આજે ફરી આપણે વાત કરી રહ્યા છીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા અંગે. અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓ છેલ્લા 12 વર્ષથી શાળામાં કિચન ગાર્ડનિંગ અને હર્બલ ગાર્ડનિંગ કરી રહ્યા છે અને તેમાં નિપુણતા પણ મેળવી છે.
આજના બદલાતા જતા જમાનામાં જ્યાં બહારથી લાવેલ શાકભાજી કરતા પોતાના ઘરે જ જૈવિક રીતે ઉગાડેલ શાકભાજીનું સેવન ખુબ જ મહત્વનું થઇ ગયું છે જે તમને રાસાયણિક રીતે પકવેલ શાકભાજીને આરોગીને થતી વિવિધ બીમારીઓથી અને સ્વાસ્થ્યને બગડતા બચાવે છે તે જોતાં શાળા કક્ષાએ બાળકોને આ રીતે જૈવિક બગીચો બનાવી ગાર્ડનિંગની વિવિધ રીતો શીખવવી એક આવકારદાયક પહેલ છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા ભંડારીયા પ્રાથમિક શાળાના આચાર્ય વિજયસિંહ ગેલોતરે જણાવ્યું હતું કે આ કામ વર્ષ 2008-2009 થી થઇ રહ્યું છે. તે બાબતે સવિસ્તાર તેમણે ચર્ચા પણ કરી હતી જે નીચે મુજબ છે.

શરૂઆત
વિજયસિંહ કહે છે તેઓ ભંડારીયા પ્રાથમિક શાળામાં 2002 થી આચાર્ય તરીકે જોડાયા ત્યારે શાળામાં ફક્ત બે ઝાડ મોટા હતા અને શાળાની ફરતેની દીવાલ પણ અધૂરી હતી. શરૂઆતમાં ગ્રામીણ કક્ષાની ઉદાસીનતાના કારણે મુશ્કેલીઓનો સામનો તો કરેલો પરંતુ પ્રયત્ન બંધ ન કર્યો જેથી ધીમે ધીમે ગામનો સહકાર અને બાળકોને સાથે રાખી સામાન્ય કક્ષાની બાગાયતીની શરૂઆત વર્ષ 2003-2004 થી કરી.

બાલા પ્રોજેક્ટ
વર્ષ 2007-2008 માં રાજ્ય કક્ષાએ બાલા પ્રોજેક્ટ (બિલ્ડીંગ એઝ આ લર્નિંગ એજ) શરુ થયા પછી અમે
શાળામાં રંગરોગાન સાથે વૃક્ષારોપણ, કિચન ગાર્ડન, હર્બલ ગાર્ડન વગેરેની વિધિવત શરૂઆત કરી અને આ માટે શાળાની પાસે પડેલ પડતર જગ્યા જે 250 ફૂટ લંબાઈ અને 30 ફૂટ પહોળાઈ ધરાવે છે તેને ગામને સાથે રાખી શાળા માટે ઉપયોગમાં લીધી.
જમીનની તૈયારી
આ જગ્યા પર જ એકસાથે જ કિચન તેમજ હર્બલ ગાર્ડનની શરૂઆત કરી. તે માટે જમીનની તૈયારી રૂપે શરૂઆતમાં કાળી માટી પાથરી બીજું કંઈ જ ઉમેર્યા વગર છોડવાઓની વાવણી શરુ કરી. પરંતુ આગળ જતા ત્યાં જ પ્રાંગણમાં ઉભેલા વૃક્ષોના જે પાંદડા ખરતા તેને ભેગા કરી તેને સળગાવી તેમાંથી મળતી રાખનો ઉપયોગ અમે જમીનની તૈયારી માટે કરવા લાગ્યા અને તેનાથી પોષણ મળવાની સાથે સાથે જમીનની ભેજ ધારણ શક્તિ પણ વધી.

હર્બલ ગાર્ડનમાં દેશી મહેંદીની વાડ કરી તેની અંદર મધુનાશિની વેલ, વજ્રદંતી, નાબોડ, કુંવારપાંઠુ, અરડૂસી, તુલસી, મિન્ટ, અજમો વગેરેની વાવણી કરી. જયારે કિચન ગાર્ડનિંગમાં કઠોળમાં ચોળી, તુવેર, મગ, તે સિવાય મરચા, રીંગણાં, ટામેટા, ધાણાં, મેથી, ગલકા, દૂધી, ભીંડા, ગુવાર વગેરેનો ઉછેર જે તે ઋતુ પ્રમાણે શરુ કર્યો.

બાળકો દ્વારા જ ઉછેર
વિજયસિંહ આગળ જણાવે છે કે, શિક્ષકો ફક્ત માર્ગદર્શન જ આપે છે જયારે વાવણીથી લઈને કાપણી સુધીનું બધું જ કામ 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ જ સાંભળે છે. આ સિવાય તેઓ વિવિધ છોડ ઉછેરની પદ્ધતિઓ જેમ કે પિયત, નીંદણ વ્યવસ્થાપન વગેરે હોંશે હોંશે સાંભળે છે. આ માટે બાળકો નવ વાગ્યાથી શાળામાં આવી જતા હોય છે અને કિચન ગાર્ડનમાં આંટો મારી જે કંઈ પણ ટ્રીટમેન્ટ તેને જોઈતી હોય તે તેને આપે છે અને તેની કાળજી રાખે છે.
આ કિચન ગાર્ડનમાંથી થતા ઉત્પાદનની કાપણી કરી, થાળીમાં ગોઠવી બાળકો જ તેને મધ્યાહ્ન ભોજન માટેની જ્યાં વ્યવસ્થા હોય ત્યાં સુધી પહોંચાડે છે. પરંતુ આ બધી જ ક્રિયાઓ માટે તેમનો એક નિયમ છે કે તેઓ શૈક્ષણિક કાર્ય દરમિયાન આ કામ નથી કરતા પરંતુ રોજ તે સિવાયના અડધા પોણા કલાકમાં આ કિચન ગાર્ડનિંગનું કામ કરે છે.

કોરોનાકાળ
આગળ તેઓ જણાવે છે કે, કોરોનાકાળમાં બાળકો શાળાએ આવતા નહિ અને મધ્યાહ્ન ભોજન પણ બંધ હતું એટલે કિચન ગાર્ડનિંગનું કામ પણ અમે બંધ રાખેલું. પરંતુ જે છોડવાઓ પહેલાથી જ હતા તેને અમે એમ જ રહેવા દીધેલા. આગળ જતા ધીમે ધીમે સ્કૂલ શરુ થતા શરૂઆતમાં સંખ્યા ઓછી હોવાના કારણે મહેનત પણ ઓછી પડે તે હેતુથી સામાન્ય દિવસોમાં જે શાકભાજી વગેરે ઉગાડતા તેના કરતા પચાસ ટકા ઓછી શાકભાજીની વાવણી કરેલી જેથી તેને કોરોનાકાળમાં જાળવી શકાય
સૌથી રસપ્રદ વાત એ છે કે આ શાળામાં ભણવા આવતા એંસી ટકા વિદ્યાર્થીઓના પિતા ખેતી સાથે સંકળાયેલા છે જેથી વિદ્યાર્થીઓને બાગાયતી બાબતે સમજણ આપવી ખુબ સહેલી રહે છે. તેથી જ તો આ કિચન ગાર્ડનિંગ માટે જે તે શાકભાજીની વાવણી માટેના બીજ અને બીજું બધું તે વિદ્યાર્થીઓ પોતાના ખેતરેથી જ લાવે છે. અને સુપેરે આ બાગાયતીના કાર્યને ન્યાય આપે છે.
છેલ્લે તેઓ એટલું જ કહે છે કે અમુક શાકભાજીનું ઉત્પાદન સારું એવું થાય છે જેને અમે ઉપયોગમાં લઈએ છીએ બાકી આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓમાં બાગાયત પ્રત્યે સારી એવી રુચિ પ્રગટે તેનો જ છે અને આ માટે કોઈ ફંડિંગ કે પૈસાની વિશેષ જરૂર નથી રહેતી રહે છે તો ફક્ત ઈચ્છા શક્તિની જ.

સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કચ્છમાં 1 જ વ્યક્તિ સાચવે છે બેલા બ્લોક કળા, રોજી ન મળતાં અન્ય લોકો બીજા ધંધે વળ્યા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો