‘કેન્સર’ એક એવી બીમારીનું નામ છે, ભલભલાનો પરસેવો વળી જાય. તેમાં પણ એવી ઉંમરે થાય કે, હજી સપનાંની શરૂઆત જ થઈ હોય, તો માણસ હિંમત હારી જાય. આજે અમે તમને આવી જ એક મહિલાની વાત કરી રહ્યા છીએ, પરંતુ આ ગુજરાતી નારી હિંમત તો ન જ હારી, પરંતુ આજે સૌના માટે પ્રેરણા બની છે.
અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદના ઘાટલોડિયાનાં દિપ્તીબેન શાહની. 1987 માં દિપ્તીબેન હજી કૉલેજમાં હતાં, સોનેરી દુનિયામાં ડગ માંડી જ રહ્યાં હતાં, ત્યાં અચાનક પેટમાં દુખાવો શરૂ થયો. ઘણા અલગ-અલગ ડૉક્ટરોને બતાવ્યું, પરંતુ અંતે ઑપરેશન કરી ગાંઠ કાઢવામાં આવી. તેની બાયોપ્સી કરતાં ખબર પડી કે, એ કેન્સરની ગાંઠ હતી. ત્યારબાદ કીમો થેરેપી પણ આપવામાં આવી. આ દરમિયાન બધા વાળ પણ જતા રહ્યા, શરીર પણ એકદમ સૂકાઈ ગયું, પરંતુ દિપ્તીબેન હિંમત નહોંતાં હાર્યાં.
લગભગ 3 વર્ષની સારવાર અને નિયમિત ચેક-અપ બાદ તેઓ સાજાં થઈ ગયાં અને તેમનાં લગ્ન થયાં. પતિ-પત્નીએ બંનેએ ભેગા થઈને કૂરિયરનો બહુ મોટો બિઝનેસ ઊભો કર્યો, પરંતુ સંઘર્ષ હજી પૂરો નહોંતો થયો. દિપ્તીબેનના પતિ રાજેશભાઈએ બે વાર કેન્સર થયું અને ત્રણ વાર મોટો અકસ્માત પણ થયો, પરંતુ દરેક વખતે દિપ્તીબેનની હિંમત અને સકારાત્મક વિચારસરણીના કારણે રમેશભાઈ ઊભા થઈ ગયા. પરંતુ કોરોના કાળમાં પાછી નવી સમસ્યા ઊભી થઈ.

કોરોના કાળમાં સંપૂર્ણ લૉકડાઉન લાગતાં તેમનો કૂરિયરનો વ્યવસાય પણ લગભગ બંધ થઈ ગયો. એક સમયે ધમ-ધમતો કૂરિયરનો વ્યવસાય આજે 10-15% જ બન્યો છે. દિપ્તીબેનને પહેલાંથી પરિવાર માટે ખાખરા બનાવવાનો બહુ શોખ અને તેઓ ખાખરા બનાવે પણ બહુ સરસ, એટલે રાજેશભાઈએ દિપ્તીબેનને ઘરે ખાખરા બનાવીને તેનો જ વ્યવસાય કરવાનું સૂચન કર્યું અને દિપ્તીબેનને પણ બહુ ગમ્યું.
શરૂ થઈ ખાખરા બિઝનેસની શરૂઆત
તેમના ખાખરા વિશે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં દિપ્તીબેને કહ્યું, “અત્યારે હું કુલ 11 પ્રકારના ખાખરા બનાવું છું. ગ્રાહકની માંગ પ્રમાણે, તેમના સ્વાદ પ્રમાણે ઘરની ઘરઘંટીમાં જ લોટ દળીને ખાખરા બનાવી આપું છું. જેમાં હું ઘઉં, બાજરી, જુવાર, મગ, મઠ, રાગી, જીરા, સાદા, જવ, મેથી સહિત અલગ-અલગ ખાખરા બનાવું છું.”
તાજેતરના એક અનુભવ અંગે વાત કરતાં દિપ્તીબેને કહ્યું, “હમણાં એક ગ્રાહકને અલ્સરના કારણે ડૉક્ટરે ઘઉં, તેલ, મસાલા બધુ બંધ કરાવ્યું હતું તો તેમના માટે મેં જવના ખાખરા બનાવ્યા અને મોયણમાં ઘી વાપર્યું, ઉપરાંત મીઠાની જગ્યાએ સિંધવ મીઠાનો ઉપયોગ કર્યો. તો એ ગ્રાહકની પણ બહુ સમયથી ખાખરા ખાવાની ઈચ્છા પૂરી થઈ, એટલે તે બહુ ખુશ થઈ ગયા.”

માર્કેટિંગની શરૂઆત કેવી રીતે કરી?
શરૂઆતમાં દિપ્તીબેન ફેસબુક પર ગૃપ્સમાં તેમના ખાખરાની જાહેરાત આપતા અને વૉટ્સએપ મેસેજ કરતાં. ધીરે-ધીરે ત્યાંથી જ તેમને શરૂઆતના ગ્રાહકો મળ્યા અને જેમણે પણ એકવાર દિપ્તીબેનના ખાખરા ખાધા તેઓ બીજી વાર તેમની પાસે જ આવવા લાગ્યા. આમ તેમના રોજિંદા ગ્રાહકો બંધાવા લાગ્યા અને આ જ લોકો તેમના સંબંધીઓને પણ દિપ્તીબેનના ખાખરા વિશે જણાવવા લાગ્યા એટલે તેમને નિયમિત ઓર્ડર્સ મળવા લાગ્યા. અત્યારે દિપ્તીબેન એકલા હાથે રોજના બેથી અઢી કિલો ખાખરા બનાવી લે છે.

ખાખરાની સાથે-સાથે શરૂ કર્યા અન્ય નાસ્તા પણ
ખાખરાની સાથે-સાથે દિપ્તીબેને હવે પૂરી અને શક્કરપારા બનાવવાની પણ શરૂઆત કરી છે અને લોકોના આ માટે પણ બહુ સારા પ્રતિભાવ મળી રહે છે.
ઓર્ડર અમદાવાદનો જ હોય તો, દિપ્તીબેન કે તેમના પતિ જાતે જ આપવા જાય છે, જેથી ગ્રાહકોના પ્રતિભાવ પણ મળી રહે. તો અમદાવાદ બહારના ઓર્ડર મળે ત્યારે તેમને વ્યવસ્થિત પેક કરી દિપ્તીબેન કૂરિયર દ્વારા મોકલી આપે છે.
અલગ-અલગ સમસ્યાઓના નામે હજારો લોકો રોદણા રોતા હોય છે ત્યાં, દિપ્તીબેન અત્યારે તેમનો ખર્ચ બાદ કર્યા બાદ પણ ઘરે બેઠાં મહિનાના 7-8 હજાર કમાઈ લે છે અને ભવિષ્યમાં જેટલા વધારે ઓર્ડર મળશે એટલા ગ્રાહકોની પસંદ અનુસાર પૂરા પાડવા પણ તૈયાર છે. ખરેખર સલામ છે આ મહિલાની હિંમતને.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે દિપ્તીબેનના ખાખરા ખરીદવા ઈચ્છતા હોવ તો તેમને 92284 15785 પર કૉલ કે વૉટ્સએપ કરી શકો છો.
આ પણ વાંચો: દૈનિક ક્રિયાઓ માટે પણ પરિવાર પર નિર્ભર મહુવાના દિવ્યેશભાઈ પતરાળી બનાવી આર્થિક રીતે બન્યા આત્મનિર્ભર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.