સારા સ્વાસ્થ્યનું મહત્વ શું છે, તે આપણે બધાને ગયા વર્ષે કોરોના રોગચાળાએ શીખવાડ્યુ છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે બધા પોતપોતાની રીતે પ્રયાસ કરીએ છીએ. ઓર્ગેનિક ફળો અને શાકભાજી ખાવાથી લઈને લોકો દરરોજ અનેક રીતે ઔષધિઓનું સેવન કરવા લાગ્યા છે. આવું જ એક રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે- ચ્યવનપ્રાશ (chawanprash),જે આપણા દેશમાં વર્ષોથી ખાવામાં આવે છે. વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ અને આંબળામાંથી બનાવેલું ચ્યવનપ્રાશ (chawanprash)મોટાભાગના લોકો શિયાળામાં ખાય છે.
આજે અમે તમને રાજસ્થાનની એક મહિલા આંત્રપ્રિન્યોર અંકિતા કુમાવતનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે માત્ર ઓર્ગેનિક ખેતી જ નથી કરતી પરંતુ આમળામાંથી બનાવેલ ચ્યવનપ્રાશ (chawanprash)પણ વેચે છે.
અજમેરમાં ઓર્ગેનિક ફાર્મિંગ અને ડેરી બિઝનેસ સાથે સંકળાયેલી અંકિતા કુમાવતે IIM કોલકાતામાં અભ્યાસ કર્યો છે. 2009માં એમબીએની ડિગ્રી મેળવ્યા પછી, તેણીએ થોડા વર્ષો કામ કર્યું અને પછી 2014માં ઓર્ગેનિક ફાર્મિંગમાં જોડાઈ ગઈ.
અંકિતા છેલ્લા ત્રણ વર્ષથી હોમમેઇડ ચ્યવનપ્રાશ(chawanprash)નો બિઝનેસ કરે છે. હાલમાં, તે સુગર ફ્રી ચ્યવનપ્રાશ સહિત બે પ્રકારના ચ્યવનપ્રાશ બનાવે છે અને વેચે છે. તે સુગર ફ્રી ચ્યવનપ્રાશમાં મીઠાશ માટે ખજૂરનો ઉપયોગ કરે છે.
આ વર્ષે 100 કિલોથી વધુ ચ્યવનપ્રાશ (chawanprash) વેચી ચૂકી છે
અંકિતાએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “ગયા વર્ષે મેં મારા ફાર્મમાં લગભગ 9200 કિલો ચ્યવનપ્રાશ (chawanprash)બનાવ્યું હતું અને વેચ્યું હતું. તો, આ વર્ષે શિયાળાની શરૂઆતમાં, મેં 100 કિલોથી વધુ ચ્યવનપ્રાશનું વેચાણ કર્યું છે.”

અંકિતાએ જણાવ્યું કે, તેણે પોતાના ખેતરોમાં ઉગતા આંબળાનો યોગ્ય ઉપયોગ કરવા માટે આ પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું. તેણી કહે છે, “અમારા ખેતરમાં 10 આંબળાનાં ઝાડ છે, જે શિયાળામાં 300 થી 400 કિલો આંબળા સરળતાથી આપે છે. અગાઉ અમે તેનો યોગ્ય ઉપયોગ કરી શકતા ન હતા. અમે અમારા ઢોર માટે અમુક આંબળામાંથી આયુર્વેદિક દવા બનાવતા અને અમુક આંબળા મિત્રો અને સંબંધીઓમાં વહેંચતા. પછી અમે આમળાનો મુખવાસ બનાવવાનું શરૂ કર્યું.”
જો કે મુખવાસના ધંધામાં તેમને ખાસ સફળતા મળી ન હતી. ત્યારે જ તેમને ખબર પડી કે ચ્યવનપ્રાશ (chawanprash)બનાવવાની મુખ્ય સામગ્રી આમળા છે. તેણે ઇન્ટરનેટ પર તેને કેવી રીતે બનાવવું તે શીખી લીધું. અંકિતાએ પહેલા ચ્યવનપ્રાશ (chawanprash)બનાવીને ઘરના લોકોને અને મિત્રોને આપ્યું. જે બાદ તેને ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું.
ચ્યવનપ્રાશ (chawanprash)ખેતરમાં બનાવે છે
અંકિતાએ જણાવ્યું કે તે આમળામાંથી પોતાના ખેતરમાં દેશી રીતે ચ્યવનપ્રાશ (chawanprash)બનાવે છે. તેને મિક્સ કરવા માટે તે નજીકના ખેડૂતો પાસેથી જડીબુટ્ટીઓ ખરીદે છે. આ કામમાં તેનો પતિ પણ તેને સાથ આપે છે. શતાવરી, બ્રાહ્મી, જટામાંસી, ગોખરૂ, બેલ, કચુર, નાગરમોથા, લવિંગ, જીવનંતી, પુનર્નવ, અંજીર, અશ્વગંધા, ગીલોય, તુલસીના પાન, સૂકું આદુ, સૂકી દ્રાક્ષ, મુલેઠી જેવી જડીબુટ્ટીઓ આમળા સાથે મિક્સ કરવામાં આવે છે.
