Search Icon
Nav Arrow
Sanjay Patel with Nilgiri in Farm
Sanjay Patel with Nilgiri in Farm

અમદાવાદનો ખેડૂત ખેતરના શેઢા પર નીલગિરીનું વાવેતર કરીને વિશેષ માવજત વગર કરશે લાખો રૂપિયાની કમાણી!

ખેતરના શેઢા અને પડતર જમીન પર કરો નીલગિરીનું વાવેતર અને કરો લાખો રૂપિયાની કમાણી!

નીલગિરીની આમ તો વિશ્વમાં 700 જેટલી પ્રજાતિ છે. ભારતના દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં નીલગિરી બહુ સરતાળી ઉગાડી શકાય છે. આજના જમાનામાં જ્યારે ખેતીની જમીન ખૂબ ટૂંકી થતી જાય છે ત્યારે નીલગિરીનું વાવેતર કરીને ખેડૂતો વધારાની આવક મળી શકે છે. અમદાવાદ જિલ્લાના ભરકુંડા ગામના સંજયભાઈ પટેલે વન વિભાગના માર્ગદર્શન હેઠળ પોતાના ખેતરના શેઢે નીલગિરીનું વાવેતર કર્યું છે. આ નીલગિરી ચાર વર્ષ બાદ સંજભાઈનો લાખો રૂપિયામાં આવક રળીને આપશે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ચાર વર્ષે દરમિયાન સંજભાઈએ નીલગિરી માટે કોઈ વિશેષ માવજત કરવાની રહેશે નહીં. આ માટે નીલગિરીને ખાતર કે પાણી આપવાની પણ જરૂર નથી. ધ બેટર ઇન્ડિયા સાથેની વાતચીતમાં સંજયભાઈએ નીલગિરીના વાવેતર અંગે પોતાના અનુભવો કહ્યા હતા.

ખેતરના શેઢે નીલગિરી વાવીને કરો વધારાની કમાણી!

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભરકુંડા ગામના ખેડૂત સંજયભાઈ પટેલ 50 વિઘા જમીન ધરાવે છે. તેઓ તેમના ખેતરમાં પરંપરાગત પાકોનું વાવેતર કરે છે. એટલે કે ડાંગર, ઘઉં વગેરે પાકો લે છે. ગત વર્ષે વન વિભાગના માર્ગદર્શન બાદ સંજયભાઈને માલુમ પડ્યું કે જો ખેતરના શેઢે નીલગિરીનું વાવેતર કરવામાં આવે તો કોઈ જ વધારાના ખર્ચ વગર ત્રણ-ચાર વર્ષમાં વધારાની આવક મેળવી શકાય છે. ધ બેટર ઇન્ડિયા સાથેની વાતચીતમાં સંજયભાઈએ જણાવ્યું હતું કે, “વન વિભાગના મારા એક મિત્રએ મને નીલગિરી વાવવાની સલાહ આપી હતી. મેં શરૂઆતમાં નીલગિરી વાવવા માટે આનાકાની કરી હતી પરંતુ તેમણે મને નિલગિરીના વાવેતરના ફાયદા ગણાવતા હું તૈયાર થઈ ગયો હતો. જે બાદમાં મેં મારા ખેતરના શેઢા પર નીલગિરીના રોપાનું વાવેતર કર્યું છે. મેં 1,000ની આસપાસ રોપાનું વાવેતર કર્યું છે. જેમાંથી હાલ 700થી વધારે રોપાનો ખૂબ સારી રીતે ઉછેર થઈ ગયો છે.”

Eucalyptus in Farm
Eucalyptus in Farm

સંજયભાઈએ વન વિભાગના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં નીલગિરીના રોપાનું વાવેતર કર્યું હતું. સંજયભાઈના કહેવા પ્રમાણે આ નિલગિરી અંદાજે ચાર વર્ષની અંદર તૈયાર થઈ જશે. રોપા વાવ્યાથી અત્યાર સુધી તેનો 14થી 15 ફૂટ જેટલો ગ્રોથ થયો છે. સંજયભાઈએ ખેતરના શેઢે અઢી ફૂટનું અંતર રાખીને છોડ વાવ્યા છે. વાવેતર કરવા માટે શરૂઆતમાં શેઢા પર અડધાથી એક ફૂટ જેટલો ખાડો કરવો પડે છે.

શેઢા પર જ શા માટે વાવેતર કરવું જોઈએ તેના વિશે વાત કરતા સંજયભાઈ જણાવે છે કે, “નીલગિરીનું વાવેતર શેઢા પર કરવામાં આવે તો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તે અન્ય પાકને નડતરરૂપ થતી નથી. આ ઉપરાંત શેઢા પર હોવાથી તેને પાણી કે ખાતર નાખવાની પણ જરૂર પડતી નથી. બીજું કે શેઢા કે પડતર જમીન પર નીલગિરીનું વાવેતર કરવાથી અન્ય જમીન પર બીજા પાક લઈ શકાય છે. આ ઉપરાંત જે લોકોની જમીન પડતર રહેતી હોય તેમના માટે નીલગિરીનું વાવેતર આશીર્વાદ સમાન છે. કારણ કે એક વખત તેને રોપી દીધા બાદ કોઈ વિશેષ કાળજીની જરૂર રહેતી નથી.”

Eucalyptus on extra space
Eucalyptus on extra space

નીલગિરીના વાવેતર પાછળ ખર્ચની વાત કરીએ તો, સંજયભાઈ વન વિભાગની નર્સરીમાંથી ટિશ્યૂ કલ્ચરવાળા છોડ લાવ્યા હતા. એક છોડ પાછળ તેમને છ રૂપિયા ખર્ચ થયો હતો. આ ઉપરાંત નીલગિરીના વાવેતર માટે મજૂરીનો બીજો મોટો ખર્ચ આવે છે. કારણ કે આ માટે અઢી ફૂટના અંતરે અડધાથી એક ફૂટનો ખાડો ખોદવો પડે છે. શેઢા પર વાવેતર કરવામાં આવે તો છોડની આસાપસ સાફ-સફાઈ પણ કરવી પડે છે. જોકે, આ તમામ ખર્ચ એક વખત જ કરવો પડે છે. એક વખત તેને વાવી દીધા બાદ કોઈ જ માવજત, ખાતર, પાણી કે દવાની જરૂર રહેતી નથી.

સંજયભાઈએ હાલ જે 700થી વધારે છોડનું વાવેતર કર્યું છે તે આશરે ચાર વર્ષ બાદ તૈયાર થઈ જશે. સંજયભાઈ કહે છે કે, ચાર વર્ષના અંતે નિલગિરીનું જે લાકડું તૈયાર થાય છે તેના વજન પ્રમાણે ભાવ મળે છે. સામાન્ય રીતે ચાર વર્ષ બાદ કે પુષ્ત થયા બાદ નિલગિરીના એક છોડના અંદાજિત 1200થી 1500 રૂપિયા કિંમત મળતી હોય છે. એ હિસાબે ચાર વર્ષના અંતે સંજયભાઈને પોતાની ખેતીની આવક સિવાય વધારાની આઠ લાખ રૂપિયાથી વધારેની આવક મળશે. આ એવી આવક હશે જેના માટે તેમણે કોઈ વિશેષ મહેનત કરવી પડશે નહીં.

સંજયભાઈ કહે છે કે, નીલગિરીના છોડને જેમ વધારે સમય સુધી રાખે તેમ ફાયદો થાય છે. શરૂઆતના વર્ષોમાં તેની ઊંચાઈ વધતી જાય છે. પાછળનો વર્ષોમાં તેનું થડ વધારે ઝાડું થાય છે. એટલે કે તેનાથી લાકડાનો વજન વધશે. ચાર વર્ષના અંતે જ્યારે નીલગિરી કાપવા માટે તૈયાર થઈ જશે ત્યારે વજન પ્રમાણે જ ભાવ મળતો હોય છે. આથી નીલગિરી વધારે સમય સુધી રાખશો તો લાકડાને વજનમાં ફાયદો મળશે. બીજું કે, નીલગિરી તૈયાર થઈ ગયા બાદ તેને કાપવાની કે બીજી કોઈ મહેનત ખેડૂતે કરવાની રહેતી નથી. સામાન્ય રીતે જેમની સાથે સોદો નક્કી થતો હોય છે તે લોકો જ કાપવાથી લઈને તમામ વ્યવસ્થા કરતા હોય છે.

નીલગિરીનું વાવેતરણ ખેડૂતો માટે શા માટે ફાયદાકારક?

નીલગિરીનું ઝાડ 10 મીટરથી લઈને 60 મીટર સુધી ઊંચું થાય છે. વિશ્વમાં વાત કરવામાં આવે તો આશરે 700 જેટલી નીલગિરીની પ્રજાતી જોવા મળે છે. ભારતમાં કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં મોટા પ્રમાણમાં નિલગિરીનો ઉછેર કરવામાં આવે છે. નીલગિરીનો ઉપયોગ બળતણ, ઇમારતી લાકડું, પેપર બનાવવા માટે પલ્પ તરીકે થાય છે. જોકે, તેમને જાણીને નવાઈ લાગશે કે 2017ના વર્ષમાં કર્ણાટક હાઇકોર્ટે નીલગિરીની ખેતી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ મામલે અલગ અલગ દલીલમાં એક દલીલ એવી પણ હતી કે નીલગિરીનું ઝાડ જમીનમાંથી વિપુલ પ્રમાણમાં પાણી શોષી લે છે.

વીડિયોમાં જુઓ સંજયભાઈના ખેતરમાં ઊગી રહેલ નીલગિરીનાં ઝાડ:

એવું કહેવાય છે કે ઇ.સ. 1700ની આસપાસ નીલગિરીનો ભારતમાં પ્રવેશ થયો હતો. જોકે, નીલગિરીની પદ્ધતિસરની ખેતી ભારતમાં 1952 પછી શરૂ થઈ હોવાનું કહેવામાં આવે છે. ખાસ કરીને નીલગિરીના ઝાડનો વિકાસ ફટાફટ થતો હોવાથી ખેડૂતોમાં તેને પ્રાથમિકતા આપવા લાગ્યા હતા. આ ઉપરાંત તેના લાકડાનો ઉપયોગ બળતણ, બાંધકામ (ઇમારતી લાકડું) માટે અને પેપર ઉદ્યોગમાં પણ થતો હોવાથી તેની માંગ વધારે જોવા મળે છે.

આથી જો, તમારી પાસે કોઈ પડતર જમીન પડી છે, અથવા તમારે શેઢા પર નીલગિરીનું વાવેતર કરીને સંજયભાઈની જેમ વધારાની આવક મેળવવી છે તો તમે પણ વન વિભાગનું માર્ગદર્શન મેળવી શકો છો. સામાન્ય રીતે જ્યાં બીજા ઝાડ ઊગી નીકળતા હોય તેવી બધી જગ્યાએ નીલગિરી ઊગાડી શકાય છે. જોકે, છતાં વાવેતર પહેલા વન વિભાગનું માર્ગદર્શન જરૂરી છે.

જો તમને પણ સંજયભાઈનું કામ ગમ્યું હોય અને તેમની સાથે સંપર્ક કરવા ઇચ્છતા હોય તો 98794 98743 પર તેમને કૉલ કરી શકો છો.

આ પણ વાંચો: 100% આદિવાસી વસ્તીવાળા ગુજરાતના આ વિસ્તારમાં હળદરની ખેતી કરી આ મહિલા બની સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ

close-icon
_tbi-social-media__share-icon