જૂનાગઢ, 2013નું વર્ષ હતું. માર્ચ મહિનો ચાલી રહ્યો હતો. જૂનાગઢ જિલ્લાનું જલંધર ગામ ખાતે વહેલી સવારથી જ ખળભળાટ હતો. ગામમાં એક કૂવો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. કૂવો 40-45 ફૂટ ઊંડો હતો, જેમાં એક દીપડો પડી ગયો હતો. ગામથી આશરે 100 કિલોમીટર દૂર ગીર નેશનલ પાર્કમાં ટેલિફોનની ઘંટડી વાગે છે. સામેનો વ્યક્તિ ગામના કૂવામાં દીપડો પડી ગયાનું જણાવે છે. વૉરિયર રસીલા વાઢેર પોતાનો જરૂરી સામાન યાદ કરી લઈ લે છે અને તેની ટીમ સાથે જલંધર ગામ ખાતે જવા માટે નીકળી પડે છે.
ગામ ખાતે પહોંચ્યા બાદ રસીલા બચાવ કામગીરીમાં વપરાતા પાંજરામાં અંદર બેસે છે. પાંજરાને કૂવામાં ઉતારવામાં આવે છે. જે બાદમાં રસીલા દીપડાને ગન વડે બેભાન કરે છે. દીપડો બેભાન થયાની ખાતરી થઈ ગયા બાદ રસીલા પાંજરામાંથી બહાર નીકળીને દીપડાને બચાવી લે છે. વન વિભાગ દ્વારા બાદમાં આ દીપડાને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. 2007થી રસીલા આ કામ કરી રહી છે. અનેક સફળ ઉદાહરણોમાંનું આ એક છે.

ગીર નેશનલ પાર્ક ખાતે મહિલા ગાર્ડ તરીકે નોંધણી મેળવનારી રસીલા પ્રથમ ગાર્ડ છે. જ્યારથી તેણી નેશનલ પાર્ક સાથે જોડાઈ છે ત્યારથી અત્યાર સુધી તેણીએ 1,100 જંગલી પ્રાણીઓને બચાવ્યા છે. જેમાં 400 દીપડા, 200 સિંહ, મગર, અજગર અને પક્ષીઓનો પણ સમાવેશ થાય છે.
2007ના વર્ષમાં રસીલા હિન્દી સાહિત્ય સાથે સ્નાતકનો અભ્યાસ કર્યા બાદ સરકારી નોકરીની શોધમાં હતી. તેણી નોકરી કરીને પોતાની માતાને આર્થિક મદદ કરવા માંગતી હતી. આ સમયે તેણીની ઉંમર 21 વર્ષ હતી.
ધ બેટર ઇન્ડિયા સાથેની વાતચીતમાં રસીલાએ જણાવ્યું હતું કે, “અમે ભંદુરી ગામ ખાતે રહેતા હતા ત્યારે મેં અને મારા ભાઈએ પિતાની છત્રાછાંયા ગુમાવી દીધી હતી. અમને બંનેને ભણાવવા માટે મારી માતા 24 કલાક કામ કરતી હતી. આથી સ્નાતક થયા બાદ મારો એક માત્ર ઉદેશ્ય હતો કે નોકરી કરવી અને મારી માતાને મદદ કરવી.”

રસીલાના રમતગમતમાં ખૂબ રસ હતો તેમજ તેણી ખૂબ જ સાહસિક હતી. આથી તેણીએ ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરી માટે અરજી કરી હતી. સામાન્ય રીતે આ પોસ્ટ માટે મહિલાઓ અરજી કરતી નથી. અરજી બાદ રસીલાએ શારીરિક પરીક્ષા પાસ કરી, ઇન્ટરવ્યૂ પણ સારો રહ્યો. એટલું જ નહીં, ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરીમાં જોડાયાના બે જ વર્ષમાં પ્રમોશન પણ મેળવ્યું.
નોકરીના શરૂઆતમાં દિવસોમાં એવું થતું કે રસીલાના સહકર્મી અને તેણીના ઉપરી અધિકારી તેણીને ટેબલનું કામ આપતા હતા. જોકે, રસીલા હિંમત હારી ન હતી અને પોતે પણ સાહસ બતાવી શકે છે તે સાબિત કરી બતાવ્યું હતું.
આવા જ એક બનાવને યાદ કરતા રસીલા કહે છે કે, “ભાવનગરના દેદકડી ગામ ખાતે એક સિંહણ ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી હતી. તેણી હરીફરી શકતી ન હતી પરંતુ તેની હુમલો કરવાની ક્ષમતા પહેલા જેવી જ હતી. મેં પાંચ લોકો સાથે આ આખું ઓપરેશન સંભાળ્યું હતું. સિંહણને પકડવા માટે અમે આખી રાત મહેનત કરી હતી. આ ઑપરેશન બાદ મારી પ્રૉફેશનલ જિંદગીમાં જાણે નવો જ વળાંક આવ્યો હતો.” આ બનાવ બાદ રસીલાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
પોતાની 12 વર્ષની કારકિર્દીમાં પ્રાણીઓને બચાવતી વખતે રસીલા એ વાતનું ખૂબ જ ધ્યાન રાખે છે કે ક્યારેય કોઈ પ્રાણીને નુકસાન ન પહોંચે. રસીલાની મોટી સિદ્ધિ રહી છે કે તેણી 12 વર્ષથી આ કામ કરી રહી છે પરંતુ આ જ દિવસ સુધી એક પણ પ્રાણીનો જીવ ગયો હોય તેવું બન્યું નથી. રસીલા કહે છે,”હું મારા કામમાં 100 ટકા સફળ રહી છું.”

જ્યારે રસીલાને પૂછવામાં આવ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું છે ત્યારે તેણીએ જણાવ્યું કે, “એવી કોઈ ફોર્મ્યુલા નથી જેને હું અનુસરું છું. કારણ કે ક્યારે, કઈ જગ્યાએ અને કયા પ્રાણીનું રેસ્ક્યૂ કરવાનું છે તે નક્કી નથી હોતું. હું દર વખતે સ્થળ પર જ રણનીતિ ઘડું છું અને તેનો અમલ કરું છું.”
રસીલા હાલ પોતે પણ માતા છે પરંતુ તેણીએ પોતાનું કામ ચાલુ જ રાખ્યું છે. રસીલા પાસેથી જો કોઈ વાત શીખવા જેવી હોય તો એ છે કે પ્રાણીઓને કેવી રીતે સંભાળવા અને તેને કેવી રીતે પ્રેમ કરવો. રસીલા કહે છે કે વન્ય પ્રાણી હોય કે પછી મનુષ્યો સાથે રહેલા પ્રાણીઓ, તેઓ ત્યાં સુધી તમને કોઈ જ નુકસાન નહીં પહોંચાડે જ્યાં સુધી તમે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશો. મને ડર કે જોખમ શું હોય છે તેની ખબર નથી, બસ મને તો પ્રેમ શું છે એની જ ખબર છે. તમે પ્રેમ બતાવશો તો તેઓ પણ બદલામાં પ્રેમ આપશે.
રસીલાને તાજેતરમાં ફોરેસ્ટ રેસ્ક્યૂઅર તરીકે બઢતી મળી છે. રસીલા હાલ ગીરના રેસ્ક્યૂ વિભાગની હેડ છે. પોતાના યુનિફોર્મ પર એક સ્ટારથી નોકરીની શરૂઆત કરનાર રસીલાના યુનિફોર્મ પર હાલ ત્રણ સ્ટાર છે. કર્મચારીથી શરૂ કરીને હવે તેણી એક વિભાગની વડા તરીકે કામ કરી રહી છે. પ્રાણીઓને રેસ્ક્યૂ કરવાના પોતાના ઉત્કૃષ્ટ કામ બદલ રસીલાને 8-10-2020ના રોજ નેટવેસ્ટ ગ્રુપ તરફથી ‘અર્થ હીરોઝ સેવ ધ સ્પીસીસ એવોર્ડ 2020’ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રસીલાની આ કહાણી ચોક્કસ અનેક લોકોને હિંમત અને પ્રેરણા આપનારી છે. અમે રસીલાની હિંમત અને પ્રયાસને 100 સલામ કરીએ છીએ.
મૂળ લેખ: GOPI KARELIA
આ પણ વાંચો: 2000+ દર્દીઓ માટે લોહીની વ્યવસ્થા કરી ચૂકી છે નમ્રતા પટેલ, પ્રજ્ઞાચક્ષુને પણ કરે છે આવી મદદ