તે કહે છે, “શરૂઆતમાં ચ્યવનપ્રાશ (chawanprash)બનાવવામાં ઘણી મુશ્કેલી પડતી હતી, કારણ કે તે સરળ કામ નથી. અગાઉ પણ અમે આમળામાંથી ગાય માટે મુખવાસ અને દવા બનાવતા હતા. તેથી અમે તેની પ્રક્રિયા વિશે જાણતા હતા. તો, અમે ઇન્ટરનેટ પરથી વાંચીને ચ્યવનપ્રાશ બનાવવાની ચોક્કસ રેસિપિ ફોલો કરવાનું શરૂ કર્યું. અમે અમારી વાનગીઓમાં કોઈપણ રીતે ફેરફાર કરતા નથી.”
અંકિતાએ જણાવ્યું કે તે 15 ટકા માર્જિન સાથે ચ્યવનપ્રાશ વેચે છે. તે એમેઝોન અને તેની પોતાની વેબસાઇટ પર તેને વેચી રહી છે. આ સિવાય કેટલાક લોકો ખેતરમાં આવીને પણ લઈ જાય છે. વાસ્તવમાં અંકિતા લાંબા સમયથી ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું વેચાણ કરી રહી છે, તેથી લોકોએ તેની નવી પ્રોડક્ટને હાથો હાથ ખરીદી લીધી છે. હાલમાં, તેમના ખેતરોમાં ઉગાડવામાં આવતા 80 ટકા આંબળાનો ઉપયોગ ચવનપ્રાશ (chawanprash)બનાવવા માટે થાય છે.

તે કહે છે, “અમે મોટા પાયે આમળાની ખેતી કરતા નથી. પરંતુ અમે શિયાળામાં ખેતરની બાજુના ઝાડનાં આમળાંથી જ ચ્યવનપ્રાશ (chawanprash) બનાવીએ છીએ. આ રીતે જો અન્ય ખેડૂતો પણ તેમના ખેતરમાં ઉગાડવામાં આવતા ફળો અને શાકભાજીમાં મૂલ્યવર્ધન કરે તો તે તેમની કમાણી વધારવામાં મદદરૂપ સાબિત થશે.”
અંકિતાનો ઓર્ગેનિક ખેતી પ્રત્યેનો લગાવ
અંકિતાને બાળપણથી જ ઓર્ગેનિક ફાર્મિંગનો પ્રેમ હતો. તે કહે છે, “હું ત્રણ વર્ષની હતી ત્યારે મને કમળો થયો હતો. તે દરમિયાન મારા પિતાએ એક ગાય ખરીદી હતી. ઘરના શુદ્ધ દૂધથી જ મારી તબિયત ઠીક થઈ ગઈ. આગળ જતા મને એ વાત ઉપર વિશ્વાસ થઈ ગયો કે, ફક્ત સજીવ રીતે ઉગાડવામાં આવેલી વસ્તુઓનો ઘરે ઉપયોગ કરવો જોઈએ.”
અંકિતાના પિતા ફૂલચંદ કુમાવત વ્યવસાયે એન્જિનિયર હતા, પરંતુ 2009માં નિવૃત્ત થયા બાદ તેમણે ડેરી અને ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કર્યું. બાદમાં અંકિતાએ પણ પિતાના કામમાં જોડાવા માટે 2014માં નોકરી છોડી દીધી હતી.
ઓર્ગેનિક ખેતી અને તેના ફાયદાઓએ જ અંકિતાને આ નિર્ણય લેવાની પ્રેરણા આપી. અંકિતાએ પાછળથી ખેતીમાં એક ડગલું આગળ વધીને ઓર્ગેનિક ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું. તેણીએ ખેતરમાં જામ, અથાણું, ઘી, તેલ અને મધ વેચવાનું શરૂ કર્યું.
આ સિવાય તે નમકીન પણ ઓર્ગેનિક રીતે બનાવે છે. તેમનું કહેવું છે કે ખેડૂતોએ તેમના પાકનું પ્રોસેસિંગ કરીને તેને બજારમાં વેચવું જોઈએ. તેમનો પુરો પ્રયાસ એ છે કે વધુને વધુ ઓર્ગેનિક વસ્તુઓ તૈયાર કરી લોકો સુધી પહોંચાડી શકાય. તેમનું બનાવેલું ચ્યવનપ્રાશ (chawanprash) એવો જ એક પ્રયાસ છે.
અંકિતા કુમાવતના અન્ય ઉત્પાદનો વિશે વધુ જાણવા માટે, તમે તેની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સંઘર્ષનો સામનો કરી દીકરીના ભવિષ્ય માટે, સુરતીઓને 90 જાતના પરાઠા ખવડાવી બની આત્મનિર્ભર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.