હુનર, પ્રતિભા, ખેલ અને ખેલાડી, આ એવા શબ્દો છે, જેમાંથી જન્મે છે પ્રેરણા અને પછી એ પ્રેરણામાંથી જન્મે છે હુનરબાજ અને ખેલાડીઓ. સંઘર્ષો પર સવાર થઈને જ્યારે સફળતા મેળવવામાં આવે છે, ત્યારે જ લખાય ઈતિહાસ. આવો જ એક ઈતિહાસ છે પંજાબના એક શહેર જાલંધરનો, જેણે અત્યાર સુધી દેશના સૌથી વધારે ઓલિમ્પિક ખેલાડીઓ આપ્યા છે. અહીંનાં બે ગામ, સંસારપુર અને મિઠ્ઠાપુરની માટીમાં દેશના ઘણા મોટા હૉકી ખેલાડી (Indian hockey Players) જન્મ્યા છે.
મિઠ્ઠાપુરની સુરજીત હૉકી એકેડમી ના આઠ ખેલાડીઓ આ વખતે ટોક્યો ઓલિમ્પિક 2021 માં રમ્યા છે. જેમાંથી ત્રણ ખેલાડીઓ તો મિઠ્ઠાપુરના જ છે. હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત અને હૉકી પ્લેયર મનદીપ સિંહ તેમજ વરૂણ પણ આ જ ગામના છે.
ભારતીય હૉકી ટીમમાં રમનાર મનપ્રીત સિંહ, મનદીપ સિંહ, હાર્દિક સિંહ, સિમરનજીત સિંહ, વરૂણ કુમાર, હરમનપ્રીત સિંહ, શામશેર સિંહ અને દિલપ્રીત સિંહ, આ બધા જ 8 ખેલાડીઓએ સુરજીક હૉકી એકેડમીમાં જ ટ્રેનિંગ લીધી છે. તો મહિલા હૉકીમાં સારું પ્રદર્ષન કરનાર ગુરજીત કૌર પણ આ જ એકેડમીની ખેલાડી છે.
હૉકીની નર્સરી છે આ ગામ

સંસારપુર ‘હૉકીની નર્સરી’ તરીકે જ ઓળખાય છે. આ ગામના જ 14 ઓલિમ્પિયન ખેલાડીઓદેશનું પ્રતિનિધિત્વ કરી ભારત માટે 27 મેડલ જીતી ચૂક્યા છે. સંસારપુર, દુનિયાનું એકમાત્ર એવું ગામ છે, જેણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં વધારે હૉકી પ્લેયર્સ આપ્યા છે. આ ગામમાંથી સૌથી પહેલાં કર્નલ ગુરમીત સિંહે વર્ષ 1932 ના લૉસ એન્જેલસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું. ત્યારબાદ તો આ ગામમાંથી સતત એક-એકથી ચડિયાતા ખેલાડીઓ મળતા જ રહ્યા છે. સૂબેદાર ઠાકુર સિંહ, સંસારપુરના એવા પહેલા ખેલાડી છે, જે વિદેશયાત્રાએ ગયા હતા.
અંગ્રેજ સૈનિકો પાસેથી મળી હતી હૉકી રમવાની પ્રેરણા
કંટોનમેન્ટ રીઝન સાથે સંકળાયેલ સંસારપુરના લોકોને, હૉકી રમવાની પ્રેરણા, અંગ્રેજ સૈનિકો પાસેથી મળી. ત્યારબાદ, આ જ ગામમાં રહેતા, અજીત પાલ સિંહે ભારતીય હૉકી ટીમને નવી ઊંચાઈએ પહોંચાડી. અજીત પાલ સિંહની કેપ્ટનશિપમાં જ ભારત 1975 માં પહેલીવાર હૉકી વર્લ્ડકપ જીત્યું હતું. એ ટીમના બીજા એક સભ્ય વરિંદર સિંહ પણ આ જ ગામમાં જન્મ્યા હતા.
સંસારપુરના ઘણા ખેલાડીઓ બીજા દેશો તરફથી પણ રમી ચૂક્યા છે. ઓલિમ્પિક કર્નલ ગુરમીત સિંહ (ફર્સ્ટ સિખ ઈન ધ વર્લ્ડ ગોલ્ડ મેડલિસ્ટ), ઉધમ સિંહ, ગુરદેવ સિંહ, દર્શન સિંહ, કર્નલ બલબીર સિંહ, બલબીર સિંહ, જગજીત સિંહ, અજીત પૉલ સિંહ, ગુરજીત સિંહ કુલાર, તરસેમ સિંહ, હરદયાલ સિંહ, હરદેવ સિંહ, જગજીત સિંહ અને બિંદી કુલાર, એવા ખેલાડીઓ છે, જે કેનેડા તરફથી રમી ચૂક્યા છે.
આ ગામથી બીજા ગામને મળી પ્રેરણા
એક સમય હતો, જ્યારે જાલંધર કંટોનમેન્ટ એરિયા પાસેના સંસારપુર ગામે, ભારતીય હૉકીમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. આ નાનકડી વસ્તીએ દેશને લગભગ એક ડઝન ઓલિમ્પિક મેડલ વિજેતા આપ્યા છે. હૉકી કલ્ચરના કારણે આસપાસના ગામોમાં પણ બહુ ફાયદો થયો છે. આઝાદી પહેલાં, સંસારપુરને બ્રિટિશ સેના પાસેથી જે રમત મળી, તે ધીરે-ધીરે આસપાસના વિસ્તારમાં પણ રમાવા લાગી. સમયની સાથે-સાથે ગામલોકોને તેમાં રસ વધવા લાગ્યો અને ઘણા ગામોના ખેલાડીઓ, અલગ-અલગ ઈવેન્ટ્સમાં હૉકીમાં ભાગ લેવા લાગ્યા. મિઠ્ઠાપુર આવું જ એક ગામ હતું.
મિઠ્ઠાપુર, હૉકીને લઈને ત્યારે લાઈમલાઈટમાં આવ્યું, જ્યારે તે સમયના જબરદસ્ત હૉકી પ્લેયર પરગટ સિંહ, ઓલિમ્પિકમાં રમવા ગયા. તેમણે સતત બે વાર ઓલિમ્પિકમાં દેશનું નેતૃત્વ કર્યું. ત્યારબાદ 90 ના દાયકામાં, મિઠ્ઠાપુર એ ગામ બન્યું, જેને હૉકી, સંસારપુર તરફથી વારસામાં મળી. પરગટ સિંહ પહેલાં, સન 1952 માં ગામના સરૂપ સિંહ અને 1972 માં કુલવંત સિંહે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.
ટોક્યો ઓલિમ્પિકમાં રમી રહેલ મોટા ભાગના ખેલાડીઓમાં, આ રમત પ્રત્યે રસ ત્યારે વધ્યો, જ્યારે પરગટ સિંહ રમતના નિર્દેશક બન્યા. તેમણે ગામનાં બાળકોને એસ્ટ્રોટર્ફ પર રમવા સિવાય, પંજાબ રાજ્ય લીગમાં રમવાનો મોકો આપ્યો, આ લીગમાં 400 ટીમો હતી. આ લીગે રાજ્યમાં હૉકીને વ્યાપક સ્તરે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી.

જ્યારે રમત કરતાં વિદેશ જવાનું સપનું મોટું થઈ ગયું
ગામમાં એક સમય એવો પણ આવ્યો, જ્યારે સંસારપુરના લોકોમાં વિદેશ જવાની હોડ લાગી ગઈ. તે સમયે લોકો માટે વિદેશ જવાથી મોટું બીજું કોઈ સપનું નહોંતું. મિઠ્ઠાપુર સાથે પણ આવું જ કઈંક થયું. જાલંધરમાં લગભગ વિલીન થઈ ગયેલ આ ગામમાં, બસ કૉન્ક્રિટનાં જંગલો જ રહી ગયાં. મોટાં-મોટાં ઘરો અને હવેલીઓ વાળા ગામમાં ઈમારતો તો રહી, પરંતુ ગામ અડધાથી વધારે ખાલી થઈ ગયું. કારણકે, તેમના માલિક વિદેશોમાં જઈને વસી ગયા. આ મોટાં-મોટાં ખાલી ઘર, ઘણી પેઢીઓને વિદેશ જવા પ્રેરિત કરતાં રહ્યાં.
બદલાઈ રહી છે યુવાનોની વિચારસરણી
ગત કેટલાંક વર્ષોમાં, સંસારપુરના વારસાને મિઠ્ઠાપુરને બહુ સારી રીતે સંભાળ્યો છે. સાથે-સાથે સંસારપુરમાં પણ, હૉકી ફરીથી રમાવા લાગી છે. યુવાનોને ફરીથી હૉકીમાં રસ પડવા લાગ્યો છે. હવે અહીંના યુવાનો હૉકી રમવાની જગ્યાએ રાષ્ટ્રીય જર્સીનું સપનું જોવા લાગ્યા છે. કદાચ આ જ સપનાના કારણે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હૉકી ટીમનું જબરદસ્ત પ્રદર્શન અને 41 વર્ષ બાદ મળ્યો છે બ્રોન્ઝ મેડલ.
પંજાબના મુખ્ય હૉકી કોચ રાજિંદર સિંહ (દ્રોણાચાર્ય અવૉર્ડ) જૂનિયરે એક ઈન્ટરવ્યૂ માં કહ્યું, “મહિલા અને પુરૂષ હૉકીના જબરદસ્ત પ્રદર્ષનના કારણે જાલંધરમાં હૉકી ખેલાડીઓના મનમાં પણ પોતાના દેશ માટે કઈંક કરવાનો જુસ્સો વધ્યો છે. તેમના સીનિયર, ટોક્યોમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે અને આગામી સમયમાં, આ ખેલાડીઓ પણ ભારત માટે રમશે.”
ધ બેટર ઈન્ડિયાની શુભકામના છે કે, આ બધા જ ખેલાડીઓ વધારે સફળ બને અને નવી ઊંચાઈએ પહોંચે.
આ પણ વાંચો: પગ ગુમાવ્યો પણ હિમ્મત નહીં! આજે પણ દોડે છે મેરેથોન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.