Search Icon
Nav Arrow
Date Farm
Date Farm

ભૂજના આ ખેડૂતે 40 એકર વેરાન જમીનને ફેરવી મોંઘાં ફળો અને ખજૂરના નંદનવનમાં, કમાણી લાખોમાં

ખેતીને સમજવા માટે પહેલાં ઈઝરાયલ ગયા અને 10 દિવસ ફર્યા બાદ અહીં શરૂ કર્યું ઉચ્ચ ગુણવત્તાની ખજૂરનું ઉત્પાદન

ઈશ્વર પિંડોરિયાનો જન્મ કચ્છના ગ્રેટ રણથી દોઢ કલાકના અંતરે 20 કિ.મી. દક્ષિણ-પશ્ચિમમાં એક જન્મમાં થયો હતો.

પિંડોરિયાએ મોટા થઈને કમર્શિયલ પાયલટ બની આકાશમાં ઊડવાનું સપનું જોયું હતું. રાજકોટમાં શિક્ષણ પૂરું કર્યા બાદ, બરોડામાં પાયલટની ટ્રેનિંગ સમયે તેમને એમજ લાગ્યું હતું કે, તેઓ તેમના સપનાથી હવે બસ એક ડગલું જ દૂર છે.

પરંતુ અચાનક પરિસ્થિતિ બદલાઇ અને તેમણે પોતાનું ઊંચે આકાશે ઊડવાનું સપનું છોડી પિતાના કોંક્રિટ પાઇપો બનાવવાના બિઝનેસની જવાબદારી ઉપાડી લીધી.

અત્યારે પારિવારિક વ્યવસાય સફળતાપૂર્વક ચલાવવાની સાથે ઈશ્વર પિંડોરિયાનું એક હાઇટેક ફાર્મ પણ છે. જેને જોઇને લણણીની સિઝનમાં દર વર્ષે સેંકડો ખેડૂતો આકર્ષાય છે.

ભારતની સાથે-સાથે તેમના ખેતર તરફ તો ઈઝરાલયલનું ધ્યાન પણ આકર્ષિત થયું છે. તેમને ‘ખેતીની તકનીકીઓના મક્કા’ માનવામાં આવે છે.

ન્યૂ દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસ અને મશાવ (ઈઝરાયની વિદેશી બાબતોના મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય વિકાસ સહકાર માટેની એજન્સી) એ પણ પિંડોરિયાની ખજૂરના સફળ ખેતી દર્શાવતી ડોક્યુમેન્ટ્રી રજૂ કરી તેમનું સન્માન કર્યું હતું.

Farmer

કયા કારણે પિંડોરિયાનું ખેતર લોકો માટે બન્યું આકર્ષણનું સ્વરૂપ?
40 એકરની જમીનમાં આ વ્યક્તિ 2006 થી અલગ-અલગ પ્રકારની વિદેશી ખજૂર, દાડમ, જાણીતી કેસર કેરીને વિવિધ ઈઝરાયલી તકનીકીના ઉપયોગથી ઉગાડે છે.

બદલાતું વાતાવરણ, જમીનમાં અપૂરતું પોષણ, રેતાળ જમીન અને પાણીની ખૂબજ તંગી છતાં આ ઉદ્યોગપતિ ખેડૂતને વર્ષમાં ઘણું સારું ઉત્પાદન મળે છે. તેમનાં ઉત્પાદનો માત્ર ભારતમાં જ નહીં યુરોપ અને અન્ય દેશોમાં પણ પહોંચે છે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ગુજરાતના આ ખેડૂત તેમની આ યાત્રા કેવી રીતે શરૂ થઈ એ યાદો વાગોળે છે..

“મને બાળપણથી જ બાગકામ બહુ ગમતું. મને એમ કહેવામાં આવ્યું હતું કે, આપણા પૂર્વજો ખેતી કરતા હતા. પરંતુ ધીરે-ધીરે તેઓ ખેતી છોડી ઉદ્યોગ તરફ ફર્યા. હું મારા પિતાની કંપની ચલાવતો હતો છતાં સતત એમજ વિચારતો હતો કે, કેવી રીતે મારી ખેતી કરી શકાય.”

Farm

2003 માં પોતાની જાતમાં વિશ્વાસ મૂકી ખેતી કરવાનું નક્કી કરી દીધું.

“મને ખબર જ હતી કે, હું જ્યારે પણ ખેતી કરીશ ત્યારે પરંપરાગત પદ્ધતિઓને વળગી નહીં રહું. હું કઈંક હટકે કરવા ઇચ્છતો હતો. ખેતી માટે દુનિયાની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિઓ માટેની જગ્યા ઈઝરાયલ જ છે.”

“ઈઝરાયલની હાલની કૃષિ પદ્ધતિઓ જાણવા મેં મારા મિત્ર અબ્નેર ચીન સાથે ઈઝરાયલના જમીન વિસ્તારથી ગેલીલીના દરિયાકિનારા સુધીના વિસ્તારનો પ્રવાસ કર્યો. અહીં પિંડોરિયા ઘણા ખેતરો અને કિબુટ્ઝમાં ફર્યા.”

કિબુટ્ઝ એ સમાધાનનો એક પ્રકાર છે, જે માત્ર ઈઝરાયલમાં જ જોવા મળે છે. સામાન્ય રીતે ખેતી તો ક્યારેક ઉદ્યોગીકરણ પ્રકૄતિમાં હોય છે. તે એક સામૂહિક સમૂદાય છે, જ્યાં નફાની ખાતરી બાદ, બધી જ સંપત્તિ સમાનરૂપે રાખવામાં આવે છે. બધા જ સભ્યોને ખોરાક, વસ્ત્રો, આશ્રય, સામાજિક અને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

આ પ્રવાસથી ઘણું નવું શીખવા મળ્યું.
“મેં જોયું કે, અહીં પણ ઘણાં સ્થળોની જમીન એવી જ હતી, જેવી જગ્યામાં હું પણ ખેતી કરવા ઇચ્છતો હતો. અહીં રેતાળ જમીનમાં ખેડૂતોને ખજૂરમાં ઘણી સારી સફળતા મળી હતી. આ જોઇને જ મને વિચાર આવ્યો કે, જો આટલા પ્રતિકૂળ વાતાવરણમાં અહીંના ખેડૂતો ખજૂરનું સફળતાપૂર્વક ઉત્પાદન કરી રહ્યા છે તો, આપણે કેમ ન કરી શકીએ? કેટલાક ખેડૂતો પાસે ખાતરી કર્યા બાદ અહીં આવી વ્યવસાયિક રૂપે તેની ખેતી કરવા મેં સારી ગુણવત્તાના ખજૂરના છોડ લાવવાનું નક્કી કર્યું.”

Date

તકનીકીનો ઉપયોગ
અહીં જમીનમાં ભેજનું પ્રમાણ ચકાસી, જીવાત અને રોગ અંગે તપાસવાની સાથે-સાથે ભેજના નિરિક્ષણ અને તેના બાષ્પીભવન દરના આધારે ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

“આ તકનીકથી પાણીમાં આશરે 60% ટકાનો બચાવ થાય છે. ઉપરાંત પાકમાં સારી આવક પણ મળે છે. સીધી જમીનમાં સિંચાઇ થવાથી, પાણીનું બાષ્પીભવન પણ અટકે છે. આ સિસ્ટમ સપાટીની એક સ્તર નીચે ગોઠવેલ હોવાથી નીંદણ પણ વધતું નથી, કારણકે ઉપરનું સ્તર રેતાળ જ રહે છે. આ સિંચાઇના કારણે પાકનું ઉત્પાદન વધે છે અને પાકની ગુણવત્તા પણ સારી રહે છે. આ પદ્ધતિથી વિજળી, માનવશક્તિ અને ખાતરના ખર્ચમાં પણ ઘણો બચાવ થાય છે.”

તેમણે કેલિફોર્નિયાથી માટીના ભેજને ચકાસવા અને સિંચાઇ સુનિશ્ચિત કરવા, પાણી બચાવવા અને વહેણ અટકાવવાનાં સાધનોની આયાત કરી.

કેનોપી મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન વધારવા, ફસલની લણણીનું કામ સરળ કરવા,લણણી બાદની પ્રક્રિયા અને તેને વ્યવસ્થિત પેક કરી મર્યાદિત સમયમાં બજાર સુધી પહોંચાડવાનું કામ સરળ કરવાનું શીખવા મળે છે.

જ્યારે મેં તેમને પૂછ્યું કે, શું આખી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓર્ગેનિક જ રહે છે ત્યારે તેમણે કહ્યું કે, કેમિકલનો ઉપયોગ જીવાત કે સડાની ગંભીર સમસ્યામાં જ થાય છે.

છેલ્લાં ચાર વર્ષથી વૈશ્વિક GAP- પ્રમાણિત ફાર્મ, તેનું ઉત્પાદન અવશેષ મુક્ત છે. વૈશ્વિક જી.એ.પી. સારી કૃષિ વ્યવહાર (જીએપી) ને સમર્પિત કૃષિ ધોરણોનો આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સમૂહ છે જે વિશ્વભરમાં સલામત, ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપે છે.

Date Farming

વધુમાં તેઓ જણાવે છે કે, કેવી રીતે તકનીકીની મદદથી ધીરે-ધીરે તેમના ઉત્પાદનમાં સતત વધારો થતો રહ્યો. એકાદ વર્ષ પહેલાં સુધી નિકાસકારો વિદેશમાં મોકલવા માટેનાં ઉત્પાદનો તેમની પાસેથી ખરીદતા હતા. પરંતુ પછી આ વ્યક્તિએ પોતાનું જ કોલ્ડ સ્ટોરેક યુનિટ બનાવ્યું. અને હેમકુંડ ફાર્મ ફ્રેશ અંતર્ગત આખા ભારતની સાથે-સાથે યુરોપમાં પણ તેમનાં ફળોની નિકાસ શરૂ કરવામાં આવી.

વધુમાં તેઓ ઉમેરે છે કે, “જર્મનીમાં નિકાસ થતાં અમારાં ઉપાદનો માટે બહુ સારો પ્રતિસાદ મળ્યો. અમારાં ઉત્પાદનોને અવશેષ મુક્ત કહેવામાં આવ્યાં અને ઈઝરાયની ગુણવત્તા કરતાં પણ સારાં છે એમ કહેવામાં આવ્યું. આ ક્ષણ અમારા માટે ખૂબજ ગૌરવપૂર્ણ હતી. જે સાબિત કરે છે કે, જો ભારતીય ખેડૂતો પણ કઈંક કરવાનું નક્કી કરે તો, ચોક્કસથી કરી શકે છે.”

લગભગ અઢી-ત્રણ વર્ષ પહેલાં ન્યૂ દિલ્હીની ઈઝરાયલ એમ્બસીએ તેમની સાથે સંપર્ક કર્યો અને તેમની સક્સેસ સ્ટોરી પણ ડોક્યૂમેન્ટ્રી બનાવવાની વિનંતિ કરી.

ત્યારથી ઈઝરાયલના ખેડૂતો પણ વારંવાર તેમની મુલાકાત લઈ રહ્યા છે.
2015 માં પિંડોરિયાના ખેતરની મુલાકાતે આવેલ ખજૂર નિષ્ણાત ચૈમ ઓરેને ઈઝરાયલની નવીનતમ તકનીકીઓ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી.

આ અંગે પિંડોરિયા કહે છે કે, જ્યારે બધા ખેડૂતો ભેગા થાય છે ત્યારે એકબીજાના વિચારોની આપ-લે કરે છે અને તેમણે કરેલ નવીન પ્રયોગો અંગે જણાવે છે. ઘણી વાર કેટલાક ખેડૂતો તેમણે કરેલ કોઇ નવા પ્રયોગ કે તકનીકી વિશે જણાવે ત્યારે હું જરા પણ સમય બગાડ્યા વગર મારા ખેતરમાં કરવાનો પ્રયત્ન કરું છું.

પિંડોરિયાએ યુકે, કેનેડા, સ્પેન અને આફ્રિકન દેશોમાં ત્યાંના ભૂગોળ અને આબોહવા આધારિત હાલની કૃષિ પદ્ધતિઓ પર સંશોધન કરાવ્યું અને તેમણે પોતાના ફાર્મને પણ એ જરૂરિયાતોને અનુરૂપ બનાવ્યું.

10 એકરમાં સ્થાનિક ખજૂરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, જ્યારે ઈરાકમાંથી લાવવામાં આવેલ ખાસ બાર્હી જાતની ખજૂરનું બીજા દસ એકરમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે. ટિશ્યુ કલ્ચરની વિવિધતા પિંડોરિયા 2006 માં દુબઈથી લાવ્યા હતા.

જ્યારે 18 એકરમાં કેસર કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યાં પહેલાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું હતું. ભારતમાં કેસર કેરીનું માર્કેટ બહુ મોટું છે. પૂર્વ ભારતમાંથી ફસલ આવે તેના એક મહિલા પહેલાં જ બોક્સનું બૂકિંગ શરૂ થઈ જાય છે.

મોટું ફળ, વજનમાં ભારે, કુદરતી રીતે ઝાડ પર પાકેલ અને કાર્બન અને રસાયણ ફ્રી આ કેરી બહારથી લીલી અને અંદરથી કેસરી અને રસથી તરબોળ હોય છે.

સામાન્ય રીતે કેસર કેરી 30-35 રૂપિયે કિલોના ભાવે વેચાય છે ત્યારે પિંડોરિયા એક કિલોના 50 રૂપિયા લે છે. સાથે ગુણવત્તાની ગેરન્ટી આપે છે. તેમના નિયમિત ગ્રાહકો કેરી માત્ર તેમની પાસેથી જ ખરીદે છે.

અંગે પિંડોરિયા કરે છે, “તમે ઘરમાં પ્રવેશો કે તરત જ તમને કેરીની સુગંધ આવવા લાગે છે. ઘરમાં કોઇ મહેમાન આવે તો તેમને પણ ખબર પડી જાય કે ઘરમાં કેસર કેરી છે. બસ આ જ અમારી કેસર કેરીની ઓળખ છે.”

Date Farm

સ્થાનિક ખજૂરની સરખામણીએ તેમની ખજૂર અલગ છે. 2006 માં લાવેલ બાર્હી પ્રકારનું 2008 માં પુષ્કળ ઉત્પાદન મળ્યું હતું. એક છોડ દીઠ 200 કિલો ઉત્પાદન મળ્યું હતું. સામાન્ય ખજૂર 25-30 રૂપિયે કિલો વેચાય છે ત્યારે પિંડોરિયાને એક કિલોના 80-100 રૂપિયા મળે છે.

સામાન્ય ખજૂરનું વજન 12-14 ગ્રામ હોય છે ત્યાં પિંડોરિયાના ખેતરમાં થતી ખજૂરનું વજન 23-26 ગ્રામ હોય છે. વધુમાં તે લાંબા સમય સુધી ટકી રહે એ માટે અમે અમારા ઉત્પાદન પર પ્રોસેસ કરીએ છીએ, જેથી બજારમાં તેના ભાવ સારા મળી રહે છે.

પિંડોરિયાએ હવે 10-12 છોડ ઓળખી તેમના બગીચામાં એકબીજા સાથે કલમ કરી છે. તેમણે ટિશ્યૂ કલ્ચરના પ્રસાર માટે તેમને મોકલ્યા છે અને ડીએનએ પરિક્ષણ બાદ નવી જાતો શોધી તેની નોંધણી કરાવી, વિશ્વને ભેટ આપવા ઇચ્છે છે.

બીજા વેપારીઓ જે તેમનાં ફળો પૂંઠાના બોક્સમાં વેચાણ કરે છે ત્યાં પિંડોરિયા તેમનાં ઉત્પાદનો 500 ગ્રામ પ્લાસ્ટિક ટ્રાન્સપરન્ટ પેકેટમાં આપે છે.

સામાન્ય રીતે વેપારીઓ પૂંઠાના બોક્સમાં નીચી ગુણવત્તાનાં ફળ નીચે રાખે છે અને ઊંચી ગુણવત્તાનાં ફળ ઉપર મૂકે છે. જ્યારે અમારા બોક્સમાં ગ્રાહકો ચારેય બાજુથી ફળને જોઇ શકે છે, જેથી અમને ગ્રાહકોનો બહુ સારો પ્રતિસાદ મળે છે.

ત્રણ વર્ષના સમયમાં બહુ સારી રીતે વધવા દરેક છોડને 100 કિલો કમ્પોસ્ટ ખાતરની જરૂર પડે છે. જીવાત રોકવા માટે ટપક સિંચાઇ પદ્ધતિ દ્વારા ફૂગને નિયંત્રિત કરવામાં આવે છે.

