“જવાં હોકે ખિદમત કરે હમ જહાં કી,
બડે શાન હમારે હિન્દોસ્તાં કી!”
આ બે પંક્તિઓમાં 1300 ની આબાદીવાળા એક ગામની વિચારસણી જ છલકે છે. આ નારો છે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના જેઠીપુરા ગ્રામ પંચાયતનું. એક સદી કરતાં પણ વધારે જૂના ગામનું નામ આજે દેશના આદર્શ અને સ્માર્ટ ગામમાં શામેલ છે.
છેલ્લાં સાત વર્ષોથી સરપંચના પદ પર કાર્યયત અહેસાન અલી બટ્ટે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમના ગામમાં ક્યારેય ગ્રામ પંચાયત માટે ચૂંટણી નથી થતી, જોકે બધાં ગામલોકો સાથે મળી ગામમાંથી જ કોઇ વ્યક્તિને સર્વ સંમતિથી સરપંચ બનાવે. આ રીતે જેઠીપુરા ગામમાં ‘ચૂંટણી નહીં ચયન’ થાય છે.

ગ્રેજ્યુએશન સુધી ભણેલ અહેસાન અલીના મદદરૂપ અને ખુશનુમા વ્યવહારના કારણે ગામલોકોએ પસંદ કર્યું. અને અહેસાન અલી પણ તેમની આશાઓ પર ખરા ઉતર્યા. તેમના કાર્યકાળમાં તેમણે સરકાર અને પોતાના ગામલોકોના સહયોગથી ગામને આખા દેશમાં પ્રખ્યાત કર્યું.

સામુદાયિક પહેલુઓથી થઈ રહ્યાં છે વિકાસ કાર્ય
ગામમાં થયેલ વિકાસ કાર્યોમાં ગામના લોકો આગળ વધી યોગદાન આપે છે. આજે જેઠીપુરામાં મૂળભૂત સુવિધાઓ સાથે-સાથે બધી ડિઝિટલ અને ટેક્નિકલ સુવિધાઓ છે. એક તરફ જ્યાં ગામના બધા લોકો સાર્વજનિક કાર્યો માટે શ્રમદાન કરે છે, તો આખા ગામમાં વાઈ-ફાઈ છે.

અહેસાન અલીએ કહ્યું, “અમારા ગામમાં બધાં જ કામ ગામલોકોની સહમતીથી થાય છે. ગામલોકો વિકાસનાં કાર્યો પણ આર્થિક યોગદાનથી કરે છે. ગામમાં લાઈબ્રેરી, મેડિકલ સ્ટોર, આરઓ પ્લાન્ટ, હોસ્પિટલ વગેરે બનાવવા માટે ગામ લોકોએ જ દાન ભેગુ કર્યું હતું. દર વર્ષે તેના માટે પૈસા ભેગા કરી જરૂરિયાત પ્રમાણે વિકાસ કરાવે છે.”

ગામના પાકા રસ્તા, સીવેજની સુવિધા, પૂર્ણ વિજળીકરણ, દરેક ગલી-મહોલ્લામાં એલઈડી સ્ટ્રીટ લાઇટ્સ અને દરેક ઘરમાં શૌચાલય, છેલ્લાં કેટલાંક વર્ષો કરેલ ઉમદા કાર્યોમાં સમાવેશ થાય છે. આજે અહીં શહેરોમાં પાણીની સમસ્યા સામે લડી રહ્યા છે, ત્યાં પાણી-રહિત ક્ષેત્રોમાં આવતી આ ગ્રામ પંચાયતે પોતાના ગામ સુધી ઘરે-ઘરે પાણી પહોંચાડ્યું.
સરપંચ બન્યા બાદ અહેસાન અલીએ સૌથી પહેલાં પાણીની સમસ્યા હલ કરવાનું બીડુ ઉપાડ્યું. તેઓ જણાવે છે કે, તેમના ગામમાં પાણી જરા પણ નહોંતું જેના કારણે ગામલોકોને રોજ બહુ મુશ્કેલી પડતી હતી. “ગુજરાત સરકારના વાસ્મો સંગઠનની મદદથી સ્વજળ ધારા યોજના અંતર્ગત અમે ગામથી લગભગ 3 કિમી દૂર એક કૂવો ખોદાવ્યો અને પછી કુવાથી લઈને ગામ સુધી પાઈપલાઈન કરી દીધી.”
ગામમાં જ એક જગ્યાએ લગભગ 50 હજાર લીટરની ક્ષમતાની એક વૉટર ટેન્ક બનાવી તેને પાઈપલાઈન સાથે જોડી અને આ ટેન્કનું ગામના ઘરે-ઘરે કનેક્શન છે. પીવાના પાણીની સુવિધા માટે ગામલોકોએ મળીને સામુદાયિક આરઓ પ્લાન્ટ લગાવડાવ્યો છે.

અહેસાન અલી જણાવે છે કે, આ આરઓ પ્લાન્ટ સરકારી નથી, પરંતુ ગામ દ્વારા જ પ્રાઇવેટ રીતે લગાવવામાં આવ્યો છે. એટલે તેને સાચવવાની જવાબદારી ગામલોકો અને ગામ પર છે, જેના માટે બધા જ ગામલોકો પાણી લેવા માટે ટોકન તરીકે 5 રૂપિયા આપે છે. હવે ગામમાં પાણી સંબંધિત કોઈજ સમસ્યા નથી, જેના માટે ગામની ‘પાણી સમિતિ’ સંપૂર્ણ લગન અને મહેનતથી કામ કરે છે. આ પાણી સમિતિ ગામના જ કેટલાક વડિલો અને યુવાનોની બનાવવામાં આવી છે, જેના પર ગામના પેયજળની સુવિધાની જવાબદારી છે.
વિકાસ કાર્યો પર નજર રાખવા 33 સમિતિઓ
ગામમાં સ્વચ્છતા સમિતિ, વૃક્ષા રોપણ, ગૄહ ઉદ્યોગ સમિતિ વગેરે સહિત કુલ 33 સમિતિઓ છે. આ સમિતિઓ ગ્રામવાસીઓનાં જ અલગ-અલગ સમૂહ છે, જેના પર ગામના વિકાસ સંબંધિત અલગ-અલગ જવાબદારીઓ છે.
આ બાબતે સરપંચ અહેસાન અલીએ કહ્યું, “અમારે ગામની સફાઈ માટે અલગથી માણસો રાખવાની જરૂર નથી. કારણકે સ્વચ્છતા સમિતિના સભ્યો નિયમિત રૂપે ગામની સફાઈ કરતા રહે છે. કચરાને ભેગો કરવા અમે એક ટ્રેક્ટર ટ્રોલી રાખી છે. આ ટ્રેક્ટર દરરોજ ગા્મના ઘરે-ઘરેથી કચરો ભેગો કરે છે અને પછી તેને પ્રબંધન માટે મોકલી દેવામાં આવે છે.”
સ્વચ્છતાની સાથે-સાથે ગામલોકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ પર પણ બહુ ધ્યાન આપવામાં આવે છે. સમયાંતરે ગામમાં સ્વાસ્થ્ય જાગૃતિ કેમ્પ લગાવવામાં આવે છે અને સાથે-સાથે ગામમાં પોતાનું એક જિમખાના, મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ પણ છે. ગામમાં સમયાંતરે ખેલોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં યુવાનોથી લઈને યાવના વૃદ્ધો પણ ભાગ લે છે.
કૃષિ અને પશુપાલન પર આધારિત જેઠીપુરા ગામમાં ખેડૂતોની મદદ માટે સેવા સહકાર સમિતિ કાર્યરત છે, તો ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી પણ છે. ફસલ કાપ્યા બાદ અનાકના ભંડારણ માટે પણ ગ્રામ પંચાયતે બે ગોદામોની વ્યવસ્થા કરી છે.

ગામમાં પોતાનો રિટેલ સ્ટોર
ગામમાં 13 સખી મંડળ છે અને અહીંની મહિલાઓનો પોતાનો રિટેલ સ્ટોર પણ છે, જેને ‘અલંકર અપેરલ્સ’ નામ આપવામાં આવ્યું છે. અહીં મળતાં બધાં કપડાં ગામની મહિલાઓ જ બનાવે છે. ગામની મુલાકાતે આવતા સરકારી અધિકારીઓ અને અન્ય મહેમાનો પણ આ સ્ટોરમાંથી કઈંક ને કઈંક ચોક્કસથી ખરીદે છે. આ રીતે ગામમાં મોટાભાગના લોકો કોઈને કોઈ રોજગાર સાથે જોડાયેલ છે.
અહેસાન અલી વધુમાં જણાવે છે કે, સરકારની મનરેગા યોજના અંતર્ગત ગામના 50 લોકોને રોજગારી મળી છે. આ સિવાય, જરૂરિયાતમંદ લોકો માટે બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 33 ઘર બનાવવામાં આવ્યાં છે.
ગ્રામ પંચાયત ભવનમાં બધાંજ કામો અંગે ડિઝિટલ માહિતી ઉપલબ્ધ છે. કોઈપણ ગામલાકોને પોતાની જમીનના રેકોર્ડ જોવા કે પછી વિજળીનું બિલ ભરવા શહેરના ધક્કા ખાવા નથી પડતા. તેઓ બસ પંચાયત ભવન સુધી જાય એટલે તેમનાં કામ થઈ જાય છે તરત જ.
પોતાના આસપાસના વિસ્તારમાં મિસાલ બની ચૂકેલ જેઠીપુરા ગ્રામપંચાયતને અત્યાર સુધીમાં નિર્મળ ગામ, પાવન ગામ, સ્વસ્થ અને સ્વાસ્થ્ય ગામ, સમરસ ગામ અને આદર્શ વિજળીકરણ ગામ જેવા 10 રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારોથી નવાજવામાં આવી છે.
ગામ એજ, વિચારરસણી નવી
જેઠીપુરા ગ્રામ પંચાયતનો ઉદેશ્ય ગામનો વિકાસ માત્ર ઈંફ્રાસ્ટ્રક્ચર કે ટેક્નિકલ સ્તરે કરવાનો જ નથી, પરંતુ નવી અને પ્રગતિશીલ વિચારસણીમાં પણ એગ્રેસર રહેવાનો છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે, મોહરમના દસમા દિવસે એટલે કે, ‘યૌમ-એ-આસુરા’ ના દિવસે બધા જ ગામલોકો રક્તદાન કરે છે. હજરત ઈમામ હુસૈનના અનુયાયી શિયા મુસ્લિમ એ દિવસે તેમની યાદમાં તાજિયા કાઢે છે અને ઘણા લોકો પોતાના પર કોડાઓની વરસાદ કરી લોહી વહાવે છે.
પરંતુ જેઠીપુરાના બધા જ ગામલોકોએ આ પરંપરા અંગે ઊંડાણથી વિચારતાં નિર્ણય લીધો કે, આ દિવસે ગામની દરેક વ્યક્તિ રક્તદાન કરશે. જેથી તેમની આસ્થા પણ જળવાઈ રહેશે અને કોઈ જરૂરિયાતમંદની મદદ પણ થશે. આ જ રીતે ગામલોકોનું માનવું છે કે, માનવતાથી વધીને બીજો કોઈ ધર્મ નથી અને એટલે ગામમાં નવરાત્રી અને ઈદ બંને તહેવાર સામુહિક રૂપે ઉજવવામાં આવે છે.
ભવિષ્યમાં જેઠીપુરા ગ્રામ પંચાયત તેમના ગામને કૃષિ ક્ષેત્રમાં વધારે મજબૂત કરવા માટે કામ કરશે. અંતમાં અહેસાન અલી જણાવે છે કે, આગામી 2-3 વર્ષમાં જટ્રોફા કરકસ એટલે કે, રતનજ્યોત (જંગલી એરંડી) નાં ઝાડ વાવવા અંગે કામ કરશે. રિસર્ચ અનુસાર, રતનજ્યોત બાયોડીઝલ માટે એક સારો વિકલ્પ છે અને આગામી વર્ષોમાં આ ઉર્જા સંસાધન તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. એટલા માટે જેઠીપુરા ગ્રામ પંચાયત અત્યારથી જ આ બાબતે કામ કરવા અંગે વિચારે છે.
બીજુ તેઓ ગામમાં એક સોર્ટેક્સ પ્લાન્ટ લગાવવાની યોજના પર કામ કરે છે. સોર્ટેક્સ મશીનની મદદથી ખેતીથી ફળથી ફસલના દાણાના આકાર, રંગ વગેરેના આધારે અલગ કરવામાં આવી શકે છે અને અનાજની શુદ્ધતા અને ગુણવત્તા પણ વધી જાય છે.
ગુજરાતની જેઠીપુરા ગ્રામ પંચાયત માત્ર વિકાસ બાબતે જ નહીં પરંતુ સામાજિત રીતે પણ નવીન અને પ્રગતિશીલ વિચારસરણી માટે આખા દેશમાં એક મિસાલ છે. ભારતના ગામ અને શહેર, બંને જગ્યાએ રહેતા લોકો આ ગામના નિવાસીઓ પાસેથી એકતા અને ભાઈચારાની પ્રેરણા લઈ શકે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.