“એકલતા એ ધીમા ઝેર જેવી હોય છે. મને લાગે છે કે, બધાંને સાથીની જરૂર હોય છે, ખાસ કરીને 50-60 વર્ષની ઉંમરના લોકોને. પોતાનું ધ્યાન રાખવા માટે, વાતો કરવા માટે આપણને કોઇની જરૂર હોય છે. મને લાગે છે કે, આ ઉંમરે જીવનસાથી સાથે હોય તો આયુષ્યમાં 5-10 વર્ષનો વધારો થઈ શકે છે. ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં લગ્ન કરવા ઇચ્છતા હોય છે. તેમને લગ્નનો હક પણ છે. પરંતુ સમાજનાં બંધનોના કારણે તેઓ લગ્ન નથી કરી શકતા. હું આવા લોકોને જીવનસાથી શોધવામાં મદદ કરું છું.”
‘વીના મૂલ્ય અમૂલ્ય સેવા’ એક અનોખો મેરેજ બ્યૂરો છે, જે વરિષ્ઠ નાગરિકો માટે કામ કરે છે. જેના દ્વારા મળેલાં દંપતિ આજે સુખી જીવન જીવી રહ્યા છે.

નટૂભાઇ યોજના મંત્રાલયના રિટાયર્ડ સુપરિટેન્ડેન્ટ છે. ભુજમાં વિનાશકારી ભૂકંપ સમયે તેમનિ નિયુક્તિ કચ્છમાં હતી. આ ભૂકંપમાં ઘણા લોકોએ પોતાનાઓને ખોયા અને તેમનાં જીવન અધૂરાં થઈ ગયાં. નટૂભાઇ જે ત્રણ માળની ઈમારતમાં રહેતા હતા એ પણ આખી પડી ગઈ. નટૂભાઇએ પણ આ દુર્ઘટનામાં તેમના ઘણા સાથીઓને ખોયા.
આ અંગે વધુમાં જણાવતાં નટૂભાઇએ કહ્યું, “એ દિવસે રજા હતી અને હું મારા ઘરે અમદાવાદ ગયો હતો. મેં જોયું કે, સાથી ખોયા બાદ લોકોનાં જીવન કેવી રીતે વેરાન-ખેરાન બની ગયાં હતાં. બસ ત્યારે મને આ લોકો માટે કઈંક કરવાનો વિચાર આવ્યો. 2002 થી હું આ ઉદ્દેશ્ય માટે કામ કરી રહ્યો છે.”

નટૂભાઇ 4 લોકોની ટીમ સાથે કામ કરે છે. દર મહિને બે મિટિંગ થાય છે. આ મિટિંગમાં લોકો એકબીજાને ઓળખે છે અને એકબીજા સાથે હળે-ભળે છે.
આમાંની એક મિટિંગ અમદાવાદમાં થાય છે, જ્યારે બીજી ગુજરાતની બહાર થાય છે. અત્યાર સુધીમાં ઈંદોર, ભોપાલ, રાયપુર, જયપુર, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાતા, કશ્મીર જેવી ઘણી જગ્યાઓએ પણ મિટિંગ કરી ચૂક્યા છે. તેઓ મિટિંગના 7-10 દિવસ પહેલાં અખબારોમાં જાહેરાત આપે છે.

આ આખા દિવસનો કાર્યક્રમ હોય છે. લોકો એકબીજા સાથે વાત કરે છે. આ બેઠકમાં લગ્ન કરવા ઇચ્છતા લોકોએ પોતાની સાથે તેમનો ફોટો, બાયોડેટા અને ઓળખપત્ર લઈને આવવાનું રહે છે.
આ સિવાય નટૂભાઇ પાસે વ્યક્તિગત રૂપે પણ ઘણા લોકો પોતાના પરિવારજનો માટે સાથી શોધવા આવે છે. નટૂભાઇ પાસે લગભગ 12,000 વરિષ્ઠ નાગરિકો, 10,000 અન્ય અને 1000 દિવ્યાંગ લોકોના બાયોડેટા છે.

VMAS માં સાથી શોધી રહેલ લોકોની નોંધણી થાય છે. તેમને ડિવોર્સના પેપર, સાથીના મૃત્યુનું પ્રમાણપત્ર આપવાનું રહે છે. નટૂભાઇ આ વરિષ્ઠ નાગરિકો સાથે મળીને તેમની સમસ્યાઓ સમજે છે. ત્યારબાદ બેસીને ડેટાબેઝમાંથી યોગ્ય સંબંધ શોધી લોકોનો સંપર્ક કરાવે છે.
અત્યારસુધીમાં નટૂભાઇ 165 દંપતિઓનાં લગ્ન કરાવી ચૂક્યા છે. તો 12 જોડાં લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે.
નટૂભાઇએ નવેમ્બર, 2011 માં પહેલા લિવ-ઇન રિલેશનશિપ સમ્મેલનનું આયોજન કર્યું હતું. તેમાં 300 પુરૂષો અને 70 મહિલાઓએ ભાગ લીધો હતો. તેઓ લોકોએ લગ્ન વગર સાથે રહેવા બાબતે પણ સાથ આપે છે.