ઓર્ગેનિક કિચન વેસ્ટની સાથે પિંડોરિયા ખજૂરનાં પાન અને વધારાની ખેત કચરાની સાથે કમ્પોસ્ટ બીનમાં સૂક્ષ્મસજીવો જેમ કે અળસિયાં પણ નાખે છે. તેનો લગભગ 12 મહિના સુધી સંગ્રહ કરવામાં આવે છે.

આ અંગે પિંડોરિયા જણાવે છે કે, “ખાતરને લાંબા સમય સુધી બનવા દેતાં તેમાંનાં પોષક તત્વો વધારે સમૃદ્ધ બને છે. રેતાળ અને પડતર જમીનને તેની સૌથી વધારે જરૂર હોય છે. લણણીથી લઈને નિકાસ સુધીનો સમય ખૂબજ વ્યસ્ત અને તણાવપૂર્ણ રહે છે.”

પિંડોરિયા કહે છે, “હું મારો બિઝનેસ ચાલું રાખીશ છતાં, મારું દિલ તો ખેતીમાંજ રહેશે. આ દરમિયાન મારા પરિવારે મને બહુ સહકાર આપ્યો છે. મને આજે પણ યાદ છે કે, જ્યારે મેં એકસાથે કેરીના 2000 છોડ વાવ્યા ત્યારે મારા પિતાએ કહ્યું હતું કે, ખેતી તને એ આનંદ આપી શકે છે, એ બીજું કોઇ કામ નહીં આપી શકે. “

તેઓ વધુમાં જણાવે છે, ખેતીમાં માનવ હસ્તક્ષેપ બહુ મર્યાદિત છે. એકવાર બીજ વાવો અને સમયાંતરે પાણી આપો અને તેની સંભાળ રાખો. ઘઉંનો એક દાણો વાવો તો તેમાંથી 80 દાણા મળે છે. યોગ્ય આયોજનપૂર્વક ખેતી કરવામાં આવે તો, ખેતીથી વધુ ફાયદાકારક બીજું કોઇ કામ નથી.

અન્ય નાના-મોટા ખેડૂતોને પણ તેઓ જે શીખ્યા છે એ અંગે શીખવાડવા અને જાગૃતિ ફેલાવવા તેમણે રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો સાથે મળીને શ્રી કચ્છી લેઉવા પટેલ મંડળની સ્થાપના કરી છે. જેમાં તેમના પોતાના ભંડોળનો ઉપયોગ કરી સારી તકનીકી શીખવાડવા ભારતભરના 50 ખેડૂતોને પણ સાથે લીધા છે.

આ સંસ્થા દ્વારા કૃષી મૉલ્સ બનાવવામાં આવ્યો છે. જેમાં 2500 ખેડૂતો મોટી કંપનીઓ પાસેથી ખેતીની સામગ્રી જેવી કે, ખાતર, બીજ, જંતુનાશકો વગેરે સસ્તા ભાવે ખરીદી શકે છે અને બીજા ખેડૂતોને સસ્તામાં વેચી શકે છે.

દરેક વ્યક્તિને તો ઈઝરાયલ જવું પોસાય એમ નથી એટલે ભારતીય ખેડૂતો માટે મોડેલ ફાર્મ બનાવવા ઇચ્છે છે. પરંપરાગત રીતો સારી છે, પરંતુ તેની સાથે મોડર્ન સાઇન્ટિફિક સંશોધનો અને તકનીકીની મદદથી ફાયદામાં ઘણો વધારો થાય છે.

જો તમને આ કહાની ગમી હોય અને તમે પિંડોરિયાજી સાથે સંપર્ક કરવા ઇચ્છતા હોય તો, hemkund.horticulture@gmail.com પર તેમને ઈમેલ કરી શકો છો થવા તેમની વેબસાઇટ પર જઈ શકો છો.

મૂળ લેખ: Jovitha Aranha

આ પણ વાંચો: સિવિલ એન્જિનિયરનું અનોખુ ઇનોવેશન, માટી વગર એકજ વારમાં ઊગી શકે છે 30 કિલો લીલું ઘાસ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon