ટોક્યો ઓલિમ્પિકના સમાપન બાદ અત્યારે પેરાલિમ્પિક ચાલી રહી છે. 25 ઑગષ્ટથી 27 ઑગષ્ટ સુધી રમાનાર ટેબલ ટેનિસ ગેમમાં ગુજરાતની ભાવિના પટેલ અને સોનલ પટેલ પ્રથમવાર દેશનું પ્રતિનિધિત્વ કરશે. જેની ફાઈનલ અને સેમી ફાઈનલ 28 ઑગષ્ટ અને 29 ઑગષ્ટે રમાશે.
સોનલ અને ભાવિના બંને ગુજરાતની જ છે અને બંને અમદાવાદની એક જ એકેડમી બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાં એક જ કોચ લાલન દોશીના હાથ નીચે ટ્રેન થઈ છે. ભાવિના અને સોનલ બંને દેશની અનુભવી પેડલર્સ છે અને બંને 2018 પેરા એશિયમ ગેમ્સમાં રમી ચૂકી છે અને દેશ માટે મેડલ પણ લાવી ચૂકી છે.
જોકે અહીં સુધી પહોંચતાં પહેલાં આ બંનેએ ખૂબજ મુશ્કેલીઓનો સામનો કર્યો છે, છતાં ક્યારેય હાર નથી માની. વાત ભાવિના પટેલની કરવામાં આવે તો, માત્ર એક વર્ષની ઉંમરે જ પોલિયો થઈ ગયો અને જીવનમાં આગમન થયું મુશ્કેલીઓનું. જોકે ભાવિનાનો પરિવાર હંમેશાં તેની પડખે ઊભો રહ્યો અને દરેક મુશ્કેલીમાં તેનો સાથ આપ્યો. જેના પરિણામ સ્વરૂપે પૂર્વ વર્લ્ડ નંબર 2 પેડલર ભાવિના પેરાલિમ્પિક્સમાં સ્થાન સુનિશ્ચિત કરનાર પ્રથમ મહિલા પેડલર બની હતી, જ્યારે તેણે 2016 રિયો પેરાલિમ્પિક્સમાં જગ્યા મેળવી લીધી, પરંતુ દુર્ભાગ્યવશ તે સફળ ન થઈ શકી.

ભાવિનાએ ટાઈમપાસ માટે જ રમવાનું શરૂ કર્યું હતું અને થોડા જ મહિના બાદ નેશનલ ચેમ્પિયનશિપ આવતી હતી જેમાં તેણે ભાગ લીધો અને બ્રોન્ઝ મેડલ મળ્યો. ત્યારબાદથી તેણે પ્રોફેશનલ રીતે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. નોકરીની સાથે ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરતી હોવા છતાં ભાવિના ઘણી વાર થાકી જતી, પગ પણ દુ:ખતા, એટલે તેના મમ્મી-પપ્પા દીકરીની તકલીફ જોઈ રમવાની ના પણ પાડતા, છતાં ભાવિના અડગ રહી. ધીરે-ધીરે નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે સફળતા મળવા લાગી અને ધીરે-ધીરે તેનું ધ્યેય ઓલિમ્પિક બની ગયું. તેની આ સફળતા પાછળ તેના માતા-પિતા અને પતિએ બહુ સહયોગ આપ્યો છે.
એટલું જ નહીં, લૉકડાઉનમાં પેક્ટિસ છૂટી ન જાય એ માટે ઘરે ટેબલ ટેનિસનું ટેબલ પણ વસાવ્યું અને કોચને પણ ઘરે જ બોલાવી પેક્ટિસ કરી.
હવે વર્ષ 2021 માં ભાવિનાનો વર્લ્ડ રેન્કિંગ નંબર 8 છે જ્યારે એશિયા રેન્કિંગ નંબર 5 છે ત્યારે ભાવિના મેડલ માટે પ્રબળ દાવેદાર છે. અત્યાર સુધીમાં ભાવિના 28 ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે અને 5 ગોલ્ડ, 13 સિલ્વર અને 8 બોન્ઝ મેડલ જીતી ચૂકી છે.

આ સમગ્ર સફરમાં ભારત સરકારે પણ ભાવિનાની બહુ મદદ કરી છે અને વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લેવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. જેના કારણે ભાવિનાને નાણાકીય સહાય મળી. ટોક્યો પેરાલિમ્પિકમાં સફળતા માટે તેને વ્યક્તિગત તાલીમ, ડાયેટિશિયન, સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ અને કોચિંગ ઉપરાંત ટીટી કોષ્ટકો, રોબોટ અને ટીટી વ્હીલચેરનો પણ લાભ લીધો છે. ભાવિના વ્હીલચેર ક્લાસ 4 કેટેગરીમાં દેશને મેડલ અપાવવા માટે રમશે.

વાત જો સોનલ પટેલની કરવામાં આવે તો, સોલનને પણ નાનપણમાં જ પોલિયો થઈ ગયો હતો અને ત્યારથી વ્હીલચેર પર જ સંઘર્ષ કરી રહી છે. જોકે લોકોને રમતા જોઈને સોનલને પણ રમવાની ઇચ્છા થતી અને ટેબલ ટેનિસ માટેનો પ્રેમ તેને રમતાં રોકી ન શક્યો. અમદાવાદની એક સંસ્થામાં ઔધ્યોગિક અભ્યાસ દરમિયાન સંસ્થાનાં અધિક્ષક તેજલબેન લાઠીયાએ સોનલને રમતગમત માટે પ્રોત્સાહિત કરી અને તે દિવસથી આજ સુધી સોનલે પાછા વળીને નથી જોયું. વ્હીલચેર ક્લાસ 3 માં સોનલ વિશ્વમાં 18 મા નંબરે છે. ભાવિના અને સોનલ બંને વૂમેન્સ ડબલ્સમાં સાથે પણ રમશે.
ભાવિના અને સોનલ બંને તેમની દિવ્યાંગતાને તેમની તાકાત અને હિંમત માને છે. તેમના જણાવ્યા અનુસાર, તેમને આનાથી જ તાકાત મળે છે. સવારે પાંચ વાગેથી બંનેની સવારની શરૂઆત થાય છે અને નિયમિત યોગ, મેડિટેશન અને કસરત છે. સામાન્ય રીતે બંને દરરોજ 6-7 કલાક પ્રેક્ટિસ કરે છે, પરંતુ ટોક્યો પેરાલિમ્પિક નજીક આવતાં તેમની પ્રેક્ટિસના કલાકો 9-10 કલાક થઈ ગયા છે.
દેશની આ બે ખેલાડીઓને ધ બેટર ઈન્ડિયા પણ સલામ કરે છે અને ખુબ-ખુબ શુભકામનાઓ આપે છે.
આ પણ વાંચો: આ ગામે આપ્યા છે સૌથી વધારે હૉકી પ્લેયર્સ, જે જીત્યા છે દેશ માટે ઓલિમ્પિક મેડલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.