Search Icon
Nav Arrow
Desi Soup
Desi Soup

સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ! શિયાળામાં આ દેશી સૂપ BP, એનીમિયા તેમજ ડાયાબિટીસને કરે છે કંટ્રોલ

ઠંડીના દિવસોમાં આપણે એવી રેસિપિ શોધતા જ હોઈએ છીએ, જેનાથી આપણા શરીરને ગરમી મળી શકે અને આપણે બીમારીઓથી બચી શકીએ. જેમાં બાજરીની આ રાબ તમારી સમસ્યાનું સમાધાન લાવી શકે છે.

બાજરી જે થોડા સમય પહેલા સુધી ગરીબોનો ખોરાક ગણાતી હતી. આજે ધીમે ધીમે ફરી તે ભોજનની થાળીમાં વિશેષ સ્થાન બનાવી રહી છે. તેના સ્વાસ્થ્ય લાભો (બાજરીના સ્વાસ્થ્ય લાભો)ને કારણે તેણે ભારતીય બજારોમાં મજબૂત પુનરાગમન કર્યું છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન લોકો ફરી એકવાર તેના તરફ જોઈ રહ્યા છે, ખાસ કરીને તેઓ જે ગ્લૂટન ફ્રી ઓપ્શનની શોધમાં રહે છે. શિયાળાની ઋતુમાં બાજરીની રાબ તેના અસંખ્ય ફાયદાઓને કારણે ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

ફાઈબર અને પોષક તત્વોથી ભરપૂર બાજરી એક એવો આહાર છે, જેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે, રોટલા, ઉત્તપમ, રબડી અને ભજીયા. ફક્ત ખાવામાં જ નહીં, પરંતુ તેમાંથી એક પીણું પણ બનાવવામાં આવે છે, જેને બાજરીની રાબ કહેવામાં આવે છે. બાજરીની રાબ શિયાળાની ઋતુમાં તેના અસંખ્ય ફાયદાઓને કારણે ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

શરીરને ગરમ રાખતો દેશી સૂપ
વાસ્તવમાં, શરીરને ગરમ રાખતા આ પીણાને આપણે દેશી સૂપ પણ કહી શકીએ. આ એક એવો ઘરગથ્થુ ઉપાય છે, તેને પીવાથી ગળામાં આરામ મળે છે. તેની તાસીર ગરમ છે અને તેના સેવનથી પ્રોટીન, આયર્ન અને ફાઇબર મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. તે શરીરમાં સુસ્તી આવવા દેતી નથી.

તેની આ ખાસિયતો તેને લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનાવી રહી છે. તે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને નવજાત શિશુઓને પાચન અને પોષણ માટે પણ આપવામાં આવે છે. રાબ બનાવવા માટે ઘી, ગોળ અને બાજરીના લોટનો ઉપયોગ થાય છે. ગોળ આપણને ઉર્જા આપે છે અને ઘીમાં હાજર ફેટી એસિડ્સ આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે સારું હોય છે.

બાજરીની રાબની રેસિપી શેર કરીએ તે પહેલાં તમને તેનાથી થતાં સ્વાસ્થ્ય લાભો ગણાવી દઈએ. જેથી તમે જાણી શકો કે, દાદી-નાની બાજરી ખાવાનું કારણ વગર જ કહેતા નથી.

બાજરીના આ ફાયદા છે
ઈન્સૉલ્યુબલ ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે, પેટ સાફ કરવામાં મદદ કરે છે અને અતિશય આહાર અટકાવે છે. તે અન્ય ખોરાક કરતાં ધીમી ગતિએ શરીરમાં ગ્લુકોઝ મુક્ત કરે છે અને પિત્ત એસિડના સ્ત્રાવને ઘટાડે છે.

તેમાં રહેલા મેગ્નેશિયમની માત્રા હૃદયને સ્વસ્થ રાખે છે. તે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓથી પણ બચાવે છે. પોટેશિયમ રક્તવાહિનીઓને ફેલાવવાનું કામ કરે છે, જેથી સ્વસ્થ રક્ત પ્રવાહ જળવાઈ રહે.

આયર્ન અને ફોસ્ફરસથી ભરપૂર અનાજ એવા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેઓ એનિમિયાથી પીડાતા હોય અથવા જેમનામાં લોહીની કમી હોય. આયર્ન એનર્જી લેવલ વધારે છે, જ્યારે ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવે છે.

બાજરીમાં હાજર ફાયટોકેમિકલ કોલેસ્ટ્રોલ, મેટાબોલિઝમ વધારવા માટે સારું છે અને તે કોલેસ્ટ્રોલ લેવલને સ્થિર રાખે છે.

એન્ટીઑકિસડન્ટો (ટેનિક, ફેનોલ અને ફાયટિક એસિડ) થી ભરપૂર બાજરી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને લીવર અને કિડનીને સ્વસ્થ રાખે છે.

બાજરીની રાબની રેસીપી
હવે તમે બાજરીમાં છુપાયેલા સ્વાસ્થ્યના રહસ્યો જાણી ગયા છો, તો ચાલો હવે રાબ બનાવવાની રીત શીખીએ:-

સામગ્રી:

2 ચમચી ઘી

સૂંઠ

1 મોટી ચમચી અજમો

1 મોટી ચમચી ગોળ

4 મોટી ચમચી બાજરીનો લોટ

સ્વાદ મુજબ મીઠું

કેવી રીતે બનાવવી:

એક પેનમાં ઘી ગરમ કરો.

અજમો ઉમેરો અને તડતડ થવા દો.

બાજરીનો લોટ ઉમેરો અને 2-3 મિનિટ માટે ફ્રાય કરો.

તેમાં ગોળ, સૂંઠ અને મીઠું ઉમેરી ધીમી આંચ પર પાંચ મિનિટ ચઢવો.

ગ્લાસમાં ગરમા-ગરમ સર્વ કરો.

100 ગ્રામ રાબમાં કેટલું પોષણ હોય છે:

ઊર્જા: 361 કેલરી

કાર્બોહાઇડ્રેટ્સ: 67 ગ્રામ

પ્રોટીન: 12 ગ્રામ

ચરબી: 5 ગ્રામ

ખનિજ: 2 ગ્રામ

ફાઇબર: 1 ગ્રામ

કેલ્શિયમ: 42 ગ્રામ

ફોસ્ફરસ: 296 ગ્રામ

આયર્ન: 8 મિલિગ્રામ

મૂળ લેખ: ગોપી કરેલિયા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ઘરે ઘી બનાવવું છે પરંતુ મહેનત બહુ લાગે છે?, તો ફોલો કરો આ 6 સરળ સ્ટેપ્સ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon