આજનાં જમાનામાં કંઈ પણ નવું કરનારા લોકો ઘણીવાર એવાં જુગાડમાં રહે છે કે, કોઈ તેનાં આઈડિયાને કોપી ન કરે. પરંતુ જ્યારે આ એક ઈનોવેટર એવા છે, જે ઈચ્છે કે, તેમના આઈડિયા કોપી થાય અને આખા દેશનાં લોકો સુધી પહોંચે.
ભાંજીભાઈ માથુકિયા, એક ખેડૂત અને એક ઈનોવેટર- જે ના તો ક્યારેય સ્કૂલે ગયા અને ન તો કોઈ પ્રકારની એન્જીનિયરિંગ કોલેજમાં ગયા, પરંતુ આજે IIT, IIMનાં વિદ્યાર્થીઓ તેમની પાસે આવીને પોતાના પ્રોજેક્ટ માટે મદદ માંગે છે. તેમણે પોતાના અનોખા આવિષ્કારો માટે દેશનાં રાષ્ટ્રપતિ પાસેથી સમ્માન તો મેળવ્યુ જ છે, સાથે જ તેમને વિદેશોમાં જવાની તક પણ મળી છે.
રેડિયો પાસેથી મળ્યુ જ્ઞાન
ગુજરાતમાં જૂનાગઢથી લગભગ 55 કિમી દૂર કાલાવડ ગામના એક ખેડૂત પરિવારમાં જન્મેલાં ભાંજીભાઈ બાળપણથી જ તેજ અને રચનાત્મક મગજવાળા હતા. દર થોડા દિવસોમાં તેમના કરેલાં કારનામાને ગામલોકો અને ઘરના લોકો જોતા જ રહી જતા હતા. પછી તે નાની-નાની લાકડીઓને એકત્ર કરીને ઘરની ડિઝાઈન બનાવવાની હોય કે, ખેતરમાં ઉભી થતી મુશ્કેલીઓનો પોતાના જુગાડથી ઉકેલ લાવવાનો હોય.

“ક્યારેય સ્કૂલે જવાની તક તો નથી મળી, પરંતુ તેમણે ગુજરાતી ભાષાને લખતા-વાંચતા શીખી, બાકી જે પણ કોઈ દુનિયાદારી શીખી, તેનું જ્ઞાન તેમને રેડિયોથી મળ્યુ. તેઓ હંમેશા રેડિયો સાંભળતા હતા અને તેમને દેશ-દુનિયાના સમાચારો સિવાય વિજ્ઞાન અને ટેક્નોલોજી વિશે આવતા પ્રોગ્રામ પણ ઘણા પસંદ હતા. આજે તેઓ પોતાના જ્ઞાનનું બધુ જ ક્રેડિટ રેડિયોને આપે છે,” ભાંજીભાઈનાં પૌત્ર અમિતે કહ્યુ.
પહેલું સફળ ઈનોવેશન- વનરાજ ટ્રેક્ટર
ખેતરોમાં કામ કરતા અને ખેડૂતો સાથે વાતો કરતા, ભાંજીભાઈનાં મગજમાં જાત-જાતનાં આઈડિયા આવતા હતા. તેમનો ફક્ત એક જ ઉદ્દેશ્ય રહેતો કે, કેવી રીતે તેઓ ખેડૂતો માટે કશું કરી શકે, જેથી તેમની તકલીફો ઓછી થાય. વર્ષ 1990ની આસપાસ તેમના ગામમાં એક ફોર્ડ ટ્રેક્ટર આવ્યુ. ગામલોકો માટે તે તદ્દન નવી ટેક્નોલોજી હતી, દરેક લોકોને લાગ્યુ કે, ટ્રેક્ટર તેમની મહેનતને થોડી ઘટાડી દેશે.

પરંતુ ભાંજીભાઈએ જ્યારે ટ્રેક્ટર અને તેનાં ઉપયોગ વિશે ઉંડો વિચાર કર્યો તો તેમને સમજાયુ કે, મોટા ખેતરો માટે આ 25 હોર્સપાવરવાળું ટ્રેક્ટર તો ઠીક છે. પરંતુ જે ખેડૂતો પાસે જમીન ઓછી છે તેમનુ શું? અને પછી એવા ખેડૂતો જેઓ લાખો રૂપિયા આપીને ટ્રેક્ટર ખરીદી શકતા નથી તેઓનું શું?
ખેડૂતોની આ પરેશાની માટે હવે તેમણે ઉકેલ શોધવાનું શરૂ કર્યુ. તેના માટે તેમણે એક ભંગારવાળા પાસેથી જૂના સ્પેરપાર્ટસ લીધા જેવા કે, જૂની કમાંડર જીપનું એન્જીન અને પૈડા, જેનો ઉપયોગ તેમણે એક થ્રી વ્હીલ ટ્રેક્ટર બનાવવા માટે કર્યો.
આ રીતે તેમણે નાના ખેડૂતો માટે 10 હોર્સપાવરનું ટ્રેક્ટર બનાવ્યુ. આ ઈનોવેશનનો ખર્ચ તેમને તે સમયે લગભગ 30 હજાર રૂપિયામાં પડ્યો.
પોતાના આ ટ્રેક્ટરનો તેમણે સૌથી પહેલાં પોતાના જ ખેતરમાં ઉપયોગ કર્યો. તેમનું ઈનોવેશન સફળ હતુ. પરંતુ થોડા દિવસ બાદ જ આ ટ્રેક્ટર બંધ પડી ગયુ અને તેનું કારણ તેના જૂના સ્પેરપાર્ટસ હતા. નવા સ્પેરપાર્ટસ ખરીદવામાં તેમના મિત્રએ તેમની મદદ કરી અને પછી દિવસ-રાતની મહેનત બાદ તેમણે પોતાનું 10 હોર્સપાવરવાળું ટ્રેક્ટર, ‘વનરાજ’ તૈયાર કર્યુ. જેનો ખર્ચ તેમને અન્ય ટ્રેક્ટરોની તુલનામાં 50% કરતાં પણ ઓછો, લગભગ 1 લાખ 60 હજાર રૂપિયામાં પડ્યો હતો.

વનરાજનો ઈતિહાસ
સૌથી પહેલાં તેની ડિઝાઈન બહુજ સિમ્પલ હતી, જેથી કોઈ પણ સમસ્યા થાય તો ખેડૂત જાતે જ તેને રિપેર કરવામાં સક્ષમ હોય. આ મિની ટ્રેક્ટરની મોટી ખસિયત એ હતી, કે તેનાં ફ્રંટ એક્સેલને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યુ છે કે, ટ્રેક્ટરને સરળતાથી ત્રણ પૈડામાંથી ચાર પૈડામાં અને ચાર પૈડામાંથી ત્રણ પૈડામાં બદલી શકાતું હતુ. તેઓ આગળ જણાવે છે કે, ચાર પૈડાવાળું ટ્રેક્ટર ખેતરમાં ઘણું કારગર છે. તેનાંથી ખેતરને ખેડવાનું હોય કે, સમતલ કરવાનું હોય, કંઈ પણ બહુજ સરળતાથી ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં થઈ જતું હતુ. બાકી ત્રણ પૈડાવાળા મોડલ ટ્રાંસપોર્ટેશનનાં કામ માટે સારો વિકલ્પ છે.
વનરાજને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં પ્રોફેસર અને એન્જીનિયરે ટેસ્ટ કર્યો છે. અને તેમણે જ તેને એક સફળ આવિષ્કાર કર્યુ હોવાની મહોર લગાવી હતી. સાથે જ, તેમણે કહ્યુકે, આની મદદથી ખેડૂતોનો ખેતીનો ખર્ચ બહુજ હદ સુધી ઘટ્યો છે.
ભાંજીભાઈ અન્ય ખેડૂતોની માંગ પર આ મિની ટ્રેક્ટર તેમને બનાવીને આપવા લાગ્યા હતા. પોતાના ટ્રેક્ટર સિવાય તેમણે બીજા 8 પ્રકારનાં ટ્રેક્ટર બનાવ્યા છે.

પરંતુ પછી વર્ષ 1993માં રીજનલ ટ્રાંસપોર્ટ ઓફિસરે તેમના ટ્રેક્ટરને રોકી દીધા અને તેમની ધરપકડ કરી લીધી. કારણકે, તેમણે પોતાના ટ્રેક્ટરને RTO પાસ કરાવ્યા ન હતા. વાસ્તવમાં ભાંજીભાઈને આ બધી જ વસ્તુઓ વિશે કોઈ જાણકારી ન હતી. તેઓ તો બસ તેમના જેવા ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગતા હતા.
ત્યારબાદ દંડ ભરીને ભાંજીભાઈને છોડાવવામાં આવ્યા હતા. પરંતુ આ ઘટનાથી તેમના મનને ઘણું દુખ થયુ હતુ. તેમણે પોતાના ટ્રેક્ટરનો ઉપયોગ બંધ કરી દીધો અને તે બાદ કોઈ અન્ય ઈનોવેશન વિશે વિચાર્યુ નહી.
આ વિશે જણાવતા તેમણે કહ્યુ, “તે જ વર્ષે, IIM અમદાવાદનાં પ્રોફેસર અનિલ ગુપ્તા જૂનાગઢમાં પોતાની શોધયાત્રા માટે આવ્યા અને તેમને ‘વનરાજ’ વિશે જાણવા મળ્યુ. તેમણે આ ટ્રેક્ટરની આખી ડિઝાઈન અને તેના ફાયદાઓ સમજ્યા. ત્યારબાદ, તેમણે જ ‘વનરાજ’ને પેટન્ટ કરાવવાનાં પ્રયાસો શરૂ કર્યા.”
પ્રોફેસર અનિલ ગુપ્તાનાં પ્રયાસોને કારણે વર્ષ 2002માં ભાંજીભાઈને તેમના આ ટ્રેક્ટરનું પેટન્ટ મળી ગયુ. જોકે, હજી સુધી કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપનીએ તેમની પેટન્ટ ખરીદી નથી.
“અમારી પાસે એટલા સાધનો નથી કે, અમે જાતે અમારી પેટન્ટ પર હાઈ લેવલનાં ટ્રેક્ટરો બનાવી શકીએ. તેના માટે કોઈ મોટી કંપનીએ જ કામ કરવું પડશે, પરંતુ ખબર નથી તે ક્યારે થશે?”
તેના સિવાય તેમની આ ડિઝાઈનની કોપી કરીને બહુજ લોકો કામ કરી રહ્યા છે. પરંતુ ભાંજીભાઈને તેની સાથે કોઈ વાંધો નથી. પરંતુ તેઓ કહે છે કે, ‘જો બીજા લોકો કોપી કરીને મારી આ ડિઝાઈન દેશભરનાં ખેડૂતો સુધી પહોંચાડી શકે છે અને તેમના માટે હિતકર થઈ રહ્યુ છે તો મને કોઈ વાંધો નથી. કારણકે, મારો ઉદ્દેશ્ય ખેડૂતોની ભલાઈ કરવાનો છે.’

ઓછા ખર્ચમાં ચેક ડેમ
પ્રોફેસર અનિલ ગુપ્તાનાં સંપર્કમાં આવ્યા બાદ ભાંજીભાઈને તેમના આઈડિયા ઉપર કામ કરતાં રહેવાની પ્રેરણા મળી હતી. તેમણે જાતે તેમની સાથે શોધયાત્રા ઉપર જવાનું શરૂ કરી દીધુ હતુ. આ દરમ્યાન તેમને રાજસ્થાનમાં ‘તરૂણ ભારત સંઘ’ દ્વારા જળ-સંરક્ષણની દિશામાં કરવામાં આવતા કાર્યોની જાણ થઈ હતી.
ગુજરાતમાં પણ પાણીની સમસ્યા સતત વધી રહી હતી. ઘટી રહેલાં ભૂજલ સ્તર આજે પણ પરેશાનીનું કારણ બનેલું છે. તેનો ઉકેલ નદીઓ ઉપર ડેમ બનાવીને લાવી શકાય છે. પરંતુ તેનાંથી બહુજ ખર્ચ થઈ જાય છે. એટલા માટે ભાંજીભાઈએ એવી ડિઝાઈન ઉપર કામ કર્યુ, જેમાં ખર્ચ ઓછો થાય અને જલ્દી બનીને તૈયાર થઈ જાય.
તેમના ગામમાંથી પસાર થતી ધરફાડ નદી ઉપર માત્ર 4 દિવસોમાં 4 મજુરો સાથે મળીને માત્ર 10 હજાર રૂપિયાનાં ખર્ચ સાથે ચેક ડેમ બનાવ્યો. અને આ ડેમ સફળ પણ રહ્યો હતો.
શું છે તેમની ડિઝાઈન
આ ડેમના ડિઝાઈનનો વિચાર તેમને જૂના રેલવે બ્રિજ પરથી મળ્યો હતો. તેમણે નદીમાં પથ્થરો અને ઈંટોની મદદથી અર્ધગોળાકાર સીમા બનાવી. પછી જ્યારે આ સીમા મજબૂત થઈ ગઈ તો તેની ઉપર તેમણે 11*15 ઇંચનાં કેટલાંક પથ્થર લઈને નદીનાં વહેતા પાણીમાં બંધ બનાવવાનો શરૂ કર્યો હતો. બે પથ્થરોની વચ્ચે તેમણે થોડો ગેપ રાખ્યો અને આ ગેપને બાદમાં માટી, કાંકરા અને સીમેન્ટની મદદથી ભરી દીધો હતો. તેનાંથી તે ઘણો મજબૂત થઈ ગયો હતો.
તેમના આ ચેક ડેમથી વરસાદનું પાણી વહેવાની જગ્યાએ સ્ટોર થવા લાગ્યુ, જેનાથી ભૂજળનું સ્તર વધ્યુ અને ગામનાં કુંવા પણ રિચાર્જ થઈ ગયા. નદીની આસ-પાસનાં ક્ષેત્રમાં હરિયાળી વધી ગઈ અને ખેડૂતોને સિંચાઈ માટે પુરતું પાણી પણ મળી ગયુ.
“ત્યારબાદ, અમે વાપીમાં આવો ડેમ બનાવ્યો, કેટલાંક ખેડૂતો બોલાવવા માટે આવ્યા હતા. પછી રાજસ્થાનનાં કેટલાંક ગામડાઓમાં આ પ્રકારનાં ઘણા ડેમ બનાવ્યા હતા. એવું કરીને લગભગ 25 ડેમોનું નિર્માણ કર્યુ, હજી પણ કોઈ આવે જેને મદદ જોઈએ તો અમે બિલકુલ તૈયાર રહીએ છીએ.”
ભાંજીભાઈની આ ડિઝાઈનને સમજવા અને તેના વ્યાપક સ્તર પર ઉપયોગ કરવાનાં ઉદ્દેશ્ય સાથે IIT કાનપુરનાં વિદ્યાર્થીઓનું એક ગ્રુપ તેમની પાસે આવ્યુ હતુ. તેમણે આ ડેમને કોઈ પણ સરકારી મદદ વગર જ તૈયાર કર્યો હતો. અને બીજા ખેડૂતોને પણ સલાહ આપી કે, તેઓ ફંડ એકત્ર કરીને અથવા તો મનરેગા હેઠળ એવા ડેમોનું નિર્માણ પોતાના ગામમાં કરી શકે છે.

મળ્યુ રાષ્ટ્રીય સમ્માન
ભાંજીભાઈને તેમના ઈનોવેશન માટે નેશનલ ફાઉન્ડેશન ઓફ ઈનોવેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2002માં પૂર્વ રાષ્ટ્રપતિ કલામે તેમને સન્માનિત કર્યા હતા. અમિત જણાવે છે કે, તેમના દાદાજી માટે આ સપનાં જેવું હતુકે, કલામનાં હાથે તેમને સમ્માન મળે.
તેમણે આજે પણ તે બધા જ ફોટા સાચવીને રાખ્યા છે, જો તેમને કોઈ તેના વિશે પૂછે તો તે હોંશે-હોંશે જણાવે છે. ત્યારબાદ તેમને NIF દ્વારા જ 2017માં લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ભાંજીભાઈ દક્ષિણ આફ્રિકામાં થયેલી કોમનવેલ્થ સાયન્સ કાઉન્સિલમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે. સાથે જ, તેઓ નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનની અનુસંધાન સલાહકાર સમિતિ(રિસર્ચ એડવાઈઝરી કમિટી)ના સદસ્ય પણ રહી ચૂક્યા છે.
બેશક, આવડત કોઈ ડિગ્રી, કોઈ ઉંમરની મોહતાજ હોતી નથી અને ભાંજીભાઈ આ વાતનું જીવંત ઉદાહરણ છે.
અંતમાં તેઓ ફક્ત એક વાત કહે છે, “મારો ઉદ્દેશ્ય હંમેશા એ જ રહ્યો છે કે, મારું ઈનોવેશન ઓછા ખર્ચનું હોય અને જે પહેલાંથી જ ઉપલબ્ધ વસ્તુઓ છે તેનાંથી સારું થઈ શકે, જેથી દેશનાં ગરીબ ખેડૂતોનું સારું થઈ શકે.”
ધ બેટર ઈન્ડિયા, દેશના આ અનમોલ રત્નને સલામ કરે છે, જેમણે તેમનું જીવન ગામ અને ખેડૂતોનાં ઉત્થાન માટે સમર્પિત કરી દીધુ છે. જો તમે પણ ભાંજીભાઈ માથુકિયા સાથે સંપર્ક કરવા માગો છો તો તેમને 9033342205 પર કોલ કરી શકો છો. અથવા તો mathukiya3@gmail.com પર મેલ કરી શકો છો.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: 3 વર્ષ બાદ પણ લોકો નથી ભૂલ્યા આ ગુજરાતીના લગ્નને, કંકોત્રી પહોંચી હજારો લોકો સુધી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.