Search Icon
Nav Arrow
Growing Vegetables
Growing Vegetables

સપ્ટેમ્બર મહિનામાં વાવો આ બીજ અને શિયાળામાં ખાઓ ઘરે ઉગેલ તાજી ઑર્ગેનિક શાકભાજી

ઋતુ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં કઈ કઈ શાકભાજીઓને વાવવી જોઈએ, ચાલો જાણીએ ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી.

દરેક શાકભાજીની પોતાની અલગ પ્રકૃતિ અને વિશેષતા હોય છે. તેમના ઉગવાનો તથા કાપણીનો સમય પણ અલગ અલગ હોય છે. કેટલીક ઠંડીની ઋતુમાં સારી ઉગે છે તો કેટલીક ગરમીની. જો છોડને પોતાની પ્રકૃતિના ગુણ પ્રમાણે ઉગાડવામાં આવે તો તેનું ઉત્પાદન તથા સ્વાદ બંને સરસ રહે છે. ઘરના બગીચામાં પણ તમારે ઋતુ પ્રમાણે શાકભાજીનું વાવેતર કરવું જોઈએ.

અત્યારે તો ગરમીની ઋતુમાં બધી જ શાકભાજીઓની કાપણી થઇ ચુકી છે અને થોડા જ મહિનામાં હવે તો ઠંડીની ઋતુ પણ શરું થઇ જશે.

હાલ તો હવે ગરમીની ઋતુમાં થતી દરેક શાકભાજીની કાપણી થઇ ચુકી છે અને બસ થોડા જ મહિનામાં ઠંડીની ઋતુ પણ શરુ થઇ જશે એટલે ટેરેસ ગાર્ડન ધરાવતાં લોકો ઠંડીની ઋતુમાં થતી શાકભાજી ઉછેરવામાં લાગી જશે. આ મહિનામાં બીજ વાવીને છોડ તૈયાર કરવામાં આવે છે અને પછી તેને મોટા કુંડ અને ગ્રો બેગ માં રોપવામાં આવે છે. લગભગ બે ત્રણ મહિના પછી શિયાળામાં તમને આ બગીચામાંથી સારી ઉપજ મળશે.

સુરતમાં હોમ ગાર્ડનિંગ અને ટેરેસ ગાર્ડન વર્કશોપ ઓર્ગેનાઈઝેશન કરતાં અનુપમા દેસાઈથી જાણીએ કે કઈ એવી શાકભાજી છે જેના બીજને સપ્ટેમ્બર મહિનામાં વાવવા જોઈએ.

Growing Vegetables

અનુપમાએ જણાવ્યું કે,” સામાન્ય રીતે સપ્ટેમ્બરથી જ થોડું ભેજનું પ્રમાણ વધવા લાગે છે અને તાપમાન પણ નીચું હોય છે. આ તાપમાનમાં ઘણાં ફૂલ અને શાકભાજીના બીજ વાવી શકાય છે. આમ તો દરેક જગ્યાનું તાપમાન અલગ અલગ હોય છે ને તે જ પ્રમાણે બીજની વાવણી થવી જોઈએ. જેમ કે, વટાણાંના છોડ શિયાળામાં જ થાય છે પરંતુ ગુજરાતનું તાપમાન તેના માટે અનુકૂળ નથી તેટલા માટે આપણે તેને ઉગાડાતાં નથી. પરંતુ આપણે ત્યાં ગાજર, ફુલાવર, શિમલા મિર્ચ, કોબીજ, બ્રોકોલી, લીલા મરચાં, મુળી, રીંગણ, ટમેટાં વગેરેના બીજને સપ્ટેમ્બરમાં રોપવાથી તમને નવેમ્બર ડિસેમ્બર સુધી આરામથી ઉપજ મળવા લાગશે.

આ પણ વાંચો: છતને કરાવી વોટરપ્રૂફ અને વાવી દીધા 100થી વધારે ફળ-શાકભાજીઓનાં છોડ-ઝાડ

આજે અનુપમ આપણને ફુલાવર, ગાજર, શિમલા મીર્ચ, અને ટામેટાનાં બીજને રોપવાની વિધિ જણાવશે.

ફુલાવરનો છોડ ઉછેરવાની રીત

ફુલાવર અને બ્રોકોલી બંને સમાન રીતે જ ઉછેરી શકાય છે, તેના માટે તમારે બજારમાંથી બીજ લાવવાના રહેશે. જો તમારી પાસે ઘર પર જ બીજ હાજર છે તો તેને ટ્રાઇકોડર્મા પાવડર અથવા હળદરના પાણીમાં માવજત આપીને તૈયાર કરી શકાય છે. અલગ અલગ જાતના બીજની પસંદગી કરીને વિવિધ ફુલાવારની જાત પણ વાવી શકો છો.

Growing Vegetables

સૌથી પહેલાં એક માધ્યમ આકારના કુંડ અથવા સેપલિંગ ટ્રે માં બીજને અંકુરિત કરો. તેમાં ચાર પાંચ પટ્ટા નીકળવાની સાથે જ તેને માટી સહીત અથવા અંકુરીત છોડને મોટા કુંડામાં ફેરરોપણી કરો. તમે મોટી ગ્રો બેગ, કુંડા કે જુના ટબમાં પોટિંગ મિક્સ તૈયાર કરીને મોટા કુંડામાં ઉમેરી ઉપયોગ કરી શકો છો. પોટિંગ મિક્સ તૈયાર કરવા માટે 50 ટકા સામાન્ય ભરભરી માટી, 50 ટકા કોકોપીટ અને કમ્પોસ્ટનું મિશ્રણ લઇ શકો છો. નિયમિત અંતરાલે પાણી આપતા રેહવાથી લગભગ એક મહિનામાં તમારો છોડ તૈયાર થઇ જશે.

લગભગ 45 દિવસમાં તેમાં ફૂલ નીકળવાના શરું થઇ જશે. અનુપમ જણાવે છે કે ફૂલ આવ્યા પછી તમારે સારી રીતે ખાતર આપવામાં ધ્યાન રાખવું પડે છે જેથી સમય પર છોડમાં ફળ પણ નીકળવા લાગે. આમ વ્યવસ્થિત દેખભાળની સાથે બે ત્રણ મહિનામાં ફુલાવર તૈયાર થઇ જશે.

નોંધ: કીડા વગેરેથી બચાવ માટે તમે જૈવિક કીટનાશક, લીંબોળીનો અર્ક અથવા દેશી ગાયના દૂધનો છંટકાવ કરી શકો છો.

ગાજરના છોડની રોપણી

ગાજર શિયાળામાં ખાવા માટે સૌની પસંદગીની શાકભાજી છે. ઘર પર ગાજર ઉગાડવા માટે તેના બીજને તમે સપ્ટેમ્બરના મહિનામાં જ વાવો. વધારે ગરમીમાં ગાજરનો છોડ વ્યવસ્થિત નથી ઉગતો એટલે જ જેવો શિયાળો શરુ થાય કે તરત જ બીજની વાવણી કરી દેવી જોઈએ.

Vegetables from Seed

કેમ કે આ એક કંદ છે એટલે તેના બીજને સીધા જ મુખ્ય કુંડામાં વાવી શકાય છે. ગાજરના બીજ કાળમાં ઘણાં જ નાના હોય છે તો એટલું ધ્યાન રાખવું કે તેને વાવતી સમયે તેના ઉપર વધારે માટી કે પાણી ન આપો.

તેને મોટા ગોળ કુંડા અથવા કન્ટેનર્સમાં પણ ઉગાડી શકાય છે. 18 ઇંચની પહોળાઈ વાળા અથવા ઓછામાં ઓછા 1 ફૂટની ઊંડાઈ વાળા કન્ટેનરનો ઉપયોગ કરો. તમે ગ્રો બેગનો પણ ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: સૌથી સરળ છે આ 3 શાકભાજી ઉગાડવી, આજથી જ કરો શરૂઆત

જે કન્ટેનરમાં છોડ ઉગાડવાનો છે તેમાં પોટિંગ મિક્ષ નાખીને તૈયાર કરો. પોટિંગ મિક્ષ માં 50 ટકા સામાન્ય માટી અને 50 ટાકા કોકોપીટ અને કમ્પોસ્ટના મિશ્રણને લઇ શકો છો. પોતાની આંગળીની મદદથી નાનકડો ખાડો કરીને તેમાં નિયત અંતરે બીજને વાવો.

શરૂઆતમાં તેમાં જ્યાં સુધી બીજ અંકુરિત ન થઇ જાય ત્યાં સુધી નિયત માત્રામાં પાણી નાખતા રહો. આ ઋતુમાં તડકો એટલો તીવ્ર નથી હોતો જેથી તેને સૂર્યના પ્રકાશમાં રાખી શકાય છે. લગભગ 45 દિવસ પછી તેના છોડ એકદમ સરસ અને મોટા થઇ જશે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે છોડ માંથી ગાજર નીકાળી શકો છો.

ટામેટાના છોડની રોપણી

ટામેટાના બીજ તમને ઘરેથી જ મળી જશે. તેને સુકવી, હળદરના પાણી સાથે માવજત કરી ઉગાડી શકશો. જો તમે બહારથી બીજ લાવી રહ્યા છો તો ધ્યાન રાખજો કે બીજ વધારે જુના ન હોય. તમે ટામેટાના નાના નાના છોડને બોટલ અથવા નાના કન્ટેનરમાં પણ લગાવી શકો છો.

Vegetables from Seed

પણ જો તમે મોટો છોડ અને વધારે ઉત્પાદન મેળવવા માંગો છો તો તેને આ રીતે વાવો અને ઉછેરો.

સૌથી પહેલા માટી ભરીને એક મોટી ગ્રો બેગ અથવા કકુંડાને તૈયાર કરો. તમે ગાજર અને ફુલાવરમાં વાપરેલ પોટિંગ મિક્ષને જ ઉપયોગમાં લઇ શકો છો. તે બાદ સેપલિંગ તૈયાર કરો. એક ઇંચ સુધી માટી નાખી કુંડાને ભરો. પછી ટામેટાના બીજને વાવો ને તે પછી તેના ઉપર માટી નાખી બીજને ઢાંકી દો. કેટલાક દિવસો સુધી થોડા થોડા પાણીનો છંટકાવ કરતા રહો. લગભગ દસ દિવસ પછી તમને અંકુરણ જોવા મળશે. જયારે છોડની લંબાઈ લગભગ એક ઇંચ જેટલી થઇ જાય ત્યારે છોડની કુંડામાં ફેરબદલી કરો. એક કુંડામાં ફક્ત એક જ છોડની વાવણી કરો. જો કુંડામાં એક કરતાં વધારે છોડ હશે તો ટામેટાનું ઉત્પાદન ઓછું થશે.

શિમલા મિર્ચના છોડની વાવણી

Home Gardening

શિમલા મિર્ચ કે પછી સાદા મરચાનો છોડ તમે આરામથી ઘરે ઉપલબ્ધ બીજોનો ઉપયોગ કરીને ઉગાડી શકો છો. તમે બજાર માંથી લાવેલ શિમલા મિર્ચના બીજને હળદરના પાણી સાથે માવજત આપી, તડકામાં સુકવી તૈયાર કરો. પોટિંગ મિક્ષ અને બીજ રોપવાની વિધિ ટામેટાના જેવી જ છે. પરંતુ અનુપમ જણાવે છે કે કોઈપણ મરચાંના બીજને અંકુરિત થવામાં થોડો વધારે સમય લાગે છે. તેના છોડને પાણીની જરૂરિયાત પણ ઓછી જ રહે છે તેથી તમે છોડને એક એક દિવસના અંતરાલે પાણી આપો. મરચાંના છોડમાં પત્તા પીળા થવા લાગે છે જે સામાન્ય રીતે ફુગના કારણે હોય છે તેના માટે તમે પાણીનું ધ્યાન રાખો અને સાથે સાથે સાંજના સમયે પાણી તથા દૂધના મિશ્રણનો છંટકાવ કરતા રહો.

આ દરેક છોડને તમે સૂર્યના સારા પ્રકાશમાં રાખો.

તો તમે આ મહિનામાં કેટલાક છોડ તો જરૂરથી જ ઉગાડો જેથી કરીને શિયાળાના આવતા સુધીમાં તાજી શાકભાજી આરોગવા મળે.

વધુ જાણકારી માટે તમે અનુપમા સાથે 9427111881 પર સંપર્ક કરી વાત કરી શકો છો.

હેપી ગાર્ડનિંગ!

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: દાહોદના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકે ઘરમાં બનાવ્યું મીની જંગલ, દેશી-વિદેશી ફળ-શાકભાજી, ફૂલો છે અહીં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon