ગુજરાતના ભાવનગર જિલ્લામાં જુનાવદાર ગામના એક પરિવારમાં જન્મેલા વનરાજસિંહને લાગતુ હતુંકે, તેની કિસ્મત પહેલાંથી જ નક્કી કરી નાંખવામાં આવી છે.
મારો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો અને પછી મને જાણ થઈ કે મારે પણ ખેતી જ કરવાની છે. બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ.
વર્ષ 2012માં 12મા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેઓ તેમના પારિવારિક કપાસની ખેતી સાથે જોડાઈ ગયા હતા. આમ તો તેમને તે કામ વિશે કોઈ ફરિયાદ નહોતી, પણ તેમ છતાં તેઓને પરંપરાગત ખેતીની પદ્ધતિઓ પસંદ ન હતી.
નવા છોડો ઉપર રસાયણનો ઉપયોગ કરવાનું મને પસંદ ન હતુ. પાકની ઉપર સ્પ્રે થયા બાદ હું તેના રંગ અને આકારમાં થયેલાં ફેરફારને જોઈ શકતો હતો. પરંતુ મારા પરિવારના કોઈ પણ સભ્ય પાસે અન્ય કોઈ સુરક્ષિત વિકલ્પની જાણકારી ન હતી. તેમણે જણાવ્યુ.
બીજો કોઈ વિકલ્પ ન હોવાથી વનરાજે કેટલાક વર્ષો સુધી રાસાયણિક ખેતી કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ તે પછી, 2016માં, તેમની મુલાકાત એક મિત્ર સાથે થઈ હતી. તે પણ ખેડૂત છે અને જ્યારે બંને મિત્રોએ વાત શરૂ કરી ત્યારે વનરાજે તેને તેની સમસ્યા જણાવી.
તેના મિત્રએ તેની સમસ્યા સમજી અને તેને કૃષિ ક્ષેત્રમાં પદ્મશ્રી પ્રાપ્ત કરી ચૂકેલાં સુભાષ પાલેકર વિશે જણાવ્યુ હતુ. પાલેકરને ઘણીવાર લોકો ‘કૃષિનાં ઋષિ’ કહેતા હતા. તેમણે ખેડૂતો માટે ‘ઝીરો બજેટ ફાર્મિંગ’ અથવા ‘સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ’ ટેક્નોલોજી બનાવી છે. આ ટેક્નોલોજીથી ખેતી કરવા માટે તમારે કોઈ વધારાના રોકાણોની જરૂર રહેતી નથી.
પાકને કુદરતી રીતે રાસાયણિકને બદલે પર્યાવરણને અનુકૂળ ખાતરનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવે છે. એક વર્ષ પછી, વનરાજે અમદાવાદમાં થઈ રહેલા પાલેકરની ‘ઓર્ગેનિક ફાર્મિંગ’ તાલીમ માટે નોંધણી કરાવી.
“છ દિવસ સુધી ચાલેલી આ તાલીમમાં, મેં ઘણાં ખેડૂતો સાથે વાતચીત કરી અને તેમની વાર્તાઓથી મને ખૂબ પ્રેરણા મળી. મેં પાલેકર સર પાસેથી ખેતી વિશે જાણકારી લીધી અને હવે મારે પ્રાકૃતિક ખેતીની ટેક્નોલજીનો ઉપયોગ કરવાનો હતો,” તેમણે કહ્યું.

એક મોડલ ફાર્મ વિકસિત કર્યુ
વનરાજનો પરિવાર પરંપરાગત ખેતીમાં માનતો હતો અને તેઓ આવી ખેતી માટે તૈયાર ન હતા. તેમણે તેમની 40 વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવાની ના પાડી દીધી.
31 વર્ષીય વનરાજ કહે છે, “તેમને ડર હતો કે, જંતુનાશક દવા ન નાંખવાથી પાક બગડી ન જાય. તેમના માટે મારા જેવા બિન-અનુભવી ખેડૂત પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હતો, પરંતુ કોઈક રીતે મારા પિતા અડધી એકર જમીન ઉપર પ્રયોગ કરવા તૈયાર થઈ ગયા હતા.”
તેમણે શાકભાજી અને ફળો ઉગાડવા માટે બંને રીતે મલ્ટિ-લેયર ક્રોપિંગ અને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવી. મલ્ટી-લેયર ક્રોપિંગ કરવાથી જમીનનો ઘણો ઉપયોગ થાય છે, કારણકે, તેમાં બહુજ નજીક-નજીક, પરંતુ અલગ-અલગ ઉંચાઇએ વાવેતર કરવામાં આવે છે.
તેના ફાયદાઓ વિશે જણાવતાં તેમણે કહ્યું, “છોડને અલગ અલગ લગાવવાની જગ્ચાએ આ ટેક્નિકથી લગાવવા પર રોશની અને પાણીનો સારો ઉપયોગ થાય છે. તેમની વચ્ચે ઓછું અંતર હોવાને કારણે કીડા પણ લાગતા નથી.
“તેઓએ બહારની લાઇનમાં દેશી પપૈયાના બીજ લગાવ્યા અને અંદરની તરફ રીંગણા, કારેલાં, હળદર, ચોળી, મગ, મરચા જેવી શાકભાજીનાં બીજ લગાવ્યા છે.
તેઓ પ્લાસ્ટિકની ચાદરોની જગ્યાએ મલ્ચિંગ માટે સૂકા પાંદડાનો ઉપયોગ કર્યો છે. મલ્ચિંગ એક બાગાયતી ટેક્નિક છે જે નિંદણ થવા દેતી નથી અને પાકના ઉત્પાદનમાં પાણીની બચત કરે છે. તેઓએ મલ્ચિંગ શીટ પર થોડા-થોડા અંતરે 3 ફૂટ ઉંડા ખાડા કર્યા છે, જેમાં તેમણે બીજ રોપ્યા છે.
“ ઉંડા ખાડા હોવાને કારણે પાકને ભારે વરસાદમાં કોઈ નુકસાન થયુ નથી. તેઓ વધારે પાણીને શોષી લે છે. અને અંડરગ્રાઉન્ડને રિચાર્જ કરે છે. વનરાજ કહે છે.”
તેમણે ગૌમૂત્ર, છાણ અને ગોળનું પ્રાકૃતિક પેસ્ટિસાઇડ ‘જીવામૃત’ બનાવ્યું છે. તેઓ પોતાના અડધા એકર જમીન પર દર 15 દિવસે 200 લિટર જીવામૃતનો ઉપયોગ કરતા હતા. “પાલેકર મુજબ,એક ગ્રામ છાણમાં લગભગ 300-500 કરોડ સુક્ષ્મસજીવો હોય છે, જે જમીનમાં બાયોમાસને ડીકંપોઝ કરીને છોડ માટે પોષણમાં ફેરવે છે. આ કુદરતી જંતુનાશક કીડા-મકોડાને તો રોકે જ છે સાથે સાથે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે. તેમણે કહ્યુ.
આ સાથે વનરાજે સિંચાઈ માટે ટપક પદ્ધતિ પસંદ કરી અને તેનાથી તેના પાણીના વપરાશમાં 70% ઘટાડો થયો છે.

આ થયો ફાયદો
પ્રાકૃતિક ખેતી અપનાવ્યાના છ મહિના પછી, તેમણે શાકભાજીની લણણી કરી અને બે લોકોને શાકભાજી વેચવા માટે રાખ્યા. તેમણે આ શાકભાજી વેચવા માટે જિલ્લાના નાના શહેર પાલિતાણામાં એક સ્ટોલ ઉભો કર્યો હતો.
તેમણે બજારના ભાવ કરતાં તેમની શાકભાજીનો દર પણ આશરે 30% વધાર્યો હતો અને તેમ છતાં તેમની બધી શાકભાજી એક અઠવાડિયામાં વેચાઈ ગઈ હતી. કારણ કે તેઓ તેમના શાકભાજીનું માર્કેટિંગ સ્વસ્થ અને 100 ટકા કુદરતી તરીકે કર્યુ હતું. આ ઉપરાંત તેમણે એવા ગ્રાહકોનું એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું જેઓ તેમના ફાર્મમાંથી શાકભાજી ખરીદવા માંગતા હતા.
તેમણે કહ્યું, “શાકભાજી જેવા ખેતરમાંથી સ્ટોલ પર જતા, એવું તરત જ હું વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી દેતો હતો. જેથી જે વ્યક્તિ તેને ખરીદવા માંગતા હોય તે તાજા શાકભાજી ખરીદી શકે.”
આગામી ત્રણ મહિના સુધી વનરાજે આ પ્રક્રિયા ચાલુ રાખી અને પછી તેની કપાસની ખેતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
પરંતુ તો પછી તેમના રેગ્યુલર ગ્રાહકોને તાજા શાકભાજી મળવાનું બંધ થઈ ગયુ તો તેમણે વનરાજને ફરીથી સ્ટોલ ખોલવા માટે કહેવાનું શરૂ કર્યુ હતુ. સાથે જ તેમણે અલગ-અલગ શાકભાજી ઉગાડવાની ડિમાન્ડ પણ કરી હતી.
તેમણે કહ્યું, “કુદરતી ખેતીની અસર જોઇને હું આશ્ચર્યચકિત થઈ ગયો. એક પણ ક્ષણ ગુમાવ્યા વિના મેં ગામના અન્ય ખેડુતો સાથે વાત કરી જેઓ જૈવિક ખેતી કરે છે. મેં મારી સાથે વધુ બે ખેડૂતોને ઉમેર્યા અને સ્ટોલ ફરીથી ખોલ્યો.” સમય સાથે ઉપજ, ગુણવત્તા અને ગ્રાહકોમાં વધારો થવાને કારણે વનરાજની આવક પણ વધવા લાગી હતી. ફક્ત 6-8 મહિનામાં જ મને બે લાખ રૂપિયાનો નફો થયો હતો. મારા મોડલ ફાર્મની સફળતા બાદ મારા પરિવારે પણ મારો સાથ આપ્યો હતો. તેમણે કહ્યુ. સફળતા તો તેમને મળી ગઈ, પરંતુ વનરાજ જણાવે છેકે, શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીમાં તેમણે બહુજ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો.
હું આખો દિવસ ખેતરમાં વિતાવતો હતો,જેથી પાક વધવાની પ્રક્રિયાને સમજી શકું અને જીવામૃતનાં પ્રભાવને જોઈ શકું. કેટલાક બીજ ફેલ થઈ ગયા પરંતુ તેનાંથી મને છોડને સમજવામાં મદદ મળી હતી. પછી થોડા સમય બાદ, બીજોને પ્રાકૃતિક ખાતરની આદત પડી ગઈ હતી. હું દરેક ખેડૂતને આ રીત અપનાવવાની સલાહ આપીશ.
જૈવિક ખેતીમાં સફળતા મેળવ્યા બાદ હવે તે કપાસની ખેતીમાં ઝીરો બજેટ ફાર્મિંગ ટેક્નિકને લગાવી રહ્યા છે. સાથે જ તેમના અડધા એકર ખેતરમાં જૈવિક શાકભાજીઓ ઉગાડી રહ્યા છે. તેના સિવાય તેઓ એક યુટ્યૂબ ચેનલ શરૂ કરવા ઉપર પણ કામ કરી રહ્યા છે.
“હું બીજા ખેડૂતોને પણ આ ટેક્નિક અપનાવવાની સલાહ આપું છું. પરંતુ દરેક લોકો પાસે પાલેકર સર પાસેથી ટ્રેનિંગ લેવાનો સમય નથી, એટલા માટે યૂટ્યુબથી આવા લોકોને ફ્રીમાં ક્લાસ આપીશ.”
મૂળ લેખ: ગોપી કારેલિયા
આ પણ વાંચો: હળદર-આદુની ખેતી કરી 1.5 કરોડ કમાય છે આ ગુજરાતી IT ગ્રેજ્યુએટ, અમેરિકા-યુરોપમાં છે ગ્રાહકો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.