મૂળ અમદાવાદના કેતનભાઈ ગદાણીને સુરેન્દ્રનગરના થાનગઢ જિલ્લાની સરોડી પ્રાથમિક શાળામાં નોકરી મળી ત્યારે અહીં વિશાળ જગ્યા (લગભગ 7-8 વિઘા) હોવા છતાં એકપણ ઝાડ નહોંતુ. એટલું જ નહીં પથરાળ જગ્યા હોવાના કારણે ઝાડ વાવવાં પણ બહુ મુશ્કેલ હતાં. પરંતુ કેતનભાઈએ અમદાવાદમાં ઘણી પ્રાઈવેટ સુંદર-સુંદર શાળાઓ જોયેલી, એટલે તેમણે અહીં આવ્યા તેના પહેલા દિવસે જ નક્કી કરી દીધું કે, અહીંની જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો છે અને સાથે-સાથે શાળાને એવી બનાવવી છે કે, બાળકો ઘરે જવાનું નામ ન દે. અને બસ ત્યારથી શરૂ થઈ તેમની યાત્રા.

આ આખી યાત્રામાં કેતનભાઈને ભરપૂર સાથે મળ્યો તેમનાં પત્ની દીપ્તિબેન, સ્ટાફના વડીલ નટુદાદા, અન્ય શિક્ષકો લાભુબેન, હિતેશભાઈ, જાગૄતિબેન, તરલાબેન, પ્રિયાબેન, મોષમીબેન તેમજ ગામમાંથી સેવા આપવા આવતા કાનજીભાઈ અને કોમલબેનનો. તો ગામના શક્તિમંળ અને ભીમગૃપના યુવાનો પણ શ્રમદાન આપવા આવતા. એક સમયે જે શાળામાં એક ઝાડ પણ નહોંતુ, ત્યાં આજે 1500-2000 ઝાડ છે, એટલે એમ કહીએ તો પણ ચાલે કે, શાળામાં બાળકો કરતાં વૃક્ષો વધારે છે. પોતાના શિક્ષકોને જાતે શાળાનું મેદાન અને ગાર્ડન સાફ કરતા જોઈ બાળકો પણ હોંશે-હોંશે તેમની સાથે જોડાય છે.

2004 થી અત્યાર સુધી તેઓ શાળાને નંદનવન બનાવવા મહેનત કરી જ રહ્યા હતા, પરંતુ અચાનક કોરોનાનું સંક્રમણ શરૂ થતાં શાળાઓ બંધ થઈ અને શાળામાં બાળકો શાળામાં આવતાં બંધ થયાં, એટલે શિક્ષકોને ભરપૂર સમય મળ્યો. એકપણ દિવસની રજા પાડ્યા વગર શિક્ષકો રોજ શાળાએ આવે છે. આજે શાળામાં એક સુંદર કિચન ગાર્ડન છે. જેમાં કોબીજ, ફુલેવર, ટામેટાં, મરચાં જેવાં ઘણાં શાકભાજી વાવવામાં આવે છે, જેનો ઉપયોગ શાળાઓ ચાલું હોય ત્યારે બાળકોના મધ્યાહન ભોજનમાં કરવામાં આવે છે.

મધ્યાહન ભોજન માટે શાકભાજી
સરકાર દ્વારા સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન ચલાવવામાં આવે છે, જેથી ગરીબ બાળકોને બપોરે ભોજન મળી રહે અને આ માટે તેઓ નિયમિત શાળામાં પણ આવે. પરંતુ આ માટે આવતું ફંડ ખૂબજ મર્યાદિત હોય છે, જેથી બાળકોને લીલાં શાકભાજી આપવાં ખૂબજ મુશ્કેલ હોય છે, એટલે શાળા પાસે ભરપૂર જગ્યા હોવાથી તેમાં શાકભાજી ઉગાડવામાં આવ્યાં. જેથી બાળકોને મધ્યાહન ભોજનમાં શાકભાજી આપી શકાય અને બાળકોને પૂરતું પોષણ આપી શકાય. અત્યારે શાળામાં બાળકો આવતાં નથી એટલે આ શાકભાજી ગામમાં જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે.

ઔષધીબાગ
શાળામાં એક ભાગમાં ખાસ ઔષધીબાગ પણ બનાવવામાં આવ્યો છે, જેમાં અરડૂસી, અશ્વગંધા, પર્ણફૂટતી, ગિલોય, એલોવેરા, તુલસી, ફુદીનો, શતાવરી. અજમો, ડમરી જેવી અનેક ઔષધીઓ વાવવામાં આવી છે. જેનો ઉપયોગ શાળા સમય દરમિયાન બાળકો માટે તો કરવામાં આવે જ છે, સાથે-સાથે કોરોનાના સંક્રમણકાળમાં ગામલોકો માટે આયુર્વેદિક ઉકાળા બનાવવા માટે પણ કરવામાં આવ્યો.
આ ઉપરાંત થાન તાલુકામાં સિરામિક ઉદ્યોગ બહુ મોટાપાયે છે. એટલે તેમને ત્યાં સહેજ નુકસાનવાળાં માટલાં કે અન્ય કુંડાં જેવી સામગ્રી હોય તો તેઓ મફતમાં આપી દે. કેતનભાઈએ આ લોકોને મળીને ખાસ વ્યવસ્થા કરી અને એ બધી સામગ્રી પણ શાળામાં પહોંચાડી. જેનો ઉપયોગ વિવિધ છોડ વાવવા અને શાળાના સુશોભન માટે કરવામાં આવ્યો. તો શાળામાં વિવિધ જગ્યાઓએ ચકલીઓ માટે માળા અને અન્ય પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને એ પણ એટલી સુંદર કે પક્ષીઓ પણ મોહીને સામેથી ચાલ્યાં આવે.
આ ઉપરાંત ગાડી, સ્કૂટર, ટ્રેક્ટરનાં પંચરની દુકાન ચલાવતા લોકોને પણ મળ્યા અને તેમની પાસેથી જૂનાં ટાયર લીધાં અને તેના પર રંગ કરી તેનો અલગ-અલગ રીતે ઉપયોગ કરવામાં આવ્યો. ક્યાં પ્લાન્ટર તરીકે, તો ક્યાંક સિટિંગ માટે, તો ક્યાંક સુશોભન માટે. ગામમાં ગાડાનાં જૂનાં ટાયર પડ્યાં હોય તો, તેને પણ શાળામાં લઈ આવે અને તેના પર રંગ કરી તેને સુંદર રીતે સજાવી દે.

કોઈએ વાંસ આપ્યા તો કોઈએ બાંકડા અને શાળાની સુંદરતા વધારતા જ ગયા. આ વાંસમાંથી એક સુંદર શબરીની ઝૂંપડી બનાવવામાં આવી, અલગ-અલગ જગ્યાના સુંદર કલાત્મક ગેટ બનાવવામાં આવ્યા, પાસે એક સુંદર પંપા સરોવર પણ બનાવવામાં આવ્યું. શાળામાં લાઈટ ન હોય તો બાળકો અહીં ઝૂંપડીમાં કે ઝાડના છાંયડામાં આરામથી ભણી શકે.
વધુમાં આ લૉકડાઉન દરમિયાન રાજકોટની એક સંસ્થા ‘ચિત્ર-નગરી’ નો સહયોગ મળ્યો. જેમાં તેમને આવવા-જવાનું માત્ર ભાડુ આપવાનું હોય છે અને તેઓ આવીને આખી શાળામાં જ્યાં પણ જરૂર હોય ત્યાં સુંદર ચિત્રો અને કલરકામ કરી આપે છે. જેમાં 50-60 સ્વયંસેવકોએ આવીને એકજ દિવસમાં આખી શાળાને સુંદર બનાવી આપી. તેમને ખર્ચ માત્ર તેમને જમાડવાનો અને રંગોનો જ થયો.
ઝાડ-છોડ પરથી ખરતાં પાનમાંથી જ કંપોસ્ટ ખાતર બનાવવામાં આવે છે અને આ જ ખાતર તેમજ છાણીયું ખાતર શાળાનાં ઝાડ-છોડને આપવામાં આવ્યાં છે. શાળામાં જ ઊગેલાં ઝાડ-છોડમાંથી જ બીજા રોપા તૈયાર કરવામાં આવે છે, જેથી ફરીથી રોપાનો ખર્ચ ન થાય અને હરિયાળી વધતી રહે.
શાળાના આચાર્ય હોય કે પછી શિક્ષકો બધાં જ જાતે શાળા, ગાર્ડનની સફાઈ કરે છે. કોઈપણ વસ્તુ આવે, તેને સજાવાનું કામ પણ શિક્ષકો કરે છે. જેનું ફળ પણ શિક્ષકો અને શાળાને મળ્યું.

રાજ્ય માટે સરોડી શાળા બની ગૌરવ
ઈન્ડિયન ઈન્ટિટ્યૂટ ઑફ ટીચર એન્જ્યુકેશન તરફથી ગુજરાતની પાંચ શાળાઓની પસંદગી કરવામાં આવી, જેમાં શિક્ષકો દ્વારા સુંદર કામ કરે છે, શાળા પાસે સુંદર બગીચો છે. ગત પર્યાવરણ દિને શાળાને આ માટે ખાસ અવૉર્ડ પણ આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની કુલ પાંચ શાળાઓને પસંદ કરવામાં આવી હતી. આ સિવાય પણ આજ સુધી શાળાને ઘણા પુરસ્કાર મળતા જ રહ્યા છે, જે શાળાના શિક્ષકો અને બાળકોને સતત પ્રોત્સાહિત કરે છે.
કહેવાય છે ને કે, સજાવટ થઈ તો જાય છે, પરંતુ તેને સાચવી રાખવી ખૂબજ મુશ્કેલ હોય છે અને આ જાળવણીનું કામ જ સૌથી મહત્વનું છે, નહીંતર તેમની વર્ષોની મહેનત પર પાણી ફરી ફળે. આચાર્ય કેતનભાઈની સાથે તેમનાં પત્ની અને બધા જ શિક્ષકો ખભે-ખભા મિલાવી આ માટે સખત મહેનત પણ કરે છે.
આજે શાળા એટલી સુંદર લાગે છે કે, ગેટમાં પ્રવેશ કરતાં જ કોઈ શાળામાં નહીં પરંતુ નંદનવનમાં પ્રવેશતા હોઈએ એવું લાગે. શહેરની મોટી-મોટી પ્રાઈવેટ શાળાને પણ ટક્કર મારે તેવી આ સરોડી પ્રાથમિક શાળાની એક વાર મુલાકાત ચોક્કસથી કરવી જોઈએ.
જો તમને આ લેખ ગમ્યો હોય અને આ શાળા વિશે વધુ જાણવા ઈચ્છતા હોવ તો, તેમના ફેસબુક પેજ ની વિઝિટ કરી શકો છો.
આ પણ વાંચો: પ્લાસ્ટર વગરના આ ઘરને બનાવવામાં લાગ્યા ત્રણ વર્ષ, ક્યારેય નથી ભરવું પડતું વીજળી કે પાણીનું બિલ!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.