શું તમે ક્યારેય એવું ટ્રેક્ટર જોયું છે કે જેમાં સ્ટીયરીંગ ન હોય? કદાચ ક્યારેય નહીં! કોઈના ધ્યાનમાં ભાગ્યે જ એવું આવ્યું હશે કે સ્ટીયરિંગ વિના ટ્રેક્ટર બનાવી શકાય છે.
પરંતુ કેવી રીતે?
આ સવાલનો જવાબ કોઈ ઓટોમોબાઈલ એન્જિનિયર ભલે ન આપી શકે, પરંતુ ગુજરાતના આ આઠમું ધોરણ પાસ ખેડૂત સરળતાથી આપી શકે છે. તદુપરાંત, તેઓએ ઘણાં ટ્રેક્ટર બનાવ્યાં પણ છે, જેને કોઈ સ્ટીઅરિંગ વિના ચલાવી શકાય છે.
ગુજરાતમાં કાલાવડ ગામમાં રહેતાં 72 વર્ષીય ખેડૂત અને ઈનોવેટર, બચુભાઈ ઠેસિયા બાળપણથી જ જૂના મશીનોના ભાગો એકઠા કરીને કંઈકને કંઈક જોડ-તોડમાં રોકાયેલાં હતા. એક સમયે શાળામાં લેબોરેટરી માટે જૂની વસ્તુઓમાંથી રેડિયો બનાવનારા બચુભાઇ વિશે આજે પણ તેમના ગામની શાળામાં કહેવામાં આવે છે.
હાલમાં, તેમની શોધને કારણે તેમને બે રાષ્ટ્રીય સન્માન મળ્યા છે અને તેમને, વિવિધ આયોજનો અને ઘણા કૃષિ મેળામાં તેમનું સન્માન કરવામાં આવ્યું છે.

“મેં 100-150 આવિષ્કાર કર્યા છે, જેમાંથી કેટલાક ખૂબ સફળ રહ્યા છે,બાકી કંઈક અધૂરા છે અથવા ખૂબ સફળ રહ્યા નથી. પ્રયાસ માત્ર ખેડૂત ભાઈઓને મદદ કરવાનો હતો,” બચુભાઇએ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં કહ્યું.
એવું કહેવામાં આવે છે કે ‘જરૂરિયાત એ આવિષ્કારની માતા છે.’ પરંતુ બચુભાઇની સામે આ કહેવત નાની લાગે છે. કારણ કે તેમના માટે શોધ એ તેમની જીવન જીવવાની રીત છે. તે હજી પણ હંમેશાં તેમની સાથે ડાયરી અને પેન રાખે છે, જેથી જ્યારે પણ તેમના ધ્યાનમાં કોઈ વિચાર આવે તો તેઓ તરત જ તેને લખી લે અથવા તેનું સર્કિટ/ચિત્ર બનાવી લે. તેમની વર્કશોપ તેના ઓરડાની નજીક છે. તેથી જો રાત્રે સૂતા સમયે પણ તેના મગજમાં કંઇક આવે, તો તે તેનું ચિત્ર બનાવી લે છે. અને ઘણી વખત, તે તરત જ તેમના વર્કશોપ પર પહોંચે છે અને તે વિચાર પર કામ કરવાનું શરૂ કરે છે.
તેમની સફર વિશે વાત કરતાં બચુભાઇ કહે છે, “મારા પિતા ખેડૂત હતા, પરંતુ મને હંમેશાં ઇલેક્ટ્રોનિક અને મિકેનિકલ કામોનો શોખ રહ્યો છે. મેં આઠમા સુધી અભ્યાસ કર્યો અને તે પછી મેં ટીવી અને રેડિયો સેટ વગેરેને ઠીક કરવાનો કોર્સ કર્યો.”
તેમણે ઘણા વર્ષો સુધી રેડિયો અને ટીવી રિપેરીંગની દુકાન ચલાવી. પરંતુ પિતાના અવસાન પછી ખેતરોની સંભાળ લેવાની જવાબદારી પણ તેના ખભા પર આવી ગઈ. તેમની દુકાનની સાથે-સાથે તેઓ કેટલીકવાર ખેતી-કામ પણ કરતા હતા. પરંતુ મોટા ભાગે તે તેમની વર્કશોપ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા.
“હવે જ્યારે પપ્પા જતા રહ્યા, ત્યારે અમારી પાસે જે થોડી ઓછી જમીન હતી તે સંભાળવા મેં મારી દુકાન બંધ કરી દીધી.આખો સમય મેં ખેતરોને આપવાનું શરૂ કર્યું અને આ સમય દરમિયાન મને ખેતીમાં થતી નાની સમસ્યાઓ વિશે જાણ થઈ. પછી મેં મારું મગજને સેટ કર્યું કે હું ઓછા સમયમાં ઓછા પ્રયત્નો કરીને મુશ્કેલ કાર્ય કેવી રીતે કરી શકું. બસ ત્યાંથી જ મારી શોધ શરૂ થઈ,” તેમણે ઉમેર્યું.
બચુભાઇની શોધની સફર નાના-નાના યંત્રોથી શરૂ થઈ. તેમને મશીનો વિશે વધારે ખબર નહોતી પણ જો તેમના હાથમાં કોઈ સાધન હોય તો કંઈક નવું બતાવવાની ઇચ્છા પૂરી હતી. તેમણે રેડિયો ટ્રાન્સમીટર, બીજ વાવવાનું રોલિંગ મશીન, મગફળીની છાલ કાઢવાનું મશીન, શેરડીનો જ્યુસ કાઢવાનું મશીન અને ઇલેક્ટ્રિક ટેસ્ટર વગેરેથી પ્રારંભ કર્યો.

તેમની શોધની લહેર ધીરે ધીરે એટલી હદે ફેલાઈ ગઈ કે તેમના ગામના લોકો તેને ‘બચુ ખોપડી’ કહેવા લાગ્યા. મતલબ કે જેની પાસે કંઇક હટકે કરવાનું મગજ છે.
બળદગાડાનાં કોન્સેપ્ટ પર ચાલતું ટ્રેક્ટર
ખેડૂતને ખેતીમાં ટ્રેક્ટરની સૌથી વધુ જરૂર હોય છે. મોટી કંપનીઓ દ્વારા બનાવેલા ટ્રેક્ટર એવા ખેડુતો માટે યોગ્ય છે કે જેઓ વધુ જમીનનું વાવેતર કરે છે. પરંતુ નાના અને મધ્યમ કક્ષાના ખેડુતોને ન તો આટલા મોટા ટ્રેક્ટરની જરૂર છે અને ન તો તેમની પાસે લાખો રૂપિયાના ટ્રેક્ટર ખરીદવાની ક્ષમતા છે.

બચુભાઈની પોતાની જમીન પણ માંડ માંડ 2 એકર છે અને તેથી તેમણે કંઈક બનાવવાનું નક્કી કર્યું જેથી તેની કિંમત અને મહેનત બંને ઓછી થાય. ઉપરાંત, તેમનું મશીન ખેતરનાં એક સાથે ઘણા કામ કરી દે.
“મેં જૂના સ્કૂટર અને મોટરસાયકલના પાર્ટસનો ઉપયોગ કર્યો અને મારું ટ્રેક્ટર બનાવ્યુ. જેમ આપણે દોરડાની મદદથી બળદ ચલાવીએ છીએ, બસ એવી જ રીતે આ ટ્રેક્ટરને મે બનાવ્યુ, તેમાં મને બહુજ સમય લાગ્યો પરંતુ અંતે સફળતા મળી અને તે જ ઈનોવેશન માટે મને સૌથી પહેલાં રાષ્ટ્રીય સમ્માન મળ્યુ,” તેમણે કહ્યુ.
બચુભાઇના આ ટ્રેક્ટરમાં સ્ટીયરીંગ નથી. ડ્રાઇવરની બંને બાજુ બે લિવર છે. જો તમે લિવરને ડાબી તરફ ખેંચો છો, તો વાહન ડાબી બાજુ વળે છે અને પછી જમણી બાજુએ લિવર ખેંચતી વખતે વાહન જમણી તરફ વળે છે. બળદની ગાડીની જેમ જ આમા થાય છે,પરંતુ આ સીધું સરળ ફાર્મ મશીન ખેતરમાં વાવણી અને લણણી અને બીજી અન્ય પ્રક્રિયાઓ કોઈ ટ્રેક્ટર જેવી કુશળતા સાથે કરે છે.
તેની એક વિશેષતા એ છે કે તે તેની જગ્યાએ ઉભા ઉભા જ 360 ડિગ્રી ફરી જાય છે. તે વધુમાં જણાવે છે કે તેમણે ડીઝલ એન્જિનને જૂના ચેસીસમાં ફીટ કર્યું હતું અને તેના ગિયર બોક્સને રબરથી ઢાંકી દીધુ હતુ. આ મશીન ફક્ત પાંચ લિટર ડીઝલમાં 8 કલાક કામ કરી શકે છે.
મોટરસાઈકલથી બનાવ્યુ વાવણી-લણણીનું મશીન
બચુભાઇની શોધ એકલા ટ્રેક્ટર પર અટકી નહીં. તેમણે સ્કૂટર બાદ જૂની મોટર સાયકલમાં જોડ-તોડ કરીને વાવણી-લાણણીનું યંત્ર બનાવ્યુ છે. આ ટ્રેક્ટરની જેમ જ કામ કરે છે. તેનાં પાછળનાં હિસ્સામાં સ્કૂટરનાં બે પૈડા લગાવ્યા જેથી સંતુલન બની રહે. તેને તૈયાર કરવામાં મુશ્કેલથી 15 હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો.

તેની મદદથી, તે ખેતીનાં કામમાં સમયની બચત તો થઈ છે, સાથે જ તે ખેતીનાં કામ માટે સસ્તો પણ સાબિત થયો. તે 2 લીટર ડીઝલમાં 8 વીઘા જમીનને ખેડી શકે છે. આ ટ્રેક્ટરના ફાયદા અને સફળતા જોઈને તેના ગામના નાના ખેડુતોએ પણ બચુભાઇની મદદથી આવા ટ્રેક્ટર બનાવવાનું શરૂ કર્યું.
તેમના કહેવા મુજબ, તેમના ગામના 20 જેટલા ખેડુતો પાસે આવા ટ્રેકટર છે.
ટ્રેક્ટર પછી, તેમણે બીજોની અંતરથી વાવણી માટે એક નાનું રોલિંગ મશીન બનાવ્યું. આ માટે પીવીસી પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમનું આ ઈનોવેશન પણ ખેડૂતો માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ. કારણ કે બીજ સંતુલિત રીતે ખેતરમાં પથરાયેલા હોવાને કારણે, હવા છોડને સમાનરૂપે પહોંચે છે અને દરેક છોડને વધવા માટે સમાન જગ્યા અને પોષણ મળે છે.

બચુભાઈની દરેક શોધ ખેડુતો અને ગામના લોકોના હિતમાં હતી. પરંતુ તેમણે ક્યારેય પોતાની આવડતને માત્ર પૈસા કમાવવાનું સાધન બનાવ્યુ નહીં. જો તેમનું એક ઈનોવેશન પૂર્ણ થઈ જાય, તો તે બીજામાં જોડાઈ જતા હતા. એટલે સુધીકે, જ્ઞાન સંસ્થાના સંપર્કમાં આવ્યા પછી પણ, જ્યારે તેમના ઈનોવેશનની ચર્ચા રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ત્યારે તેમને મોટી કંપનીઓની ઓફરો પણ મળી. પરંતુ તેમને કોઈ પણ માટે કામ કરતાં તેમના મન પ્રમાણે કામ કરવાનું પસંદ કરે છે.
કસ્ટમાઈઝડ બલ્બ
ખેતીનાં નાના-મોટા સાધનોની સાથે બચુભાઇએ કસ્ટમાઇઝ્ડ બલ્બ પણ બનાવ્યા. આ બલ્બની વિશેષતા એ છે કે, તે 35 થી 40 વર્ષ સુધી ચાલે છે અને ફ્યુઝ હોતો નથી. બચુભાઇ કહે છે, “ગામડામાં મોટાભાગના લોકો ઘર હોય કે ખેતર, બલ્બનો જ ઉપયોગ કરે છે. વારંવાર ફ્યુઝ બલ્બ પણ તેમના માટે મુશ્કેલી ઉભી કરે છે. તેથી મેં બલ્બની સર્કિટમાં થોડો ફેરફાર કર્યો અને તેને એવી રીતે બનાવ્યો કે તે 35-40 વર્ષ સુધી ટકી શકે.”

તેમની આ બલ્બની માંગ માત્ર ગુજરાતમાં જ નથી પરંતુ અન્ય રાજ્યોના લોકો પણ તેમની પાસેથી આ બલ્બ ખરીદે છે. આ બલ્બ ઉપરાંત, તેમનું ઝટકા મશીન, જે ખેતરોના પ્રાણીઓના હુમલાથી સુરક્ષિત કરે છે, તે પણ ખેડૂતોમાં ખૂબ પ્રખ્યાત છે.
ઝટકા મશીન:
ખેડુતોની ખેતી માટે જમીન, પાણી, જીવાત વગેરેની સમસ્યાની સાથે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને ઉભા પાકને નીલગાય, જંગલી સુવર જેવા પ્રાણીઓ દ્વારા કચડી નાખવામાં આવે છે, આ ખૂબ સામાન્ય સમસ્યા છે. આ માટે ખેડુતો ઘણી મહેનત કરે છે.
જ્યારે તેઓ રાત્રે ખેતરોમાં જાગીને રખેવાળી કરે છે, ત્યારે તેઓ ઘણીવાર ખેતરોની આસપાસ ઇલેક્ટ્રિક વાડ નાખતા હતા. અને આ ઇલેક્ટ્રિક ફેન્સીંગને લીધે, પ્રાણીઓની સાથે, ઘણી વખત ખુદ ખેડુતોના જીવ જાય છે. ખેતીની આ સમસ્યાને સમજીને બચુભાઇએ ફરી એકવાર તેના જુગાડી મગજથી તેનો ઉકેલ કાઢ્યો.

તેમણે બેટરીથી સંચાલિત શોક મશીન બનાવ્યું જે એકવાર ચાર્જ થઈ જાય, તે ઘણા દિવસો સુધી કાર્ય કરે છે. આ પોર્ટેબલ મશીનને ગમે ત્યાં મૂકીને, તમે ક્ષેત્રોની આજુબાજુમાં લોખંડના તારની ફેન્સીંગ સાથે તેનું જોડાણ બનાવી શકો છો. વર્તમાનમાંથી બહાર આવવાથી પ્રાણીઓને થોડો આંચકો આવે છે, જેનાથી તે ભાગ્યા કરે છે.
આ રીતે, આ ઝટકો મશીન પ્રાણીઓને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના પાકથી દૂર રાખે છે. તેમના મશીન અંગે, તેઓ કહે છે, “જ્યારે મને ખબર પડી કે ઘણા પ્રાણીઓ ઇલેક્ટ્રિક તારને લીધે મરે છે, ત્યારે મને લાગ્યું કે તે ખોટું હતું.” તેઓ મુંગા છે પરંતુ આપણે બધા તો જાણીએ છીએ. તેથી મેં એવાં મશીનો બનાવ્યાં છે જે તેમને નુકસાન પહોંચાડે નહીં અને ખેડૂતને નુકસાનથી બચાવે.”
આ મશીનનું પરીક્ષણ કર્યા પછી, ગુજરાત સરકારે તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. આજે આ ઝટકા મશીન માત્ર ગુજરાતમાં જ નહીં પણ નેપાળમાં પણ પોતાનું સ્થાન બનાવી ચૂક્યું છે.

બચુભાઇની ઝટકાવાળું મશીન એટલું પ્રખ્યાત થઈ ગયુ છે કે તેમના પુત્રોએ તેની બળ પર તેમના ભાવિનો પાયો નાખ્યો. જ્યારે ઝટકા મારવાની મશીનની માંગ વધવા માંડી, બચુભાઇના પુત્રો, પંકજ અને અલ્તેશે સંયુક્ત રીતે ‘વિમોક્સ ઇનોવેશન’ નામની વર્કશોપ અને કંપની શરૂ કરી. આના માધ્યમથી તે તેના પિતા દ્વારા કરવામાં આવતી શોધોને બજારમાં લાવી રહ્યા છે. તેમના ઉત્પાદનોએ ખૂબ ટૂંકા સમયમાં દેશભરના ખેડુતોમાં તેમનું સ્થાન બનાવ્યું છે.
“મારી સફળતાનું સૌથી મોટું કારણ મારા પરિવારનો સાથ છે. જોકે મને બહારના લોકોએ ભલે નિરાશ કર્યો હોય પણ મારા ઘરના દરેક લોકોએ મને પ્રોત્સાહન આપ્યું. હું તો માત્ર શોધ કરવાનું જાણું છુ પરંતુ તેને સાચી ઓળખ તો મને મારા પુત્રોને કારણે મળી છે.” બચુભાઈ ગર્વથી કહે છે.
બચુભાઇનાં ઘણા ઈનોવેશન લોકોને ભલે સાધારણ લાગ્યા હોય, પરંતુ તેમનાં આવિષ્કારોની અસાધારણ વાત એ છેકે, તે કોઈને કોઈ સમસ્યાનું સમાધાન છે. અલબત્ત, જો સક્રિય અને રચનાત્મક વિચારસરણી કરનારા લોકોને યોગ્ય દિશા અને માર્ગ મળી શકે, તો તેઓ બચુભાઈની જેમ સમાજમાં પરિવર્તનનું કારણ પણ બની શકે છે.
જો તમને બચુભાઈની કહાની ગમી હોય અને અને તેમનો સંપર્ક કરવા માંગતા હોય, તો તમે તેમને 9375555883 પર કોલ કરી શકો છો!
આ પણ વાંચો: 12 પાસ ખેડૂતો બનાવી ‘સ્વર્ગારોહણ’ ભઠ્ઠી, માત્ર 70 થી 100 કિલો લાકડાંથી થઈ જશે અગ્નિ સંસ્કાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.