આજે આપણે વાત કરી રહ્યા છીએ દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ધામણબોરી ગામમાં આવેલ પ્રથમિક શાળાની કે જે સમગ્ર જિલ્લામાં એક અલાયદી રીતે પોતાની છાપ ઉભી કરીને અત્યારે રાજ્ય કક્ષાએ પણ નામના ધરાવે છે. શાળાની અંદર બનાવવામાં આવેલ આવેલ ગાર્ડન તથા બીજી ઘણી પર્યાવરણીય કામગીરીના કારણે તેની નોંધ રાજ્ય કક્ષાએ પણ લેવામાં આવેલી છે.
આ બાબતે ધ બેટર ઇન્ડિયાએ શાળાના આચાર્ય હરદેવસિંહ સાથે વાત કરતા તેઓએ શાળામાં જે જે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે અને કંઈ રીતે ફક્ત એક સામાન્ય શાળાનું બિરુદ ધરાવતી આ શાળાને પર્યાવરણીય કામગીરી દ્વારા બાળકોને પણ આ બાબતે ઊંડા રસ લેતા કરી એક વ્યવસ્થિત અને બીજી શાળાઓ માટે પણ ઉદાહરણરૂપ બનાવી તે વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું.
આચાર્ય તરીકે હરદેવસિંહ પોતે અને બીજા તેમના સાથી મિત્ર અને ત્યાં શાળામાં જ શિક્ષક તરીકે ફરજ બજાવત રજનીભાઇ બારીયા સાહેબના અથાગ પ્રયત્નોના કારણે જ આ શક્ય બન્યું છે તેમ તેઓ જણાવે છે. તો ચાલો શાળાની અંદર જે ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને તે માટે જે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે તે વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

કિચન ગાર્ડનિંગ
તેઓ જણાવે છે કે, “મધ્યાહન ભોજન અંતર્ગત દરેક શાળામાં સરકાર તરફથી એક પરિપત્ર આ બાબતનો હોય જ છે કે જેમાં તમારે વ્યવસ્થિત એક કિચન ગાર્ડન બનાવવાનું હોય છે. તેના ભાગરૂપે અમે પણ અહીંયા એક કિચન ગાર્ડનનું નિર્માણ કરેલું છે. આ કીચન ગાર્ડનમાં અમે માટીમાં એરંડીનો ખોળ ભેળવીને ત્યાં વિવિધ શકભાજીઓ ઉગાડીએ છીએ. આ પછી તેને પિયત આપવા સિવાય બીજી કોઈ જ વધારાની દેખરેખ રાખવાની જરૂર નથી પડતી અને શાકભાજીઓ એકદમ જૈવિક રીતે જ વિકાસ પામી સારું ઉત્પાદન પણ આપે છે. આગળ તેઓ જણાવે છે કે કિચન ગાર્ડનમાં અમે મરચી, ટમેટા, તુરીયા, ગલકા, કરેલા, પાપડી, રીંગણ વગેરે જેવી શાકભાજીનું વાવેતર કરીએ છીએ અને તેમાં તો ટામેટાના છોડ અમે શાળામાં જ ધરું રોપી તૈયાર કરી તેને ફેરરોપણી દ્વારા ઉછેરીએ છીએ.”
કિચન ગાર્ડનમાં ઉત્પાદિત શાકભાજીનો શું ઉપયોગ કરો છો તેમ પૂછતાં તેમણે જણાવ્યું, “અમે તે બધી વસ્તુઓમાંથી ભોજન બનાવી શાળાનાં બાળકોને પૌષ્ટિક ભોજન આપીએ છીએ જેમ કે, હમણાં જ અમારે મરચાં તથા મેથીનું ઉત્પાદન થતા ગોટાનો પ્રોગ્રામ રાખ્યો હતો જેમાં બધા બાળકોએ ખુબ આનંદપૂર્વક શાળાના પ્રાંગણમાં જ ઉત્પાદિત મરચાં અને મેથીના ઉપયોગ દ્વારા બનેલ ગોટાનો આનંદ માણ્યો હતો.”

આ વર્ષે શરુ કર્યું લોબી ગાર્ડન
હરદેવસિંહ આગળ જણાવે છે કે, આ વર્ષે શાળામાં એક લોબી ગાર્ડન પણ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ઔષધીય અને સુશોભન માટેના છોડને 80 જેટલા કુંડામાં ઉગાડવામાં આવ્યા છે. આ કૂંડાઓમાં જે પોટિંગ મિક્સ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં પણ માટી સાથે ફક્ત એરંડી ખોળનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં દાહોદ ક્ષેત્રની માટી વધારે ફળદ્રુપ હોવાથી તેમણે 20 ટકા એરંડી ખોળને 80 ટકા માટી સાથે ઉમેરીને જ પોટીંગ મિક્સ તૈયાર કર્યું છે.
આ લોબી ગાર્ડનમાં ઔષધીય છોડવાઓમાં મિન્ટ તુલસી, મધુનાશી, ચિત્રક, નાગરવેલ, અજમો, કુંવારપાંઠુ, અરડૂસી, અશ્વગંધા, બ્રાહ્મી, શતાવરી,પડકા વેલ(વીંછી ઉતારવા), લજામણી વગેરેનું વાવેતર કરેલ છે જયારે સુશોભન માટેના છોડવાઓમાં લેમન સાયપ્રસ, એરિકા પામ, બોટલ પામ, રેડ બટન જીંજર, પંખા પામ( ટેબલ પામ), ડ્રેસીના, રબર પ્લાન્ટ, મોર પંખ, ઓક્સિજન પ્લાન્ટ, સ્પાઈડર પ્લાન્ટ, મીની એક્સચોર , ડફનબેકીયા, ટીકોમાં, મની પ્લાન્ટ, ટગર વગેરેનો સમાવેશ થાય છે.

આ સિવાય શાળામાં તેમણે વિવિધ ફળાઉ ઝાડનું પણ વાવેતર કરેલ છે જેમાં શરૂઆતમાં તેઓ આવ્યા ત્યારે ફક્ત એક જ કેળાનું ઝાડ હતું જેમાંથી ઓફસેટને છુટા પાડી પાડી અત્યારે તેમણે કેળાના 30 થી 40 જેટલા ઝાડ ઉભા કરી દીધા છે. આ સિવાય શાળામાં આંબળા, જામફળ, સીતાફળ, બદામ, વગેરેના વૃક્ષો પણ છે.
તેમણે મોરવેલ , મધુમાલતી, મોર્નિંગ ગ્લોરી, પડદા વેલ વગેરે પણ ઉછેરી છે. જેમાં મોર્નિંગ ગ્લોરી વેલ ઉછેર્યા પછી તો તેમાં બુલબુલએ માળો બનાવી બચ્ચા પણ ઉછેર્યા છે.

બગીચાની સાર સંભાળમાં બાળકોનો ફાળો
તેઓ કહે છે કે અમે જયારે ગાર્ડનની શરૂઆત કરી તે પહેલા અમે પ્લાસ્ટિકની એક એક બોટલમાં છોડ રોપી તેમાં દરેક બાળકનું નામ લખ્યું અને દરેકને તેમાં પાણી આપવા જણાવ્યું જેનાથી તેમનામાં પણ બાગાયત પ્રત્યે એક રસ ઉત્પન્ન થયો.
આજે રવિવારે પણ શાળામાં મારી રજનીભાઈની તથા અમુક બાળકોની હાજરી ચોક્કસ હોય જ છે. આ રવિવારે જૈવિક કચરો ભેગો કરી તેને કોહડાવવા માટે ખાડામાં નાખીએ છીએ, બીજી ઘણી બધી જરૂરી સફાઈ પણ કરીએ. તે સિવાય નિંદામણ પણ બાળકો કાઢે અને તે દરમિયાન ના ફક્ત ભણતા પણ ગામમાંથી આ સ્કૂલમાં ભણેલા જુના વિદ્યાર્થીઓ જે અત્યારે નવમાં દસમા ધોરણમાં બહાર ભણે છે તે પણ સામેથી અમારી સાથે બગીચામાં મદદ કરાવવા માટે આવે છે.
આ બધી જ પ્રવૃત્તિઓના કારણે તેમની શાળા ગઈ સાલ રાજ્ય કક્ષાના ઇકો ક્લબ વર્કશોપ પ્રવૃત્તિ માટે પસંદ થઇ હતી. અને હરદેવસિંહ દ્વારા શાળામાં ચાલતી પ્રવૃત્તિઓનું એક પ્રેઝન્ટેશન ગીર ખાતે રાખવામાં આવેલ આ વર્કશોપમાં કરવામાં આવ્યું હતું.

આ સિવાય શાળામાં અક્ષયપાત્ર કરીને એક નાનકડું અભિયાન ચલાવવામાં આવે છે, જે સરકાર દ્વારા દરેક સ્કૂલમાં કરાવવા માટે જણાવેલ જ હોય છે તેમાં બાળકો સવારે પોતાના ઘરેથી ચણ લઈને આવે અને સાંજે જાય ત્યારે બધા બાળકો દ્વારા લાવેલ વિવિધ ચણને મિક્સ કરી સ્કૂલમાં પક્ષીઓને ચણવા માટે નાખવામાં આવે તેનો પણ વિધિવત અમલ થાય છે.
આમ છેલ્લે, હરદેવસિંહ જણાવે છે કે મને આ બધા કાર્ય કરવાની પ્રેરણા મારા બોટાદ જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ભંડારીયા પ્રાથમિક શાળાથી મળી છે. તે શાળાના કર્યોએ મને ખુબ પ્રભાવિત કર્યો અને તે પછી જ મને થયું કે હું પણ મારી શાળાને એક વ્યવસ્થિત રંગ રૂપ આપીશ અને ગાર્ડન પણ વ્યવસ્થિત બનાવીશ જે એક હદે સાર્થક થતું પણ જણાઈ રહ્યું છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આ પદ્મશ્રી ખેડૂતે 3 લાખ વૃક્ષો વાવવા આખુ જીવન સમર્પિત કર્યું, 30 વર્ષથી બચાવે છે જંગલો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો