જો ક્યાંક બૉનસાઇ ઝાડ જોવા મળી જાય તો ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે બે ઘડી માટે તેને જોવા માટે ઊભી ન રહે. બૉનસાઇ ઝાડ કે છોડ ઘરની સુંદરતાને ચાર ચાંદ લગાડી દે છે. અમુક લોકો માટે બૉનસાઇનો ઉછેર કરવો એક ‘પેશન’ છે. આજે અમે એક એવા જ વ્યક્તિની વાત કરી રહ્યા છીએ જે, જાતે જ બૉનસાઇ તૈયાર કરે છે.
દિલ્હીના રોહિણીમાં રહેતા 79 વર્ષીય મંગતસિંહ ઠાકુર, 2001ના વર્ષથી ઘરે જ બૉનસાઇ બનાવી રહ્યા છે. તેઓ બીજા લોકોને પણ આ કળા શીખવી રહ્યા છે. ઠાકુર કહે છે કે, “બૉનસાઇ સાથે મારે ખૂબ જૂનો નાતો છે. મેં પ્રથમ બૉનસાઇ વર્ષ 1978માં તૈયાર કર્યું હતું. તે વડનું ઝાડ હતું. આ જે પણ તે મારી પાસે છે. એ સમયે મેં બૉનસાઇ વિશે વાંચવાનું અને શીખવાની શરૂઆત કરી હતી. હું જેમ જેમ જાણતો ગયો તેમ તેમ મારો આ શોખ આગળ વધતો ગયો હતો.”
જોકે, પરિવાર પ્રત્યેની જવાબદારીઓ અને નોકરીને કારણે તેઓ આ પાછળ વધારે સમયે આપી શકતા ન હતા. વર્ષ 2001માં તેઓ દેના બેંકમાંથી મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા. જે બાદમાં તેઓએ પોતાના આ શેખને પૂરો કરવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા 20 વર્ષથી તેઓ સતત બૉનસાઇ પર કામ કરી રહ્યા છે. તેમના ઘરના ધાબા પર લગભગ 500 બૉનસાઇ છે. આ ઉપરાંત તેઓ સતત બીજા લોકોને પણ બૉનસાઇ બનાવવાનું શીખવી રહ્યા છે. તેમણે બૉનસાઇની કળા પર એક પુસ્તક પણ લખ્યું છે. જેને તેઓ વર્ષના અંતમાં પ્રકાશિત કરશે.

બૉનસાઇ બનાવવાનું મુશ્કેલ નથી
ઠાકુર કહે છે કે, “લોકોને બૉનસાઇ બનાવવાનું કામ ખૂબ મહેનતી લાગી છે. પરંતુ આવું બિલકુલ નથી. આ મહેનત કરતા વધારે કળાનું કામ છે. જો તમે એક વખત બૉનસાઇની કળાને સમજી લો તો આ કામ ખૂબ સરળ બની જાય છે. બસ તમારી અંદર કંઈક કરી છૂટવાની ભાવના હોવી જરૂરી છે.” ઠાકુર કહે છે કે, “આપણે સૌથી પહેલા બૉનસાઇ શબ્દનો અર્થ સમજવો પડશે. બોનનો મતલબ થાય છે ‘ટ્રે’ અને ‘સાઇ’નો મતલબ થાય છે ઝાડ. આ ઝાડની કોઈ અલગ પ્રજાતિ નથી પરંતુ કોઈ મોટા ઝાડનું નાનું સ્વરૂપ છે. તમે કોઈ મોટા ઝાડનું બૉનસાઇ બનાવી શકો છો. બસ આ માટે જરૂરી પ્રક્રિયા સમજવાની જરૂર છે.”
મોટા ઝાડ અને બૉનસાઇ વચ્ચેનો ફરક સમજવા માટે અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલા એ યાદ રાખો કે બૉનસાઇનું કદ વધારેમાં વધારે ત્રણ ફૂટ ઊંચું હોઈ શકે છે. મોટા ઝાડની જેમ જ તેની ડાળીઓ ફેલાયેલી હોય છે પરંતુ તે મોટી નથી થતી. તેને પોતાના મૂળને ફેલાવવા માટે વધારે જગ્યા નથી મળતી, આથી બૉનસાઇની માટીનું ખૂબ ધ્યાન રાખવું પડે છે.
ઠાકુર કહે છે કે, “અમે એક સીમિત જગ્યા અને માટીમાં બૉનસાઇ ઊગાડીએ છીએ. મોટા ઝાડની જેમ તેની ડાળીઓ ફેલાતી નથી. આથી તેમને વધારે પોષણની પણ જરૂર નથી પડતી. આ પોષણ આપણે બૉનસાઇને માટી દ્વારા જ આપી શકીએ છીએ.”

બૉનસાઇ માટે પૉટિંગ મિક્સ કેવી રીતે બનાવશો:
ઠાકુર કહે છે કે, “બૉનસાઇ માટે પૉટિંગ મિક્સ તૈયાર કરવી વખતે ઘણી વાતનું ધ્યાન રાખવું પડે છે. આ ખૂબ હળવું હોય અને સાથે સાથે પોષણથી ભરપૂર હોય તે જરૂરી છે. જેમાં તમે નર્સરીની માટી 15%, છાણીયું ખાતર 10%, નીમનું ખાતર 3%, ચૉક 4-5%, રેતી 10%, ઇંટના ટૂકડા 5%, કાચા કોલસાના ટુકડા 5%, રાખ 2%, કોકોપીટ 10%, બોનમીલ 10%, સૂકા પાંદડા 15% તેમજ સળી અને ગળી ગયેલી લાકડીઓના ટૂકડાનો પણ ઉપયોગ કરી શકો છો. “
જે બાદમાં તમામ વસ્તુને ખૂબ સારી રીતે ભેળવી દો. જે બાદમાં તમારે ત્રણ પ્રકારની ચારળીનો ઉપયોગ કરવાનો છે. એક સૌથી નાની અથવા ઝીંણી ચારણી અને ત્યાર બાદ તેનાથી મોટી અને છેલ્લે બીજા નંબરની ચારણીથી મોટી. આ રીતે તમને ત્રણ અલગ અલગ પ્રકારની માટી મળશે. આ તમામ માટીને એક વાસણમાં ભરીને તડકામાં મૂકી દો.”
ઠાકુર કહે છે કે, “બૉનસાઈ માટે આપણને મોટી માટીની જરૂરી છે. તેને જો પ્લાસ્ટિકમાં રાખવામાં આવે તો તેમાં ભેજ આવે છે અને માટી તૂટવા લાગે છે. આ ઉપરાંત આ માટીમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ પણ નાખવાથી બચો. કારણ કે તેનાથી બૉનસાઇની આયુ ઘટી જશે. બૉનસાઇને લગાવ્યા બાદ તેમાં સૌથી પહેલા મોટી માટી, ત્યાર બાદ બીજા પ્રકારની અને છેલ્લા સૌથી ઝીંણી માટે નાખવાની હોય છે. જે બાદમાં તમે તેને હાથથી દબાવી દો. તેમાં બૉનસાઇ મૂકીને ઉપરથી વધારે માટી નાખો અને હાથ અથવા લાકડીની મદદથી દબાવી દો. જે બાદમાં બૉનસાઇને પાણીથી ભરી દો. જે બાદમં તેને ત્રણથી ચાર કલાક ડોલ કે ટબમાં રાખો. જે બાદમાં બૉનસાઇને એવી જગ્યાએ રાખો જ્યાં છાંયો આવતો હોય.”

બૉનસાઇની દેખરેખ કરવા માટેની ટિપ્સ:
ઠાકુર કહે છે કે, “અનેક લોકો બૉનસાઇ ખરીદીને ઘરે લાવે છે. પરંતુ તેઓ તેમની સારસંભાળ નથી રાખી શકતા. આથી હજારો રૂપિયાના ઝાડ થોડા મહિનાઓમાં સૂકાવા લાગે છે. બૉનસાઇની દેખરેખ અન્ય ઝાડ કે છોડથી અલગ પ્રકારે રાખવી પડે છે.”

બૉનસાઇને પાણી આપવું એક કળા છે. તેને બીજા છોડીને જેમ વધારે પાણીની જરૂરી નથી રહેતી. કુંડામાં પાણી ભરાયેલું ન રહે તે પ્રમાણે જ તેને પાણી આપવું જોઈએ. કારણ કે બૉનસાઇના મૂળ ખૂબ નાના હોય છે. જો મૂળમાં પાણી ભરાયેલું રહે તો તે ખરાબ થઈ શકે છે.
કેમિકલ ખાતર આપવાથી બચો. હંમેશા જૈવિક ખાતર જ આપો.
એક સાથે વધારે ખાતર ન આપી દો. તમે એક મહિનામાં એક એક અઠવાડિયે થોડી થોડી માત્રામાં ખાતર આપી શકો છો.
બૉનસાઇ બનાવવા માટે તારનો ઉપયોગ થાય છે. આથી તમે એ વાતનું ધ્યાન રાખો કે કોઈ તાર બૉનસાઇને નુકસાન તો નથી પહોંચાડી રહ્યો ને. જો આવું હોય તો તારને કાઢીને ફરીથી લગાવો.
વચ્ચે વચ્ચે બૉનસાઈની કટિંગ અને રીપૉટિંગ કરતા રહો.
રીપૉટિંગ બાદ લગભગ એક મહિના સુધી તમામ બૉનસાઈને કોઈ જ ખાતર આપવાનું નથી. શક્ય હોય ત્યાં સુધી લિક્વિડ ખાતર સાંજ જ નાખો. મૂળ ઉપરાંત તેના પાંદડા પણ પણ સ્પ્રે કરો.
બૉનસાઈ અંગે જાગૃતિ લાવવા માટે મંગતસિંહ ઠાકુરે વર્ષ 2019માં પોતાની યૂટ્યુબ ચેનલ “બૉનસાઇ ફેક્ટ્રી” શરૂ કરી છે. જેમાં તમને તમામ વિગત મળી શકશે. અંતમાં ઠાકુર કહે છે કે, “હું હંમેશા લોકોને કહં છું કે બૉનસાઇ એક એવી કળા છે જે તમારી ઉંમર વધારી દે છે. હું 79 વર્ષનો હોવ છતાં 60 વર્ષનો હોવાનું અનુભવુ છું. આ ખરેખર અદભૂત કળા છે. જે પૈસા કમાવવાનું માધ્યમ પણ બની શકે છે.”
તમે મંગતસિંહનો ઠાકુરનો સંપર્ક કરવા માંગો છો તો તેમને 9312406601 નંબર પર મેસેજ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: નકામા ડબ્બાઓમાં 4-5 છોડ વાવી શરૂ કર્યુ હતુ ગાર્ડનિંગ, આજે 3000+ છોડની રાખે છે દેખરેખ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.