Search Icon
Nav Arrow
Innovation For Easy Farming
Innovation For Easy Farming

માત્ર 25 વર્ષની ઉંમરે કેશોદના યુવાને ખેડૂતો માટે બનાવ્યું મશીન, પાકની લણણી થશે મિનિટોમાં

PHD નો અભ્યાસ કરી રહેલા વિશાલ અગ્રવાતે 25 વર્ષની ઉંમરમાં ફળ ઉપાડવાથી લઈને લણણી માટે કર્યા આ 5 જબરદસ્ત સંશાધનો, ખેડૂતોની મહેનત અને ખર્ચ બંનેમાં થશે ઘટાડો

વર્તમાન સમયમાં ગુજરાત તેમજ દેશના અનેક રાજ્યોમાં ખેડૂતો વર્ષો જૂની પરંપરા અનુસાર ખેતી કરી રહ્યા છે, ત્યારે આ આધુનિક યુગમાં ખેડૂતોને ઓછા શ્રમે વધુ નફો મળી રહે માટે સરકાર તેમજ અનેક ખાનગી સંસ્થા અને લોકો દ્વારા નવી નવી ટેકનોલોજી અને આધુનિક પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. જેના પરિણામે ખેડૂતો ખેતીમાં ઓછા માનવ શ્રમે મબલક ઉત્પાદન મેળવી વધુ નફો મેળવી રહ્યાં છે. ત્યારે અમે આજે ગુજરાતના જુનાગઢ જિલ્લાના મૂળ કેશોદ ગામના 25 વર્ષિય વિશાલ અગ્રવાતે ખેડૂતોનો શ્રમ તેમજ આર્થિક ખર્ચ ઓછો કરવા તૈયાર કરેલા નવા સંશાધનો વિશે વાત કરવા જઈ રહ્યા છે.

25 વર્ષિય વિશાલભાઈ હાલ ફાર્મ મશીનરી અને પાવર એન્જિનિયરિંગમાં પી.એચ.ડીનો અભ્યાસ કરી રહ્યા છે. અને અત્યાર સુધીમાં વિશાલાભાઈ અગ્રવાતે ખેત ઓજારોમાં અનેક સંશોધનો કરી માનવશ્રમ, સમયની બચત અને તેનો કાર્યક્ષમ ઉપયોગ કરી ખેડૂતોની આવક બમણી કરવાનો ધ્યેય સિધ્ધ કરવા માટે ખેતી અને બિન ખેતી વિષયક 5 સંસોધનો વિકસાવ્યા છે. જેમાં તેમણે નાળિયેરનાં ઝાડ પર ચઢાવા માટેનું ઉપકરણ, બેટરી સંચાલિત મલ્ટીફ્રુટ હાર્વેસ્ટર, વૃક્ષ કાપણી માટે બેટરી સંચાલિત ઉપકરણ, સેનિટાઇઝર ચેમ્બર, કેક્ટસ ફળ ઉપાડવાનું ઓજાર, ઈ-રીપર સાથે બેટરી સંચાલિત નાના ટ્રેક્ટરનો સમાવેશ થાય છે.

Innovation For Gujarat Farmer

ઉપકરણ નિર્માણનો આરંભ અને વિચાર

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા પોતાના નવા સંશાધનો વિશે વિશાલભાઈ અગ્રવાતે જણાવ્યું કે, મારો જન્મ જૂનાગઢના એક ગ્રામ્ય વિસ્તારમાં થયો છે અને ગામડાઓમાં મૂખ્યત્વે વ્યવસાય ખેતીનો હોય છે, ત્યારે હું સમજણો થયો ત્યારથી હું રોજ ખેડૂતોને ખેતરોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા સાથે કઠોર પરિશ્રમ કરતા જોયા છે, ત્યારે આ ખેડૂતોને ઓછા પરિશ્રમે વધુ પાક મળે તે માટે મારે કંઈ કરવું હતું. અને જ્યારે મેં અને આજુબાજુના ગામડાઓમાં નારિયેળની ખેતી કરતા ખેડૂતોને જોયા ત્યારે મને વિચાર આવ્યો કે આ ખેડૂતોને નારિયેળ ઉતારવામાં ઘણી મૂશકેલી પડે છે ત્યારે આ ખેડૂતની આ સમસ્યાના નિવારણ માટે મેં એક પ્રોજેક્ટ વિચાર્યો અને વર્ષ 2017માં માસ્ટર ઓફ ટેક્નોલોજી(M.Tech)ના અભ્યાસ દરમિયાન પ્રોજેક્ટ રૂપે મેં નારિયેળીના ઝાડ પરથી નારિયેળ ઉતારવા માટેનું એક આધુનિક મશીન તૈયાર કર્યું. આ મશીન તૈયાર કર્યા બાદ હું 25 જેટલા ખેડૂતોને મળ્યો અને તેમને આ મશીનના લાભો વિશે સમજાવ્યું, જેનો મને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

આ સાથે તેમણે જણાવ્યું કે, આ મશીનનો અમે પ્રેક્ટિકલ ટેસ્ટ કર્યો હતો જેમાં 1 ખેડૂત પ્રતિકલાકે કુલ 14 નારિયેળીના ઝાડ પર ચડીને નારિયળ ઉપાડવામાં સફળ રહ્યો હતો. અને ત્યારબાદ આ ઝડપી કામગીરી જોયા બાદ ખેડૂતોએ પણ આ મશીનમાં રસ દાખવ્યો હતો. અને તે સમયે અમને 3500 રૂપિયાની કિંમત ધરાવતા 10 મશીનનો ઓર્ડર પણ મળ્યો હતો.

એક સાથે બે કામ કરતું ઉપકરણ કરાયું તૈયાર

માસ્ટર ઓફ ટેક્નોલોજીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં વર્ષ 2018માં ફાર્મ મશીનરી અને પાવર એન્જિનિયરિંગમાં પી.એચ.ડીનો અભ્યાસ શરૂ કર્યો હતો. અને આ અભ્યાસ દરમિયાન દરેક વિદ્યાર્થીઓને એક સમસ્યાનું નિવારણ શોધવાનું હોય છે. ત્યારે મને ફરી એકવાર તક મળી કે હું ખેડૂતોની વધુ એક સમસ્યાનો ઉકેલ મેળવી ખેડૂતો માટે નવું ઉપકરણ તૈયાર કરું. અને આ વખતે પણ મેં જુનાગઢની સૌથી પ્રખ્યાત વસ્તુ એટલે કે ફળોનો રાજા ગણાતી એવી કેરીના ઉત્પાદન બાદ તેને ઝાડ પરથી લેવામાં પડતી ખેડૂતોની પડતી તકલીફ દૂર કરવા માટે નવું ઉપકરણ તૈયાર કરવાનો નિરઘાર કર્યો. જેના માટે મેં બેટરીથી સંચાલીત એક એવું ઉપકરણ તૈયાર કર્યું, જેના ઉપયોગથી કેરીના ફળ પર નિર્ભર રહેતા ખેડૂતોને ઘણા અંશે રાહત મળી હતી.

પોતાના બીજી ઉપકરણ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, સમાન્ય રીતે મોટાભાગના ખેડૂતો આંબા પરથી કેરી તોડવા માટે પરંપરાગત રીતે ચાલી આવતી પ્રથાને અનુસરી રહ્યા છે જે ખુબ જ લાંબી અને પરિશ્રમ વાળી છે. ત્યારે ખેડૂતો ઝાડ પરથી કોઈપણ ફળ સરળતાથી ઉતારી શકે તે માટે મેં વર્ષ 2018 માં બેટરી સંચાલિત મલ્ટીફ્રુટ હાર્વેસ્ટર તૈયાર કર્યું. જેમાં મેં એક બેટર સંચાલિત ઉપકરણ તૈયાર કર્યું. જેમાં ફળની કાંપણી માટે વાંસના એક છેડે રિચાર્જેબલ બેટરી સાથે એક વર્તુળાકાર બ્લેડ ફિટ કરી અને તેના નીંચે એક કાપડનું નોઝલ રાખવામાં આવ્યું છે. જ્યારે ખેડૂત પાસે રહેનારા બીજા છેડે એક સ્વિચ આપવમાં આવી છે, જેના સ્વિચ દબાવ્યા બાદ કેરી કાપડના નોઝલ વડે વિના કોઈ નુકશાને સીધી કેરેટમાં આવી જાય છે.

આ સાથે તેમણે કહ્યું કે, જુની જે પદ્ધતિમાં કેરી તોડવા માટે વાંસ અને બ્લેડનો ઉપયોગ કરવામાં આવે જ છે, પરંતુ જ્યારે ખેડૂતને ફળ તોડવું હોય ત્યારે તેના માટે તેને એક ઝાટકો મારવો પડતો હોય છે, અને આ ઝાટકાના કારણે અનેકવાર ફળમાં પણ નુકશાન થતુ હોય છે જેના કારણે કપાય ગયેલું અથવા તો ડાંડલા વગરનું ફળ હોવાના કારણે સારી કેરીની પણ કિંમતમાં ઘટાડો થઈ જાય છે. ત્યારે ખેડૂતોને આ નુકશાન ન વેઠવું પડે તે માટે આ ઉપકરણ તૈયાર કર્યું છે.

આ ઉપકરણની વધુ એક ખાસિયત વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આ ઉપકરણનો ઉપયોગ માત્ર ફળો મેળવવા માટે નહીં પરંતુ તેના થકી 3 થી 5 સેન્ટીમીટરની જાડાઈ ધરાવતી ડાળીઓ કાંપવા માટે પણ થઈ શકે છે. આ સાથે આ ઉપકરણનો જ્યારે તેમણે પ્રેક્ટિકલ ઉપયોગ કર્યો ત્યારે સામે આવ્યું કે, નવી પદ્ધતિના ઉપયોગના કારણે તેઓ પ્રતિકલાકે 70 કિલ્લો કેરી ઉતારવામાં સફળ રહ્યા હતા, જ્યારે જુની પદ્ધતિમાં પ્રતિકલાકે 50 કિલ્લો કેરી ઉતારી શકાય છે, જેમાં નુકશાન જવાની સંભાવના વધુ રહી છે.

 Innovation For Easy Farming

લોકડાઉનનો સકારાત્મક ઉપયોગ

ઉલ્લેખનીય છે કોરોના કાળમાં જ્યારે તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ હતી ત્યારે આ કપરા સમયમાં પણ વિશાલભાઈએ સમયનો સદ ઉપયોગ કરીને નવું ઉપકરણ તૈયાર કર્યું હતું. જેમાં વર્ષ 2020 દરમિયાન તેમણે દયાભાઈ દેસાઈ સાથે મળીને એક સેનિટાઈઝેશન ટનલ પણ વિકસાવી છે. જેમાં ખેતીમાં દવા છાંટવા માટે ઉપયોગ થતા પંપનો ઉપયોગ કરાવામાં આવ્યો છે. અને જ્યારે વ્યક્તિ ટનલની અંદર પ્રવેશે છે ત્યારે ઓટોમેટીક જે તે વ્યક્તિ પર સેનિટાઈઝરનો છંટકાવ શરૂ થઈ જાય છે. અને આ ટનલ તૈયાર કર્યા બાદ તેમણે કેશોદ પોલિસ સ્ટેશન આપી હતી.

આ સાથે આ કોરોના કાળમાં એટલે કે વર્ષ 2020 માં જ તેમણે ખેડૂતો માટે નવું એક ઉપકરણ તૈયાર કર્યું હતું, જેને લઈને તેમણે જણાવ્યું કે, પ્રો.અનિલ ગુપ્તાની દેખરેખ હેઠળ શ્રી SRISTI દ્વારા આયોજિત સમર કેમ્પ (ઉનાળાના વેકેશન) દરમિયાન મેં કાંટાદાર કેકટસમાંથી ફલ લેવા માટેનું એક ઉપકરણ તૈયાર કર્યું. જેમાં મેં એક બોલના બે ભાંગ કરીને તેને ચિપ્યાના બન્ને છેડા પર બોલ્ટ વડે જોડી દીધા જેના કારણે કોઈપણ પ્રકારની ઈજા વિના કાટાદાર કેકટસમાંથી ફળ નિકાળવામાં સફળતા મળી હતી. અને જો આ ઉપકરણ ક્ષમતાની વાત કરીએ તો, પ્રતિ 5 મિનિટમાં 30 ફળ મેળવી શકાય છે.

સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક પાવર પર સંચાલિત ટ્રેકટર તૈયાર કર્યું

હાલ વર્તમાનમાં મારા PHD ના પ્રજેક્ટ માટે આણંદ અગ્રેકલ્ચર યુનિવર્સિટીના મારા સલાહકાર ડો. આર. સ્વર્ણકર સાથે ચર્ચા કર્યા બાદ મેં એક અત્યાધુનિક ટ્રેકટરનું નિર્માણ કર્યું છે, જેમાં મેં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક પાવર પર સંચાલિત ટ્રેકટર તૈયાર કર્યું છે. અને તે બે મશીનોનું સંયોજન છે જેમાં એક નાનું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને બીજું રીપર છે, ત્યારે સંપૂર્ણરીતે તૈયાર કર્યા બાદ અમે આ ટ્રેકટરનું પરીક્ષણ ઘઉં પર કર્યું છે અને પરિણામો આશ્ચર્યજનક હતા. અને તેની ક્ષમતાની વાત કરીએ તો, આ ઈલેટ્રિક ટ્રેકટરને લઈને તેમણે દાવો કર્યો છે કે, એકવાર બેટરી ચાર્જ કર્યા બાદ ત્રણ કલાક સુધી આ મીની ટ્રેકટર ચાલે છે, અને એકવાર ચાર્જિગ કરવા પાછળ માત્ર 2 યુનિટનો વપરાશ થાય છે એટલે કે એકવાર ચાર્જ કરવાના આશરે 10 થી 15 રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે આપણે ડિઝલવાળા રિપરનો ઉપયોગ કરીએ તો, 2 થી 3 લિટર પ્રતિ કલાક ડિઝલનો વપરાશ થાય છે એટલે તેનો ખર્ચ આશરે પ્રતિ કલાક 200 રૂપિયા જેટલો થાય છે.

જો તમને વિશાલભાઈની કામગીરી પસંદ આવી હોય અને ખેતી સાથે સંકળાયેલા તમે તમારા પિતા કે તમારા પરિવારજન માટે આ સંસાધનો લેવા ઈચ્છતાઓ હોય તો તમે +91 94261 36400 નંબર પર સપંર્ક કરી શકો છે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:સીવેજ પાઈપમાં બનાવ્યું સસ્તુ 1 BHK ઘર, અત્યાર સુધી મળી ચૂક્યા છે 200 ઑર્ડર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon