Search Icon
Nav Arrow
Jatin Rathod
Jatin Rathod

સાત ધોરણ પાસ જતિનની અનોખી ટેક્નીક, લાંબા પાક લણવા વધારી શકો છો ટ્રેક્ટરની ઊંચાઈ

સાત ધોરણ પાસ જતિનની કમાલની કોઠાસૂઝ, શેરડી જેવા ઊંચા પાક લણવા શોધી નાનું ટ્રેક્ટર ‘ઊંચું’ કરવાની ટેક્નીક

વધારે ઊંચા ટ્રેક્ટરની જરુર બે કે ત્રણ મહિના પૂરતી જ હોય છે, જે પછી ખેડૂત હાઈટ એટેચમેન્ટ હટાવીને ફરીથી તેને નાના ટ્રેક્ટરની જેમ ઉપયોગ કરી શકે છે.
કપાસ, તુવેર અને શેરડી જેવા પાક એક સમય પછી જ્યારે ખૂબ મોટા થઈ જાય છે પછી ખેતરમાં નિંદણ કાઢવું કે પછી દવાઓ છાંટવી ખૂબ જ મુશ્કેલીભર્યું લાગે છે. રિલે ક્રોપિંગ માટે જો તમે બે ક્યારી વચ્ચે ખાલી પડેલી જગ્યાઓનો ઉપયોગ કરો તો પણ તેને જ્યારે લણવું હોય ત્યારે મુશ્કેલી ઉભી થાય છે.

પહેલા તો ખેડૂત બળદની મદદથી આ કામ કરતા હતાં. પછી મોટાભાગે ખેતરમાં લોકો પોતાના મજૂરોની મદદથી આ કામ કરવા લાગ્યા હતાં. નિંદણ કાઢવા અને પાક લણવા અનેક યંત્ર બજારમાં ઉપલબ્ધ છે પરંતુ જે પાકની લંબાઈ વધારે હોય છે તેમાં આ યંત્રથી કામ કરવાનું મુશ્કેલીભર્યું બની જાય છે.

Jatin Rathor
Jatin Rathore, Botad, Gujarat

જોકે, ખેડૂત ટ્રેક્ટર પર બેસીને જ જો આ કામ કરે તો? હા સાંભળવામાં જરા વિચિત્ર લાગે છે પરંતુ પછી સવાલ એ આવે છે કે, ટ્રેક્ટરની નીચે શેરડી જેવો પાક દબાઈને ખરાબ ન થઈ જાય? બિલકુલ આ મુશ્કેલી તો છે પરંતુ તમે તેના માટે સામાન્ય ટ્રેક્ટરનો ઉપયોગ ન કરી શકો. પરંતુ સામાન્ય ટ્રેક્ટરને જરાક ઉપર ઉઠાવવામાં આવે તો? જી હાં, આ કારનામું કર્યું છે ગુજરાતના જતીન રાઠોડે. બોતાડ જિલ્લાના 49 વર્ષના જતિને એક એવી સિસ્ટમ વિકસાવી છે. જેના કારણે તમે નાના ટ્રેક્ટરની લંબાઈ વધારી શકો છો અને પછી તેને ઉભા પાક વચ્ચે પણ ચલાવી શકો છો.

જતિને ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, તેણે જે સિસ્ટમ વિકસાવી છે તે નાના ટ્રેક્ટર્સમાં પણ ઉપયોગમાં આવી શકે છે. જો તમારી પાસે કોઈપણ કંપનીનું નાનું ટ્રેક્ટર હોય તો તમે તેની લંબાઈ વધારી શકો છો. સૌથી સારી વાત એ છે કે જ્યારે તમારુ કામ પુરું થઈ જાય ત્યારે તમે એ સિસ્ટમ ફરી દૂર પણ કરી શકો છો અને ફરીથી નાના ટ્રેક્ટર તરીકે વાપરી શકો છો.
પોતાની સફર વિશે વાત કરતા જણાવ્યું કે,’મારા પિતાજી ત્રિચક્રી ટેમ્પો બનાવવાનું કામ કરતા હતાં. તેમની વર્કશોપ પણ હતી. જ્યારે હું સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો તો પિતાજીની તબીયત ખૂબ જ ખરાબ થવા લાગી હતી. આ કારણે મેં અભ્યાસ છોડીને તેમની વર્કશોપ પર કામ કરવાનું શરુ કર્યુ હતું. હું ધીરે ધીરે દરેક કામ સંભાળવા લાગ્યો હતો અને થોડા સમય પછી પિતાજીનું અવસાન થયું. દરેક જવાબદારીઓ મારા પર આવી ગઈ હતી.’

Gujarat-Innovator

જતિને પિતા દ્વારા શરુ કરેલું કામ આગળ ધપાવ્યું. તેમણે ટેમ્પોને સાઈડલાઈન કરી અને નાના ટ્રેક્ટર બનાવવાનું શરુ કર્યું. એવું કહેવાય છે કે, 1995માં તેમણે પહેલું ટ્રેક્ટર બનાવ્યુ હતું પરંતુ તે જ સમયે રાજકોટની એક ફર્મ ફિલ્ડ માર્શલે પણ એક નાનું ટ્રેક્ટર લૉન્ચ કર્યું જોતજોતામાં તેમનું ટ્રેક્ટર બજારમાં છવાઈ ગયું. નાનું ટ્રેક્ટર નાના ખેડૂતથી લઈને મોટા ખેડૂત દરેકને કામમાં લાગે એવું હતું. આ કારણે મહિન્દ્રા કંપનીએ પણ તેમાં રોકાણ કર્યુ અને ફિલ્ડ માર્શલ સાથે મળીને મહિન્દ્રા યુવરાજ લોન્ચ કર્યું હતું.

તેમણે આગળ જણાવ્યું કે, “મારી પાસે આટલા સાધનો નહોતા કે હું આવી મોટી કંપનીઓને ટક્કર આપી શકું. આ કારણે મેં ટ્રેક્ટર બનાવવાનું બંધ કર્યુ અને બાકીના કૃષિ યંત્ર વગેરે બનાવવા પર ભાર મૂકવા લાગ્યો.” જોકે, કશુંક અલગ અને નવું કરવાનું તેમનું જોશ હજુ પણ અકબંધ હતું. જતિન પોતાની વર્કશોપ પર આવતા ખેડૂતો સાથે વાત કરતો, તેમની મુશ્કેલી સમજતો અને આ દરમિયાન તેમને એવો વિચાર આવ્યો કે ખેડૂતો પાસે એવું પણ સાધન હોવું જોઈએ જેથી પાકની ઉંચાઈ વધ્યા પછી પણ ખેતરમાં ઉપયોગમાં લઈ શકાય.

તેમણે અનેકવાર પ્રયોગો કરીને એક એવી સિસ્ટમ બનાવી જેથી તમે નાના ટ્રેકટરની ઊંચાઈ વધારી શકો છો અને કામ ખતમ થયાં પછી નાના ટ્રેક્ટર તરીકે પણ ઉપયોગ કરી શકો છો.
તેમણે જણાવ્યું કે ખેડૂતોને નાના ટ્રેક્ટરની જરુરિયાત વાતાવરણ અનુસાર બે કે ત્રણ મહિના પૂરતી જ હોય છે. જે પછી ઉપજને લણવાનો સમય આવી જાય છે. આ કારણે માત્ર ઉંચુ ટ્રેક્ટર રાખવાનો કોઈ જ મતલબ નહોતો. આ વાતને ધ્યાનમાં રાખતાં મેં એક એવી સિસ્ટમ બનાવી જેથી ટ્રેક્ટરને ઉંચુ અને નાનું એમ બન્ને રીતે ઉપયોગ કરી શકાય.

તેમણે શરુઆતમાં માત્ર પોતાના વિસ્તારમાં જ ખેડૂતો માટે આ કામ કર્યું. પછી ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો તેમની પાસે આવવા લાગ્યાં અને તેમની આ સિસ્ટમ કામ કરી ગઈ. જતિનના ટ્રેક્ટરનો એક વિડીયો જોઈને જ તો બેંગલુરુની વીટીએસ મિત્સુબિશી કંપનીએ તેમનો સંપર્ક કર્યો અને તેમના માટે કામ કરવાનો આગ્રહ કર્યો. ત્યારથી તેમની આ સિસ્ટમ કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણા તેમજ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ કામ કરી રહી છે.

જો ટ્રેક્ટર 15hpથી 20hp વચ્ચે છે તો સિસ્ટમનો ખર્ચ 45000 રુપિયા આવે છે અને જો ટ્રેક્ટર વધારે એચપીનું છે તો તેનો ખર્ચ 65થી 75 હજાર રુપિયા સુધીનો આવે છે.

જેથી ખેડૂત ઉભા પાક વચ્ચે પણ ખેતરમાં નિંદણ તેમજ લળણી કરી શકે છે. આ સાથે જ જો કોઈ ફર્ટિલાઈઝર સ્પ્રે વગેરે કરવાનું હોય તો પણ આ ટ્રેક્ટર ખૂબ જ કામમાં આવે છે. જતિને આ ટ્રેક્ટરના હિસાબે જ કલ્ટીવેટર, સ્પ્રેયર જેવા કૃષિયંત્ર પણ ડિઝાઈન કર્યા છે. બાકીના ખેડૂતો પોતાના સાધનોને મોડિફાય કરીને પણ ઉપયોગ કરી શકે છે.
જતિને કહ્યું કે, જ્યારે અન્ય રાજ્યોમાંથી તેમને ઓર્ડર મળવાના શરુ થઈ ગયા તો તેમને લાગ્યું કે તેમણે કંઈક અલગ અને મોટું કર્યું છે. પરંતુ તેમને ખુશી છે કે તેઓ ખેડૂતોની મુશ્કેલીના હિસાબે કંઈક બનાવી શક્યાં. હવે તેઓ આ મોડલને હાઈડ્રોલિક સિસ્ટમ પર બનાવવાની યોજના બનાવી રહ્યાં છે.

તેમણે ઉત્સાહમાં જણાવ્યું કે,’અમે એવી સિસ્ટમ પર કામ કરી રહ્યાં છીએ. જેથી ટ્રેક્ટરને ખેતરમાં જ ઊંચું અથવા તો નાનું કરી શકાય. ખેડૂતને અલગથી તેના માટે કોઈ કારીગર બોલાવવો ન પડે અથવા તો તેને મહેનત ન કરવી પડે. આવતા કેટલાક મહિનાઓમાં આશા છે કે અમારું આ મોડલ પણ તૈયાર થઈ જશે.’

જો તમે પણ આ ટ્રેક્ટર વિશે વધારે જાણવા ઈચ્છતાં હોવ તો તમે જતિન રાઠોડનો 9574692007 પર તેમજ 9879041242 પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: આ બે ગુજરાતી મિત્રોએ દિવેટનું મશીન બનાવી આપી 6000 કરતાં વધુ મહિલાઓને રોજગારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon