ઝારખંડના જમશેદપુરમાં રહેતાં 45 વર્ષીય રાની કુમારી અને તેમની 24 વર્ષીય દીકરી જાતે તો ગાર્ડનિંગ કરે જ છે, સાથે-સાથે અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં રાનીએ જણાવ્યું, “અમે અને મારા ભાઈને બાળપણથી જ ઘરને સજાવાનો બહુ શોખ હતો. પરંતુ આ માટે અમે કોઈ સજાવટનો સામાન ખરીદીને નહોંતા લાવતા. જાત-જાતના ઝાડ-છોડના કટિંગ લાવતા હતા. ગાર્ડનિંગનો અર્થ એ નથી કે, માત્ર ફળ અને શાકભાજી જ ઉગાડવાં. આપણી આસપાસ ઘણી અલગ-અલગ પ્રજાતિના ઝાડ-છોડ છે, જેને આપણે આપણા ઘરે વાવી શકીએ છીએ. મારા બાળપણનો આ શોખ અત્યારે મારી સાથે-સાથે મારાં બાળકોમાં પણ વિકસ્યો છે.”
આમ તો રાની વર્ષોથી ગાર્ડનિંગ કરે છે. પરંતુ, તેમના શોખને અન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ તેમની દીકરી શ્રિયાએ કર્યું. 24 વર્ષીય શ્રિયા ટીસીએસ કંપનીમાં એન્જિનિયર છે. પરંતુ ગયા વર્ષે લૉકડાઉનમાં તે ઘરે ગઈ અને ઘરેથી જા કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન, તેણે ગાર્ડનિંગમાં રસ લેવાનું શરૂ કર્યું. હવે રાની અને શ્રિયા બંને મળીને ગાર્ડનિંગ કરે છે અને ઈંસ્ટાગ્રામ અને યૂટ્યૂબ મારફતે તે અન્ય લોકો સાને મળીને પોતાની માહિતી લોકો સાથે શેર કરે છે.

કટિંગમાંથી વાવે છે છોડ:
રાની અને શ્રિયા મોટાભાગના ઝાડ-છોડ કટિંગમાંથી વાવે છે. રાની કહે છે કે, તેમણે અત્યાર સુધીમાં તેમના ઘરમાં કટિંગથી લગભગ સેંકડો ઝાડ-છોડ વાવવામાં આવ્યા છે, કારણકે તે દરેકને પોષાય તેવી રીત છે. એટલે હંમેશાં ઉપલબ્ધ કટિંગમાંથી છોડ વાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તેઓ નર્સરીના કટિંગથી કઈંક ખરીદે પણ છે, તો તે છે છોડની કટિંગ અને તેમાંથી જ નવા છોડ તૈયાર કરે છે.
તેમણે કહ્યું કે, તેમના ઘરમાં ઓછામાં ઓછા 150-200 ઝાડ-છોડ હોય છે અને ઘણીવાર આ સંખ્યા 400 સુધી પહોંચી જાય છે. તે જણાવે છે, “ઘરના વરંડાની 300 વર્ગફૂટ જગ્યામાં અમે કેટલાક ઝાડ-છોડ વાવ્યા છે. તો અમારું ટેરેસ ગાર્ડન લગભગ 400 વર્ગફૂટનું છે. અમારા ગાર્ડનમાં કેટલાંક એવાં ઝાડ-છોડ છે, જે ઘણાં વર્ષોથી છે. તો કેટલાંક સુંદર ઝાડ-છોડ ઋતુ પ્રમાણે વાવવામાં આવે છે. છોડની સંખ્યા વધતી-ઘટતી રહે છે, પરંતુ ઘરમાં છોડ હંમેશાં રહે છે.”
ગરમીમાં તેઓ કોચ્ચિયા, સદાબહાર, નૌબજિયા, બોગનવેલ, રૂગ્મિની જેવા છોડ ઉગાડે છે. તો શિયાળામાં મોંટાભાગે ફૂલોના છોડ ઉગાડે છે, જેમ કે, પેટૂનિયા, ગલગોટો, ડહલિયા, ગુલદાઉદી વગેરે. શિયાળામાં તે પોતાના રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી માઈક્રોગ્રીન્સ, જેમ કે – મેથી, કોથમીર, ફુદીનો વગેરે પણ ઉગાડે છે. ગરમી અને ઠંડીની ઋતુ સિવાય કેટલાક બારમાસી ઝાડ-છોડ પણ હોય છે, જેમ કે, એરેકા પામ, પોથોસ, સ્નેક પ્લાન્ટ, ફર્ન, ટર્ટલ વાઈન વગેરે.
શ્રિયા કહે છે કે, અલગ-અલગ ઋતુ પ્રમાણે ગાર્ડનની દેખભાળ કરવામાં આવે છે. જેમ કે, ગરમીના સમયમાં નિયમિત પાણી આપવું, જ્યારે શિયાળામાં એકાંતરે કે બે દિવસે પાણી આપી શકાય છે. જ્યારે તમે ખાતર આપવા ઈચ્છો ત્યારે ગરમીના સમયમાં તરલ ખાતર આપવું, જેથી છોડને નુકસાન ન થાય. ખાતર ન આપવાનું રૂટીન પણ અલગ હોય છે. શિયાળામાં તમે દર દિવસે ખાતર આપી શકો છો, તો ગરમીના દિવસોમાં મહિનામાં એકવાર ખાતર આપવું. પરંતુ ગરમીના દિવસોમાં ઝાડ-છોડને છાંયડામાં રાખવાની વ્યવસ્થા કરવી પડે છે.
તેમણે કહ્યું, “જો તમારો ગાર્ડન કોઈ એવી જગ્યાએ હોય, જ્યાં તડકો સીધો જ આવતો હોય, તો ઉનાળામાં છાંયડા માટે શેડ નેટ લગાવી શકાય છે. જેથી છોડ ગરમીમાં બળી ન જાય.”

ઓછી જગ્યામાં વધારે હરિયાળી:
ઋતુ પ્રમાણે ગાર્ડન બનાવવાની સાથે-સાથે રાની અને શ્રિયા ઓછી જગ્યામાં પણ હરિયાળી કરવામાં હોશિયાર છે. તેમણે કહ્યું, “ઘણા લોકોને ગાર્ડનિંગ માટે જગ્યાની સમસ્યા સતાવતી હોય છે. મોટાં-મોટાં શહેરોમાં લોકો નાના-નાના ફ્લેટ્સમાં રહેતા હોય છે. અહીં છોડ વાવવા માટે મુશ્કેલીથી એકાદ બાલ્કની મળે છે. એટલે લોકોએ સમજદારીથી ગાર્ડનિંગ કરવું જોઈએ. તમે તમારા ઘરમાં એવા છોડ વાવો, જે તમારા ઘરનું પ્રાકૃતિક સૌંદર્ય વધારવાની સાથે-સાથે ઘરની હવા પણ શુદ્ધ રાખે.”
નાની જગ્યા કે ફ્લેટમાં રહેતા લોકોને તે સલાહ આપે છે કે, તેમને એવા છોડ વાવવા જોઈએ, જે વધારે ફેલાય નહીં અને સ્નેક પ્લાન્ટ જેવા છોડ હોય જે ‘વર્ટીકલ’ રીતે વધે. તેમાં પણ પ્રયત્ન કરો કે, લાંબા સમય સુધી રહી શકે તેવા અને હવાને શુદ્ધ કરી શકે તેવા ઝાડ-છોડ વાવવા. આ છોડ માટે તમે ટેરાકોટાના પ્લાન્ટર કે કોઈ #DIY પ્લાન્ટરનો ઉપયોગ કરી શકાય છે, જેને તમે જૂની ડોલ કે પ્લાસ્ટિક કે કાચની બોટલોમાં પણ વાવી શકાય છે. જે બારીમાંથી ઘરમાં થોડો-થોડો તડકો આવતો હોય, એ જગ્યાનો પણ બહુ સારી રીતે ઉપયોગ કરી શકાય છે. ખાસ પ્રયત્ન કરવો કે, બાલ્કનીમાં હેંગિંગ પ્લાન્ટર લગાવો, જેથી ઓછી જગ્યામાં વધુમાં વધુ ઝાડ-છોડ વાવી શકાય.

પહેલીવાર ગાર્ડનિંગ કરતા લોકો માટે ટિપ્સ:
- અંતે મા-દીકરી પહેલીવાર ગાર્ડનિંગ કરતા લોકો માટે, કેટલીક ટિપ્સ શેર કરે છે. તે કહે છે કે, ગાર્ડનિંગની શારૂઆત કરવા માટે સૌથી સારી સિઝન વરસાદની હોય છે. એટલે વરસાદની સિઝન શરૂ થાય એ પહેલાં જ, ગાર્ડનનું પ્લાનિંગ શારૂ કરી દો.
- સૌથી પહેલાં નક્કી કરો કે, કયાં ઝાડ-છોડ વાવવાં છે અને તમારા વિસ્તાર પ્રમાણે કયા ઝોડ-છોડ વાવી શકાય છે.
- શરૂઆતમાં એવા છોડ વાવવા, જેને વધારે દેખભાળની જરૂર ન હોય. જેમકે, ફર્ન, વાંડરિંગ જ્યૂ, ટર્ટલ વાઈન, પોથોસ વગેરે. આ સુંદર છોડને બહુ ઓછી દેખભાળની જરૂર હોય છે અને તેમને કટિંગ દ્વારા સરળતાથી ઉગાડી શકાય છે.
- પ્રયત્ન કરવો કે, તમને આસપાસના જ કોઈ ગાર્ડનમાંથી કટિંગ મળી શકે. પરંતુ જો આ શક્ય ન બને તો, તમે કોઈ નર્સરીમાંથી છોડ ખરીદી શકો છો, પરંતુ નર્સરી જતાં પહેલાં તમારું રિસર્ચ વર્ક કરી લો. પહેલાંથી જ કેટલાક છોડ વિશે વાંચી લો, જેને તમે તમારા ઘરે વાવી શકો છો. ઘણીવાર લોકો નર્સરીમાંથી ઘણાબધા છોડ લઈ આવે છે, પરંતુ તેમની દેખભાળ નથી કરી શકતા. એટલે નાનાં-નાનાં પગલાં લો અને ધીરે-ધીરે ઘરમાં છોડની સંખ્યા વધારો.
- આમ તો દરેક છોડ માટે અલગ-અલગ પૉટિંગ મિક્સ બને છે. પરંતુ શરૂઆતમાં બેસિક પોટિંગ મિક્સથી કામ ચલાવી શકાય છે. જેમ કે, 50% બગીચાની માટીમાં 40% છાણીયું ખાતર અને 10% કોકોપીટ કે રેત.
- છોડ વાવ્યા બાદ, શરૂઆતના 10-15 દિવસ તમારે છોડનું વધારે ધ્યાન રાખવું પડે છે. પરંતુ એકવાર છોડ વિકસિત થવા લાગે પછી તેમને માત્ર પાણી જ આપવાની જરૂર હોય છે.
- મહિનામાં એક-બેવાર તરલ ખાતર આપી શકાય છે, જેમ કે સરસો ખલીને 48 કલાક પાણીમાં મિક્સ કરી તેને છોડમાં પાઈ શકાય છે. ડુંગળીનાં છોતરાંને પણ એક-બે દિવસ પાણીમાં પલાળી તેને છોડમાં નાખી શકાય છે. આ સિવાય તમે વાપરેલી ચા પત્તીને ધોઈને સૂકવી દો અને પછી તેનો પાવડર બનાવીને પણ છોડને આપી શકાય છે.
- ઋતુ પ્રમાણે છોડને પાણી આપવું. પાણી આપતાં પહેલાં કુંડાની માટી તપાસી લો કે તે સૂકી છે કે પછી તેમાં ભેજ છે. દરરોજકુંડાની માટીને ખુરપીથી ઊંચી-નીચી કરો, જેથી માટીને સરખી હવા મળે.
- દર બે ત્રણ દિવસે તપાસતા રહો કે, છોડ પર કીડીઓ કે કોઈ કીડા ન લાગે.
- છોડમાંથી સૂકાં પાન કાઢી નાખો અને તેને ફેંકવાની જગ્યાએમ ગાર્ડનમાં મલ્ચિંગ માટે ઉપયોગમાં લો.

અંતે તે કહે છે, “ગાર્ડનિંગ કરવું ખૂબજ સરળ છે. શરુઆતમાં તમારે થોડી વધારે મહેનત કરવાની જરૂર પડે છે અને પછી નિયમિત થોડા કલાક ગાર્ડનિંગ માટે કાઢી શકાય છે. ઘરમાં ઑક્સિજન આપે અને હવાને શુદ્ધ કરે તેવા છોડ-ઝાડ ચોક્કસથી વાવા જોઈએ. ઝાડ-છોડ એ કુદરતની સુંદર ભેટ છે આપણા માટે, જે ઘરને સજાવવા માટે પણ બહુ ઉપયોગી છે, એટલે આપણે તેની કદર કરવી જોઈએ.”
રાની અને શ્રિયા સતત ઈંસ્ટાગ્રામ પર તેમના ગાર્ડન સંબંધિત માહિતી શેર કરતાં રહે છે અને લોકોને બહુ સારી પ્રતિક્રિયાઓ પણ મળે છે. ઘણા લોકો તેમની પાસેથી ગાર્ડનિંગની માહિતી લે છે. એટલે તેમણે એક યૂટ્યૂબ ચેનલ પણ શરૂ કરી છે. તેમનું કહેવું છે કે, વધુમાં વધુ લોકોને તેઓ ગાર્ડનિંગ માટે પ્રેરિત કરવા ઈચ્છે છે.
જો તમે રાની અને શ્રિયાનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો તેમને ranishriya0621@gmail.com પર ઈમેલ કરી શકો છો.
આ પણ વાંચો: માટી વગર જ શાકભાજી ઊગાડે છે બેંક ક્લર્ક, દર મહિને આવક 40 હજાર રૂપિયા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.