Search Icon
Nav Arrow
Gujarat Innovators
Gujarat Innovators

આ બે ગુજરાતી મિત્રોએ દિવેટનું મશીન બનાવી આપી 6000 કરતાં વધુ મહિલાઓને રોજગારી

ગામડે-ગામડે મશીન આપી દીપકભાઇ વ્યાસ અને વિજયભાઇ સોલંકીની જોડીએ 6000 બહેનોને કામ આપ્યું છે, જેમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં બહેનોની મંડળી બનાવે છે અને તેમની પાસે દિવેટો બનાવડાવી દીપકભાઇ ખરીદે છે અને ભારતભરના માર્કેટમાં તેને પહોંચાડે છે.

ગુજરાતમાં અમદાવાદમાં વસતા દીપકભાઇ વ્યાસે 20 વર્ષની ઉંમરે હાથથી દિવેટો બનાવી બજારમાં વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તે સમયે ત્રણ બહેનો પાસે તેઓ દિવેટો બનાવડાવતા અને તેમને પેકિંગ કરતાં પણ શીખવાડ્યું. પછી આ તૈયાર દિવેટોને દીપકભાઇ જઈને ઘરે-ઘરે જઈને વેચતા.

છેલ્લા 30 વર્ષથી દિવેટોનો વ્યવસાય કરી રહેલ દિપકભાઇ અને વિજયભાઇએ 2011 થી મશીન બનાવવા પાછળ મહેનત શરૂ કરી અને 2014 માં મશીન બનાવ્યું. અત્યારે તેમના ત્યાં લગભગ 30 આસપાસ લોકો કામ કરે છે.

Gujarat
રાષ્ટ્રપતિ ભવનમાં દિપકભાઇ અને વિજયભાઇ

6000 બહેનોને આપી રોજગારી
ગામડે-ગામડે મશીન આપી દીપકભાઇ વ્યાસ અને વિજયભાઇ સોલંકીની જોડીએ 6000 બહેનોને કામ આપ્યું છે, જેમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં બહેનોની મંડળી બનાવે છે અને તેમની પાસે દિવેટો બનાવડાવી દીપકભાઇ ખરીદે છે અને ભારતભરના માર્કેટમાં તેને પહોંચાડે છે.

દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડાથી લઈને સૌરાષ્ટ્રના જસદણ-વિંછિંયા, કચ્છના અંજારથી લઈને ઉત્તર ગુજરાત બધે જ દીપકભાઇ મહિલાઓને રોજગારી આપી તેમને પગભર બનાવી રહ્યા છે. આ સિવાય ગુજરાત બહાર પણ દિપકભાઇએ 600-700 મશીન વેચ્યાં છે અને તેમને ટ્રેનિંગ આપે છે. જેથી ત્યાં પણ લોકોને રોજગારી મળી રહે છે.

President of India
રાષ્ટ્રપતિ ભવનમાં દિપકભાઇ અને વિજયભાઇ

તેમનાંનાં મશીનની વાત કરીએ તો તેમણે દિવેટના સંપૂર્ણ ઓટોમેટિક મશીનની સાથે ઘી વાળી દિવેટ બનાવવાનું મશીન પણ બનાવ્યું છે. તો સાથે-સાથે અત્યારે તેઓ કંકુ અને કપૂર બનાવવાનું મશીન પણ બનાવી રહ્યા છે. પૂજાપા સંબંધિત સામગ્રીનાં મશીન બનાવી વધુમાં વધુ મહિલાઓને રોજગારી આપવા ઇચ્છે છે દિપકભાઇ અને વિજયભાઇ.

વાર્ષિક ટર્ન ઓવર અઢીથી ત્રણ કરોડ
હજારો મહિલાઓને રોજગારી આપી તેમને પગભર કરતી દિપકભાઇ અને વિજયભાઇની કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર અત્યારે અઢીથી ત્રણ કરોડ થઈ ગયું છે. દેશભરના માર્કેટમાં તેમના ત્યાં બનાવેલ દિવેટો વેચાઇ રહી છે, પરંતુ દિપકભાઇના શરૂઆતના જીવન પર નજર કરીએ તો તેમાં ખૂબજ સંઘર્ષ જોવા મળે છે.

Ahmedabad

દિપકભાઈએ જ્યારે શરૂઆત કરી ત્યારે માત્ર મોટી સાઇઝની દિવેટો જ બનાવતા હતા. પરંતુ પછી અલગ-અલગ સાઇઝની દિવેટો બનાવવાનું પણ શરૂ કર્યું, જેથી માર્કેટમાં વેચાણ વધે. ધીરે-ધીરે તેમની દિવેટોની બજારમાં માંગ વધવા લાગી એટલે તેમણે તેમના કામમાં બીજી 2000 બહેનોને રોકી. અને 25 જેટલા યુવાનો સાઇકલ પર આ દિવેટો લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા. દીવેટોની સાથે દિપકભાઇએ પૂજાપાની બીજી સામગ્રી બનાવી તેનો વ્યવસાય કરવાનો પણ શરૂ કર્યો. પરંતુ નસીબનું પાસુ પલટાયું અને દિપકભાઇ દેવામાં સરી પડ્યા.

દિવેટ બનાવવાના મશીન વિશે જુઓ વીડિયોમાં:

ત્યારબાદ દિપભાઇએ આખો વ્યવસાય ફરીથી શરૂ કર્યો, નવેસરથી મહિલાઓ ભેગી કરી દિવેટો બનાવડાવી તેનો વ્યવસાય કરવાનો શરૂ કર્યો. પરંતુ રૂ ગરમ હોવાથી મહિલાઓના હાથ છોલાઇ જતા, આ જોઇ દિપકભાઇને બહુ દુ:ખ થતું. જલદી દેવું પૂરું કરવા દિપકભાઇ પાસે એકજ રસ્તો હતો કે, વધુમાં વધુ દિવેટો બનાવી તેનું વેચાણ કરે.

વિચાર આવ્યો દિવેટનું મશીન બનાવવાનો
હવે દિપકભાઇને દિવેટનું મશીન બનાવવાનો વિચાર આવ્યો. એટલે સૌથી પહેલાં તો તેમણે તપાસી જોયું કે, દુનિયામાં આવું મશીન છે ક્યાંય, પરંતુ આવું મશીન આજ સુધી કોઇએ બનાવ્યું જ નહોંતુ. ત્યારબાદ કોલકાતાના એક ભાઇએ દિપકભાઇને દિવેટો બનાવવાનું મશીન બનાવી આપવાનું વચન આપ્યું, પરંતુ 15,000 નો ચૂનો લગાવી તે ગાયબ થઈ ગયા. ત્યારબાદ દિપકભાઇએ બીજા કોઇ પર વિશ્વાસ મૂકવાની જગ્યાએ તેમની જ કંપનીમાં કામ કરતા વિજયભાઇ સાથે વાત કરી અને તેમને મશીન બનાવવામાં મદદ કરવા જણાવ્યું.

Wick Machine
એપીજે અબ્દુલ કલામ સાથે દિપકભાઇ

દિપકભાઇને ટેક્નોલોજીમાં ખાસ ટપ્પો પડતો નહોંતો. વિજયભાઇએ એ કહ્યું કે, પ્રયત્ન તો કરીએ, પરંતુ તેમાં ખર્ચ કેટલો થશે અને કેટલી સફળતા મળશે તે કહી ન શકાય. દિપકભાઇને તો ગમે તેમ કરીને મશીન બનાવવવું જ હતું એટલે રાત-દિવસ મહેનત કરવાની શરૂ કરી દીધી.

આ દરમિયાન ગોડાઉનમાં કામ કરતાં એક બહેને ડ્રિલ મશીનથી થર્મોકોલ પર દિવેટનો આકાર બનાવ્યો, બસ ત્યાંથી મગજમાં વિચાર સ્ફૂર્યા. લગભગ બે વર્ષની મહેનત બાદ પણ ધાર્યું પરિણામ ન મળ્યું. પૈસાની સખત અછત સર્જાઇ ગઈ હતી. આ દરમિયાન વિજયભાઇ મશીનના રિસર્ચમાં વ્યસ્ત હતા તો દિપકભાઇ અમદાવાદથી 300 કિમી દૂર એક સંસ્થા દ્વારા શૌચાલય બનાવવાનું કામ ચાલતું હતું ત્યાં કામે જતા હતા, ત્યાંથી થોડી-ઘણી કમાણી થઈ જતી. વિજયભાઇએ પણ વધારાની આવક માટે ટિફિન સર્વિસ ચાલું કરી હતી. રાત્રે બંને મળીને મશીન પર કામ કરતા.

Wick machine

આ દરમિયાન તેમને ખબર પડી કે અમદાવાદની NIF નામની સંસ્થાના પ્રોફેસર ગુપ્તા એક ખાસ ઓર્ગેનાઇઝેશન ચલાવે છે, જેઓ ઇનોવેટરોને મદદ કરે છે. વિજયભાઇ અને દીપકભાઇ પણ ત્યાં ગયા અને મહેશભાઇને મળ્યા. ત્યાં મહેશભાઇએ તેમને કહ્યું કે, અમારી સંસ્થા એ દરેક લોકોને મદદ કરે છે જેઓ, દુનિયામાં કોઇએ ન બનાવી હોય તેવી વસ્તુ બનાવવા મહેનત કરે છે. તેમણે દીપકભાઇનો આઇડિયા અને મશીન જોઇ તેમને 50,000 રૂપિયા આપ્યા અને તેમણે NIF માં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે એક સંપૂર્ણ ઓટોમેટિક મશીન બનાવી NIF માં જમા કરાવ્યું અને એક નાનુ મેન્યુઅલ મશીન પણ બનાવ્યું, જેથી મહિલાઓને રોજગારી મળતી રહે.

ઘીવાળી દિવેટનું મશીન જુઓ વિડીયોમાં:

રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું સન્માન
આ દરમિયાન 2015 માં દિલ્હી રાષ્ટ્રપતિ ભવન તરફથી તેમને આમંત્રણ મળ્યું અને રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ જાતે તેમને અવોર્ડ આપી તેમનું સન્માન કર્યું.

President award

ત્યારબાદ દિપકભાઇએ દિપવિજય ઈન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું રજિસ્ટ્રેશન કરી મશીન બનાવી તેનું વેચાણ શરૂ કર્યું. ધીરે-ધીરે સતત સુધારા બાદ તેમનાં મશીન ખૂબ સરસ રીતે કામ કરતાં થઈ ગયાં. આજે ગુજરાતમાં તો દિપકભાઇ-વિજયભાઇનાં બનાવેલ મશીન છે જ સાથે-સાથે આખા દેશમાં પણ છે અને હજારો મહિલાઓને રોજગારી મળી રહી છે. દિપકભાઇનો દીકરો પણ અત્યારે તેમની જ કંપનીમાં કામ કરે છે.

જો તમે પણ દિપકભાઇ અંગે વધુ જાણવા તેમને dipvijay1@gmail.com પર ઈમેલ કરી શકો છો. ઉપરાંત તેમના કામ વિશે વધુ જાણવા માટે તેમની યુટ્યૂબ ચેનલ પર જઈ શકો છો.

આ પણ વાંચો: ગુજરાતના આ ખેડૂતે કર્યા ત્રણ આવિષ્કાર, ભારત અને અમેરિકામાંથી મળી મદદ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon