છત ઉપર બાગામ કરતી વખતે જે વસ્તુની સૌથી વધારે ચિંતા હોય છે તે કુંડાના વજનની હોય છે. આ જ કારણ છે કે ઘણા લોકો ટેરેસ ગાર્ડનિંગ કરવાનું ટાળે છે.
તેમને લાગે છે કે કુંડા, માટી અને પછી છોડના વજનથી તેમની છતને નુકસાન ન થઈ જાય. આ ઉપરાંત, છોડને પાણી આપવાને કારણે, કેટલીકવાર છતમાં ભેજ આવવા લાગે છે. પરંતુ આ સમસ્યાઓનો ઉકેલ એ નથી કે તમારે બાગકામ બિલકુલ ન કરવું જોઈએ. તે જરૂરી નથી કે તમારે બાગકામ માટે ભારે કુંડા, માટીનો ઉપયોગ કરવો પડે છે. તેના બદલે, આજના હાઇટેક યુગમાં, તમે માટી વગર પણ વૃક્ષો અને છોડ રોપી શકો છો. જેમ આંધ્રપ્રદેશના શેખ અબ્દુલ મુનાફ કરી રહ્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી ટેરેસ પર શાકભાજી અને સુશોભન વૃક્ષો અને છોડનું બાગકામ કરતા અબ્દુલ કહે છે કે તેઓ છોડ વાવવા માટે માટીનો ઉપયોગ કરતા નથી. પરંપરાગત રીતે છોડ રોપવાને બદલે, અબ્દુલે ‘માટી રહિત’ બાગકામ ‘હાઇડ્રોપોનિક’ ની ટેકનિક અપનાવી છે. જેમાં તમે છોડ ઉગાડવા માટે માટીના બદલે કોકોપીટ, ખાતર અથવા માત્ર પાણી જેવા અન્ય ઓર્ગેનિક માધ્યમનો ઉપયોગ કરો છો. અબ્દુલે તેના તમામ રોપાઓ કોકોપીટમાં વાવ્યા છે અને તેને સારું ઉત્પાદન પણ મળી રહ્યું છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા, તેમણે તેમની બાગકામ જર્ની વિશે વાત કરી.

જૂની પ્લાસ્ટિકની ડોલ, વપરાયેલી બોટલનો ઉપયોગ કર્યો
અબ્દુલ જણાવે છે, “મેં શરૂઆતમાં ટેરેસ પરની માટી સાથે બાગકામ શરૂ કર્યું. પરંતુ તેની સાથે ઘણી સમસ્યાઓ થવા લાગી હતી. એક તો છત પર વજન વધવાનો ડર હતો. અન્ય છોડને પણ અમુક રોગ થતો હતો અને વારંવાર માટી લાવવી મુશ્કેલ હતી. તેથી મેં વિચાર્યું કે શા માટે કંઈક અલગ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ અને હાઇડ્રોપોનિક ટેકનોલોજી વિશે જાણવા મળ્યું. મેં મારા ઘરની છત પર પીવીસી પાઇપ સાથે સિસ્ટમ લગાવડાવી. પરંતુ ઘણીવાર એવું થાય છે કે પહેલેથી બનાવેલી વસ્તુઓ તમારી જરૂરિયાત મુજબ થઈ શકતી નથી.”
તેમણે માત્ર પાણીવાળી હાઇડ્રોપોનિક સિસ્ટમ લગાવી હતી. જેમાં તમામ છોડ નીચા તાપમાને સારી રીતે વિકસિત થયા, પરંતુ ઉનાળામાં જ્યારે તાપમાન વધવા લાગ્યું ત્યારે પાણી ગરમ થઈ જતુ હતુ. ગરમ પાણીને કારણે તેમના છોડ મરવા લાગ્યા. આ પછી, અબ્દુલે વિચાર્યું કે એવું શું કરવું જેથી તેને માટીનો ઉપયોગ પણ ન કરવો પડે અને બાગકામ સારી રીતે થાય. “લોકોએ મને કોકોપીટનો ઉપયોગ કરવાની સલાહ આપી. કોકોપીટ નાળિયેરનાં ફાઈબરમાંથી બનાવવામાં આવે છે અને તે છોડ માટે ખૂબ જ પૌષ્ટિક પણ માનવામાં આવે છે. ઉપરાંત, તે સારું વિકસતું માધ્યમ છે,”તેમણે કહ્યું.
અબ્દુલે લગભગ ત્રણ વર્ષ પહેલા પોતે હાઇડ્રોપોનિક સિસ્ટમ ડિઝાઇન કરી હતી. તેણે કહ્યું કે આ માટે તેણે જૂની પ્લાસ્ટિકની ડોલ, ડ્રમ, નાની પાઇપ વગેરે ખરીદ્યા. સૌ પ્રથમ, તેણે પાંચ-છ ડોલમાં જ સિસ્ટમ બનાવી. તેણે એક બાજુ ડોલના તળિયે એક કાણું કર્યુ, જેના દ્વારા તે ટપક સિંચાઈ માટે પાઇપ મૂકી શકે. આ પછી, તેણે ડોલમાં કોકોપીટ અને લીમડાનો કેક પાવડર મિક્સ કરીને પોટિંગ મિક્સ ભરી દીધું. બધી ડોલમાં નીચે અને ઉપર બંને બાજુથી ટપક સિંચાઈ પદ્ધતિની વ્યવસ્થા કરવામાં આવી.
“પાણીની સિસ્ટમ ઓટોમેટિક છે. મેં આ માટે જૂના કુલરની મોટરનો ઉપયોગ કર્યો છે. મોટા ડ્રમમાં પાણી ભરીને દરેક પાઈપને મોટર સાથે કનેક્ટ કરીને તેમાં નાખી છે, જેથી સમયાંતરે છોડને પાણી મળતુ રહે છે.”તેમણે કહ્યું.

