Search Icon
Nav Arrow
Amrutbhai Agrawat
Amrutbhai Agrawat

આ ગુજરાતી ખેડૂતે પોતાના ઈનોવેશનથી કરી ઘણા ખેડૂતોની મદદ, મળ્યા છે રાષ્ટ્રીય એવોર્ડ અને પેટેંટ

જૂનાગઢનાં પિખોર ગામનાં અમૃતભાઈએ ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવા માટે કર્યા છે ઘણા ઈનોવેશન

એવું કહેવાય છે કે, જરૂરિયાત એ આવિષ્કારની જનની છે. પરંતુ જો તમને લાગે કે મોટી કંપનીઓ અથવા વ્યાવસાયિક એન્જીનિયરો જ આવિષ્કારોની શોધ કરી શકે છે, તો આ અધુરુ સત્ય છે. કારણ કે, આપણા દેશમાં એવા ઘણા લોકો છે જેમણે પોતાનું ભણતર પૂરું કર્યું નથી અને આજે સમાજમાં તેમની ઓળખ એક શોધક તરીકે છે. આ ફક્ત આ લોકોની કુશળતા અને સમાજની સમસ્યાઓ હલ કરવાની વિચારણાને કારણે જ શક્ય છે. આજે અમે તમને ગુજરાતના આવા જ એક શોધકનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેમણે જમીની સ્તરે (Grassroots Innovations) અનેક આવિષ્કારો કરીને ખેડૂતોની અનેક સમસ્યાઓનું સમાધાન કર્યું છે.

ગુજરાતના જૂનાગઢનાં પિખોર ગામના રહેવાસી અમૃતભાઇ અગ્રાવત (75) પાંચમા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. જ્યારે પિતાનું અવસાન થયું ત્યારે તેઓ સાત વર્ષના હતા. ઘર ચલાવવા માટે, તેમની માતા બીજાના ખેતરોમાં મજૂર તરીકે કામ કરતી હતી. તેમની માતાને રાત-દિવસ સખત મહેનત કરતી જોઈ અમૃતભાઇએ અભ્યાસ છોડી દીધો અને પોતે ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેઓ કહે છે કે આ અનુભવોથી જ તેણે સમસ્યાઓ હલ કરવાની કુશળતા શીખી. ખેતરોમાં કામ કરતી વખતે, તેમણે ખેડૂતોની સમસ્યાઓ નજીકથી જોઈ અને સમજી હતી.

બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “ખેતરોમાં કામ કરતી વખતે મને ખેતી માટે વપરાતા યંત્રો અને સાધનો વિશે પણ જાણકારી મળી. હું મિકેનિક વર્ક પણ શીખ્યો અને મારી પોતાની એક નાનકડી વર્કશોપ શરૂ કરી. આ વર્કશોપમાં, મેં ઘણી નાની-મોટી શોધો કરી. અગાઉ, ખેતીનું મોટાભાગનું કામ બળદની મદદથી કરવામાં આવતું હતું. તેથી મેં એવા સાધનો બનાવ્યા,જેનો ખેડૂતો બળદની મદદથી ખેતરમાં ઉપયોગ કરી શકે. જોકે, તે સમયે મને એ પણ ખબર નહોતી કે હું જે કરી રહ્યો છું તે શોધ છે.”

અમૃત ભાઈએ ‘ટિલ્ટિંગ બુલક કાર્ટ’, ‘ગ્રાઉન્ડ નટ ડિગર’, ‘જનક સાંતિ’, ‘સેલ્ફ લોકિંગ પુલી’, અને ‘વીટ શોઈંગ બોક્સ’ જેવી ઘણી શોધ કરી છે.

Amrutbhai
Amrutbhai

વિવિધ પ્રકારની શોધ કરી:

અમૃતભાઇ કહે છે કે વર્કશોપમાં તે ખેતી સંબંધિત સાધનોની સમારકામ કરતા હતા. સાથોસાથ, તેઓએ ખેડૂતોની જરૂરિયાતને સમજવાનો પ્રયાસ કર્યો. તેમણે જોયું કે ખેડુતોને ખેતરોમાં કામ કરવા માટે જુદા જુદા સાધનોની જરૂરિયાત છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અલગથી બનાવવા પડે છે અને તેમને પરિવહન કરવામાં ઘણી સમસ્યા હતી. તેથી, 1972માં તેમણે ‘જનક સંતી’ નામનું એક ઉપકરણ બનાવ્યું. લોખંડના બનેલા આ સાધનની વિશેષતા એ હતી કે તેનો ઉપયોગ કોઈપણ પ્રકારના પાક અને જમીનમાં થઈ શકે છે. ઉપરાંત, તમે આ એક ડિવાઇસમાં લગભગ 10 પ્રકારના કૃષિ સાધનનો ઉપયોગ કરીને કામ કરી શકો છો.

તેઓ વધુમાં કહે છે, ‘જનક સાંતીએ ખેડુતોને ખૂબ જ મદદ કરી. આ પછી, ઘણા ખેડુતો મારી પાસે આવતા અને તેમની સમસ્યાઓ વિશે કહેતા. તે સમયે, સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે જમીન ખૂબ જ સખત બની હતી. આને કારણે મગફળી ઉગાડતા ખેડુતોને તેની લણણી કરવામાં મુશ્કેલી પડી રહી હતી. એક-બે ખેડુતોએ આવીને મને કહ્યું કે મગફળીની લણણી માટે મારે મશીન બનાવવું જોઈએ. તેથી મેં એક ‘ગ્રાઉન્ડ નટ ડિગર’ મશીન બનાવ્યું,જેને બળદોની મદદથી ચલાવીને ખેડુતો સરળતાથી મગફળીનો પાક લઈ શકે છે.”

લોખંડથી બનેલા આ મશીનમાં તેણે બે પૈડાં અને બ્લેડ લગાવી હતા. ખેડૂત તેમની જરૂરિયાતને આધારે, તેમાં વિવિધ લંબાઈની બ્લેડ લગાવી શકે છે. તેઓ કહે છે કે એક કે બે લોકો મળીને મગફળીનો સરળતાથી પાક લઈ શકે છે. આનાથી ખેડૂતોની મહેનત અને સમય બંનેની બચત થશે. જ્યારે તેમની આસપાસનાં ખેડુતોને આ મશીન વિશે ખબર પડી, ત્યારે તેઓને સતત ઓર્ડર મળવાનું શરૂ થયું. તેમણે 250થી વધુ ‘ગ્રાઉન્ડ નટ ડિગર’ મશીન બનાવ્યા છે.

Gujarat Innovator

ત્યારબાદ, તેમણે ઘઉં વાવવાનું મશીન પણ બનાવ્યું. જેની મદદથી ઘઉંનાં દાણા સમાન અંતર અને ઉંડાઈએ વાવી શકાય છે. તેઓ કહે છેકે, પહેલાં ખેડૂતો જે રીતે ઘઉં વાવતા હતા, તેનાંથી ઘઉં એક સરખા અંતરે ઉગતા ન હતા. તેનાંથી ખેતરમાં અમુક હિસ્સામા વધારે ઘઉનો પાક આવતો હતો તો કોઈ-કોઈ જગ્યાઓ ખાલી રહી જતી હતી. તેની અસર ખેતરોમાં મળતા ઉત્પાદન પર થતી હતી. પરંતુ, અમૃતભાઈનાં એક આવિષ્કારે ખેડૂતોની આ સમસ્યાનો પણ ઉકેલ આપી દીધો હતો.

તેઓ કહે છે, “આ બધી શોધ બે-ચાર દિવસમાં થઈ ન હતી.” મશીન બનાવવા માટે મહિનાઓનો સમય લાગ્યો, તો કોઈમાં ઘણા વર્ષોનો સમય લાગ્યો. પણ હું મારું કામ કરતો રહ્યો. ઘણી નિષ્ફળતાઓ પછી સફળતા મળી. પરંતુ જ્યાં સુધી સફળતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હું પ્રયત્ન કરતો રહ્યો. ઘણી વખત આર્થિક સમસ્યાઓ પણ થઈ હતી, પરંતુ જો હું કંઇ નવું ન કરું તો હું ક્યારેય અહીં પહોંચી શકતો નહીં.”

તેઓ વધુમાં જણાવે છે કે તેમની એક મોટી શોધ ‘ટિલ્ટિંગ બુલક કાર્ટ’ હતી. આ એક બળદ ગાડુ છે, જેમાં ખેડૂત બેસીને તેને એક બાજુથી ઉપાડી શકે છે અને માલને હાઇડ્રોલિક ટ્રોલીની જેમ નીચે ઉતારી શકે છે. ખેતરોમાં ખાતર વગેરે પહોંચાડવા માટે ખેડુતો બળદ ગાડાનો ઉપયોગ કરે છે. પરંતુ બળદની ગાડીમાંથી માલ કાઢવા માટે, અન્ય લોકોની સહાયની જરૂર છે. તેમણે આ અંગે ખેડૂતો સાથે ચર્ચા કરી અને તેમની જરૂરિયાત સમજી. ત્યારબાદ, આશરે સાત-આઠ વર્ષના અથાક પ્રયત્નો પછી, તેમણે ‘હાઈડ્રોલિક સિસ્ટમ’વાળુ બળદગાડુ બનાવ્યુ, જેનું નામ તેમણે ‘આરુણી’ રાખ્યું.

Innovators Of Gujarat

આ બળદગાડામાં એક ‘હાઈડ્રોલિક જેક’ લગાવેલું છે અને તેની સાખે એક ગોળ યંત્ર અને એક તેલની ટાંકી છે. તેને એક મેટલ ફ્રેમની મદદથી બનાવવામાં આવી છે અને તેમાં ચાર પૈડાં અને આઠ વર્ટિકલ ગિયર્સ છે. વર્ષ 1995માં, તેમની ડિઝાઇન સફળતાપૂર્વક પૂર્ણ થઈ. 1997માં ‘આરુણી’ની સફળતા પછી, તેમણે કૂવામાંથી પાણી ખેંચવા માટે ‘સેલ્ફ-લોકીંગ પુલી’ બનાવી. તેઓ જણાવે છે, “એકવાર, મેં ગામની એક વૃદ્ધ મહિલાને કુવામાંથી પાણી કાઢતા જોઈ.” મહિલા પાણી ભરતી વખતે હાંફવા લાગી હતી કારણ કે, પાણી ખેંચતી વખતે જો તે ભૂલથી દોરડું છૂટી જાય તો તેને ફરીથી વધુ મહેનત કરવી પડતી.”

આ ઘટના પછી, તેમને લાગ્યું કે કોઈ ઉપકરણ બનાવવું જોઈએ, જેથી પાણી કાઢતી વખતે દોરડું છૂટી જાય તો પણ ડોલ ફરીથી કૂવામાં ન પડે અને ત્યાં જ રોકાઈ જાય. તેથી, તેમણે આ ‘પુલી સ્ટોપર’ અથવા ‘સેલ્ફ-લોકિંગ પુલી’ બનાવી, જેનાથી કૂવામાંથી પાણી ખેંચવામાં મહેનત ઓછી થવા લાગી. તેમની બનાવેલી પુલી ગુજરાતના અનેક ગામોમાં લગાવવામાં આવી અને તેને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. અમૃતભાઈને તેમની શોધ બદલ ગુજરાત સરકાર પાસેથી ‘સરદાર કૃષિ પુરસ્કાર’ પણ મેળ્યો.

Gujarat

રાષ્ટ્રીય કક્ષાનું સન્માન પ્રાપ્ત:

અમૃતભાઈને આ આવિષ્કારોને દેશ-દુનિયા સુધી પહોંચાડવાનો શ્રેય જાય છે, ‘હની બી નેટવર્ક ‘ના સ્થાપક પ્રોફેસર અનિલ ગુપ્તાને. 90ના દાયકામાં, પ્રોફેસર ગુપ્તાએ આ જમીની સ્તરનાં આવિષ્કારકોને શોધવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. તેમના પ્રવાસ દરમિયાન તેમને અમૃત ભાઈ વિશે જાણ થઈ અને તેઓને મળવા તેમના ગામ પહોંચી ગયા. ત્યારથી અમૃત ભાઈ ‘હની બી નેટવર્ક’ સાથે સંકળાયેલા છે અને પોતાના પ્રયત્નોને કારણે તેમને તેમના ‘આરુણી બળદની ગાડી’ માટે પેટન્ટ પણ મળી ગયું છે.અમૃતભાઇને પણ ‘ફેસ્ટિવલ ઓફ ઇનોવેશન’ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં રોકાવાનો મોકો મળ્યો. અને તેઓએ આફ્રિકા અને પેરિસની યાત્રાઓ પણ કરી છે.

રાષ્ટ્રીય ઇનોવેશન ફાઉન્ડેશન‘ના ડિરેક્ટર વિપિન કુમાર જણાવે છે,”અમૃત ભાઈએ ઘણી શોધ કરી છે અને તેમની શોધ બદલ NIF દ્વારા’ નેશનલ ગ્રાસરૂટ્સ ઇનોવેશન એવોર્ડ ‘અને’ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરાયા છે. તેમની શોધે સેંકડો ખેડુતોને મદદ કરી છે.” પોતાની શોધ ઉપરાંત અમૃત ભાઈએ બીજા જમીની સ્તરનાં આવિષ્કારકોને શોધવામાં અને પોલિશ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે આ શોધકોની શોધ માટે ‘સૃષ્ટિ સંસ્થા ‘ દ્વારા આયોજિત લગભગ 44 સંશોધનયાત્રાઓમાં ભાગ લીધો છે.

Positive News

આ પ્રવાસ દરમિયાન, તેમણે દેશના લગભગ તમામ રાજ્યોની મુલાકાત લીધી અને તેમના જેવા જમીની સ્તરે કામ કરતા શોધકર્તાઓને શોધી કાઢ્યા. આ શોધકર્તાઓને શોધવાની સાથે, તે તેમને તેમના વર્કશોપમાં તકનીકી સહાય પણ પૂરી પાડે છે. જોકે, વૃદ્ધાવસ્થાને કારણે હવે તેમની વર્કશોપ તેમના પુત્ર ભરતભાઇ અગ્રાવત સંભાળી રહ્યા છે. ભરત ભાઈ પણ તેમના પિતાની જેમ એક શોધક છે. તેઓ કહે છે, ‘પપ્પાએ કરેલા આવિષ્કારોની જેમ જ, અમે ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે વધુને વધુ નવા સાધનો બનાવતા રહીએ છીએ. જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓનાં સેંકડો ખેડુતો અમારી સાથે સંકળાયેલા છે. હવે સોશિયલ મીડિયાની મદદથી, અન્ય રાજ્યોના ખેડુતો પણ અમને ઓળખે છે અને અમારી મુલાકાત લે છે. ‘જ્ઞાન‘ અને ‘સૃષ્ટિ’ ની સહાયથી, અમારા સાધનો પણ રોમ દેશ સુધી પહોંચી ગયા છે.”

જો આ વાર્તાએ તમને પ્રભાવિત કર્યા છે અને તમે અમૃત ભાઈ અગ્રાવત વિશે વધુ જાણવા માંગો છો અથવા તેમની પાસેથી કોઈ મશીન ખરીદવા માંગો છો તો તમે તેમને 09925932307 અથવા 09624971215 પર કોલ કરી શકો છો!

મૂળ લેખ: નિશા ડાગર


સંપાદન: નિશા જનસારી


આ પણ વાંચો: આ યુવતી વાંસમાંથી બનાવી રહી છે ઈકો-ફ્રેન્ડલી જ્વેલરી, ગુજરાતી આદિવાસીઓની આવકમાં થયો ત્રણ ગણો વધારો!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon