ઉનાળાની સિઝનમાં બાગકામ કરવું ખૂબ જ સખત મહેનત માંગતુ કામ છે. ખાસ કરીને, જે લોકો ટેરેસ ગાર્ડનિંગ કરે છે તેઓને આ મોસમમાં તેમના છોડ-ઝાડની વધુ કાળજી લેવી પડે છે. સૂર્યપ્રકાશને કારણે છોડ કરમાઈ જવાનું જોખમ વધારે છે. તેથી, ગાર્ડનર હંમેશાં તેના છોડને સીધા સૂર્યપ્રકાશથી બચાવવા માટે શેડથી ઢંકાયેલા વિસ્તારમાં મૂકે છે. પરંતુ, ગુજરાતના વડોદરાના વતની, 51 વર્ષીય રાજા ચડ્ડાના ટેરેસ ગાર્ડન માટે આ હવામાન એકદમ અનુકૂળ છે. કારણ કે, આ મોસમમાં તેમના બગીચામાં ઉગાડવામાં આવતા એકાટિક પ્લાંટ્સ (જલીય વનસ્પતિના છોડ) સારી રીતે ઉગે છે. ચાલો આપણે રાજા પાસેથી જાણીએ કે તેણે ઘરે વૉટર લીલી કેવી રીતે ઉગાડી.
UK ની એક કંપનીમાં નિરીક્ષણ ઇજનેર તરીકે કાર્યરત રાજા કહે છે, “અમારા શહેરમાં ઘણી ગરમી પડે છે. તેથી, હું મારી આસપાસનું તાપમાન ઘટાડવા માટે, એક કુદરતી ઉપાય શોધી રહ્યો હતો. અને મારી શોધ એકાટિક પ્લાંટ્સ મળતાની સાથે પૂર્ણ થઈ હતી, જે મારા છતને ગરમ થવાથી બચાવે છે. દરમિયાન, મારા માતા-પિતા અમારી સાથે રહેવા માટે ભોપાલથી વડોદરા આવ્યાં. મેં વિચાર્યું કે મારા પ્રિયજનો અને છોડ-ઝાડ વચ્ચે અહીં રહીને, તેઓનું મન પણ લાગ્યું રહેશે.”
2017 માં, તેણે 1500 ચોરસ ફૂટ ટેરેસ પર વૉટર લીલી ઉગાડવા માટે 10 કુંડાથી પ્રારંભ કર્યો. આજે તેમના 300 કુંડામાં 200 જાતના એકાટિક પ્લાંટ્સ લાગેલા છે. આમાં વૉટર લિલી, એવલૈચ લીલી, પર્પલ જોય, પૈનમા પેસિફિક લીલી તેમજ વૉટર બામ્બુ અને જલકુંભી જેવા કેટલાક સુશોભન માટેના છોડ પણ સામેલ છે. તેઓ અન્ય 100 કુંડામાં વિવિધ પ્રકારના એડેનિયમ ઉગાડે છે.

વિદેશીથી મંગાવે છે લીલી
રાજા હંમેશાં ઓફીસના કામથી સિંગાપોર, થાઇલેન્ડ અને મલેશિયા જેવા દેશોની યાત્રા કરે છે. તેની મુસાફરી દરમિયાન, જ્યારે પણ તે વિદેશ જાય છે, કામ પૂર્ણ કર્યા પછી, તે ત્યાં એક દિવસ હરવા-ફરવામાં વિતાવે છે. ઉપરાંત, પોતાના પરિવાર માટે, ચોક્કસપણે જે-તે દેશ અથવા સ્થળ સાથે સંકળાયેલ સંભારણું લાવો સાથે લાવે છે.
રાજા કહે છે, “મલેશિયાની યાત્રા દરમિયાન મેં એક બોટેનિક ગાર્ડન (વનસ્પતિ ઉદ્યાન) જોયું, જ્યાં હજારો વૉટર લીલી લાગેલી હતી. ત્યાં ઉગેલી દરેક લીલી ખૂબ જ સુંદર અને વિશેષ હતી. આ પહેલી વાર છે હતું કે આટલી લીલીઓના પ્રકાર એક સાથે જોયા હતા. તેમને જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું અને ખુશી થઈ હતી.”
તેથી, 2017 માં, જ્યારે તેણે જાતે જ એકાટિક પ્લાંટ્સ ઉગાડવાનું નક્કી કર્યું, ત્યારે લીલી જ તેની પ્રથમ પસંદગી હતી. તે વર્ષે થાઇલેન્ડની તેમની પ્રથમ યાત્રા દરમિયાન કંઇ સાથે લાવવાને બદલે, તેઓ વૉટર લીલીના 10 થી વધુ કંદ પોતાની સાથે લાવ્યા. છોડ લેતી વખતે, રાજાએ કમળ વગેરે જેવા સ્થાનિક રીતે ઉપલબ્ધ વૉટર પ્લાંટ પસંદ કર્યા નહીં, કારણ કે કમળના ફૂલો ફક્ત ત્રણ કે ચાર મહિનામાં એકવાર જ ખીલે છે. જ્યારે, લીલી દરરોજ ખીલે છે.
કંદ રોપતા પહેલાં, રાજાએ એકાટિક પ્લાંટ (જલીય વનસ્પતિઓ)ની સંભાળ રાકવા અંગે ઘણા બ્લોગ્સ વાંચ્યા અને યુટ્યુબ પર ઘણા વિડીયો પણ જોયા. તેણે છોડ માટે 24 ઇંચ પહોળા ટબ ખરીદ્યા, જેનો ઉપયોગ ઘણી વખત પશુઓને ચારો આપવા માટે કરવામાં આવે છે.
રાજા જણાવે છે, “મેં વૉટર લીલી રોપવા માટે એકત્રિત કરેલી માહિતીના આધારે મેં પહેલાં કન્ટેનરની અંદર વર્મી કમ્પોસ્ટનું પડ પાથર્યું. પછી ચીકણી માટી અને ચાળેલી બારીક રેતી ઉપર નાખી દીધી. અંતે મેં તેમાં કંદ નાખી પાણી ભરી દીધું.” વૉટર લીલી ઉગાડવાના તેના પ્રારંભિક પ્રયાસોમાં, તે સફળ થયા નહતા. કારણ કે, રાજાને તે છોડની સંભાળ લેવાની સાચી રીત ખબર નહોતી, જેના કારણે તેના 40 કંદ બગડ્યા.
જો કે, 2017 ના અંત સુધી સતત પ્રયત્નો કરતાં, તેમણે વૉટર લીલી ઉગાડવાની પ્રક્રિયા સમજી લીધી.

વૉટર લીલીની સંભાળ
રાજા કહે છે કે તેઓએ વૉટર લીલી રોપવાની બે મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ સમજી લીધી છે. જેનું પાલન લીલીની સંભાળ લેતી વખતે કરવું જોઈએ.
અન્ય ફૂલોના છોડની જેમ, લીલી પણ વધુ તાપમાન સહન કરી શકતી નથી. વડોદરામાં હોવાથી, આખા વર્ષ દરમિયાન સુખદ વાતાવરણની અપેક્ષા રાખવી યોગ્ય ન હતી. તેથી, ઉનાળાના મહિનાઓ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ ટાળવા માટે, તેઓએ તેમના છત પર લીલા રંગની શેડનેટ લગાવી.
તે કહે છે, “લીલી કંદ અથવા રાઇઝોમ્સ (ગાંઢ) લગાવતી વખતે, મે કન્ટેનરમાં વર્મી કમ્પોસ્ટ, છોડને ધીમે ધીમે પોષક તત્વ પ્રદાન કરતા ખાતર (Slow-release Fertilizer), ચિકણી માટી અને બારીક રેતીનો એક સ્તર લગાવ્યો. હું શીખ્યા છું કે આ સ્તરો છોડને સ્થિર રાખવામાં, તેમને ઉગાડવામાં અને સમયસર પોષણ આપવા માટે મદદ કરે છે. જેથી આપણે તેમના પોષક તત્વોને અલગથી નાખવાની જરૂર પડતી નથી. જ્યારે પણ મને છોડમાં પાણીનો અભાવ લાગે છે, ત્યારે હું જરૂરિયાત મુજબ પાણીથી ભરી દઉં છું.”
લીલીની કેટલીક જાતોને મોટા કન્ટેનરમાં લગાવવામાં આવે છે. કારણ કે, તેના મૂળ એકદમ મોટા અને ફેલાયેલા હોય છે. તો, કેટલીક જાતો એવી પણ છે જેના મૂળ સીધા અને ઉંડા છે. જેને કોઈ રીસાઇકલ ડોલ અથવા ડ્રમમાં લગાવી શકાય છે. રાજા સુનિશ્ચિત કરે છે કે પાણીમાં મચ્છરો થાય નહીં, તેથી તે દરેક કુંડામાં ગપ્પી માછલી રાખે છે.
તે જણાવે છે, “માછલી રંગીન હોવાને કારણે ખૂબ જ સુંદર લાગે છે અને લાર્વા ખાય છે. મારા બાળકોને લીલીવાળા કન્ટેનરમાં આ સુંદર માછલીને તરતા જોવાનું ખૂબ પસંદ છે.”
તે કહે છે કે છોડ અને પાણી મોટાભાગની ગરમી શોષી લે છે, જેનાથી ઘરમાં ઠંડક રહે છે. પરંતુ, જ્યારે બપોરે ગરમી ખૂબ વધી જાય છે, ત્યારે રાજાના પરિવારે એર કંડિશનર પર નિર્ભર રહેવું પડે છે. જ્યારે તેમની છત પર આ છોડો લગાવેલા ન હતા, ત્યારે ઘરમાં સામાન્ય રીતે એટલી ઠંડક ન હતી. પરંતુ ટેરસ ગાર્ડનને લીધે, હવે તે પહેલાં કરતા સવાર અને સાંજે ખૂબ જ ઠંડુ રહે છે.

શિયાળા દરમિયાન છોડને ગરમ રાખવા માટે, રાજા ખૂબ કાળજીપૂર્વક લીલી છોડને માછલીઘરમાં મૂકે છે.
રાજા કહે છે, “માછલીઘર, એક રીતે, માછલીઓ માટે તેમના ઘર સમાન છે.” અમારી પાસે કુલ પાંચ મોટા માછલીઘર છે, જેમાંથી બે માછલીઘર લીલી ઉગાડવા માટે એક્વાપોનિક સિસ્ટમ સાથે જોડાયેલા છે.”
માત્ર 10-15 છોડથી શરૂ થઈ હતી રાજાની બાગકામની સફર, આજે ધીમે ધીમે કુલ 300 છોડ સુધી પહોંચી ગઈ છે. તેણે કહ્યું કે તેની પાસે ‘સનમ ચાય’ Sanam Chai) નામની સૌથી મોંઘી લીલી પણ છે, જેની કિંમત 15 હજાર રૂપિયા છે.
જો તમે રાજા પાસેથી લીલી વિશે વધુ જાણવા માંગતા હો, તો તમે તેને rajachdha1@hotmail.com પર ઇમેઇલ કરી શકો છો.
મૂળ લેખ: ROSHINI MUTHUKUMAR
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: વલસાડના આ ખેડૂત વર્ષો જૂના આંબાને ફરીથી કરે છે કેરીથી હર્યોભર્યો, રીત છે અદભુત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.