‘પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.’
એક જાણીતી ગુજરાતી કહેવત અનુસાર, પટોળુ ફાટે પણ તેના પરની ડિઝાઇન કે રંગ ક્યારેય જતા નથી. પટોળા એ 11 મી સદીની હસ્તકળાની વાસ્તવિક પ્રકૃતિનું વર્ણન કરે છે. ડબલ-ઈકટ વણાયેલી આ સાડી સામાન્ય રીતે ગુજરાતના પાટણમાં રેશમી સિલ્કમાંથી બનાવવામાં આવે છે.
ડબલ ઈકટ પ્રક્રિયા આડી અને ઊભી ડિઝાઇનમાં કરવામાં આવે છે, જેમાં રંગીને એ રીતે વણવામાં આવે છે કે, ક્યારેય નાશ ન થાય.
પટોળા શબ્દ સંસ્કૃત શબ્દ ‘પટ્ટકુલ્લા’ માંથી આવેલ છે, જેનો અર્થ થાય છે રેશમી કાપડ. આમ તો પટોળાનો ઉલ્લેખ ગુજરાત સાથે જ જોવા મળે છે, પરંતુ નરસિંહ પુરાણમાં થયેલ ઉલ્લેખ અનુસાર, તે દક્ષિણ ભારત સાથે જોડાયેલ છે. જેમાં મહિલાઓ પવિત્ર વિધિઓમાં પહેરતી હતી.

લગભગ 11 મી સદીમાં પટોળાં ગુજરાતમાં મહારાષ્ટ્રના રસ્તે આવ્યાં.
એક સમયના ગુજરાતની રાજધાની પાટણના રાજા કુમારપાળ માટે આ પટોળાં વૈભવ અને વિશ્વાસનું પ્રતિક હતું. આ પહેલાં જલનાના રાજાએ પટોળાંનો ચાદર તરીકે ઉપયોગ કર્યો હતો, તેને વેચતાં પહેલાં. તેઓ અહીં 700 કુટુંબ લાવ્યા હતા, તેની ભવ્યતાને અખંડિત કરવા માટે. જોકે બીજું એક કારણ એ પણ હોઈ શકે છે કે, તેઓ તેઓ વપરાયેલ પટોળાંનો ઉપયોગ કરવા નહોંતા ઈચ્છતા.
કુમારપાળે પટોળાને સૌથી વધારે માન આપ્યું છે, કારણકે તેઓ એમ માનતા હતા કે, પટોળાં સ્વાસ્થ્યની સમસ્યાઓ અને રાક્ષસી વિચારોને દૂર રાખે છે. એક 5 મીટર લાંબી પટોળા સાડી બનાવતાં લગભગ 6 મહિના લાગે છે, એટલે જ તેઓ 700 કુટુંબોને પટોળાં બનાવવા અહીં લાવ્યા હતા. જેથી દરરોજ મંદિર જતી વખતે તમે નવું પટોળું પહેરી શકે.

આમ પાટણ 11 મી થી 13 મી સદી દરમિયાન બહુ મોંઘી હસ્તકળાનું કેન્દ્ર બન્યું.
જોકે, ધીરે-ધીરે સમયની સાથે આ કારીગરો બીજા કામ તરફ વળ્યા અને આજે બહુ ગણતરીના લોકો હજી આ કળાને સાચવીને બેઠા છે.
તેમાંનું એક છે સાલવી કુટુંબ
પાટણ અને કદાચ આખા દેશમાં આ એકમાત્ર કુટુંબ જ છે, જે આજે પણ ઈન્ડિગો, હળદર, મજીઠનાં મૂળ, દાડમની છાલ અને ગલગોટાના ફૂલમાંથી સંપૂર્ણ કુદરતી રીતે બનાવેલ રંગોથી વણાટ કરે છે.
2014 માં પરિવારે પાટણ પટોળા હેરિટેજ (PPH) ની સ્થાપના કરી, જેમાં પટોળાના સૌથી જૂના ટૂકડાઓનું મ્યૂઝિયમ પણ છે. જેમાં 200 વર્ષ જૂનો ફ્રોક, જેની ફેમિલી સાડીઓ અને થાઈલેન્ડ ઉઝબેકિસ્તાન, ફિલિપાઇન્સ અને ઈન્ડોનેશિય જેવા દેશોના ઈકટ ટેક્સટાઇલના નમૂનાઓ છે.
અત્યારે ઘરના સૌથી મોટા સભ્ય ભરતભાઈ અને રોહિતભાઈ સાલવીથી લઈને સૌથી નાના સભ્ય સાવન આ વારસાને જાળવી રહ્યા છે અને તેઓ મ્યૂઝિયમમાં પટોળાના વણાટથી લઈને બધાં જ કામ સંભાળી રહ્યા છે. જેમાં એક પટોળા સાડીની ઓછામાં ઓછી કિંમત 1 લાખ રૂપિયા છે.

જો આ કળા મૃતપ્રાય બની રહી છે તો પછી આપણા આ અદભુત વારસાને આગળ વધારવા આગામી પઢીને શીખવવામાં નહીં આવે?
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં મુખ્ય વણકર રાહુલે કહ્યું, “આ આપણો સમૃદ્ધ ઈતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ દર્શાવે છે, છતાં તેનું મોટાપાયે ઉત્પાદન શક્ય નથી. તેના માટે ખૂબજ ઝીણવટથી કામ કરવાની જરૂર પડે છે. ઓછામાં ઓછા 300 વર્ષ સુધી ચાલે તેવો એક માસ્ટરપીસ બનાવવામાં ખૂબજ ઝીણવટ અને મહેનતની જરૂર પડે છે. આ જ કારણે અત્યારે બહુ ઓછા લોકોને પટોળા પ્રત્યે જુસ્સો અને ઉત્સાહ છે અને તેમણે આ પરંપરાને સાચવી રાખી છે.”
આ તેમની કામ પ્રત્યેનું માન જ છે કે, 42 વર્ષના રાહુલને આર્કિટેક હોવા છતાં વર્ષ 2000 માં તેમના પિતાએ નોકરી છોડી આ કામમાં જોડાવાનું કહ્યું તો, પળનો પણ વિચાર ન કર્યો. તો ઘરના બીજા સભ્યો પણ એન્જિનિયર્સ અને ડૉક્ટર્સ હોવા છતાં નિયમિત થોડા કલાકો આ વારસાને આગળ ધપાવવા માટે આપે છે.
રાહુલ અને રોહિત, ઘરના માત્ર આ બે સભ્યો જ અનિશ્ચિત ઈકટ કળા કરી શકે છે.

પટોળાનું મહત્વ
ઐતિહાસિક રીતે જોઈએ તો, પટોળાં સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે, કારણકે સુખી-સમૃદ્ધ પરિવારો જ તેને ખરીદી શકતા હતા. 13 મી સદીમાં વેપારીઓના આ ઉમદા વર્ગને તેમના પવિત્ર વારસાને આગળ ધપાવવાની ઑફર આપવામાં આવી હતી, જેથી તેમને વેપારીના અધિકાર મળે.
સાંસ્કૃતિક રીતે, જૈનો, વ્હોરા મુસ્લિમો, નાગર બ્રાહ્મણો અને કચ્છી ભાટીયા જેવા ચોક્કસ ગુજરાતી સમુદાયો પટોળા સાથે જોડાયેલ છે.
દરેક સમુદાયની પોતાની પસંદ અને વિવિધતા હોય છે. દાખલા તરીકે, ગુજરાતી હિંદુ લગ્નમાં કન્યા અથવા તેની માતા હાથી અને પોપટની ભાતવાળી પટોળા સાડી પહેરે છે.

‘છેલાજી રે મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો
એમાં રૂડા મોરલિયા ચિતરાવજો
રંગ રતુંબલ કોર કસુંબલ પાલવ પ્રાણ બિછાવજો રે’
આ જાણીતું ગુજરાતી લોકગીત સામાન્ય રીતે ગુજરાતી લગ્નોમાં સાંભળવા મળે છે, જ્યાં વધુ તેને ગમતું પટોળુ મંગાવી રહી છે.
જૈનો અમૂર્ત ડિઝાઇન અને ભૌમિતિક ભાત પસંદ કરે છે, તો વ્હોરા સમુદાય ફૂલ અને ઝરીવાળી બોર્ડર પસંદ કરે છે.
સાલવી કુટુંબ પાન ભાત, ચંદ્ર ભાત, રૂદ્રાક્ષ ભાત, હાથી ભાત અને પોપટ ભાત જેવી ઘણી ડિઝાઇનનાં પટોળાં બનાવે છે.
પ્રક્રિયા જે પટોળાને બનાવે છે અમૂલ્ય
કદાચ પટોળા એ એકમાત્ર કળા છે, જેને ઊંધા ક્રમમાં કરવામાં આવે છે અને દોરાને ડિઝાઇન પ્રમાણે પહેલાંથી રંગવામાં આવે છે. વણાટ વખતે એ રંગાયેલા દોરા નક્કી કરેલ ડિઝાઈન પ્રમાણે ભાત બનાવે છે. એટલે જ કદાચ ઘણીવાર તેને ‘ઈકાતોની માતા’ તરીકેની ઓળખવામાં આવી છે.

તેમાં ચોક્કસ ગણતરી કરવી પડે છે, દરેક ચોરસ, લાઈન અને પેટર્નને યોગ્ય રીતે પતાવવી પડે છે, એકાદ દોરો પણ આડો-અવળો થઈ જાય તો આખી ડિઝાઇન બગડી જાય છે.
‘વી (Vi)’ નામે ઓળખાતી તલવારની આકારની લાકડી ગુલાબના લાકડામાં બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ દોરાને સેટ કરવા માટે થાય છે. ઉલ્લેખનિય છે કે, ‘સાલવી’ નામ સંસ્કૃત શબ્દ ‘સાલ (લૂમ)’ અને ‘વી (Vi)’ (ગુલાબનું લાકડું) પરથી પડ્યું છે.
વિસ્તારપૂર્વક જણાવતાં રાહુલભાઈએ કહ્યું, “રંગ્યા બાદ ડિઝાઇન પ્રમાણે દોરાને લૂમ પર મૂકવામાં આવે છે, જેથી ડિઝાઇન દેખાય. ત્યારબાદ દોરાઓને બોબીનમાં વીંટ્યા બાદ વણાટનું કામ શરૂ થાય છે. પટોળાને ગુલાબના લાકડા અને વાંસની પટ્ટીઓથી બનાવેલ હાથથી સંચાલિત લૂમ પર બનાવવામાં આવે છે. દરેક દોરાને સાવચેતીથી વણવા માટે દરેક રેપ કાળજીપૂર્વક વેફ્ટ સાથે મેળ ખાય છે.”
છ યાર્ડની સાડીમાં આ આખી પ્રક્રિયામાં 3-4 મહિના લાગી જાય છે. છ મહિનામાં આ એક સાડી પૂર્ણ કરવા આઠ સાલવી વણકરો અઠવાડિયાના પાંચ દિવસ કામ કરે છે.
તેમનું અત્યાર સુધીનું સૌથી લાંબુ ચાલેલું કામ 3.5 વર્ષનું હતું. એક સરકારી કાર્યક્રમમાં શીખર ભાતનાં 9 નંગ બનાવવા માટે સાલવી કુટુંબે સતત કામ કર્યું હતું. આ અદભુત ડિઝાઇનમાં હાથી, ઘોડા, રાજા અને સૈનિકોની ભાત સુંદર ભાત બનાવવામાં આવી હતી.
અંતિમ ઉત્પાદનને ઉલટાવી શકાય છે, એટલે કે, બંને બાજુથી તે એકસરખું જ લાગે છે. સાલવી પરિવાર એટલી ચોકસાઈથી કામ કરે છે કે, તેમના પોતાના માટે પણ તફાવત ઓળખવો મુશ્કેલ બની જાય છે.
પટોળામાં લાંબા સમય સુધી રંગ જળવાઈ રહે એ માટે સાલવી પરિવાર પ્યોર મલબારી સિલ્ક અને કુદરતી રંગોનો જ ઉપયોગ કરે છે.
વધુમાં વાત કરતાં રાહુલ જણાવે છે, “ભાગલા પછી થોડા સમય માટે અમારા કુટુંબે પણ રાસાયણિક રંગો અને બ્લીચનો ઉપયોગ શરૂ કર્યો હતો. આ એજ સમય હતો, જ્યારે વ્યવસાય મુશ્કેલીમાં હતો. એટલે અમે નક્કી કર્યું કે, જૂની રીત અને કુદરતી રંગોનો ઉપયોગ ફરી શરૂ કરવો. વનસ્પતિ પદાર્થોના ઉપયોગથી રંગો બાનાવવાના સંશોધનમાં વર્ષો લાગ્યાં. નસીબજોગે અમારા પૂર્વજો થોડા જર્નલ છોડીને ગયા હતા.”
સાવચેત કાર્ય અને અધિકૃત ઘટકો જ એ બતાવે છે કે, શા માટે પટોળાને ઉત્કૃષ્ટ ફેબ્રિક બાનવામાં આવે છે અને તે સોના જેટલું જ કિંમતી
તમને કદાચ ખબર નહીં હોય કે, 1930 માં જ્યારે એક તોલા સોનાની કિંમત 18 રૂપિયા હતી ત્યારે એક પટોળાની કિંમત 120 રૂપિયા હતી.

અત્યારે એક પટોળા સાડીની કિંમત 1 લાખથી 10 લાખ સુધીની છે, જે તેની ડિઝાઇન અને કામ પર આધારિત હોય છે.
સાલવી પરિવારે પટોળા સાડી માટે કોઈ શોરૂમ કે આઉટલેટ નથી બનાવ્યોં, સામનય રીતે ગ્રાહકો તેમની વેબસાઈટ કે વૉટ્સએપ દ્વારા સીધો ઓર્ડર આપે છે. એક પટોળા સાડી માટે સામાન્ય રીતે 2 વર્ષનો વેઈટિંગ સમય ચાલે છે!
એટલે જો તમને સાલવી હાઉસ સિવાય બીજે ક્યાંય પણ પીપીએચ સાડી મળે તો, તે નકલી હોઈ શકે છે.
વધુમાં જેઓ પટોળાના વિશેષક નથી, તેમને રાહુલ જણાવે છે કે, કેવી રીતે નકલી પટોળા સાડીને ઓળખવી, “રંગ ફેડ થવો ન જોઈએ, પટોળું માત્ર રેશમમાંથી જ બનેલ હોય છે અને તેનું વજન 450 ગ્રામથી વધારે હોવું ન જોઈએ.”
આ કાપડનો માત્ર એક ટુકડો નથી, પરંતુ ભવ્ય વારસો છે, જેને પૂર્વજોના અદભુત વણાટને જાળવી રાખ્યો છે. કાપડના ટુકડા પર અગણિત દોરાઓનું વણાટ પ્રેમથી બંધાયેલ છે.
બધી જ તસવીરો પાટણ પટોળા હેરિટેજમાંથી લેવામાં આવી છે. અહીં સંપર્ક કરો સાલવી પરિવારનો.
આ પણ વાંચો: જ્યારે આખી પાકિસ્તાની સેના પર ભારે પડ્યો હતો ભારતીય સેનાનો આ રબારી જાસૂસ!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.