાન તેમને યુનિસેફના પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી, જેનો મુખ્ય હેતુ બાળ સુરક્ષા અને બાળ હકોના રક્ષણનો હતો. આ પ્રોજેક્ટમાં કામ કરતાં-કરતાં તેમને સંખેડાના નાના-નાના ગામડાંમાં કામ કરવાની તક મળી. આ દરમિયાન ડુંગરાઓમાં ફરતાં-ફરતાં આદિવાસી સમુદાયના સીધા સંપર્કમાં આવ્યાં. અહીં તેમણે ઘણી સમસ્યાઓ જોઈ પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન જોઇએ તો ‘પલાયન’ નો જોવા મળ્યો. ગુજરાતમાં આમ પલાયનની બાબતે આ છોટાઉદેપુર જિલ્લો બીજા નંબરે આવે છે, જ્યારે પહેલા નંબરે દાહોદ આવે છે. પૂરતી રોજગારી ન મળતાં રોજેરોજ સંખ્યાબંધ લોકો સૌરાષ્ટ્રમાં રોજી માટે નીકળી જાય છે.

અહીંના લોકોની લાચારી અને દયનિય હાલત જોઈ હંમેશાં તેમના માટે કઈંક કરવાની ઈચ્છા થતી. આ સમય હતો 2014-2015 નો હતો. આ દરમિયાન તેમને કેટલાક સ્થાનિક લોકો સાથે મિત્રતા થઈ. એટલે તેઓ રજાના દિવસે પોતાનું ટિફિન સાથે લઈને અલગ-અલગ વિસ્તારોમાં ફરવા નીકળી પડતા. આ દરમિયાન તેમણે લોકોને જ પૂછ્યું કે, કયા કામથી શારૂઆત કરવી, ક્યારથી શરૂઆત કરવી અને ક્યાંથી કરવું? આ દરમિયાન લોકોના જે જવાબ મળ્યા તેને ધ્યાનમાં રાખીને જ તેમણે કામની શરૂઆત કરી. લોકોએ તેમને કુકરદા ગામમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનું શરૂ કર્યું.

વર્ષ 2016 માં નોકરી છોડી લોકસહયોગ સંસ્થાની શરૂઆત કરી અલ્પેશભાઈએ. આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વીત કરતાં અલ્પેશભાઈ કહ્યું, “અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અમારી પાસે કોઈ ટ્રસ્ટ નહોંતુ અને લોકોને પણ અમારા પર જરા પણ ટ્રસ્ટ (વિશ્વાસ) નહોંતો. અમે મેં અને મારી પત્નીની અત્યાર સુધીની બચતથી શરૂઆત કરી. અને કેટલાક મિત્રોએ પોતપોતાના ઘરમાં વધારાનાં વાસણ અને સાધનો આપ્યો અને અમે શરૂઆત કરી બાળકો માટે હોસ્ટેલની. અમે 2016 માં સહયોગ છાત્રાલયની શરૂઆત કરી. ધીરે-ધીરે લોકોએ ચાર ઓરડા પણ આપ્યા અને ધીરે ધીરે ગામલોકો જ મકાઈ અને બીજો સામાન પણ આપતા. પરંતુ શરૂઆતમાં એકપણ વાલી પોતાનાં બાળકો મૂકવા તૈયાર નહોંતાં. અમને તેમની બોલી સમજાતી નહોંતી એટલે તેમને કેવી રીતે મનાવવાં એ પણ અમારા માટે બહુ મોટી પ્રશ્ન હતો.”
શાળા તો સરકારી હોય જ છે, એટલે અમારું મુખ્ય કામ તો છાત્રાલયનું જ છે. આ દરમિયાન ઘણા લોકોની મદદ મળતી રહી. હવે ધીરે-ધીરે સંસ્થાને કામ માટે થોડી જગ્યાની જરૂર હતી. આ અંગે ગામલોકો સાથે વાત થઈ, પરંતુ ઈચ્છવા છતાં તેઓ આપી શકે તેમ નહોંતા. જીવવા માટે, ટકવા માટે તેઓ સરકારી જમીન પર જ રહેતા હતા, જેથી તેમને આપી શકે તેમ નહોંતા. પંચાયતે આવી જમીનમાંથી પંચાયતે પાંચ એકર જમીન આપવાનું પણ નક્કી કર્યું, પરંતુ ગામલોકોને તકલીફ ન પડે એટલે તેમણે ખૂબજ પ્રેમથી ગામ બદલ્યું.

પછી અલ્પેશભાઈએ 2018 માં માંકડાઅંબામાં હોસ્ટેલ શિફ્ટ કરી. અહીં જગ્યા તો મળી ગઈ પરંતુ, છાત્રાલય બંધાતાં સમય લાગે, એટલે ગામલોકોએ જ બે ઘર આપ્યાં. આમ તેઓ કુલ 914 દિવસ આમ જ ફરતા રહ્યા. સામાન અને બાળકો સાથે ફર્યા અને છેવટે એક સુંદર છાત્રાલયની શરૂઆત કરી. અત્યારે તેમનું મુખ્ય કામ છે શિક્ષણ, લોક શિક્ષણ અને લોકભાગીદારી છે. 5 બાળકોથી શરૂ કરેલ આ છાત્રાલયમાં 20 ગામનાં 70 બાળકો ભણે છે.

લોક ભાગીદારી વધારવા તેઓ વિતરણનાં કામ કરે છે. જેના અંતર્ગત તેઓ તેમની જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરે છે. જેમ કે, ઉનાળામાં ચપ્પલ તો શિયાળામાં ધાબળાનું વિતરણ કરે છે. તો અહીં વાંસનાં ઘર હોવાથી અનાયાસે સળગવાની ઘટનાઓ પણ બને છે. તો આવા સમયે લોક સહયોગ સંખ્યા તેમની પડખે ઊભા રહે છે અને તેમનાથી બનતી મદદ કરે છે.

બાળકોને પ્રવાસ પણ એવી જગ્યાએ લઈ જાય છે, જેનાથી બાળકોને પણ ખરો આનંદ મળે અને તેમને ઘણું વધારે શીખવા મળે.
તો અઠવાડિયામાં 5 દિવસ એવા ગામમાં આઝાદીથી અત્યાર સુધી કોઈ મદદ સુધી ગયું નથી, તેમાં તેમણે ઓપશન શાળા શારૂ કરી છે. જેમાં તેઓ ઝાડ નીચે બેસાડીને બાળકોને ભાગવે છે. અહીં બાળકો અને તેમનાં માતા-પિતા કોઈના કોઇ સરકારી પુરાવા નહોંતા, તો તેમાં તેમની નોંધણી કરવામાં મદદ કરે છે. બાળકોને તેમના અધિકાર અને હક માટે જાગૃત કરે છે.
તેઓ બધાં જ સમાજસેવાનાં કામ વૈજ્ઞાનિક અભિગમ અને લોક ભાગિદારીથી કરે છે. હવે ગામલોકોમાં અલ્પેશભાઈ માટે સારી એવી શ્રદ્ધા પણ ઊભી થઈ છે. અને તેઓ સરકાર અને લોકો વચ્ચે મધ્યસ્થી બની લોકોના પ્રશ્નો ઉકેલી રહ્યા છે.

આ માટે તેઓ ડિમાન્ડ ક્રિએશનનું કામ પણ કરે છે. એકબાજુ સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે, ત્યાં અહીંની શાળામાં નવા શિક્ષકોની ભરતી કરવી પડે છે સરકારે. તેઓ એટલી બધી સંખ્યા કરી આપે છે કે, અહીં સરકારે 8 શિક્ષકોની ભરતી કરવી પડી.
તેમના છાત્રાલયમાં રહેતા બાળકોમાં બે પ્રકાર છે. કેટલાંક બાળકોનાં માતા-પિતા લાંબા સમય માટે મજૂરી માટે બહાર નીકળી ગયાં હોય છે, તો તેમને વેકેશનમાં પણ છાત્રાલયમાં રહેવાની છૂટ હોય છે. તો બીજાં કેટલાંક વાલીઓ એવાં પણ હોય છે, જેમનાં માતા-પિતા ગામમાં હોય, તો તેમને વેકેશન કે તહેવારની રજાઓ દરમિયાન ઘરે જવાની છૂટ હોય છે.
આ વિસ્તારના રસ્તાઓ આજે પણ એવા છે કે, અહીં માત્ર બાઈક લઈને જ જવું પડે.

બાળકો ભણવા સરકારી શાળામાં જાય છે. ત્યારબાદની બધી જવાબદારી આ છાત્રાલય ભણાવે છે. તેમને રમાડવાનાં, ભણાવવાનાં, સંસ્કાર આપવાના, તેમની જરૂરિયાતો પૂરી કરવાનું કામ છાત્રાલય કરે છે.
એક સમયે છાત્રાલયમાં બાળકો માટે શાકભાજી અલ્પેશભાઇ જ લાવતા, તેમાંથી રસોઈ પણ જાતે જ બનાવતા અને બાળકોને જમાડતા પણ હતા, પરંતુ હવે તેમને બીજા ઘણા મિત્રોની મદદ મળી રહે છે. તેમના ત્યાં આવનાર મોટાભાગનાં બાળકોના ઘરે શૌચાલય નથી અને કોઈના ઘરે હોય તો પણ તેમને શૌચાલયના ઉપયોગની આદત નહોંતી. આ બાળકોએ ધીરે-ધીરે તેમને શૌચાલયનો ઉપયોગ કરતાં શીખવાડ્યું. તેમને નિયમિત નહાતા-ધોતા અને શૌચાલય બાદ હાથ ધોતા શીખવાડ્યું.

- આ સાથે-સાથે તેમણે બાળકોને પાણી અને પર્યાવરણનું મહત્વ પણ સમજાવે છે. જેથી બાળકો બ્રશ પણ કરે તો પોતાના રોપા પાસે બેસીને જ કરે, પોતાની જમવાની થાળી પણ ત્યાં ધોવે, જેથી તેમના એ રોપાને પાણી મળતું રહે.
- એક સમયે તેઓ બાળકોને માત્ર શાક રોટલા કે દાળભાત જ આપી શકતા હતા, જ્યારે અત્યારે તેઓ સમયસર ગરમા-ગરમ શાક-રોટલા અને દાળભાત જમાડે છે બાળકોને.
- એક સમયે બાળકોના ભોજન માટે તેઓ બજારમાંથી શાકભાજી લાવતા હતા, પરંતુ હવે તેઓ છાત્રાલયની બહાર જ ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે અને બાળકોને જમાડે છે.
- બાળકો આવે ત્યારે તેમને બૂટ-ચંપલ પહેરવાની આદત નથી હોતી, તો તેઓ તેમને બૂટ-ચંપલ પહેરતાં પણ શીખવાડે છે અને તેની આદત પણ પાડે છે.
- અહીંના લોકો બીમાર પડે તો ભૂવા પાસે જ જાય, દવાખાને ન જાય. તો અલ્પેશભાઈ તેમને સમજાવે છે કે, તમે ભૂવા પાસે ભલે જાઓ, પરંતુ સાથે-સાથે ડૉક્ટર પાસે પણ જાઓ.

અત્યારે બાળકોની પહેલી પઢીને ભણાવે છે અલ્પેશભાઈ. તેમનાં મા-બાપ તો અભણ જ છે.
ભવિષ્યમાં અલ્પેશભાઈ ચાઈલ્ડ ફ્રેન્ડલી નર્મદા જિલ્લાની ગ્રીન હોસ્ટેલ બનાવવા ઈચ્છે છે. બાળકો જ એકબીજાની મદદ કરે. તેઓ જ્યાં પણ બેસે, જ્યાંથી પણ પસાર થાય, ત્યાંથી કઈંક નવું શીખે. 2030 માં દાંડીયાત્રાને 100 વર્ષ થશે. એટલે ત્યાં સુધીમાં તેઓ આખા ગુજરાત માટે નમૂનેદાર હોસ્ટેલ બનાવવા ઈચ્છે છે તેઓ.

આ સિવાય તેઓ બીજાં પણ કેટલાંક કામ કરવા ઈચ્છે છે.
- કન્યાઓ માટે હોસ્ટેલ
- વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (જેમાં વિદ્યાર્થીઓને અલગ-અલઅગ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે.)
- સ્થાનિક રોજગારી વધે એ માટે ઠોસ પ્રયત્ન કરવા.
- હજી અહીં શિક્ષણનો અભાવ હોવાથી લાઇબ્રેરી શક્ય નથી, પરંતુ ભવિષ્યમાં એક પુસ્તકાલય પણ શરૂ કરવું છે.
- દીકરીઓ માટે કેટલીક કંપનીઓ સાથે મળીને આરોગ્યનાં કામ શરૂ કરવાનાં છે.
- એક કમ્પ્યૂટર કેળવણી સેન્ટર પણ ખોલવાનું છે.
- અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ કરવા તો ઘણું ઈચ્છે છે, પરંતુ યોગ્ય કેળવણી અને પૂરતો અવકાશ ન મળવાથી બધુ શક્ય નથી બનતું, તો તેમને પણ વિકાસની પૂરતી તક આપી એક સરસ સિસ્ટમ ઊભી કરવી છે.

તો એક ખૂબજ હ્રદયસ્પર્ષી બનાવ યાદ કરતાં અલ્પેશભાઈ કહે છે, “આમ તો અનેક પ્રસંગો આપણને યાદ રહી જતા હોય છે પરંતુ તેમાંના એક પ્રસંગે મને લાગણીશીલ કરી દીધો હતો. અહીં ફિલિશીયા કરીને એક વિદ્યાર્થી છે. જે તેના માતા-પિતાનું આઠમું સંતાન છે. -અહીં ઘણાં લોકોને આમ 7-8 બાળકો હોય છે. અહીં ફેમિલિ પ્લાનિંગ પણ એક મોટો પ્રશ્ન છે. ફિલિશીયાના માતા-પિતા બંને 24 કલાક દારૂ પીએ છે. બાળકની કેળવણી અને ઘણી સમજણ બાદ એકવાર રડતાં-રડતાં તેમણે કહ્યું હતું કે, ‘અમે તો અમારા સંતાન માટે કઈં કરતા નથી અને કરવા માટે અમારી પાસે સમજણ પણ નથી, પણ તું જે કરે છે, એ અમે જીવનભર નહીં ભૂલી શકીએ.'”
લોકોનો વિશ્વાસ જીતવા તેઓ તેમના બધા પ્રસંગોમાં પણ જાય છે. જેથી લોકો તેમને પોતાના સમજે અને માને. મોટાભાગે લોકો એમ માનતા હોય છે કે, આદીવાસીઓ ઘાતકી સ્વભાવના હોય છે, પરંતુ તેના માટે જવાબદાર પણ આપણે પોતે જ હોઈએ છીએ. અને અલ્પેશભાઈ અહીં લોકોનો પ્રેમ અને વિશ્વાસ જીતી રહ્યા છે.

મહારાષ્ટ્રના બોર્ડરે આવેલાં ગુજરાતનાં આ અંતરિયાળ ગામોમાં નેટવર્ક આવવું પણ મુશ્કેલ છે, ત્યાં અલ્પેશભાઈ તેમના વિકાસ માટે ભગિરથ કાર્યો કરી રહ્યા છે. તેમનાં પત્ની રીંકુ અને દીકરો ત્યાંથી થોડે દૂર મોટા ગામમાં રહે છે. જ્યાં તેમનાં પત્ની નર્સ છે. જેથી તેઓ ત્યાં મોટા સેન્ટરમાં રહી શક્ય એટલી મદદ કરે છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં અલ્પેશભાઈ બારોટે કહ્યું, “હું અને મારી પત્નીએ જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે અમારી બધી બચત આ કાર્યમાં ખર્ચાઈ ગઈ હતી, એક સમયે અમારા દીકરા માટે 10 રૂપિયાનું દૂધ લાવવાના પૈસા પણ નોંતા અમારા. તો હવે દાતાઓનો પણ વિશ્વાસ, પ્રેમ અને મદદ મળી રહે છે. અમે લાઈટ બાબતે પણ અત્યારે સ્વાવલંબી બની ગયા છીએ. સોલર સિસ્ટમ સેટ કરી અમે લાઈટ-પંખા પણ તેનાથી જ ચલાવીએ છીએ.”
શરૂઆતમાં વાલીઓ તેમનાં બાળકોને અહીં રાખવાના પૈસા નહોંતા આપતા, પરંતુ હવે તેઓ એક સત્રના 1000 રૂપિયા પણ આપે છે.
અમદાવાદની સૃષ્ટિ સંસ્થાની મદદથી ખેડૂતોને બિયારણ આપે છે. વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો પણ કરાવે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને અલ્પેશભાઈના આ કાર્યમાં મદદ કરવા ઈચ્છતા હોય તો તેમનો 8347831098 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: વડોદરા: દરરોજ 300 જરૂરિયાદમંદ લોકોનું પેટ ઠારે છે 84 વર્ષના નર્મદાબેન!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.