ગુજરાતના અમદાવાદમાં રહેતા પરેશ પંચાલ ન તો IIT થી ભણ્યા છે કે ન તો કોઇ મોટી મિકેનિકલ કંપનીમાં ટ્રેનિંગ લીધી છે. છતાં તેમનું નામ આજે દેશના જાણીતા અને પ્રભાવશાળી ઇનોવેટર્સમાં આવે છે.
માત્ર આઠમા ધોરણ સુધી ભણેલ પરેશે ક્યારેય વિચાર્યું પણ નહોંતુ કે, એક દિવસ તેમની બનાવેલ મશીનો ગ્રામિણ ભારતમાં બદલાવનું પ્રતિક બનશે. પરંતુ તેમણે પોતાની મહેનત અને લગનથી સાબિત કર્યું કે, ઈનોવેશન માટે કોઇપણ જાતની ડિગ્રીની જરૂર નથી, પરંતુ આ જરૂરિયાતના કારણે થાય છે. એટલે જ તેમનાં સંશોધનો પણ સામાન્ય લોકો માટે જ હોય છે, જેથી ગામલોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય.
એક સામાન્ય પરિવારમાંથી આવતા પરેશભાઇનું જીવન તેમના પિતાના દેહાંત બાદ બિલકુલ બદલાઇ ગયું. તેઓ 19-20 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું મૃત્યુ થયું અને ત્યારબાદ તેમના માથે આખા પરિવારની જવાબદારી આવી ગઈ.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં પરેશે જણાવ્યું, “તે સમયે કોઇ વાતની ચિંતા નહોંતી. મને જે ગમતું એ કરતો. પરંતુ પપ્પાના દેહાંદ બાદ બધુ જ બદલાઇ ગયું. પરિવારની જવાબદારી મારા માથે આવી ગઈ અને પછી મેં સંપૂર્ણ મન પપ્પાના વર્કશોપ પર કામ કરવામાં લગાવ્યું.”
પિતાના વર્કશોપ પર કામ કરતાં તેમણે લોકોની જરૂરિયાત પ્રમાણે મશીનો મોડિફાઇ કરવાનાં શરૂ કરી દીધાં. તે ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે મશીન બનાવીને આપે અને આ જ ક્રમમાં એકવાર કોઇએ તેમને પતંગની દોરી વીંટવાની ફીરકીનું એવું મશીન બનાવવા કહ્યું કે, પતંગ કપાઇ જાય એટલે, દોરી તેની મેળે જ ફીરકીમાં વીંટાઇ જાય.
પરેશભાઇ જણાવે છે કે, અહીં લોકોને પતંગ ઉડાડવાનો જબરદસ્ત શોખ હોય છે અને પતંગ-દોરીનો વ્યાપાર પણ એટલો જ જબરદસ્ત ચાલે છે. એટલે જ તેમને પણ લાગ્યું કે, તેઓ કઈંક આવું કરવામાં સફળ થઈ જાય તો ઘણા લોકોને તેમનું કામ ગમશે. તેમણે આ મશીન પર કામ કરવાનું શરૂ કર્યું અને તેમનું આ ‘મોટરાઇઝ્ડ થ્રેડ-વાઇન્ડર’ મશીન બનીને તૈયાર થયું તો, હાથોહાથ વેચાવા લાગ્યું.

તેમની બનાવેલ મોટરાઇઝ્ડ ચકરીમાં તમારે દબાવવાનું રહેશે માત્ર એક બટન અને બધો જ દોરો તેની જાતે જ ફીરકીમાં વીંટાઇ જશે. આનાથી દોરીમાં ગાંઠ નથી પડતી અને હાથમાં દોરી વાગવાની બીક પણ નથી લાગતી.
વર્ષ 2007 માં તેમના બનાવેલ ઈનોવેશનને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યું. જ્ઞાન સંગઠન સાથે સંપર્કમાં રહી પરેશ નાનાં-મોટાં અલગ-અલગ ઈનોવેશન પર કામ કરે છે. પરેશના કામને જોતાં ઉદયપુરના વન વિભાગના અધિકારી ઓપી શર્માએ તેમને રાજસ્થાનના નાનકડા આદિવાસી ગામમાં આમંત્રિત કર્યા.
પરેશે જણાવ્યું, “આ ગામના લોકો અગરબત્તી બનાવીને રોજી-રોટી રળે છે. અગરબત્તી બનાવવાનાં બધાં જ કામમાં વાંસ છોલવો, અગરબત્તી માટે બાકીની સામગ્રી બનાવવી અને પછી તેનું અંતિમ રૂપ આપવું આ બધુ જાતે કરતા હતા. આ બધાં જ કામ જાતે કરવાથી તેઓ એક દિવસમાં બહુ ઓછી અગરબત્તી બનાવી શકે છે અને સાથે-સાથે હાથમાં વાગી પણ જાય છે. એટલે શર્માજી ઇચ્છતા હતા કે, આ ગામના લોકો માટે કઈંક બનાવું, જેથી તેમનાં કામ સરળ થઈ જાય અને તેમની આવક પણ વધે.”

