”હું છેલ્લા 14 વર્ષથી ઘણી કંપનીનું કામ સંભાળતો હતો, પરંતુ હું પોતાનો કોઈ ધંધો સ્થાપી તેને નવી ઊંચાઈ પર લઈ જવા માંગતો હતો. આ વિચારને લીધે મે મારી જોબ છોડવાનું નક્કી કર્યું અને પોતાનો ધંધો સ્થાપ્યો.” પ્રતિક ધોડા કે જે એક CA (ચાર્ટેડ એકાઉન્ટન્ટટ) છે, જે હવે ઘણી કંપનીને ફંડ આપવાનું સંભાળે છે, તેમણે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું.
38 વર્ષીય પ્રતિક ધોડા પોતાનું સ્વપ્ન પુરૂ કરવા સિવાય લોકો માટે કંઈક ફાયદાકરક હોય તેવા ધંધા પર ધ્યાન કેન્દ્રીત કરતા હતા. દરમિયાન, તેનું ધ્યાન મધમાખી ઉછેર અને શુદ્ધ મધ બનાવવાના ધંધા પર ગયું.
મધ અને મધમાખીનું મહત્વ
આ બાબતે પ્રતિક કહે છે, “મધમાખીઓ મનુષ્ય અને પ્રકૃતિના અસ્તિત્વ માટે એક મહત્વપૂર્ણ કડી છે કારણ કે તે કોઈપણ છોડના પરાગાધાન (પોલિનેશન) પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તદુપરાંત, બજારમાં મળતા ભેળસેળવાળા મધની હાજરીએ માનવ સ્વાસ્થ્ય માટે પરિસ્થિતિ વધુ ખરાબ બનાવી દીધી હતી. મધ એ એક સ્વાસ્થ્ય વર્ધક અને ઔષધીય ગુણધર્મો ધરાવતું તત્વ છે, પરંતુ ભેળસેળવાળા મધને લીધે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા થાય છે.”

15 લાખનું રોકાણ, 15 લાખની કમાણી
તેથી તેણે મધમાખીના સંરક્ષણ માટે મધના ધંધામાં ઝંપલાવવાનું અને લોકો સુધી શુદ્ધ મધ પહોંચાડવાનું નક્કી કર્યું. પ્રતિકે ડિસેમ્બર 2019 માં બી બેઝ પ્રાઈવેટ લિમિટેડ (Bee Base Pvt Ltd) નામની કંપની શરૂ કરવા 300 મધપૂડાના બૉક્સ ખરીદવા માટે રૂ.15 લાખનું રોકાણ કર્યું હતું. એક વર્ષમાં જ સ્ટાર્ટઅપે ચાર ટન મધ વેચીને 15 લાખ રૂપિયાની આવક મેળવી. પ્રતિક કહે છે, 2021 માં આ ધંધામાંથી 50 લાખ રૂપિયા સુધીની કમાણી કરવાનો અમારો ધ્યેય છે.
તેમનું કહેવું છે કે દરેક બેચ દર પખવાડિયામાં લગભગ 6 લાખ રૂપિયા કમાય તેટલા મધનું ઉત્પાદન કરે છે.
વિવિધ ફ્લેવરવાળું મધ
પ્રતિક કહે છે કે ”ધંધો સ્થાપિત કરવા માટે, તેમણે ધંધાની ગતિશીલતાને સમજવા માટે બહુ સંશોધન કર્યું હતું. “2019 ની શરૂઆતમાં, મેં મધમાખી, મધ ઉત્પાદન અને તેના સહાયક વ્યવસાયની તકો પર સંશોધન કરવાનું શરૂ કર્યું. મધમાખી ઉછેરની પધ્ધતિઓ અને તેમના વ્યવસાયિક મૉડલને સમજવા માટે મેં આ ક્ષેત્રમાં કામ કરતા ખેડુતોની પણ મુલાકાત કરી હતી”.
પ્રતિકે વધુમાં જણાવ્યું કે તેમની પાસે મધપુડાની પેટી રાખવા કોઈ જગ્યા કે ખેતર કે વાડી ન હતા, તેમણે ખેડૂતોને મધપુડાની પેટી આપી તેમાંથી થતી આવકમાંથી કમિશન આપવાનું મૉડલ અપનાવ્યું.

સોશિયલ મીડિયાનો ઉપયોગ
પ્રથમ ક્વાર્ટરમાં પ્રતિકે એક ટન મધ મેળવ્યું. COVID-19 રોગચાળો ફાટી નિકળતા, ધંધો રિટેલ સ્ટોર્સ મારફતે ગ્રાહકો સુધી પહોંચવાના પરંપરાગત માર્ગને અનુસરી શક્યો નહીં. એક વિકલ્પ તરીકે, તેણે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બી બેઝ પ્રાઈવેટ લિમિટેડ (Bee Base Pvt Ltd) હેઠળ નોંધાયેલા બી બેસ નામથી મધનું પ્રમોશન અને માર્કેટિંગ કર્યું.
અમદાવાદ સ્થિત મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ યુતિ ધોળકિયા કહે છે, “મને આ હની બ્રાન્ડ વિશેની માહિતી એક વોટ્સએપ ગ્રુપ દ્વારા મળી હતી અને છ મહિના કરતા વધુ સમયથી હું તેનો ઉપયોગ પરિવાર માટે કરું છું. મેં તેને ખરીદવાનું પસંદ કર્યું છે કારણ કે આજે શુદ્ધ મધ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ બી બેઝ શુદ્ધ ઑફર કરે છે.”
સ્ટાર્ટઅપ આદુ, લીંબુ, તુલસી, અજમો (કેરોમ), ડ્રમસ્ટિક, નીલગિરી, મલ્ટિફ્લોરા, લીચી, કેસર અને વરિયાળી સહિત 11 ફેલવરમાં મધનું વેચાણ કરે છે. વધુમાં પ્રતિકે કહ્યું, “મધમાખીઓ આદુ, લીંબુ વગેરે જેવા પાકના ખેતરમાં પરાગરજ પ્રક્રિયા કરે છે, જેથી મધમાં તેનો કુદરતી સ્વાદ આવે છે, અમે બીજા અન્ય ફ્લેવર ઉમેરવા અંગે પણ વિચારીએ છીએ.”
મધમાંથી બનેલી લિપસ્ટિક
મધમાખી આધારિત મધની કિંમત સ્વાદ પ્રમાણે 600 રૂપિયાથી 900 રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે. પ્રતિકના કાકા વિભાકરભાઈ કે જે સ્ટાર્ટઅપના રોકાણકાર પણ છે તે કહે છે “મધની કિંમત તેની શુદ્ધતા, લોજિસ્ટિક ખર્ચ અને ફીલ્ડ પર પડકારોને કારણે વધારે છે. જરૂરી સ્વાદ પ્રાપ્ત કરવા માટે મધમાથીને વિવિધ ખેતરો પર પરાગાધાન કરવું જરૂરી છે તે માટે મધપુડાના બૉક્સને વિવિધ ક્ષેત્રોમાં પરિવહન કરવું અનિવાર્ય છે. પરિવહન ખર્ચ વધારે છે. તદુપરાંત, ભારે હવામાન અથવા પવનના પરિમાણોમાં થતા થોડા ફેરફારને લીધે પણ મધમાખીઓને અસર થાય છે. “
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં પ્રતિક જણાવે છે, “કેટલીકવાર ખેડૂતો પાક પર જંતુનાશક દવા છાંટતા હોય છે, જેને લીધે મધમાખીઓ મોટી સંખ્યામાં મરે છે. તેમને આ ઝેરી રસાયણોના ઉપયોગથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે કારણ કે પરાગાધાનથી જ પાકનું ઉત્પાદન વધારવામાં મદદ મળશે.”
બહુરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે ટાઈઅપ
તાજેતરમાં, સ્ટાર્ટઅપે મધના ઉત્પાદનોમાં વધારો કરવા એક બહુરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે હાથ મિલાવ્યા. આ બાબતે વિભાકરભાઈએ કહ્યું, “મધના ઉપયોગથી નવા ઉત્પાદનોની નિકાસ અને નિર્માણ માટે યોજનાઓ હાલમાં પ્રક્રિયામાં છે. અમે મધમાંથી એવું ઉત્પાદન બનાવવા પર કામ કરી રહ્યા છીએ જે પાચન વિકારને દૂર કરશે. બીજું ઉત્પાદન બનાવવાનું ચાલુ છે જેમાં મધપુડામાંથી ઓર્ગેનિક લિપસ્ટિક અને લિપ બામ બનાવવામાં આવશે.”
પ્રતિક કહે છે કે તેમનો હેતુ શુદ્ધ મધથી થતા સ્વાસ્થ્યને લગતા ફાયદા અંગે જાગૃતિ ફેલાવવાનો છે. “દરેક ડાઇનિંગ ટેબલ પર મધ હોવું જોઈએ, અને તે ભેળસેળ વગરનું અને બિનઆરોગ્યપ્રદ ખાંડની ચાસણી વગરનું હોવું જોઈએ.”
મધમાખી આધારિત મધ ઓર્ડર કરવા માટે, અહીં ક્લિક કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આ અમદાવાદીએ લૉકડાઉનમાં 750 લોકોને જ્વેલરી બનાવતાં શીખવાડી કમાયા 30 લાખ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.