આજકાલ ધીરે-ધીરે લોકોમાં ગાર્ડનિંગનો શોખ વધી રહ્યો છે. માર્કેટમાં મળી રહેલ રાસાયણિક દવાઓવાળાં શાકભાજીના કારણે લોકોના સ્વાસ્થ્યમાં થઈ રહેલ ગંભીર સમસ્યાઓના કારણે જે પણ લોકો પાસે થોડી-ઘણી પણ જગ્યા હોય કે પછી બાલ્કની કે ધાબુ હોય, તેઓ ધીરે-ધીરે ફૂલોની સાથે-સાથે ફળો અને શાકભાજી પણ વાવી રહ્યા છે. આ માટે તેમને માર્કેટમાંથી જૈવિક ખાતર મળી રહે છે, ઘણા લોકો ઘરે પણ કિચન વેસ્ટમાંથી કંપોસ્ટ ખાતર બનાવી રહ્યા છે, પરંતુ છોડમાં ઘણીવાર ઈયળ, જીવાત પડતી હોય છે, ફૂગ આવતી હોય તો, ઘણીવાર માટીમાં ઉધાઈ પણ આવતી આવતી હોય છે, તો નવું-નવું ગાર્ડનિંગ કરતા લોકોને આમાંથી કેવી રીતે છૂટકારો મેળવવો તેની ખબર નથી હોતી. જેના કારણે ઘણીવાર છોડ-વેલ નાશ પામે છે, તો કેટલીકવાર તેઓ બજારમાંથી પેસ્ટીસાઇડ લાવતા હોય છે, જે રસાયણયુક્ત હોવાથી તેના દ્વારા ઉગેલ, ફળ-શાક આપણા માટે નુકસાનકારક નીવડી શકે છે. તમારી આ જ સમસ્યાનું સસ્તુ અને અસરકારક સમાધાન લાવ્યા છીએ અમે આજે.
અત્યાર સુધી 1000 કરતાં પણ વધારે લોકોને ગાર્ડનિંગના પાઠ ભણાવનાર જાગૃતિબેન ભટ્ટ આજે આપણને શીખવશે, ઘરમાં જ રહેલી વિવિધ વસ્તુઓમાંથી ઑર્ગેનિક જંતુનાશકો કેવી રીતે બનાવવાં અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. આ ઉપરાંત જંતુનાશકોના ઉપયોગ વગર પણ કેવી રીતે જીવાતથી છૂટકારો મેળવી શકાય છે.

જંતુનાશકો વગર જીવાત-ઈયળથી છૂટકારો મેળવવાની રીત:
- સૌપ્રથમ તો જે પણ પાન પર ઈયળ દેખાય તેને તરત જ તોડીને ફેંકી દો.
- ઝીણી જીવાત જેવું દેખાતું હોય તો સંધ્યા સમયે કુંડાઓની પાસે એક લાઈટ મૂકો અને લાઈટની આસપાસ એક પાટીયા પર પીળા રંગનું પ્લાસ્ટિક લગાવીને તેના પર ગ્રીસ કે દિવેલ લગાવીને મૂકી દો અથવા પીળા રંગના ફુગ્ગા ફુલાવી તેના પર ગ્રીસ લગાવીને મૂકી દો. આમ કરવાથી લાઈટથી આકર્ષાઈને જીવાત (બગ) ત્યાં આવશે અને સામાન્ય રીતે તે પીળા રંગથી પણ આકર્ષાય છે એટલે ત્યાં આવતાં જ ગ્રીસના કારણે ચોંટી જશે.
- સાંજના સમયે છોડ અને વેલને માત્ર મૂળ પર પાણી આપવાની જગ્યાએ આખા છોડ પર પાણી છાંટવું. કારણકે ભીના પાન પર જીવાત કે ઈયળને ઈંડાં મૂકવાં નથી ગમતાં એટલે આનાથી ઘણો ફાયદો થશે. આ ઉપરાંત પાણી પાનની નીચેની તરફ, બે ડાળીઓ મળતી હોય ત્યાં ખૂણામાં ખાસ છાંટવું. આ જ જગ્યાઓ પર તેઓ ઈંડાં મૂકતાં હોય છે.

પ્રાકૃતિક જંતુનાશકો બનાવવાની અને ઉપયોગની રીત:
કડવો લીમડો:
કડવો લીમડો દરેકા વ્યક્તિને સરળતાથી મળી રહે છે. સૌપ્રથમ તો લીમડાનાં પાન તોડી તેને એક લીટર પાણીમાં બરાબર ઉકાળી લો. અને તેને ગાળી લો. આ સિવાય લીમડાને વાટીને એક કપડામાં બાંધીને 24 કલાક સુધી એક લીટર પાણીમાં પલાળી પણ શકાય છે. ત્યારબાદ આ પાણીમાં બીજુ 2-3 લીટર સાદુ પાણી ઉમેરો. ત્યારબાદ અંદર 5 મીલી લિક્વિડ સાબુ અથવા અરીઠાનું પાણી મિક્સ કરો. હવે તેને સ્પ્રે બોટલમાં ભરીને છોડ પર સ્પ્રે કરવું.
તેને સવારે અથવા સાંજે સ્પ્રે કરી શકાય છે. સાંજે સ્પ્રે કરવાથી વધારે ફાયદો મળે છે.
- જો તમારી પાસે લીમડાનાં પાન ન હોય પરંતુ લીમડાની ખોળ હોય તો તેને પણ આ જ રીતે પાણીમાં પલાળી ઉપયોગમાં લઈ શકાય છે.
- આ ઉપરાંત તમે બજારમાં મળતા લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. 5 મીલી લીમડાનું તેલ, 5 મીલી લિક્વિડ સાબુ અને એક લીટર પાણી મિક્સ કરો અને તે છોડ પર છાંટો.
- બજારમાં મળતા લીમડાના સાબુના પાણીનો પણ સ્પ્રે કરી શકાય છે.
- લીમડાની કડવાશ તો લાગે જ છે, ઉપરાંત છોડને નવડાવાથી જંતુઓને ભીનામાં ઈંડાં મૂકવાં નથી ગમતાં, એટલે ધીરે-ધીરે તેઓ ત્યાંથી જતાં રહે છે.

કરંજ: કરંજના પાનને વાટીને પાણીમાં 24 કલાક પલાળીને ગાળી લો. ત્યારબાદ 5 લીટર પાણીમાં મિક્સ કર્યા બાદ તેમાં 5 મીલી લિક્વિડ સાબુ મિક્સ કર્યા બાદ તેને સ્પ્રે કરવો.
- આ સિવાય કરંજના પણ સાબુ મળે છે, તો તેના પાણીનો પણ સ્પ્રે કરી શકાય છે.
નગોળ: નગોળના પાનને પણ ઉપર જણાવેલ રીતે જ પાણીમાં પલાળી તેનો સ્પ્રે કરી શકાય છે.
કુવારપાઠું: કુવારપાઠું પણ બહુ સારી રીતે પેસ્ટ કંટ્રોલનું કામ કરે છે. જેમાં કુંવારપાઠાની જેલ સાથે, લીમડાનાં પાન, આકડાનાં પાન, નગોળનાં પાન મિક્સ કરી તેને પીસી પાણીમાં પલાળી રાખ્યા બાદ બીજા દિવસે અડધો કલાક ઉકાળ્યા બાદ ગાળી લો અને અંદર સાદુ પાણી અને લિક્વિડ સાબુ મિક્સ કરી તેને છોડ પર સ્પ્રે કરી શકાય છે.
- કુવારપાઠાનાં પાન પણ ખૂબજ ઉપયોગી અને અસરકારક છે.
હળદર: આ ઉપરાંત હળદર ફંગલ ઈન્ફેક્શન દૂર કરે છે. એટલે આખી રાત હળદરને પાણીમાં પલાળી રાખ્યા બાદ બીજા દિવસ તેમાં થોડું ગૌમૂત્ર મિક્સ કરી છોડ પર છાંટી શકાય છે. આ જ રીતે તજ પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે.
લીંબુ: આ ઉપરાંત અડધા લીંબુનો રસ એક લીટર પાણીમાં મિક્સ કરી તેને છાંટવાથી પણ ઘણી જીવાતથી છૂટકારો મળે છે.
ખાટી છાસ: છોડમાં ફૂલ આવતાં હોય, પરંતુ ફળ ન બેસતાં હોય તો છાસમાં તાંબાનો વાયર મૂકી 15-20 દિવસ સુધી ઢાંકીને મૂકી દો. ત્યારબાદ તેના છંટકાવથી છોડને તો પોષણ મળે જ છે, સાથે-સાથે છોડ પર જીવાત પણ નથી બેસતી. તાંબાનો વાયર ન હોય તો ખાટી છાસને સીધી પણ છાંટી શકાય છે. છાસ 10-15 દિવસ ખાટી રાખવી જોઈએ.
બાયો એન્ઝાઈમ્સ: આ ઉપરાંત ઘરે કેળાની છાત, લીંબુ, સંતરાં વગેરેની છાલમાંથી બાયો એન્ઝાઈમ્સ બનાવી તેનો છંટકાવ કરવાથી જીવાતથી તો છૂટકારો તો મળે જ છે, સાથે-સાથે તે છોડ માટે ખાતરનું પણ કામ કરે છે.

તુલસી: ઘરે તુલસીનો છોડ હોય તો તેનાં પાનને પણ વાટીને પાણીમાં પલાળી રાખ્યા બાદ તેના પાણીનો છંટકાવ કરવાથી ઘણો સારો ફાયદો મળે છે.
ચૂનો: ઘણીવાર ટામેટાં, મરચાં, દ્દૂધી વગેરેમાં કેલ્શિયમની ઊણપ ઊભી થાય છે, તો પાણીમાં એક ગ્રામ ચૂનો મિક્સ કરી માટીમાં પાવાથી કેલ્શિયમની ઊણપ તો દૂર થાય જ છે, સાથે-સાથે જીવ-જંતુઓ પણ દૂર રહે છે.
અરીઠા: 5-10 અરીઠાને આખી રાત પલાળ્યા બાદ સવારે ઉકાળી પાણીમાં મિક્સ કર્યા બાદ છંટકાવ કરવાથી ઘણો ફાયદો મળે છે.
તમાકુ: આ ઉપરાંત તમાકુવાળા પાણીનો પણ સ્પ્રે કરી શકાય છે. પરંતુ રીંગણ અને ટામેટાંના છોડને તમાકુ નથી ગમતું એટલે આ છોડ પર તમાકુના પાણીનો સ્પ્રે ન કરવો જોઈએ.
પપૈયાનાં પાન: પપૈયાનાં પાન પણ ખૂબજ અસરકારક છે. પપૈયાનાં પાનને પણ આખી રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ તેનો ઉપયોગ કરી શકાય છે.
આકડાં-ધતૂરાનાં પાન: આકડા-ધતૂરાનાં પાનનો પણ ઉપર જણાવેલ રીત અનુસાર જ છંટકાવ કરી શકાય છે.
ચૂલાની કે હવનની રાખ: રાખ છોડ માટે ખૂબજ ફાયદાકારક છે. રાખમાં સારા પ્રમાણમાં પોટેશિયમ હોય છે, એટલે રાખને આખી રાત પાણીમાં પલાળી રાખી તેને પાવાથી માટીમાં પોટેશિયમ પણ ભળે છે.

આદુ-લસણ-મરચાનું પાણી: આદુ, લસણ અને મરચાની પેસ્ટને પાણીમાં પલાળી રાખ્યા બાદ તેમાં ગૌમૂત્ર અને સાદુ પાણી મિક્સ કરી છોડ પર છંટકાવ કરવાથી ઘણો ફાયદો મળે છે.
ડુંગળી-લસણનાં છોતરાં: ડુંગળી અને લસણનાં છોતરાંને 24 કલાક પાણીમાં પલાળી રાખ્યા બાદ તેનો છંટકાવ કરવાથી ઘણો સારો ફાયદો મળે છે.
અહીં જણાવેલ બધા જ પ્રયોગ છોડને તો નુકસાન નથી જ કરતી, સાથે-સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક નથી નીવડતાં. આ ઉપરાંત આ બધા સ્પ્રેના છંટકાવથી જીવાત મરતી નથી, પરંતુ ત્યાંથી દૂર જાય છે, એટલે જીવ હત્યા પણ નથી થતી.
નોંધ: એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, આમાંના કોઈપણ એકજ સ્પ્રેનો વારંવાર ઉપયોગ ન કરવો, નહીંતર જીવાત કે ઈયળને ધીરે-ધીરે તેની આદત પડી જાય છે. એટલે વારાફરથી અલગ-અલગ જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ કરવો જોઈએ.
- એકવાર આમાંના કોઈપણ કુદરતી સ્પ્રેને બનાવ્યા બાદ તેને ફ્રિજમાં 10-15 દિવસ સુધી સાચવી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે.
આ પણ વાંચો: #ગાર્ડનગિરીઃ એક્સપર્ટ પાસેથી જાણો, ગાર્ડનિંગ, ખાતર, બીજ અને છોડમાં જીવાતથી બચાવની જાણકારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.