ટામેટા, રીંગણ, મરચાં, સરગવા જેવા શાકભાજી વાવ્યા
તેમણે પોતાની 20 ×76 ફૂટની છત પર 100 ડોલ સાથે હાઇડ્રોપોનિક સિસ્ટમ ગોઠવી છે. તેમના બગીચામાં પીવીસી પાઈપોની હાઈડ્રોપોનિક સિસ્ટમ પણ છે. અન્ય કેટલાક નાના અને મોટા કુંડામાં, તેમણે ઇંગ્લિશ આઇવી, લુડવિગિયા જેવા સુશોભન છોડ, કેટલાક ફૂલો અને ઇન્સ્યુલિન અને લીમડા જેવા છોડ રોપ્યા છે. તેઓ કહે છે કે તેમના બગીચામાં 100 થી વધુ વૃક્ષો અને છોડ છે. જો આપણે શાકભાજીની વાત કરીએ તો તેમણે કહ્યું કે તે ટમેટા, લીલા મરચા, રીંગણ, પાલક, કાકડી, મેથી, કુંદરૂ, ભીંડા જેવા શાકભાજીની સાથે સરગવો પણ ઉગાડે છે.
“મારા ઘર માટે લગભગ 70% શાકભાજી બગીચામાંથી આવે છે. કેટલીકવાર કેટલાક શાકભાજી એટલા વધી જાય છે કે હું તેને મારા સંબંધીઓ અને પડોશીઓને વહેંચું છું. દરેકને મારા બગીચાના ઓર્ગેનિક શાકભાજી ગમે છે. હું મારા છોડ પર કોઈપણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરતો નથી. ઉપરાંત, જમીનમાં વાવેતર કરવામાં મુશ્કેલી એ છે કે તમે જાણતા નથી કે તમે લીધેલી માટી સાચી છે કે નહીં. તેથી, હાઇડ્રોપોનિક સિસ્ટમમાં ઉગાડવામાં આવતી શાકભાજી જમીનમાં ઉગાડવામાં આવતી શાકભાજી કરતાં વધુ સારી ગુણવત્તા ધરાવે છે. કારણ કે તેમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી,”તેઓ કહે છે.

પોતાના છોડને જીવાતોથી બચાવવા માટે, અબ્દુલ છોડને લીમડાના તેલ અથવા ખાટી છાશ સાથે પાણીમાં મિક્સ કરીને સ્પ્રે કરે છે. આને કારણે, છોડ પર કોઈપણ પ્રકારના જંતુઓ આવતા નથી. આ ઉપરાંત, તે વચ્ચે ડોલમાં નવા કોકો પીટ અને લીમડાની કેક ઉમેરીને તેની ગુણવત્તા જાળવે છે. તેઓ કહે છે કે કોકોપીટમાં ભેજ ખૂબ લાંબા સમય સુધી રહે છે, જેથી તમારે તેને વારંવાર પાણી આપવાની જરૂર ન પડે. પરંતુ ભેજને કારણે છોડમાં ફૂગનો ભય પણ રહે છે. તેથી જ અમે લીમડાની કેક ઉમેરીએ છીએ કારણ કે તે ફંગલ વિરોધી છે.
અંતે અબ્દુલ માત્ર એટલું જ કહે છે કે જો તમારે હાઈડ્રોપોનિક સિસ્ટમમાં બાગકામ કરવું હોય તો પહેલા આ ટેકનીક શીખો અને પછી રોકાણ કરો. કારણ કે સામાન્ય જમીનમાં બાગકામ કરતા આ બાગકામ થોડું મોંઘુ છે. તેથી હંમેશા મૂળભૂત ટ્રેનિંગ લઈને પ્રારંભ કરો. ઉપરાંત, પાણીનું પીએચ અને ટીડીએસ લેવલ સમયાંતરે ચેક કરતા રહો.
મૂળ લેખ: નિશા ડાગર
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આ કપલે પક્ષીઓ માટે સમર્પિત કરી દીધી 2 એકર જમીન, આવે છે 93 પ્રકારનાં હજારો પક્ષીઓ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો