ઝાડ-છોડની નજીક રહેવું, તેમની સંભાળ રાખવી એ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ આપણા સારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુરતમાં રહેતા ડૉ.મોહિની ગઢિયા આ વાત સાથે સહમત છે અને તેમણે અનુભવ પણ કર્યો છે. 67 વર્ષીય ડૉ. મોહિની છેલ્લા ચાર વર્ષથી ઘરે દરેક ઋતુની 15 થી વધુ શાકભાજી ઉગાડે છે. તે ઓર્ગેનિક માધ્યમથી શાકભાજી ઉગાડવા માટે પોતાનું ખાતર અને જંતુનાશકો પણ જાતે જ બનાવે છે.
એક વર્ષ પહેલાં તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારબાદ તેમના બાગકામમાં એક મોટો બ્રેક પણ લાગ્યો હતો, પરંતુ તે છોડ પ્રત્યેનો તેમનો લગાવ જ હતો જેને કારણે આજે તેઓ બિલકુલ એક્ટિવ થઈને ગાર્ડનિંગ કરી રહ્યા છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેઓ કહે છે, “બાગકામ કરતી વખતે ઘણું શીખવા મળે છે. આ એક પ્રયોગ છે. બગીચામાં વૃક્ષો અને છોડ દરરોજ કંઈક નવું શીખવે છે. હું માનું છું કે વૃક્ષો અને છોડ આપણા માટે એક થેરિપીનું કામ કરે છે.”

આ પણ વાંચો: Stress Reliever Plants: ઘરમાં આ 10 છોડને લગાવો, ઘરનો માહોલ રહેશે ખુશનુમા
નિવૃત્તિ બાદ ‘બાગકામ’ને બનાવ્યુ કામ
Aquatic Biologyના પ્રોફેસર મોહિની, વર્ષ 1982થી સુરતમાં રહે છે. તેમના ફ્લેટમાં 600 ચોરસ ફૂટનું મોટું ટેરેસ છે, જ્યાં તે હંમેશા કેટલાક ડેકોરેટિવ પ્લાન્ટ્સ લગાવતા હતા. શરૂઆતમાં તેના પતિ વધુ ગાર્ડનિંગ કરતા હતા. સમયની અછત અને વ્યસ્ત દિનચર્યાને કારણે મોહિની બગીચામાં વધુ ધ્યાન આપી શકતા ન હતા. પરંતુ કોલેજના માધ્યમથી તેમને કૃષિ યુનિવર્સિટી અને ટેરેસ ગાર્ડનિંગ વર્કશોપ વિશે જાણ થઈ.
વર્ષ 2017માં તેમણે નિવૃત્તિ પહેલા જ ટેરેસ ગાર્ડનનો કોર્સ કર્યો હતો. જે પછી તેણે કેટલીક સરળ શાકભાજી સાથે શરૂઆત કરી હતી.
તે કહે છે, “અમારા ફ્લેટમાં એક સરસ મોટું ટેરેસ ગાર્ડન છે. આ ટેરેસ પૂર્વ દિશા તરફ છે, તેથી તેમાં સૂર્યપ્રકાશ પણ સારો મળે છે. અમે હંમેશા ડેકોરેટિવ પ્લાન્ટ્સ લગાવતા. વર્કશોપ પછી મેં વિચાર્યું કે શા માટે આ જગ્યાનો ઉપયોગ અમુક શાકભાજી ઉગાડવા માટે ન કરવામાં આવે. મેં પહેલી વાર રીંગણનો છોડ લગાવ્યો અને તેમાં સફળતા મળ્યા પછી મારો ઉત્સાહ વધ્યો.”હવે મોહિની દરેક સિઝનમાં 15થી વધુ શાકભાજી
ઉગાડે છે.
તેમણે જણાવ્યું કે કઠોળ અને રીંગણા એટલા ઉગે છે કે તે ઘણીવાર તેને તેના મિત્રોમાં વહેંચે છે. તાજેતરમાં, તેમણે શિયાળાની ઋતુ માટે મેથી, સોયા, સરસવ, પાલક, મૂળા, ધાણા, ટામેટા, હળદર વગેરે ઉગાડ્યા છે.

આ પણ વાંચો: Dracaena: ઓછા પ્રકાશ અને ઓછા દેખભાળમાં સરળતાથી ઉગી શકે છે આ સુંદર છોડ
તેમના બગીચામાં તમને ડ્રેગન ફ્રુટ, શેતૂર, સીતાફળ અને પ્લમ પણ જોવા મળશે. મોહિની કહે છે, “મેં કેળા પણ વાવ્યાં છે, પણ તેમાં હજુ ફળ આવ્યા નથી. હું ફળો કરતાં શાકભાજી વધુ ઉગાડું છું. મારો પ્રયાસ છે કે વધુ વેરાયટીને બદલે કોઈપણ એક વેરાયટીના વધુ છોડ ઉગાડું, જેથી ઘરમાં ઉગાડવામાં આવતી શાકભાજી ખાઈ શકાય. હાલમાં મારા બગીચામાં 600 થી વધુ છોડ છે.”
તેઓ ઘરે જ ખાતર અને જંતુનાશકો પણ બનાવે છે. તેઓ માને છે કે જો આપણે ઈચ્છીએ તો ખૂબ જ ઓછા બજેટમાં સારું ગાર્ડનિંગ કરી શકીએ છીએ. છોડ ઉગાડવા માટે તેમણે ઘરના તમામ કચરાના ડબ્બા, જૂના રમકડા વગેરેનો ઉપયોગ કર્યો છે. કોકોપીટને બદલે, તેણી સૂકા પાંદડાઓનો ઉપયોગ કરે છે.
મોહિની બહુ જ સુંદર રીતે મલ્ટી લેયર્સમાં ઘણી બધી શાકભાજી ઉગાડે છે. તેમણે કહ્યું, “ગરમીની ઋતુમાં વેલામાં દૂધી અને તુરિયા જેવી શાકભાજી ઉગે છે. તે સમયે હું તેની નીચે રીંગણ, ટામેટા અને મરચા ઉગાડું છું. બીજી તરફ, પાંદડાવાળા શાકભાજી નાના છોડના કુંડામાં આરામથી ઉગે છે. આ રીતે અમે ઓછી જગ્યામાં વધુ શાકભાજી ઉગાડી શકીએ છીએ.”

આ પણ વાંચો: Grow Pothos : ન તો માટી જોઈએ, ન તડકો, કોઈ પણ નખરા વગર આ છોડને ઉગાડવો છે સાવ સરળ
બ્રેઈન સ્ટ્રોક પછી બાગકામે થેરાપીનું કામ કર્યું
ગયા વર્ષે ઓક્ટોબરમાં મોહિનીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તે બરાબર ચાલી શકતી ન હતી, તે લાંબા સમય સુધી એક જગ્યાએ ઉભી પણ રહી શકતી ન હતી. તેનો લિવિંગ રૂમ ગાર્ડન સાથે જોડાયેલ હોવાથી, તે ઘણીવાર બગીચાને જોયા કરતી, પરંતુ તે કંઈ કરી શકતી ન હતી.
તે દિવસોને યાદ કરતાં તે કહે છે, “હું એક વર્ષથી મારી જાતે બાગકામ કરી શકતી ન હતી, તેથી મેં એક માળી રાખ્યો હતો. પરંતુ જ્યાં સુધી તમે તમારા પોતાના બગીચા અને છોડની સંભાળ નહીં રાખો ત્યાં સુધી તમને શાંતિ નહીં મળતી નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી, હું બગીચાના કામમાં પાછી ફરી છું. હવે હું ફરીથી કમ્પોસ્ટિંગ, કટિંગ કરવા જેવા કામ આરામથી કરું છું. આ સમય દરમિયાન મને સમજાયું કે છોડ ખરેખર ઉપચાર તરીકે કામ કરે છે.”
મોહિનીને તેના પરિવાર પાસેથી ફરીથી બાગકામમાં જોડાવા માટે પ્રેરણા મળી હતી. તેના પરિવારમાં તેના પતિ અને પુત્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે સુરતના કેટલાક ગાર્ડનિંગ ગ્રુપ સાથે પણ સંકળાયેલા છે. જ્યાંથી તેઓને સરળતાથી બાગકામની સમસ્યાનો ઉકેલ મળી જાય છે.

આ પણ વાંચો: ઉગાડે છે 100 પ્રકારનાં કમળ અને 65 જાતના લીલીનાં ફૂલો, કંદ વેચીને કમાય છે હજારો રૂપિયા
અંતે તેઓ કહે છે, “તમારા બગીચામાં સૂર્યપ્રકાશ ઓછો હોય કે વધુ હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. સૌથી મોટી વસ્તુ ઇચ્છાશક્તિ છે. જો તમે ઈચ્છો તો, તમે ગમે ત્યાં, કંઈપણ ઉગાડી શકો છો. આપણે આપણા ઘરમાં આરામથી અમુક શાકભાજી ઉગાડી શકીએ છીએ. એકવાર તમે તમારા પોતાના બગીચામાંથી તોડેલાં શાકભાજીનો સ્વાદ ચાખી લો, પછી તમે બહારની શાકભાજી ખાવાનું ભૂલી જશો. તે આપણા સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર કરે છે.”
આશા છે કે તમને ડૉ. મોહિનીની ગાર્ડનિંગની કહાનીમાંથી પ્રેરણા જરૂર મળી હશે.
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: માતાનું કેન્સરથી અવસાન થતાં સુરતના યુવાને ઘરમાં જ શરૂ કર્યાં ફળ-શાકભાજી વાવવાનાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો