ગુજરાતનાં જૂનાગઢનાં પિખોર ગામમાં રહેતાં ભરતભાઈ અગ્રાવતને ક્રિયાત્મમક અને રચનાત્મક વિચાર પોતાના પિતા અમૃતભાઈ પાસેથી વારસામાં મળ્યો છે. અમૃતભાઈનું ખેતીની સાથે સાથે મશીનોની સાથે સાંઠ-ગાંઠ હતી. એટલા માટે તેઓ રોજીંદા જીવનમાં આવતી મુશ્કેલીઓને પોતાના જુગાડથી સોલ્વ કરતા હતા.
ભરતભાઈને જો આપણે એક સીરિયલ ઈનોવેટર કહીએ તો પણ ખોટું નથી કારણકે, તેમણે એક બાદ એક નવા-નવા ઈનોવેશન કર્યા છે. આજે પણ તેમનાં ઈનોવેશનનો સિલસિલો અટક્યા વગર ચાલું જ છે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા 53 વર્ષીય ભરત ભાઈએ કહ્યું, “મારા પિતાએ જ્યારે હું ત્રીજા ધોરણમાં હતો ત્યારે વર્કશોપ શરૂ કરી હતી. હું પણ શાળા બાદ તેમની પાસે પહોંચી જતો. તે જે પણ કરતા, તે જોતો જ રહેતો અને મારા મગજમાં પણ જુદા જુદા આઇડિયા આવતા હતા. પિતાજી લોકો માટે વિવિધ પ્રકારના મશીન બનાવતા હતા અને ત્યારબાદ તેમણે એક ખાસ પ્રકારનું બળદ ગાડું બનાવેલું હતું, જેના માટે તેમને રાષ્ટ્રીય ઇનોવેશન ફાઉન્ડેશન તરફથી સન્માન મળ્યું.”
ભરતભાઇ હસતા હસતા કહે છે કે, જ્યારે તેમના પિતા પ્રોફેસર અનિલ ગુપ્તાજીને મળ્યા અને તેમણે તેમને કહ્યું કે તમે ઈનોવેશન કરી રહ્યા છો. ત્યારે તેમને ખબર પડી કે તે ઈનોવેટર છે અને તેમના ઈનોવેશન ખેડૂતો માટે કેટલાં હિતકર છે. તેમના પિતાની આ પ્રશંસા અને સફળતા ભારત ભાઈ માટે પ્રેરણારૂપ બની.
ભરતભાઇને ભણવામાં ભલે થોડો રસ ઓછો પડ્યો હશે પરંતુ મશીનો સાથેનો તેમનો સંબંધ દરરોજ ગાઢ બનતો ગયો. સ્કૂલે જતાં પહેલાં તે વર્કશોપ ખોલતા, ત્યાં ધૂપ-અગરબત્તી કરતા અને પછી દિવસમાં શું-શું કામ થશે તે પણ એકવાર જોતા હતા. ત્યારબાદ તે સ્કૂલથી આવીને મોડી રાત સુધી પિતા સાથે કામ કરતા.
પછી દસમા ધોરણ પછી, તેમણે અભ્યાસ છોડી દીધો અને આખો સમય વર્કશોપમાં પસાર કરવા લાગ્યા. પિતાની મદદ કરતા-કરતાં તેમણે ક્યારે ઈનોવેશન કરવાનું શરૂ કર્યુ, તેમને તેની જાણ જ ન થઈ. તેમણે અત્યાર સુધીમાં 20થી વધુ ઈનોવેશન કર્યા છે, જેમાંથી કેટલાક માટે તેમણે બે વાર રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે.

તેમણે સૌ પ્રથમ વર્ષ 1999માં વિન્ડમિલ પાવર્ડ વોટર પમ્પ બનાવ્યો, જેના માટે તેમને જ્ઞાન સંસ્થા તરફથી પણ ખૂબ પ્રશંસા મળી. જો કે, તે આ પ્રોજેક્ટ મોટા પાયે કરી શક્યા નહીં, પરંતુ ભરતનું મનોબળ ઓછું થયું નહીં. કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ યોગ્ય દિશામાં કામ કરી રહ્યા છે. તેમણે તેમની પાસે આવતા ખેડૂતોની સમસ્યાઓના નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
“અમે ગામડામાં રહેતા લોકો છીએ અને ગામની મુશ્કેલીઓને સારી રીતે જાણીએ છીએ. તેથી હંમેશા તેમના માટે કંઈક કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે અમને આ કુશળતા મળી છે, તો પછી ગામના સારા માટે તેનો ઉપયોગ કરીએ,”તેમણે કહ્યું.
વર્ષ 2000માં, તેમણે ‘રોલરમઢ’ નામનું મશીન બનાવ્યું, જે જમીનને સમતલ કરવા માટે છે. મોટેભાગે, ખેતરોમાં માટીના ટેકરા હોવાને કારણે, જમીન ઉપર-નીચે રહે છે અને તેના કારણે, ખેડૂતોને વાવણી અને પિયત કરતી વખતે ખેડુતોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. પછી દરેક ખેડૂત માટે મોટા રોલર બોલાવવા શક્ય ન હતું, તેથી તેમણે તેના પર કામ કર્યું.
લીંબુ કટર:
તે બાદ તેમણે લીંબુ તોડવા માટે એક જુગાડ બનાવ્યો. વાસ્તવમાં, જ્યારે લીંબુનું ઝાડ પર કાંટા હોવાને કારણે તે બહુજ મુશ્કેલ ભર્યુ કામ હોય છે. તેથી ભરતભાઇએ ‘લીંબુનું કટર’ બનાવ્યું. તેમણે તેના માટે એક પીવીસી પાઇપ લીધી, જેની લંબાઈને ઓછી-વધુ કરી શકાય છે. આના એક છેડે, તેમણે કાતર લગાવી જે લીવરની સહાયથી કાર્ય કરે છે. જ્યારે બીજા છેડેથી જ્યારે લીવરને ખેંચવામાં આવે તો, કાતર કામ કરે છે અને તે લીંબુને સ્પ્રિગથી કાપી નાખે છે.

