આજે અમે તમને એક એવી મહિલાની કહાની કહેવા જઈ રહ્યા છીએ, જે ન તો વધારે ભણેલી છે અને ન તો કોઈ મોટા શહેરમાં રહે છે. તેમ છતાં, તે તેમના ગામ અને નજીકના ઘણા ગામોની મહિલાઓ માટે એક રોલ મોડેલ છે. અમે વાત કરી રહ્યા છીએ, ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની મહિલા ખેડૂત, ઉષા વસાવાની.
ઉષા, આજથી 17 વર્ષ પહેલા એક સામાન્ય ગૃહિણી હતી. તેમના પતિ દિનેશ વસાવા એક ખેડૂત હતા, જે પોતાની પાંચ એકર જમીનમાં ખેતી કરતા હતા. પરંતુ ખેતીમાં ખાતર, બિયારણ, મજૂરીનો ખર્ચ એટલો હતો કે માંડ-માંડ ઘર ચાલતું હતું. આવામાં ઉષાએ ખેતીમાં કેટલાક ફેરફાર લાવવાનું નક્કી કર્યું. જો કે, તેમને ખેતી વિશે વધારે ખબર નહોતી. ત્યારે તેમને Aga Khan Rural Support Programme (India) વિશે ખબર પડી. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તે કહે છે, “તે સમયે ઘરની બહાર નીકળવું એટલું સરળ નહોતું. પરંતુ મારે મારી આર્થિક પરિસ્થિતિને બદલવી હતી. તેથી જ હું 2005 માં AKRSPIમાં જોડાઈ.”
આ સંસ્થા ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોના લોકોને રોજગારના માધ્યમો અને સરકારી યોજનાઓના ફાયદા સાથે જોડવાનું કામ કરે છે.

ટ્રેનિંગથી આવ્યું પરિવર્તન
ઉષા કહે છે, “અમને ત્યાં લીડરશીપ, જમીન પર મહિલા અધિકાર અને સરકારના નિયમો અને યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. સાથે જ, અમે ઓર્ગેનિક ફાર્મિંગની તાલીમ પણ લીધી.” કારણ કે, તે સમયે ખૂબ જ ઓછા લોકો જૈવિક ખેતી વિશે જાણતા હતા, તેથી દરેકને લાગતું કે આ રીતે ખેતી કરવાથી સારો પાક નહીં થાય.
તે કહે છે કે તે સમયે હાઇબ્રીડ બીયારણ અને નવા રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ થતો હતો. પરંતુ તેમને પોતાની તાલીમ પર પૂરો વિશ્વાસ હતો. તાલીમ દરમ્યાન, તેમને વર્મી કમ્પોસ્ટ (અળસિયાનું ખાતર) બનાવતા અને ઓર્ગેનિક જંતુનાશક બનાવતા પણ શીખવવામાં આવ્યું. ઉષાએ તેમની પાંચ એકર જમીનમાંથી, આશરે ત્રણ એકરમાં જૈવિક ખેતીની શરૂઆત કરી.
ઉષા કહે છે, “કેમ કે જમીનમાં પહેલાથી ઘણા બધા કેમિકલનો ઉપયોગ થતો હતો. તેથી જમીનના કુદરતી તત્વો ઓછા થઈ ગયા હતા. આ જ કારણ હતું અમને પ્રથમ વર્ષમાં ઓછો નફો મળ્યો. સારા પાક માટે, સારી જમીન ખૂબ જ જરૂરી છે. અમે ધીરે-ધીરે વર્મી કમ્પોસ્ટ, છાણ વગેરેથી ખેતરો તૈયાર કર્યા. ત્યારબાદ, બીજા વર્ષે એમાં શાકભાજી, કઠોળ અને મગફળી ઉગાડી.”
હવે દર વર્ષે, તે તેમના ખેતરોમાં સીઝનલ શાકભાજી, લાલ ચોખા વગેરે ઉગાડે છે. તેમના ખેતરની બાકીની બે એકર જમીનમાં કપાસ વાવવામાં આવે છે.

ખેતીમાં દેશી પદ્ધતિઓનો ઉપયોગ
તે કહે છે કે અમે ખેતરોમાં ગૌમૂત્રને દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. પંપની મદદથી, તેઓ તેનો ખેતરોમાં છંટકાવ કરે છે. જેનાથી જંતુઓ નાશ પામે છે. આ ઉપરાંત, ગૌમૂત્રની અસર લાંબા સમય સુધી રહે છે. તેમ જ, છાણનો ઉપયોગ ખાતર માટે કરી શકાય છે. એક એકર જમીન માટે ખાતર તૈયાર કરવા માટે, 20 કિલો છાણ, 5 લિટર ગૌમૂત્ર, એક કિલો ચણાનો લોટ, 1 કિલો ગોળ અને 5 કિલો માટીની જરૂર પડે છે. આ બધાને મિશ્રિત કર્યા પછી, થોડા સમય માટે સૂકવવા મૂકી દેવામાં આવે છે. ત્યારબાદ તેને ખેતરમાં નાખવામાં આવે છે.
ઉષા કહે છે, “અમારે બીયારણ ખરીદવા માટે બજારમાં જવાની જરૂર નથી પડતી. અમે દર વર્ષે પોતાના પાકમાંથી જ કેટલાક બીજ બચાવી લઈએ છીએ.”

પોતાની સાથે હજારો મહિલાઓને રોજગાર સાથે જોડી
તેમને પોતાના તાલુકાના સરકારી વિભાગો સાથે મળીને, મહિલા ખેડુતોના હક માટે કામ કરવાનું શરૂ કર્યું. 2012 માં, ઉષાએ તેમના તાલુકાની કેટલીક અન્ય મહિલાઓ સાથે મળી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચની રચના કરી. તે પોતાની જેવી અન્ય આદિવાસી મહિલાઓને પણ ઓર્ગેનિક ખેતીમાં તાલીમ આપે છે અને તેમની પોતાની જમીન પર ખેતી કરવા માટે પ્રેરણા આપે છે.
તે જણાવે છે, “અમે જુદા-જુદા કોમ્યુનિટી ટ્રેનર તૈયાર કરીએ છીએ. જે પછી, તે ટ્રેનર પોતાના વિસ્તાર આસપાસની મહિલાઓને તાલીમ આપે છે.” આ રીતે આજે તેમના ‘નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ’ માં ત્રણ હજાર મહિલાઓ જોડાઇ ચુકી છે. આજે આ બધી મહિલાઓ જૈવિક ખેતી અને તેમના પાકની પ્રોસેસિંગ કરી પણ અન્ય ઘણા ઉત્પાદનો તૈયાર કરી રહી છે.
હજારો મહિલાઓને પ્રેરણા આપવા અને તેમને આત્મનિર્ભર બનાવવા બદલ ઉષાને, ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય કૃષિ પુરસ્કાર -2018 એનાયત કરાયો હતો. આ સિવાય પણ બીજી ઘણી સંસ્થાઓ દ્વારા તેમને એવોર્ડ અપાયા છે.
અંતે તે કહે છે, “આપણે આપણી જમીનની ફળદ્રુપતા વધારવા માટે અને ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માટે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. હું વધુને વધુ રાસાયણિક ખેતી કરતા લોકોને, ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરીશ.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કેરી રસિયાઓને આખુ વર્ષ કેસરનો રસ અને 10 પ્રકારના આમ પાપડ ખવડાવી આવકમાં વધારો કર્યો કચ્છી ખેડૂતે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.