નટૂભાઇને આમિર ખાનના શો સત્યમેવ જયતેમાં પણ બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદથી તેમને અને તેમના કામને પ્રસિદ્ધિ મળી.
આ મેરેજ બ્યૂરોની સેવાઓ સંપૂર્ણ નિ:શુલ્ક છે. તેમાં જાતિ, ધર્મ કે રાજ્યની કોઇ રેખાઓ નથી. દર વર્ષે 250 જોડાં VMAS ની મદદથી પિકનિક પર જાય છે. તેમનો સંપૂર્ણ ખર્ચ પણ VMAS જ ઉપાડે છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતાં નટૂભાઇએ કહ્યું, “12000 બયોડેટામાંથી માત્ર 1200 બાયોડેટા મહિલાઓના છે. 50 પાર કરી ચૂકનાર મહિલાઓ માટે સાથી શોધવું સમાજ માટે કલંક સમાન ગણાય છે. હું ઈચ્છું છું કે, વધુમાં વધુ મહિલાઓ સમાજની આ રૂઢીઓ તોડી નવા સાથી સાથે નવી ઈનિંગ શરૂ કરે. તેમને પ્રોત્સાહિત કરવા જ અમે બેઠકમાં આવનાર મહિલાઓની યાત્રાનો ખર્ચ ઉપાડીએ છીએ.”

52 વર્ષની તારા તેની માં અને દીકરા સાથે રહેતી હતી. પોતાની મા માટે સાથી શોધવાના ઉદ્દેશ્યથી તારાના મોટા દીકરાએ નટૂભાઇનો સંપર્ક કર્યો. 2012 માં તેમનાં લગ્ન 57 વર્ષના ધનકી જાધવ સાથે થયાં. તો અન્ય એક વ્યક્તિ પોતાના પોતાના સસરાના સંબંધ માટે નટૂભાઇ પાસે આવ્યા હતા.
VMAS નું કામ લોકો દ્વારા મળેલ દાનથી થાય છે. કેટલાક વ્યક્તિગત પ્રાયોજકો પણ VMAS ને આર્થિક મદદ કરે છે. નટૂભાઇના કામમાં તેમનો આખો પરિવાર સહયોગ કરે છે.
નટૂભાએ જણાવ્યું કે, શરૂઆતના દિવસોમાં એક મહિલા આવી હતી, જેને ત્રણ દીકરા અને એક દીકરીઓ હતી. પરંતુ, પતિના મૃત્યુ બાદ પાંચ બાળકોમાંથી કોઇ તેમની જવાબદારી લેવા તૈયાર નહોંતુ. તે પોતાની બહેન સાથે રહેતાં હતાં અને વૃદ્ધાશ્રમ જવાનાં હતાં. તેમની બહેન અમારી પાસે સંબંધ શોધવા આવી હતી.

લગ્ન બાદ તેમનો નવો પરિવાર બન્યો. લગ્ન બાદ બંને ખૂબજ સુખેથી રહ્યાં. જે માંને દિકરા કે દીકરીઓ કોઇ રાખવા તૈયાર નહોંતાં તેને બંગલામાં રહેવા મળ્યું. અને હમણાં થોડા સમય પહેલાં જ બંને સાથે જ ભગવાનના ઘરે પણ ગયાં. આ સમાજનું કડવું સત્ય છે કે, બાળકો પોતાનાં મા-બાપનું ધ્યાન રાખવા તૈયાર નથી. એટલે વૃદ્ધ લોકોનાં લગ્નને આમ શરમની નજરે ન જોવાં જોઇએ.
સમાજની વિચારસણી અને વડીલોનાં જીવન બદલવાની આ પહેલથી સમાજ ચોક્કસથી એક નવી દિશા તરફ આગળ વધશે.
નટૂભાઇનો સંપર્ક કરવા તમે natubhai.vmas@gmail.com પર મેલ કરી શકો છો.
આ પણ વાંચો: માત્ર અડધા વિઘા જમીનમાં ગુલાબ ઉગાડી ગુલકંદનો વ્યવસાય કરે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.