Search Icon
Nav Arrow
Garden Store
Garden Store

શરૂઆત ફુદિનો ઉગાડવાથી કરી, આજે કપલ ચલાવે છે પોતાનો ગાર્ડન સ્ટોર, ટર્નઓવર 50 લાખ

ગોવાના રહેવાસી યોગિતા મહેરા અને કરણ મનરાલ છેલ્લા 13 વર્ષથી ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ કરે છે. તેની સાથોસાથ તેઓ ‘ગ્રીન ઇસેન્સિયલ’ નામે પોતાનો ગાર્ડન સ્ટોર પણ ચલાવે છે. જેના અંતર્ગત સંખ્યાબંધ લોકોને સુંદર ગાર્ડન બનાવવામાં મદદ કરી છે.

ગોવામાં રહેતા યોગિતા મહેરા અને કરણ મનરાલ છેલ્લા 13 વર્ષથી ઓર્ગેનિક રીતે કિચન ગાર્ડનિંગ કરે છે. આ દંપતી ગાર્ડનિંગની સાથોસાથ એક ગાર્ડન સ્ટોર પણ ચલાવે છે. જેમાં રોજિંદાની જીવન માટેના શાકભાજી ઉગાડે છે અને ઓર્ગેનિક ગાર્ડનિંગ માટે સમયાંતરે વર્કશોપનું આયોજન પણ કરે છે.

કરણે ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમે બંને મુંબઇમાં ઉછર્યા છીએ. હું વર્ષ 2002માં અને યોગિતા વર્ષ 2003માં ગોવા આવી હતી. અહીંયા જ અમારા બંનેની મુલાકાત થઇ હતી.

કરણ માર્કેટિંગ એન્ડ કમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટ છે અને યોગિતા ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ (The Energy and Resources Institute/TERI)માં રિસર્ચર તરીકે કામ કરતી હતી. આ બંને જ્યારે ગોવા આવ્યા હતા ત્યારે બંનેને ગાર્ડનિંગ કે ઓર્ગેનીક ખેતી વિશે કાંઇ ખાસ જાણકારી ન હતી.

Goa

ફૂદીનો ઉગાડવાથી શરૂઆત થઇ
યોગિતા જણાવે છેકે, મને એકવાર મારી એક દોસ્તે મિન્ટ ટી ( ફૂદીનાવાળી ચા) પીવડાવી હતી, જે મને ખૂબ ગમી હતી. હું તેને ઘરે પીવા માંગતી હતી પરંતુ વારંવાર બજારમાંથી તાજો ફૂદીનો લાવવો શક્ય થતું ન હતું. જેથી મેં વિચાર્યું કે ઘરમાં જ ફૂદીનો ઉગાડી દઉં. જેના માટે મેં એક-બે કૂંડામાં ફૂદીનો વાવવાનો શરૂ કર્યો. જોકે, શરૂઆતમાં મને ઘણીવાર નિષ્ફળતા પણ હાથ લાગી હતી. પરંતુ હું તેમાં જ પરોવાયેલી જ રહી અને જોતજોતામાં મારા ઘરે ફૂદીનાની સાથે તુલસી, હળદર પણ ઉગવા લાગ્યા હતા.

વર્ષ 2006માં યોગિતાએ ગાર્ડનિંગ શરૂ કર્યું હતું. જેમાં તેઓ ધીમે ધીમે આગળ વધતા ગયા અને જ્યારે તેમણે છોડવા ઉગાડવાના શરૂ કર્યા ત્યારે કરણ પણ તેમાં મદદ કરવા લાગ્યા હતા. કહેવાય છેને કે જ્યારે તમે કોઇ કામને શરૂ કરો છો અને અન્ય પણ ઘણી બાબતો તેમાં જોડાતી જાય છે. ધીરે ધીરે ગાર્ડનિંગમાં તેમનો રસ વધવા લાગ્યો. ત્યારબાદ તે બંનેએ નક્કી કર્યું કે, પોતાના માટે પણ શાકભાજી ઉગાડીએ. પોતાના ઘરમાં ઉપલબ્ધ જગ્યામાં જ દંપતીએ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું.

આ દરમિયાન યોગિતાને એક ખેડૂત સંમેલનમાં જોડાવવાની તક મળી. ખેડૂતોને પોતાના ખેતપેદાશોના માર્કેટિંગ માટે મદદની જરૂરત હતી. જેમાં યોગિતા અને કરણે તેમને મદદ કરી હતી.

કરણ કહે છેકે, ઘણાં બધા ખેડૂતો ઓર્ગેનીક રીતે ખેતી કરે છે, પરંતુ તેને યોગ્ય રીતે ગ્રાહકો સુધી પહોંચાડી શકતા નથી. આની સાથે ઘણાં એવા ખેડૂતો પણ છે જેઓ ઓર્ગેનીક ખેતી કરવા ઇચ્છે છે પરંતુ તેમને શરૂઆત કેવી રીતે કરવી તેની ખબર નથી. એટલે અમે વિચાર્યું કે આ ક્ષેત્રમાં કંઇક નવું કરવું જોઇએ.

તેઓ વધુમાં જણાવે છેકે, તે સમયે ઓર્ગેનીક શાકભાજી ઉગાડવા માટે ઇન્ટરનેટ પર જે કંઇ જાણકારી ઉપલબ્ધ હતી તે વિદેશી લોકોની હતી તે એેક મોટી સમસ્યા હતી. પરંતુ અમારુ પહેલેથી માનવું છેકે, લોકલ વેરાઇટી અને લોકલ પધ્ધતિ પર વધુ ધ્યાન આપવામાં આવે. આ વિચાર સાથે જ અમે પોતાનો ‘ઓર્ગેનીક કિચન ગાર્ડન સ્ટોર’ શરૂ કરવાનો નિર્ણય કર્યો.

Gardening

Green Essentials શરૂ કર્યું
યોગિતા અને કરણે ‘Green Essentials’ નામથી એક ગાર્ડન સ્ટોરની શરૂઆત કરી. જેના પછી યોગિતાએ પોતાની નોકરી છોડી દીધી અને કરણે પણ પાર્ટટાઇમ પ્રોજેક્ટ લેવાના શરૂ કરી દીધા. આ સ્ટોર વિશે કરણ જણાવે છેકે, Green Essentials દ્વારા અમે ત્રણ સ્ટેપમાં કામ કરી રહ્યાં છે. પહેલામાં અમે લોકોને હોમ ગાર્ડનિંગ, કિચન ગાર્ડનિંગ અથવા ટેરેસ ગાર્ડનિંગ કરવા માટે જરૂરી કૂંડા, પોટિંગ મિક્ષ, વર્મી કમ્પોસ્ટ જેવી ચીજવસ્તુ ઉપલબ્ધ કરાવીએ છે. બીજામાં અમે લોકોના ઘરમાં બગીચો તૈયાર કરવામાં પણ મદદ કરીએ છે. ત્રીજામાં જે લોકો પોતાના ભોજન માટે જાતે જ શાકભાજી ઉગાડવા ઇચ્છુક છે તેમના માટે ઓર્ગેનીક ગાર્ડનિંગને લગતા વિષયો પર વર્કશોપનું આયોજન કરીએ છે અને તેમને ટ્રેનિંગ પણ આપીએ છે.

દંપતી જણાવે છેકે, અત્યાર સુધીમાં અમે લગભગ 5000 જેટલા લોકોને ગાર્ડનિંગનો વર્કશોપ આપી ચૂક્યા છે. તે ઉપરાંત તેઓ લગભગ 55 લોકોને બગીચો તૈયાર કરવામાં મદદ કરી છે. જોકે બગીચો તૈયાર કરવાની સર્વિસ તેઓ માત્ર ગોવા પૂરતી સિમિત રાખી છે. પરંતુ વર્કશોપ ગોવા ઉપરાંત મુંબઇ અને બેંગાલુરુમાં પણ કરે છે.

વર્કશોપમાં ભાગ લઇ ચૂકેલી જ્યોતિ ધોંડ કહે છેકે, Green Essentialએ શિયાળાના શાકભાજી ઉગાડવા માટે જે કંઇ પણ શિખવાડ્યું તે ઘણું મદદગાર સાબિત થઇ રહ્યું છે. ગાર્ડનિંગ પહેલેથી મારો શોખ રહ્યો છે પરંતુ યોગિતા અને કરણના વર્કશોપમાં ભાગ લઇને મને ગાર્ડનિંગ સાથે જોડાયેલી કેટલીક સાયન્ટિફિક જાણકારી મળી છે. જેનો ફાયદો મારા બગીચામાં જોવા મળી રહ્યો છે.

શર્મીલા દેસાઇએ Green Essential પાસે પોતાની બગીચો તૈયાર કરાવ્યો હતો. તે જણાવે છેકે, અમારો બગીચો તૈયાર કરવામાં યોગિતાએ પોતાની ટીમમાં તમામ પ્રોફેશનલ લોકોને જ જોડ્યા હતા. બગીચા માટે શું જોઇશે અને શું નહીં જોઇએ તેના માટે યોગિતાએ જે અંદાજ લગાવ્યો તે પણ એકદમ પરફેક્ટ હતો. આ સાથે કામ કરતા સમયે તેમને ધ્યાનું રાખ્યું કે તેમના કામથી અમારા પાડોશીને કોઇ પણ પ્રકારની હેરાનગતિ ન થાય.

યોગિત કહે છે કે, મેં મારા કામને લર્નિંગ મોડેલ તરીકે આગળ વધાર્યું છે. વધુને વધુ લોકોને ઓર્ગેનીક અને શુદ્વ ખોરાક માટે જાગૃત કરવા ઉપરાંત તેમને ઓર્ગેનીક ખેતી સાથે જોડવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે.

દંપતીની મહેનત રંગ લાવી રહી છે અને તેમનો બિઝનેસ પણ વધી રહ્યો છે. હાલના સમયમાં તેમનું વાર્ષિક ટર્નઓવર 50 લાખથી પણ વધારે છે. તેઓ વધુમાં વધુ લોકોને ગાર્ડનિંગ સાથે જોડી રહ્યા છે. લોકડાઉન દરમિયાન લોકોનો ગાર્ડનિંગ પ્રત્યેનો રસ વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ દંપતીએ ઘણાં વેબિનાર કર્યા છે.

પહેલી વખત ગાર્ડનિંગ કરનારા યોગિતા અને કરણનો વેબિનાર તમે અહીં જોઇ શકો છો.

Gujarati News

લોકો માટે જાણકારી
યોગિતા અને કરણ જણાવે છેકે, આજના સમયમાં જો લોકો ઇચ્છે તો પોતાના શોખને પોતાનું કરિઅર બનાવી શકે છે. પહેલાના સમયમાં આ અશક્ય હતું પરંતુ આજના ડિજિટલ યુગમાં તે શક્ય છે. એટલે જો તમે ગાર્ડનિંગમાં આગળ વધવા માગતા હોય તો તેમાં સારી કમાણી શક્ય છે. લોકોએ બીજી એ પણ વાતનું ધ્યાન રાખવું જોઇએે કે, માત્ર ગાર્ડનિંગની માસ્ટરી પર જ નહીં પરંતુ માર્કેટિંગ અને બિઝનેસ સ્કીલ પર પણ કામ કરવું પડશે. જો તમે આ ક્ષેત્રમાં આગળ વધવા માગતા હોય તો તેના માટે ધગશ ખૂબ જરૂરી છે.

કરણ કહે છેકે, ગાર્ડનિંગને બિઝનેસ તરીકે શરૂ કરવાવાળાને સૌથી વધુ ધીરજની જરૂર પડતી હોય છે. કોઇ પણ બિઝનેસને યોગ્ય રીતે ડેવલપ થવામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર વર્ષ જેટલો સમય લાગતો હોય છે. પરંતુ ઘણા લોકો એક-બે વર્ષમાં જ હાર માનીને બિઝનેસ બંધ કરી દેતા હોય છે. જો તમે દ્રઢ નિશ્ચય સાથે આગળ વધવા માગતા હોય તો જ તે કામને શરૂ કરવું જોઇએ.

અંતમાં તે જણાવે છેકે, બિઝનેસમાં સૌથી જરૂરી વાત તે હોય છેકે તમારી USP શું છે અને તમે અન્યથી શું અલગ લોકોને આપી શકો છો. અમને લોકો પાસેથી સારી પ્રતિક્રિયા એટલે મળી, કેમકે અમે એડિબલ ગાર્ડનિંગથી જોડાયેલા છીએ. હંમેશા અન્યથી અલગ અને વધારે ગુણવત્તાસભર આપવાની સાથે આગળ વધવાની કોશિશ કરવી જોઇએ.

કરણ અને યોગિતાનો સંપર્ક કરવા માટે તમે તેમના ફેસબુક પેજ ને જોઇ શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: દાદીએ શરૂ કર્યું હતું ‘ગાર્ડનિંગ’, પૌત્રએ બનાવી દીધો લાખોનો ધંધો

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon