બે સમયનું ભોજન જ દરેક વ્યક્તિની પહેલી જરૂરિયાત છે અને તેના માટે જ તો બધાં રાત-દિવસ મહેનત કરે છે. દુનિયામાં એવા ઘણા લોકો છે, જેઓ પોતે ખાધા બાદ વધેલું ફેંકી દે છે, તો કેટલાક લોકો એવા પણ છે, જેઓ રાહ જોઇને બેઠા હોય છે કે, કોઇ ખાવાની વસ્તુ ફેંકે અને તેમને મળી જાય. કેટલાક લોકો સવારે ઊઠીને અલગ-અલગ પકવાન અંગે વિચારતા હોય છે તો કેટલાક લોકો એમ વિચારતા હોય છે કે, આજે તમને ખાવા મળશે કે નહીં! જો આવા કોઇ ભૂખ્યા વ્યક્તિને કોઇ સન્માન સાથે ભોજન કરાવે તિ તે જરૂરિયાતમંદ માટે દેવદૂત સમાન જ બની જાય છે. આવા જ એક દેવદૂત છે ગુરૂગ્રામના ગુપ્તા બંધુઓ.
ગુરૂગ્રામમાં તમને કોઇ કચરામાંથી ખાવાનું વીણી ખાતું જોવા નહીં મળે, તેની પાછળ ગુરૂગ્રામ સદર બઝારમાં કૉસ્મેટિક્સની દુકાન ચલાવતા પંકજ ગુપ્તા અને વિપિન ગુપ્તાના પ્રયત્નો આભારી છે.

5 રૂપિયામાં ફુલ થાળી સન્માન સાથે
જો કોઇ માત્ર 5 રૂપિયામાં રોટલી-શાક, દાળ-ભાત, મિઠાઇ અને ફળની આખી થાળી આપે તે પણ માન-સન્માન સાથે, તો ભાગ્યે જ કોઇ ભૂખ્યું જોવા મળે. આજના સમયમાં માત્ર 5 રૂપિયામાં મળતી આ થાળી કોઇપણ ખાઇ શકે છે. જરૂરિયાતમંદ લોકોને માત્ર 5 જ રૂપિયાની આ થાળી ગુપ્તા બંધુઓ દેવદૂત ફૂડ બેન્ક સંસ્થાના માધ્યમથી કરાવે છે. એક સમયનું ભોજન માત્ર રૂપિયા 5 માં અને તે પણ ન હોય તો કોઇ ના નહીં પડે. 5 રૂપિયા હોય તો આપવાના નહીંતર તેના વગર પણ પ્રેમથી ભોજન લઈ શકો છો. 5 રૂપિયા લેવાનું કારણ પણ એ જ છે કે, કોઇને એમ ન લાગે કે તેઓ ભીખ લઈ રહ્યા છે.
રોજ 100 લોકોને ભોજન આપવાની શરૂ કરનાર દેવદૂત ફૂડ બેન્ક દ્વારા અત્યારે રોજ 700-800 લોકોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. પરિવારના સહયોગ દ્વારા ગુપ્તા બંધુઓ છેલ્લા 1000 દિવસથી સતત આ સેવાકાર્ય કરી રહ્યા છે.

કચરામાંથી ખાવાનું ફંફોસતા લોકોને જોઇ થઈ જતા દુ:ખી
વ્યવસાયે વ્યાપારીની ગુરૂગ્રામ સદર બઝારમાં એક દુકાન છે. એક સામાન્ય વ્યાપારીની જેમ જ તેઓ તેમની દુકાન જતા ત્યારે કચરાના ઢગલામાંથી લોકોને સડેલાં ફળ અને ખાવાની વસ્તુઓ વીણીને ખાતા જોઇ દુ:ખી થઈ જતા. રોજ આવતાં-જતાં આ જ જોઇ તેમનું હ્રદય દ્રવી ઊઠ્યું અને તેમના મનમાં સતત આ જ વિચારો રહેવા લાગ્યા અને તેઓ ઉદાસ રહેવા લાગ્યા. પંકજજીના પરિવારજનોએ જ્યારે તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, કચરામાંથી વીણીને ખાતા લોકોને જોઇ તેમને બહુ દુ:ખ થાય છે અને તેઓ તેમની મદદ કરવા ઇચ્છે છે. પરિવારે પણ તેમનો સાથ આપ્યો અને સાથે-સાથે નિશ્ચય પણ કર્યો કે, તેઓ તેમની બચતમાંથી થોડો ભાગ આ લોકોની મદદ પાછળ વાપરશે. રોજ 100 લોકોને ભોજન કરાવવાના સંકલ્પ સાથે શરૂ થયેલ દેવદૂત ફૂડ બેન્ક સંસ્થાની સ્થાપના 14 એપ્રિલ 2018 ના રોજ થઈ હતી.
પંકજ ગુપ્તા અને વિપિન ગુપ્તાએ જ્યારે તેમના આ સંકલ્પ વિશે લોકોને જણાવ્યું તો લોકોએ તેમની મજાક ઉડાવી. કોઇએ કહ્યું કે ફંડ ક્યાંથી મળશે, તો કોઇએ બીજી સમસ્યાઓ બીજી સમસ્યાઓ ગણાવી અને આ ઝંઝટમાં ન પડવા કહ્યું. ગુપ્ત બંધુ દ્રઢ નિર્ણય કરી ચૂક્યા હતા, એટલે તેમણે પોતાના જ પૈસે કેટરિંગનો ઓર્ડર આપી ભોજન પૂરું પાડવાનું શરૂ કર્યું. બાળકોને નિશુલ્ક ભોજન આપવાનું શરૂ કર્યું.

પ્રેમ અને સન્માન સાથે 5 રૂપિયામાં આખુ ભાણુ
શરૂઆતમાં ભોજન કેટરર પાસે બનાવડામાં આવતું હતું પરંતુ તેમાં ગુણવત્તા અને સ્વચ્છતા અપૂરતી લાગતાં પંકજજીએ એક કમ્યુનિટી કિચન બનાવ્યું અને તેમાં તેમની નજર નીચે ભોજન બનાવવાનું શરૂ કર્યું. જેમાં સ્વાદ અને પૌષ્ટિકતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું. ધીરે-ધીરે તેમને લોકોનો સહકાર મળવા લાગ્યો. લોકો કરિયાણું અને પૈસા આપવાની સાથે-સાથે સ્વયંસેવક તરીકે સેવા આપવા પણ આગળ આવ્યા અને પંકજજી અને વિપિનજીએ 100 લોકોને ભોજન આપવાનો સંકલ્પ લીધો હતો જેમાં અત્યારે 600 કરતાં પણ વધારે લોકોને ભોજન પહોંચાડવામાં આવે છે. રોજ બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે દેવદૂત ફૂડ બેન્કની ટીમ નિશ્ચિત જગ્યાએ પહોંચી જાય છે અને લોકોને ભોજન કરાવે છે. લોકો ડોનેશન બોક્સમાં 5 રૂપિયા નાખી ભરપૂર ભોજનનો આનંદ લે છે. આસપાસની દુકાન પર કામ કરતા વર્કરની સાથે-સાથે જરૂરિયાતમંદ લોકો માત્ર 5 રૂપિયામાં પેટ ભરી જમે છે.
આજના સમયમાં જ્યાં 5 રૂપિયામાં ભોજન સપના બરાબર છે ત્યાં પંકજ ગુપ્તાજી અને વિપિન ગુપ્તાજીએ તેને હકીકત બનાવી. તેઓ ભોજનમાં રોજ અવનવી વાનગીઓ બનાવે છે. કોઇપણ વાનગી 15 દિવસ ન થાય ત્યાં સુધી ફરી નથી બનાવતા. લોકો પ્રેમ અને સન્માન સાથે મળતા આ ભોજનની રાહ જોતા હોય છે. સૌથી પહેલી થાળી એક કન્યાને આપ્યા બાદ બધાંને ગરમાગરમ ભોજન કરાવવામાં આવે છે.

લૉકડાઉનમાં દત્તક લીધા 800 પરિવારોને
કોરોનાના આ સંક્રમણકાળમાં લૉકડાઉન સમયમાં પંકજજીએ વહિવટી તંત્રની મંજૂરીથી 800 પરિવારોને દત્તક લીધા, જેમની પાસે કરિયાણા માટે પૈસા નહોંતા. દેવદૂત ફૂડ બેન્કે રોજ 800 પરિવારના 2500 લોકોને બે સમયનું ભોજન પહોંચાડ્યું. કોરોના સમયમાં લોકો બહાર નીકળતાં ડરતા હતા, ગુપ્તા બંધુઓનો પોતાનો વ્યવસાય પણ બંધ હતો ત્યાં, તેમણે પોતાની ચિંતા છોડી સેવા ચાલું રાખી. ભોજન માટે આવતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવ્યું અને જેમની પાસે માસ્ક ન હોય તેમને મફતમાં માસ્ક પણ આપવામાં આવ્યા. લાઇનમાં આવતા લોકોનું તાપમાન ચેક કરવામાં આવતું અને સતત માસ્ક અને સેનિટાઇઝરની સુવિધા પણ પૂરી પાડવામાં આવી.
દર મહિને લગભગ 2-3 લાખનો ખર્ચ આવે છે તેમના આ રસોડામાં, આ માટે દેવદૂત ફૂડ બેન્ક ચલાવતા પંકજ ગુપ્તાજીને ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ છે કે, તે બધી જ વ્યવસ્થા કરશે, આપણે તો બસ કર્મ કરવાનું છે. લોકો ગાડી, બંગલાનું સપનું જોતા હોય છે ત્યાં ગુપ્તા બંધુઓનું સપનું છે કે કોઇ ભૂખ્યું ન સૂવે. કોઇને ગંદકીમાંથી વીણીને ખાવું ન પડે. બંને ભાઇઓ ઇચ્છે છે કે, આખા દેશમાં આવી ફૂડ બેન્ક શરૂ કરી શકે, જ્યાં દરેક જરૂરિયાતમંદને સન્માન સાથે ભોજન મળી શકે. રોજ 6-7 કલાક ફૂડબેન્ક પાછળ આપતા પંકજજી તેમના વ્યવસાય પાછળ પૂરતો સમય આપી શકતા નથી, છતાં તેમને પહેલાં કરતાં વધુ સંતોષ અને ખુશી છે.

દેવદૂત ફૂડબેન્ક ચલાવતા પંકજજી અને વિપિનજી સાચા અર્થમાં દેવદૂત બની જરૂરિયાતમંદ લોકોના દુ:ખને સમજી સતત તેમની મદદ કરી રહ્યા છે. ધ બેટર ઈન્ડિયા સલામ કરે છે આવા ફરિશ્તાઓને અને તેમના પરિવાર અને ટીમને.
જો તમને પંકજ શર્માથી પ્રેરણા મળી હોય તો તમે પંકજ ગુપ્તાનો 9278885468 પર સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: અમિત કુમાર શર્મા
આ પણ વાંચો: ગરીબનાં બાળકો તહેવારોથી વંચિત ન રહી જાય એ માટે ખાસ કિટ પહોચાડે છે આ અમદાવાદી