સૌને ખબર છે કે ગુજરાતના વિકાસમાં ઉદ્યોગોનું ઘણું યોગદાન છે પણ સાથે સાથે આ બધા ઉદ્યોગોના કારણે પાણી હવા અને જમીનનું પ્રદુષણ હદથી પણ વધારે વધી ગયું છે. સમગ્ર ગુજરાતના કે ભારતના રહેવાસીઓ જયારે પણ બરોડા વટાવીને ભરૂચ અંકલેશ્વર હાઇવે પર નીકળે છે ત્યારે તે સૌ તેની હવામાં એક દુર્ગંધનો અનુભવ કરે છે ક્યારેક તો આ દુર્ગંધ એટલી તીવ્ર હોય છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ જાય છે. જયારે પણ એવું થાય છે ત્યારે આપણામાંથી ઘણા લોકો ફક્ત એક ફરિયાદનો સ્વર મૂકીને આગળ વધી જાય છે, પરંતુ પૃથ્વીના એક નાગરિક તરીકે તેના કુદરતી પરિવેશને સાચવવા માટે કોઈ નક્કર કાર્ય નથી કરતાં.
પરંતુ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કમલેશ કોસમીયા એક અનોખી માટીના માનવી છે. તેઓ છેલ્લા 22 કરતાં પણ વધારે વર્ષોથી પર્યાવરણના સંવર્ધનની કામગીરી તો કરી જ રહ્યા છે સાથે સાથે એક શિક્ષક હોવાના નાતે પોતાના વિદ્યાર્થીઓ અને આપણા દેશની ભવિષ્યની પેઢીને પર્યાવરણનું સંરક્ષણ કેટલું મહત્વનું છે તેની જાણકારીની સાથે સાથે વૃક્ષ ઉછેર અને તેની જાળવણીની તાલીમ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: એક ગામ, જ્યાં તેલના ખાલી ડબ્બાઓમાંથી કબૂતરોને રહેવા માટે બનાવી છે કૉલોની
કમલેશભાઈ જયારે 1984 માં ડેડીયાપાડા વિસ્તારમાં શિક્ષક તરીકે જોડાયા ત્યારે તેઓ ત્યાં ચાર વર્ષ સુધી રહ્યા અને તે દરમિયાન ત્યાંના સ્થાનિકોના પર્યાવરણ પ્રત્યેના અભિગમ તથા તે લોકોની પોતાના આસપાસના પર્યાવરણની જાળવણી સાથેની જીવનશૈલી જોઈ અભિભૂત થયા. બસ પછી તો શું તે સમય દરમિયાન જોયેલી શીખેલી દરેક બાબતોમાંથી પ્રેરણા લઇ જયારે તેમની બદલી વાલિયા તાલુકામાં થઈ ત્યારે તે તાલુકાની પોતાની સ્કૂલ તથા શહેરના વિવિધ વિસ્તારમાં વૃક્ષ ઉછેરની ઝુંબેશ તો ઉપાડી સાથે સાથે શાળાના બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા અભિયાન પણ આદર્યું. તે માટે કમલેશભાઈએ શાળામાં વિવિધ પ્રકારના અને પ્રજાતિના વૃક્ષો, છોડવાઓ વગેરે વાવી તેને એકદમ હરીભરી કરી દીધી. આજે તેમની શાળાનો દરેક વિદ્યાર્થી જે તે વૃક્ષોને જોઈને જ તે કયું વૃક્ષ છે અને તેનો શું ફાયદો છે તે કહી શકે છે. આ વિદ્યાર્થીઓ પોતાના આગળના જીવનમાં શાળામાં શીખેલ વૃક્ષ ઉછેર અને જાળવણીની રીતના અમૂલ્ય જ્ઞાનને ક્યારેય નહીં ભૂલે.

આ પણ વાંચો: 85 વર્ષના નિવૃત શિક્ષકનું ઘર બન્યું પક્ષી અભયારણ્ય, રોજ 1500 પક્ષીઓનું પેટ ભરે છે
આજે પણ કમલેશભાઈ શાળા શરુ થાય તેના એક કે બે કલાક પહેલા ત્યાં પહોંચી જાય છે. વૃક્ષોને પાણી પાય છે અને જે તે વૃક્ષ છોડ કે બગીચાને વધારે કોઈ માવજતની જરૂર જણાય તો તે સાંભળે છે. તેમણે શાળામાં જ એક પ્રયોગશાળા રૂપી અલાયદું સ્થળ પણ બનાવ્યું છે જ્યાં આ વૃક્ષો અને છોડવાઓના વિકાસ માટે શાળા પ્રાંગણમાં જ ખરી પડતા પાંદડાઓને એકઠા કરી નાડેપ પદ્ધતિથી ખાતર બનાવવામાં આવે છે અને આ કામ માટે તેમને વિદ્યાર્થીઓનો સંપૂર્ણ સહયોગ પણ મળે છે.

આ પણ વાંચો: છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા આ ગુજરાતીએ બનાવી બીજ બેંક, મોકલે છે આખા ભારતમાં
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા કમલેશભાઈ કહે છે કે તેમણે અત્યાર સુધી હજારથી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરી તેને ઉછેર્યા છે. આજે કમલેશભાઈ જળવાયું પરિવર્તન અને ઉદ્યોગોના પ્રદુષણને કારણે ચિંતામાં છે તો સામે આશા પણ વ્યક્ત કરે છે આગામી પેઢી આ સમસ્યાને ગંભીરતાથી લઈ પર્યાવરણ બચાવવાની કામગીરીને ગંભીરતાથી લેતી થશે જ.

આ પણ વાંચો: અમદાવાદી મહિલા 21 વર્ષથી મહિનાના 20 હજાર ખર્ચી રાખે 300 કૂતરાંની સંભાળ
ધ બેટર ઇન્ડિયા પરિવાર કમલેશભાઈના આ કામને સલામ કરે છે. અને દર્શકોમાંથી જો કોઈને કમલેશભાઈનો સંપર્ક કરવો હોય તો આપેલ આ નંબર 9879964656 પર કોલ કરી શકે છે.
આ પણ વાંચો: બોટાદના આ શિક્ષકને ઝાડ ન વાવે ત્યાં સુધી ઊંઘ નથી આવતી, દર વર્ષે ઉછેરે છે 1600+ છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.