આપણા માટે આ એક નાનું કામ હોઈ શકે છે, પરંતુ લીંબુની ખેતી કરતા ખેડુતો માટે તે એક ખૂબ કારગર યંત્ર છે. કારણ કે તેનાથી તેમના હાથને અને ઝાડને નુકસાન થતું નથી.
મલ્ટી-પર્પઝ વુડન સ્ટોવ:
“પછી ગામની મહિલાઓ માટીના ચૂલા પર કામ કરે છે અને તે માટે તેઓ ખૂબ જ મહેનત કરે છે. કારણ કે એક તો એક સ્ટોવ હોવાને કારણે, તેઓ એક જ સમયે ઘણી ચીજો રાંધતા નથી.અને બીજા લાકડા વગેરેનો પણ ઉપયોગ થાય છે. તેથી મેં મલ્ટીપર્પઝ વુડન સ્ટોવ બનાવ્યો,”તેમણે ઉમેર્યું.
તેમના સ્ટોવમાં બે રસોઈ ચેમ્બર અને પાણી ગરમ કરવા માટે ગિઝર સિસ્ટમ છે. બંને રસોઈ ચેમ્બર એક સાથે વાપરી શકાય છે, તેનાંથી લાકડાનો અને સમય બંનેનો બચાવ થાય છે. બધી રસોઈ અને હીટિંગ ચેમ્બર જુદા જુદા સ્તરે રાખવામાં આવ્યા છે જેથી ગરમી એકસરખી મળે.
માટીનો ઉપયોગ સ્ટોવની અંદરના ભાગમાં કરાયો છે કારણ કે તેમાં લાંબા સમય સુધી ગરમી જાળવવાની ક્ષમતા હોય છે. ઉપરાંત,એક ચેમ્બરની બંને બાજુ હવા પાસ થાય તે માટે છિદ્રો કરવામાં આવે છે જેથી સ્ટોવ સરળતાથી ઠંડો થઈ શકે.

ભરતભાઇના જણાવ્યા મુજબ, તેમણે અત્યાર સુધીમાં લગભગ 3000 લાકડાના ચૂલા ગામની મહિલાઓને વેચી દીધા છે. ત્યારબાદ તેમણે નાના ખેડુતોની જરૂરિયાતો સમજી અને તેમની કુશળતાને તેમની મદદ કરવા માટે કામે લગાડી. ખેડુતો માટેના તેમના સંશોધનોમાં સૌથી પ્રખ્યાત હાથથી સંચાલિત સીડ ડ્રીલ હતી, જેમાં તેમણે કેટલીક વખત ખેડૂતોની માંગણીઓ પર સુધારા કર્યા અને સેંકડો ખેડૂતોને મદદ કરી.
હેન્ડ ઓપરેટેડ સીડ ડ્રિલ:
ભરત ભાઈ કહે છે કે, બીજ વાવવા માટે આ મશીન ખૂબ ઉપયોગી છે. આમાંથી, તમે ઘણા બીજ – તુવેર, ચણા, મગફળી વગેરેના બીજ વાવી શકો છો. આ મશીન કસ્ટમાઇઝેબલ છે અને નાના ખેડૂતો માટે તે ખૂબ ફાયદાકારક છે. તેઓએ અત્યાર સુધીમાં લગભગ 1200 સીડ ડ્રિલ ખેડુતોને વેચી દીધી છે. તેની કેટલીક સીડ ડ્રિલ તો જ્ઞાન ફાઉન્ડેશન દ્વારા કેન્યા સુધી ગયા છે.
“ત્યારે કેટલાક ખેડૂતોએ માંગ કરી હતી કે મશીન સાથે સીડ ડ્રિલ ચલાવવામાં આવે. તો મે થોડા ફેરફાર કર્યા પછી બેટરી સંચાલિત મશીન બનાવ્યું. તેની કિંમત 2500 રૂપિયા છે અને તે ખેડૂતો માટે એકદમ ઉપયોગી છે. એક ઓછા જમીનવાળા ખેડુતો માટે એક સારો વિકલ્પ છે, બીજું તે મલ્ટી-ક્રોપિંગમાં ખૂબ મદદ કરે છે,”ભરત ભાઈએ કહ્યું.

સીડ ડ્રિલની જેમ, તેણે હેન્ડ-વીડર પણ બનાવ્યું છે. ખેડૂતોમાં તેમના સીડ ડ્રિલ અને વીડર મશીન બંનેની ભારે માંગ છે.
આ સિવાય, તેમણે ટ્રેક્ટરને મોડિફાઈ કરીને 7-8 મોડેલો પણ બનાવ્યા છે.“આ બધા મોડેલો વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. અમારા વિસ્તારના ઘણા ખેડુતો ફક્ત અમારા દ્વારા બનાવેલા ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકે છે. જ્યાં મોટા ખેડુતો 35 હોર્સપાવરવાળા સામાન્ય ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે, હું નાના ખેડુતોને 10 હોર્સપાવર સુધીનું ટ્રેક્ટર આપું છું.”
કેટલાક ટ્રેકટરમાં તેમણે ઓટો રિક્ષાનાં એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ ટ્રેકટરોને એવી રીતે મોડિફાઈ કરવામાં આવ્યા છે કે ખેડૂત સરળતાથી તેમની પાસેથી વાવણી કરી શકે.
ભરતભાઇને તેમના ઈનોવેશન માટે બે વાર રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમના આવિષ્કારોનો સિલસિલો હજી પણ યથાવત છે અને તેમનાં પ્રયાસો છેકે, તેઓ પોતાના છેલ્લાં શ્વાસ સુધીઆ કામ કરતાં રહે. “જ્ઞાન સંસ્થાની મદદથી, અમે અમારા વિસ્તારમાં કોમ્યુનિટી વર્કશોપ શરૂ કરી. અહીં ખેડૂતો તેમની સમસ્યાઓ અમારી પાસે લાવે છે અને અમે તેમના આઇડિયા મુજબ મશીનો બનાવીએ છીએ, ”તેમણે કહ્યું.
આ રીતે, ભરતભાઇએ અત્યાર સુધીમાં કદાચ સેંકડો મશીનો બનાવ્યા છે. તેમણે જેટલાં મશીનો બનાવ્યા છે, તેમાં પડકારો પણ એટલાં જ તેમની સામે આવ્યા છે. સૌથી મોટો પડકાર સીધું માર્કેટ ન મળવાનું હતુ.

તેમનું કહેવું છે કે મોટી કંપનીઓ મશીનો બનાવે છે અને બજારોમાં મૂકે છે અને ત્યારબાદ તેઓ તેને કૃષિ વિભાગ તરફથી સરળતાથી માર્કેટિંગ કરવાની પરવાનગી મળે છે. પરંતુ તેમના જેવા નાના ઈનોવેટર ગમે તેટલાં કારગર આઈડિયા આપી દે, તેમના પ્રોડક્ટને તે રીતે માર્કેટિંગ કરાતું નથી, જે રીતે તેનું થવું જોઈએ.
તેમની ફરિયાદ છે કૃષિ મંત્રાલય અને વિભાગને છે કે જ્યારે તેઓ ખેડૂતોના હિત માટે ઓછામાં ઓછા ખર્ચે મશીનો બનાવી રહ્યા છે ત્યારે તેઓને કેમ કોઈ સહાય મળતી નથી? “મને લાગે છે કે જ્યારે એક ખેડૂત બીજા ખેડુતો માટે કામ કરવા તૈયાર હોય ત્યારે સરકાર અને વહીવટીતંત્રે તેમના માટે પગલા ભરવા જોઈએ. તેઓએ અમારા ઈનોવેશન પર સબસિડી આપીને ખેડૂતોની મદદ કરવી જોઈએ, ”ભારતભાઇએ જણાવ્યું હતું.
જોકે, પ્રો. અનિલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તેમણે ઘણી પ્રગતિ કરી છે અને તેમને આશા છે કે તેમની શોધ દેશના ખેડુતો માટે સતત કાર્યરત રહેશે. હાલમાં, તેઓ પોતાના મશીનોને સૌર ઉર્જા પર ચલાવવા માટે મોડિફાઈ કરી રહ્યા છે.
“અંતે, હું એટલું જ કહીશ કે જે લોકો આ લેખ વાંચશે, જો તેઓ ખેડૂત છે, તો પછી કોઈપણ પ્રકારનું મશીન બનાવવા માટે અમારો સંપર્ક કરો. અને જો તેઓ ખેડૂતો ન હોય તો પણ, તમારી આસપાસના ખેડૂતોને અમારા વિશે કહીને અમારી સાથે જોડા. કોઈની મદદ કરવામાં અમને આનંદ થશે.”
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે ભારત ભાઈ અગ્રાવત વિશે વધુ જાણવા માંગો છો અથવા તેમની પાસેથી કોઈ મશીન ખરીદવા માંગતા હોય, તો તમે 09925932307 અથવા 09624971215 પર કોલ કરી શકો છો!
આ પણ વાંચો: આ બે ગુજરાતી મિત્રોએ દિવેટનું મશીન બનાવી આપી 6000 કરતાં વધુ મહિલાઓને રોજગારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.