કોરોનાકાળમાં જ્યાં એક તરફ લોકો ઈમ્યુનિટી વધારવા માટે ઉકાળા અને વીટામીન્સ લઈ રહ્યા હતા. ત્યારે જામનગરમાં રહેતાં 47 વર્ષીય સુરેશભાઈએ હેલ્થ માટે ઓર્ગેનિક શાકભાજી ખાવાનો નિર્ણય કર્યો હતો. તો કોરોનાનાં લોકડાઉનમાં જ ઘરે સમય પસાર કરવા માટે ઘરનાં ટેરેસ ઉપર ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યુ અને આજે પોતાના ઘરની સાથે સાથે પાડોશીઓ અને સંબંધીઓને પણ ઓર્ગેનિક શાકભાજી ખવડાવે છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં સુરેશભાઈ કહે છે, લોકડાઉનમાં ઘરમાં સમય પસાર કરવા માટે અને એક એક્ટિવિટી થાય તે માટે મે ગાર્ડનિંગ કરવાનું શરૂ કર્યુ હતુ. હું ફ્લેટમાં રહું છું, એટલે 4000 ફૂટનાં ધાબા ઉપર મે 1000 ફૂટની જગ્યામાં ગાર્ડનિંગ કરવાનું શરૂ કર્યુ હતુ. રોગચાળાનાં સમયમાં પેસ્ટિસાઈડ્સવાળા શાકભાજી ખાવા કરતાં ઓર્ગેનિક શાકભાજી ખાવાનું વધારે યોગ્ય લાગ્યુ એટલે જ ઘરે શાકભાજી ઉગાડવાનું નક્કી કર્યુ. શરૂઆતમાં 3-4 શાકભાજી વાવ્યા હતા, ધીમે ધીમે કરીને હાલમાં 25-30 જેટલાં છોડ થર્મોકોલનાં બોક્સમાં વાવેલાં છે.
સુરેશભાઈનો જન્મ 1973માં જામનગર શહેરમાં થયો છે. ડિપ્લોમા ઈન ઈક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યા બાદ જામનગરમાં બ્રાસનો ધંધો કરે છે. તેમનું ખાનકોટડા ગામ જામનગરથી 37 કિલોમીટર દૂર કાલાવડ તાલુકામાં આવેલું છે, જ્યાં ખેતીની 20 વીઘા જમીન છે. તેઓએ ક્યારેય ખેતી કરી નથી. તેમની ખેતીની જમીનને તેઓ કોન્ટ્રાક્ટ પર વાવવા આપી દે છે. સુરેશભાઈનાં પિતાજી ગવર્નમેન્ટ ઓફ ગુજરાતમાં એગ્રિકલ્ચર ઓફિસર હતા. એટલે તેમની પાસે ખેડૂતો ખેતી અંગે સલાહ લેવા માટે આવતા હતા, 1990માં વલ્લભભાઈ ખેડૂતોને નવી ટેક્નોલોજી અને કુવા રિચાર્જ અને ડ્રીપ ઈરિગેશન કરાવતા હતા.

છોડનાં શાકભાજી જોઈને લોકો ફોન કરે છે
લોકડાઉનમા ટાઈમપાસ માટે જ ગાર્ડનિંગ કરવાનું શરૂ કરેલું અને સાથે શારીરિક શ્રમ પણ થાય છે અને ઘરનું તાજું અને દવા વગરનું શાકભાજી ખાવા માટે મળી રહે છે. જો લોકો આવી કોઈ પ્રવૃત્તિ ના કરે તો ટીવી અને મોબાઈલ આપણો કિંમતી સમય ખાઈ જાય છે. સાઈડ એક્ટિવિટી હોય તો થોડી ક્રિએટીવીટી મળી રહે અને હેલ્થ માટે પણ સારું રહે છે. સુરેશભાઈ કહે છેકે, મે ઉનાળામાં ગાર્ડનિંગ શરૂ કરેલું તો ત્યારે મારે ભીંડા અને ગુવાર થતાં હતા. શિયાળામાં મારે રીંગણા, મરચા, ટામેટા, વાલોળ, વાલ, કોથમીર, મેથી, દૂધી જેવા શાકભાજી થાય છે. સામાન્ય રીતે દૂધી અને કાકડી વેલાવાળો છોડ છે પરંતુ મારે તો કુંડામાં જ થાય છે. એવી જ રીતે વાલ અને વાલોળ જમીનની અંદર જ થાય છે પરંતુ મારે તે પણ કુંડાની અંદર જ થાય છે. ગાર્ડનિંગ કરવામાં શરૂઆતમાં મને 70 ટકા સફળતા મળી અને જૂની માટીને કારણે પહેલાં થોડી મુશ્કેલી થઈ પછી ગામડેથી એક રિક્ષા ભરીને ખેતરની માટી મંગાવી હતી. જેથી છોડને પોષણયુક્ત માટી મળી રહે.
સુરેશભાઈ કહે છેકે, ગાર્ડનિંગ શરૂ કર્યા બાદ મારા છોડનાં ફોટા મે મારા ફેસબુક પેજ ઉપર મુકવાનું શરૂ કર્યુ, જેમાં મારા છોડમાં આવેલાં શાકભાજીને જોઈને લોકોએ મારી સલાહ લેવાનું શરૂ કર્યુ હતુ. સુરેશભાઈ કહે છેકે, મારા એક ખેડૂત મિત્ર છે જેમણે તેમના ખેતરમાં રીંગણા વાવેલાં હતા,તેમનાં રીંગણનાં છોડ 4-5 ફૂટનાં થયા હતા અને તેમા ફૂલ આવતા હતા પરંતુ રીંગણા આવતા ન હતા, તો તેનો ઈલાજ મે અમૃતજળ દ્વારા કરાવ્યો હતો. જે બાદ છોડમાં રીંગણ આવવાની શરૂઆત થઈ હતી.

ખાતર અને માટી કંઈ વાપરે છે
સુરેશભાઈ તેમના છોડમાં ખાતર કયું વાપરે તે પુછતા તેમણે જણાવ્યુ હતુકે, હાલ તો હું ખાતર મારા ગામડેથી લાવું છું પણ ઘરે પણ કિચન વેસ્ટેજમાંથી ખાતર બનાવવા માટે મુક્યુ છે. તો ઘરે લિક્વિડ ખાતર જેવાકે, એન્ઝાઈમ અને અમૃતજળ જાતે જ બનાવું છું. છોડમાં લિક્વિડ ખાતર આપવાથી ફ્લાવરિંગ જલ્દી થાય છે અને ફ્લાવર ખરવાનાં બદલે ફળ બેસે છે. તો સાથે જ છોડ માટે વેજીટેબલ એન્ઝાઈમ બનાવું છું. જે છોડ માટે તો સારું છે જ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આ એન્ઝાઈમ છોડને આપવાથી માટીની અંદરનાં પોષકતત્વ સુસુપ્ત અવસ્થામાં હોય તેને એક્ટિવ કરે છે. અને સારા ફળ આપે છે.
તો માટી માટે સુરેશભાઈ કહે છેકે, માટી ખેતરની જ વાપરું છું. માટીને ગામડેથી લાવીને 3-4 દિવસ તપાવીને વાવવાથી માટીમાં કોઈ ફૂગજન્ય રોગ હોય તો તે નાશ પામે છે ત્યાર બાદ તેનો ઉપયોગ છોડ વાવવા માટે કરું છું.

એન્ઝાઈમ કેવી રીતે બનાવવું?
જો તમારે લીંબુનું એન્ઝાઈમ બનાવવું હોય તો, એક રશિયો દેશી ગોળનો હોય તેનાંથી ત્રણ ગણી લીંબુ કે સંતરાની છાલ લેવાની હોય છે. 100 ગ્રામ ગોળ, 300 ગ્રામ લીંબુ અને 1 લીટર પાણી લો. આ બધી વસ્તુને સવા બે લીટર પાણીની બોટલમાં નાંખી દેવાનું. પછી બોટલનું ઢાંકણ ચુસ્ત બંધ કરી દેવાનું હોય છે. અને દર 24 થી 48 કલાકમાં જોવાનું જો બોટલ ટાઈટ થઈ ગઈ હોય, તો બોટલમાં ગોળ અને લીંબુનો ગેસ બન્યો હશે ત્યારબાદ બોટલનાં ઢાંકણાનો એક આંટો ખોલીને કોલ્ડ્રીંકની બોટલમાંથી જેમ ગેસ નીકળે છે એવી રીતે તે બોટલના ઢાંકણનો એક આંટો ખોલીને તેનો ગેસ કાઢી નાંખવાનો રહેશે. આ પ્રોસેસ 15 દિવસ સુધી દર 2-3 દિવસે કરવાની છે. 15 દિવસ બાદ દર અઠવાડિયે ગેસ નીકળશે. ત્યારબાદ 3 મહિના બાદ એન્ઝાઈમ બનીને તૈયાર થઈ જાય છે. લીંબુનું સ્પેસિફિક અલગ બનાવવું હોય તો તે પણ બનાવી શકાય છે, એવી જ રીતે સરગવો, લીમડાનાં પાન અને એલોવીરાનું કમ્બાઈન બનાવી શકાય છે.
આ એન્ઝાઈમનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. જેમકે તમે નાહવાનાં પાણીમાં એકથી બે ડ્રોપ્સ નાંખો તો તે સાબુ કરતાં પણ સારું પરિણામ આપે છે તેનાંથી વાળ ખરતાં અટકે છે અને સ્કીન પણ સારી થઈ જાય છે. એવી જ રીતે જો 10 લીટર પીવાનાં પાણીમાં 5 એમએલ એન્ઝાઈમ નાંખીએ તોતે સ્વાસ્થ્ય માટે પણ સારું કામ કરે છે. એવી જ રીતે પ્લાન્ટસમાં પણ તેનો સ્પ્રે કરીએ તો છોડમાં રહેલાં સુશુપ્ત પોષક તત્વો સક્રિય થાય છે અને છોડે સારી રીતે ગ્રો કરે છે અને સારા ફળ આપે છે.
અમૃતજળ બનાવવાની રીત
સુરેશભાઈ કહે છેકે, એવું કહેવામાં આવે છેકે, ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે. તો અમૃતજળ માટે ગાયનાં જે છાણમાં અને ગૌમુત્રમાં નાના નાના જીવાણુંઓ રહેલાં હોય છે. 100 ગ્રામ ગૌમુત્ર હોય તો સામે 1 કિલો ગાયનું છાણ અને તેમાં 10 લીટર પાણી નાંખીને ડોલમાં રાખવાનું, સવારે રાખ્યુ હોય તેને 12 આંટા ઉંધા અને 12 આંટા સીધા ફેરવવાનાં એવી રીતે સવાર સાંજ ત્રણ દિવસ આ પ્રોસેસ કરવાની છે. 3-4 દિવસ બાદ અમૃતજળ તૈયાર થઈ જશે. તમે બાહર લેવા જાવ તો તે ખાતરીપૂર્વકનાં હોતા નથી. એટલે હું એન્ઝાઈમ અને અમૃતજળ ઘરે જ બનાવીને છોડમાં વાપરું છે જેને કારણે મને સારી ક્વોલિટીનાં ઓર્ગેનિક શાકભાજી મળે છે.
પડોશીઓ પણ કરે છે મદદ
ફલેટનું સંયુક્ત ટેરેસ હોવાને કારણે પડોશીઓ પણ ગાર્ડનિંગમાં મદદ કરે છે. જ્યારે હું બહારગામ જવું ત્યારે પડોશીઓ પણ છોડનું ધ્યાન રાખે છે અને સમયસર પાણી આપે છે. સુરેશભાઈ કહે છેકે, મે ગાર્ડનિંગ કરવાની શરૂઆતા કરી તે પહેલાં કોઈ પણ ટેરેસ ઉપર જતું ન હતુ, પરંતુ આજે પડોશીઓ અને ફ્લેટનાં લોકો ટેરેસ ઉપર બેસવા માટે જાય છે અને ટેરેસ ઉપર ગ્રીનરીમાં સમય પસાર કરવાનું વધારે પસંદ કરે છે. સુરેશભાઈ કહે છેકે, ઘરે જ શાકભાજી ઉગાડવાથી એક તો શોખ પુરો થાય છે અને ઓર્ગેનિક શાકભાજી ખાવા માટે મળે છે એટલે સ્વાસ્થ્ય સારું રહેવાનો સંતોષ મળે છે. હાલ તો હું માત્ર શાકભાજી જ વાવું છું, પરંતુ ભવિષ્યમાં ઔષધિઓ, ફૂલો અને ફળો ઉગાડવાની યોજના છે.
જો તમને સુરેશભાઈનું કામ ગમ્યું હોય અને તેમની સાથે વાત કરવા ઈચ્છતા હોય તો, તેમના ફેસબુક પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: ઘરમાં છે 700+ ઝાડ-છોડ, ફળ-ફૂલ અને શાકભાજીની સાથે તમને જોવા મળશે વડ અને પીપળા પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.