આ ગામલોકોને મશીનની જરૂર હતી અને એટલે પરેશે તેમને પૂછ્યું કે, તેમને કેવું મશીન જોઇએ છે. જેના જવાબમાં બધાંએ એકજ જવાબ આપ્યો કે, કઈંક એવું કે, એક હેન્ડલ મારતાં જ વાંસમાંથી સ્ટીક બની જાય અને પછી એક હેન્ડલથી અગરબત્તી બની જાય. પરેશે આ ગામલોકોની વાત સાંભળો અને પછી અમદાવાદ પાછા આવી ગયા.
તેના થોડા સમય બાદ પરેશ ગામલોકો પાસે તેમની ઇચ્છા અનુસારનું મશીન લઈને પહોંચ્યા. ત્યાંના બધા જ અધિકારીઓ વચ્ચે મશીનનું પ્રદર્ષન કર્યું અને તેમણે જણાવ્યું કે, આ મશીનને વિજળી વગર માત્ર એક હેન્ડલથી ચલાવી શકાય છે.
તેમણે બે મશીન ‘બેમ્બૂ સ્પલિંટ મેકિંગ મશીન’ એટલે કે વાંસની સ્ટ્રિપ બનાવવાનું મશીન અને ‘ઈન્સેન્સ સ્ટ્રિક મેકિંગ મશીન’ એટલે કે અગરબત્તી બનાવવાનું મશીન બનાવ્યું. આ મશીનોની મદદથી એકજ દિવસમાં 3500 થી 4000 અગરબત્તી બનાવી શકાય છે. સાથે-સાથે તેમાં વિજળીનો પણ કોઇ ખર્ચ નથી અને કોઇને વાગવાની બીક પણ નથી રહેતી.

પરેશે જણાવ્યું, “જ્યારે મેં આ મશીન એ ગામલોકોને આપ્યું તો તેઓ ખુશીથી નાચી ઊઠ્યા. તેમના ચહેરા પર રાહતનો ભાવ જોઇ મારા મનને એટલો સંતોષ મળ્યો જેટલો કરોડો કમાઇને પણ ન મળે કદાચ. એજ સમયે વન વિભાગે મને આવાં 100 મશીન બનાવવાનો ઓર્ડર આપ્યો જેથી આખા ગામમાં આ મશીન આપી શકાય.”
તેમના આ મશીનની કિંમત 15, 600 રૂપિયા છે. તેમને આ ઈનોવેશન માટે રાષ્ટ્રપતિએ પણ સન્માનિત કર્યા છે. તેમનું આ ઇનોવેશન ગ્રામિણ સ્તરે ખૂબજ સફળ છે, કારણકે તેની મદદથી ગામલોકો માટે રોજગારનું નવું સાધન ઊભુ થયું છે.
અગરબત્તી બનાવવાના મશીન બાદ તેમણે એક ગ્રાસરૂટ્સ ઈનોવેટર ગોપાલ સિંહ સાથે મળીને ‘છાણમાંથી કૂંડાં બનાવવાના મશીન’ પર કામ કર્યું. તેમનું આ મશીન પણ ગ્રામીણ ભારતમાં રોજગારીનું સાધન ઉભુ કરવામાં બહુ સફળ રહ્યું. આ કુંડામાં છોડ વાવવાવી તેને કુંડામાં કે જમીનમાં સીધું મૂકવાથી આ છોડને ખાતરની જરૂર નથી પડતી. છોડનો વિકાસ પણ બહુ સારો થાય છે. આ મશીન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો!
વિડીયોમાં જુઓ કુંડાં બનાવવાનું મશીન:
આ સિવાય પરેશભાઇએ છાણમાંથી દિવાનાં કોડિયાં બનાવવાનું મશીન પણ બનાવ્યું છે. જે પર્યાવરણના સંવર્ધનની સાથે-સાથે રોજગારી પણ વધારે છે.
વિડીયોમાં જુઓ કેવી રીતે બને છે કોડિયાં:
પરેશને આ સંશોધનો માટે દેશના ચાર રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ, પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિંદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના માટે સૌથી વધુ ખુશીની વાત એ છે કે, તેમનાં બનાવેલ મશીનો માત્ર ગામડાંમાં જ નહીં પરંતુ ઘણા જેલ અધિકારીઓ દ્વારા કેદીઓના ઉત્થાન માટે ઉપયોગમાં લેવાય છે.

સૌથી પહેલાં તેમની અગરબત્તી બનાવતા મશીનને કોલકાતાના અલીપુર મહિલા જેલ દ્વારા ખરીદવામાં આવ્યું જેથી ત્યાંથી મહિલા કેદીઓને રોજગાર શીખવાડી શકાય. કોલકાતા બાદ ગુરૂગ્રામ જેલ અને ઉત્તર પ્રદેશની દસના જેલમાં પણ આ મશીનો ખરીદવામાં આવ્યાં. અહીં તેમણે જેલના અધિકારીઓ અને કેદીઓના ટ્રેનિંગ વર્કશોપ પણ કર્યા.
આજે પરેશ Dolphin Engimech Innovative Pvt Ltd કંપનીના માલિક છે અને તેમની કંપનીનું ટર્નઓવર એક કરોડ કરતાં પણ વધુ છે. પરંતુ તેમને આ નામ અને જગ્યા સરળતાથી નથી મળી. તેમની આ સફરમાં ઘણી મુશ્કેલીઓ આવી અને આ બધામાં સૌથી મોટો પડકાર હતો, તેમના 15 વર્ષિય દીકરાનું મૃત્યું. લગભગ બે વર્ષ પહેલાં એક દુર્લભ બીમારીના કારણે તેમણે તેમના દીકરાને ખોયો.
પરેશની જગ્યાએ જો કોઇ બીજું હોત તો, દીકરાના વિસાદમાં બધુ ત્યાગીને બેસી જાય, પરંતુ પરેશે આવું ન કર્યું અને જીવનનું લક્ષ્ય બદલી નાખ્યું.
તે કહે છે, “તેના ગયા બાદ મને લાગ્યું કે, જીવન કેટલું નાનું છે અને એટલે જ આપણે પ્રયત્ન કરવો જોઇએ કે, જીવનમાં કોઇનું ભલું થઈ શકે. આપણે ગમે તેટલા પૈસા કમાઇ લઈએ, તેને સાથે લઈ જઈ નહીં શકો. આપણે પ્રયત્ન કરવો જોઇએ કે, આપણે સાથે કોઇની દુવાઓ, આશીર્વાદ લઈને જઈને.”

હવે પરેશનો ઉદ્દેશ્ય ગામના લોકોની જરૂરિયાતોના હિસાબે તેમના માટે મશીન બનાવવાનો છે. તે કોઇ મોટી કંપની કે પછી મોટી બ્રાન્ડ માટે શોધ કરવાની જગ્યાએ સામાન્ય લોકો માટે કઈંક કરવા ઇચ્છે છે. તેઓ વિચારે છે કે, તેમની આ કળાના કારણે ભારતમાં લોકોના જીવનમાં સુધારો કરી શકાય છે.
આ સંદેશમાં તેઓ માત્ર એટલું જ કહેવા ઇચ્છે છે કે, “જો તમારી પાસે કોઇપણ આઇડિયા હોય જે ગામલોકોના જીવનને બદલી શકે છે તો મને જણાવો. હું તેમાંથી ઇનોવેશન/મશીન બનાવીને આપીશ અને જે પણ રીતે મદદ થઈ શકે, હું કરીશ. મારે મારા માટે કઈં નથી જોઇતું. હું બસ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર ખુશી જોવા ઇચ્છું છું. આ જ મારા માટે સૌથી મોટો સંતોષ છે.”
જો તમને પરેશ પંચાલની કહાની ગમી હોય અને તમે તેમનું બનાવેલ મશીન ખરીદવા ઇચ્છતા હોય કે તમારી પાસે પણ કોઇ એવો વિચાર હોય જેનાથી ગામ લોકોનું ભલું થઈ શકે તો પરેશ પંચાલનો 09429389162 પર સંપર્ક કરો.
આ રીતે કામ કરે છે અગરબત્તી બનાવવાનું મશીન:
આ પણ વાંચો: મધ ઉછેરને મુખ્ય વ્યવસાય બનાવનાર ઉત્તર ગુજરાતના આ ખેડૂત બન્યા પ્રેરણા, 100 ખેડૂતો કરે છે તેમની સાથે કામ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.