Search Icon
Nav Arrow
Home Gardening
Home Gardening

પ્રકૃતિના પ્રેમે ફોટોગ્રાફરને બનાવ્યા ઑર્ગેનિક ગાર્ડનર, માતા-પુત્ર ઘરે વાવે છે ફળ-શાકભાજી

રાજકોટ પાસેના નાનકડા ગામ મોટા દૂધીવધરના ફોટોગ્રાફરે રસાયણ રહિત ફળ-શાકભાજી અને ઘરમાં હરિયાળી માટે મોટાં ફળ-શાકભાજીની સાથે-સાથે પક્ષીઓ માટે ઝાડ અને ફૂલછોડ વાવ્યા. રસોડામાં વપરાયેલ પાણી વપરાય છે ગાર્ડનમાં. જાતે બનાવેલ ખાતર જ વાપરે છે. પક્ષીઓ માટે તો બન્યું નંદનવન.

વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ખૂબજ વધી ગયો હતો, જેનાથી તેમની જમીનની ગુણવત્તા તો બગડી જ છે, સાથે-સાથે બધા જ ખાધ્ય પદાર્થોમાં પણ રસાયણોના કારણે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી છે. જેના કારણે હવે પોતાના સ્વાસ્થ્ય માટે ઘરના આંગણમાં કે ધાબામાં પોતાની જરૂરિયાત અનુસાર ફળ શાકભાજી વાવતા થયા છે અને તેમાં સંપૂર્ણ ઑર્ગેનિક ખાતરનો જ ઉપયોગ કરે છે. કોરોના કાળમાં તો લોકોનો હોમ ગાર્ડનિંગ અને કિચન ગાર્ડનિંગ માટેનો ક્રેઝ ખાસ્સો વધ્યો છે.

આજે અમે વાત કરી રહ્યા છીએ રાજકોટના નાનકડા ગામ મોટા દૂધીવધરના ધવલભાઈ દવેની, જેઓ વ્યવસાયે ફોટોગ્રાફર અને આલ્બમ ડિઝાઇનર છે. તેમના ઘરની આસપાસ ખુલ્લી જગ્યા છે, જેમાં તેમણે વર્ષોથી આંબો, કદમ, બીલી, લીંબુડી, જામફળી સહિતનાં ઝાડ અને દેશી ગુલાબ, ચીની ગુલાબ, જાસૂદ, રેન લીલી, ગલગોટો, મોગરો સહિતના ફૂલછોડ અને તુલસી,અજમો સહિતની ઔષધીઓ તો પહેલાંથી વાવેલાં જ છે, પરંતુ કોરોનાના લૉકડાઉન દરમિયાન તેમણે અહીં સિઝન પ્રમાણે શાકભાજી વાવવાનાં પણ શરૂ કર્યાં. જેમાં તેઓ ડુંગળી, કારેલાં, ટામેટાં, રીંગણ મરચાં સહિતનાં શાકભાજી વાવે છે અને તેને સંપૂર્ણ ઑર્ગેનિક રીતે જ ઉછેરે છે.

Organic Farming

છેલ્લા 15 વર્ષથી ગાર્ડનિંગ કરી રહેલ ધવલભાઈએ ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં કહ્યું, “પહેલાં તો હું વર્મી કંપોસ્ટ ખાતર ખરીદીને લાવતો હતો, પરંતુ કોરોના કાળમાં સમય મળતાં વિવિધ ગાર્ડનિંગ ગૃપ્સમાં જોડાયો અને ત્યાંથી જ ઝાડ-છોડનાં ખરેલાં પાનમાંથી ખાતર બનાવતાં શીખ્યો અને હવે હું મારા ગાર્ડન માટે આ ખાતરનો ઉપયોગ કરું છું. આ ઉપરાંત કેળાં, સંતરાં વગેરે ફળોની છાલને સૂકવીને તેનો પાવડર બનાવી તેનો ઉપયોગ પણ હું ફૂલછોડ માટે ખાતર તરીકે કરું છું. જેનાથી મારા બધા જ ઝાડ-છોડનો વિકાસ બહુ સારો થાય છે. અત્યારે અમારા ઘરની જરૂરિયાતનાં લગભગ અડધાથી વધુ ફળ-શાકભાજી અમને ઘરેથી જ મળી રહે છે.”

Grow Your Own Food

ધવલભાઈના ઘરમાં પાંચ સભ્યો છે, જેમાં તેમના નાના ભાઈ થેલેસેમિયા પિડિત છે. તેમને પણ આ પ્રકારનાં રસાયણ રહિત શાકભાજી-ફળોથી ઘણો ફાયદો મળ્યો છે.

ધવલભાઈ તો મોટાભાગનો સમય તેમના કામમાં વ્યસ્ત હોય છે ત્યાં તેમનાં 58 વર્ષિય માતા શારદાબેન આ બધા જ છોડ-ઝાડની સંભાળ રાખે છે. બધાને પાણી આપવાથી લઈને ખાતર પણ તેઓ આપે છે.

Natural Home For Birds

પાણીના બચાવ માટે અદભુત ઉપાય
તેમના ઘરમાં કિચન સિન્કની પાઈપનું સીધુ જોડાણ બગીચા સાથે કરવામાં આવ્યું છે. જેથી કિચનમાં વપરાતું પાણી સીધું ગાર્ડનમાં જાય છે અને તે ગટરમાં બગડવાની જગ્યાએ ઝાડ-છોડને પાણી મળી રહે છે. આ ઉપરાંત શાકભાજી-ફળ ધોયેલ પાણી છોડ-ઝાડ માટે સૂપ સમાન ગણાય છે. જેનાથી તેમનો વિકાસ સારો થાય છે.

વરસાદના પાણીની પણ બચત
ચોમાસા દરમિયાન વરસેલા પાણીને પણ તેઓ એક ટાંકીમાં સ્ટોર કરીને રાખે છે. જેથી તેનો ઉપયોગ રસોઈ અને ભોજન માટે કરી શકાય છે અને તેમને આરઓનો ઉપયોગ કરવાની જરૂર નથી પડતી.

Grow Your Own Food

જીવાત કે ઈયળ પડે તો તેનો પણ જૈવિક ઉપાય
ઝાડ-છોડમાં ઈયળ કે જીવાત પડે તો તેઓ તેને દૂર કરવા તેઓ કોઈપણ જાતની જંતુનાશક દવાનો ઉપયોગ નથી કરતા. આ માટે તેઓ લીમડાના તેલ અને શેમ્પૂનો જ ઉપયોગ કરે છે.

Natural Home For Birds

માતાને પ્રકૃતિ સાથે બહુ પ્રેમ
ધવલભાઈનાં માતા શારદાબેન પહેલાં આંગણવાડીમાં નોકરી કરતાં હતાં. તેમણે આંગણવાડીની ખાલી જગ્યામાં પણ નાનકડો કિચન ગાર્ડન બનાવી રાખ્યો હતો. ત્યાં તેમણે ફૂલછોડની સાથે-સાથે સરગવો, અળવી, અજમો સહિત ઘણુ વાવી રાખ્યું હતું. જેના પાનની મદદથી આંગણવાડીમાં આવતાં બાળકો માટે થેપલાં, મૂઠિયાં સહિત પૌષ્ટિક નાસ્તો બનાવતાં.

Home Gardening

ઝાડ-છોડના કારણે વાતાવરણ બન્યું અદભુત
ઝાડ-છોડના કારણે તેમના ઘરની આસપાસ આખી ઈકો સિસ્ટમનું સર્જન થયું છે. અલગ-અલગ પ્રકારનાં પક્ષીઓ અહીં આવતાં થયાં છે. જેનાથી બાળકો પણ આકર્ષાય છે. આ ઉપરાંત આસપાસ હરિયાળીના કારણે વાતાવરણ પણ ઠંડુ બન્યું છે. ઉનાળાની ગરમીમાં પણ બહારના વાતાવરણની સરખામણીમાં ઘરની અંદરનું વાતાવરણ ઘણું ઠંડુ રહે છે.

આ પણ વાંચો: પિતાની યાદમાં પેટલાદના યુવાને બનાવ્યું રજની ઉપવન, પક્ષીઓ માટે બન્યું રેનબસેરા, પરિવાર માટે પિકનિક પ્લેસ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon