Search Icon
Nav Arrow
Gardening
Gardening

એક અઠવાડિયાના ગાર્ડનિંગ કોર્સે બદલ્યું જીવન, હવે બજારમાંથી નથી આવતું એકપણ રાસાયણિક શાક

સુરતનાં જાગૃતિ પટેલે જ્યારે ત્રણ વર્ષ પહેલાં પોતાનું ઘર બનાવડાવ્યું ત્યારે ધાબામાં શાકભાજી વાવવાનો વિચાર આવ્યો. તેણે ટેરેસ ગાર્ડનિંગનો કોર્સ કર્યો અને કરી શરૂઆત. હવે લગભગ બધાં જ શાક ઊગે છે તેના ટેરેસ ગાર્ડનમાં.

ગયા વર્ષે કોરોનાએ આપણને ઘણું શીખવ્યું. લોકોએ તેમના સ્વાસ્થ્ય અને ખોરાકનું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું છે. આ સાથે ઘણા લોકો હોમ ગાર્ડનિંગ વિશે પણ જાગૃત થયા છે. જો કે પહેલા પણ એવા કેટલાક લોકો હતા જેઓ બાગકામ કરતા હતા પરંતુ ફળો અને શાકભાજી વગેરે ઉગાડતા ન હતા. આવા લોકો પણ હવે બહારથી શાકભાજી લાવવાને બદલે પોતાની પસંદગીના શાકભાજી ઘરે ઉગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જો તમારો પરિવાર નાનો છે અને તમારા ઘરમાં સૂર્યપ્રકાશ ઓછો આવે છે, તો તમે નાના કન્ટેનરમાં સરળતાથી લીલા પાંદડાવાળા શાકભાજી, ટામેટાં, મરચાં વગેરે ઉગાડી શકો છો. તેનાથી બગીચામાં હરિયાળી રહેશે અને તાજા શાકભાજી પણ મળશે. આવી જ વિચારસરણી સાથે સુરતની જાગૃતિ પટેલે ત્રણ વર્ષ પહેલા શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું હતું.

જોકે, તેને લાંબા સમયથી ગાર્ડનિંગનો શોખ હતો. પરંતુ અગાઉ ભાડાના એપાર્ટમેન્ટમાં તેઓને છોડ વાવવાની જગ્યા પણ મળી શકતી ન હતી. પરંતુ જ્યારે તેણે ત્રણ વર્ષ પહેલા પોતાનું ઘર ખરીદ્યું ત્યારે તેને 20 ફૂટની છત મળી હતી. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેણી કહે છે, “શરૂઆતના થોડા મહિના મેં બોંસાઈ અને સુશોભન છોડ વાવ્યા, પણ પછી મેં વિચાર્યું કે શા માટે ફળ અને શાકભાજીના છોડ પણ ઉગાડવામાં ન આવે. જેથી લીલોતરી પણ મળે અને તાજા શાકભાજી પણ મળે.”

Gardening

ઓર્ગેનિક પદ્ધતિઓથી ઉગાડે છે શાકભાજી
જાગૃતિના ઘરમાં કોઈ હોમ ગાર્ડનિંગ કરતું ન હતુ. તેથી તેમને જૈવિક પદ્ધતિઓ વિશે કોઈ ખ્યાલ નહોતો. જો કે, તેણે જાતે ભીંડા અને રીંગણ ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં તેને સફળતા ન મળી. “જ્યારે એકવાર મેં નક્કી કરી લીધુ કે રાસાયણિક શાકભાજીને બદલે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવી છે, પછી હું પાછળ ન રહી. મેં ટેરેસ ગાર્ડનિંગ શીખવાનું શરૂ કર્યું.”

તેણે સુરતના ‘કૃષિ વિજ્ઞાન કેન્દ્ર’માં ઓર્ગેનિક ટેરેસ ગાર્ડનરની તાલીમ લીધી. અઠવાડિયા સુધી ચાલેલી તાલીમ દરમિયાન, તેઓને જંતુનાશકો અને ખાતરો બનાવવા, બિયારણ રોપવા અને માટી તૈયાર કરવા જેવી બાબતો શીખવવામાં આવી હતી.

Gardening Course

જે બાદ તેણે માટી તૈયાર કરવાનું શરૂ કર્યું. તેમના ઘરની નજીકની એક ગૌશાળામાંથી, તેમને જંતુનાશકો માટે ગૌમૂત્ર અને ખાતર માટે ગાયનું છાણ વગેરે કોઈ પણ પૈસા ખર્ચ્યા વિના મળી જાય છે. આ રીતે તેણીએ ઘરે ખાતર પણ બનાવ્યું અને જેમ જેમ માટી વધતી ગઈ તેમ તેમ તેણે એક પછી એક શાકભાજી વાવવાનું શરૂ કર્યું. પહેલા જ વર્ષે તેના બગીચામાં ટીંડોળા અને તુવેર એટલી બધી થઈ હતી કે તેમણે તેને ઘણા પોતાના સંબંધીઓનાં ઘરે મોકલાવ્યા હતા. જે બાદ તેમને વધુ શાકભાજી ઉગાડવા માટે પ્રેરણા મળી.

તે કહે છે, “હોમ ગાર્ડનમાં ઉગેલા તૂરિયા, ગુવાર, વાલોળ, રીંગણ જેવા શાકભાજી આજે મારા બાળકો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. જ્યારે પહેલા તેમને તે પસંદ નહોતા.”

ગયા વર્ષે તેણે નાના કુંડામાં ડ્રેગન ફ્રૂટનો છોડ ઉગાડ્યો હતો. તેમાં સાતથી આઠ જેટલા ફળો પણ ઉગ્યા હતા. તેણે ટેરેસ પર ચીકુ, આમળા, દાડમ, કેરી, સીતાફળનાં વૃક્ષો પણ વાવ્યાં છે, જેમાં ફળ જલ્દી આવવાની આશા છે.

હવે બજારમાંથી નથી આવતા એક પણ કેમિકલવાળા શાકભાજી
તેણે કહ્યું, “છેલ્લા છ મહિનાથી અમે ભીંડા, રીંગણા, મરચાં, ટામેટા, તુરિયા, ટીંડાળા જેવા ઘણા બધા શાકભાજી બહારથી ખરીદ્યા નથી. તાજેતરમાં, તેણે ઘરના પાર્કિંગમાં એક નાની ક્યારી પણ બનાવી છે. જેમાં તેણે બટાકા, ડુંગળી, લસણ અને શક્કરિયા ઉગાડ્યા છે.”

Home Gardening

ઓછા ખર્ચે ઉગે છે તાજા શાકભાજી
જાગૃતિએ તેના ટેરેસ પરની જગ્યાનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કર્યો છે. તે નાના કન્ટેનર અને બેકાર ડબ્બાઓમાં પણ કંઈક ઉગાડે છે. તો તે મોટા કુંડામાં લાગેલા ફળોના છોડમાં પણ તે કેટલાક લીલા પાંદડાવાળા શાકભાજી જેવાકે કોથમીર, મેથી, ફુદીનો વગેરે ઉગાડીને ઉપયોગ કરે છે. તેણે ટેરેસ પર બે ક્યારા પણ બનાવ્યા છે. છત પર આવતા સૂર્યપ્રકાશ મુજબ છોડ ગોઠવવામાં આવ્યા છે. કેટલીક પ્લાસ્ટિકની બોટલો હેંગિંગ પોટ્સ તરીકે રાખવામાં આવી છે.

માત્ર ત્રણ વર્ષમાં તેમણે પોતાના પ્રયાસોથી સુંદર ટકાઉ બગીચો તૈયાર કર્યો છે. આ સાથે તેમના પરિવારને તાજા અને ઓર્ગેનિક શાકભાજીનો સ્વાદ મળી રહ્યો છે. જાગૃતિ કહે છે, “જો તમને ગાર્ડનિંગનો થોડો શોખ હોય, તો તમે વધારે પૈસા ખર્ચ્યા વિના અમુક શાકભાજી ઉગાડી શકો છો. આ માટે તમારે શરૂઆતમાં થોડી ધીરજથી કામ લેવું પડશે, પરંતુ ધીમે ધીમે અનુભવ સાથે તમે નિષ્ણાત બની જશો.”

Home Gardening

આશા છે કે તમને જાગૃતિ પટેલનો પ્રયાસ ગમ્યો હશે. જો તમારી પાસે પણ જગ્યા ઓછી કે વધારે હોય તો તમારે પણ તમારા પરિવાર માટે અમુક શાકભાજી ઉગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જાગૃતિ પાસેથી ટેરેસ ગાર્ડનિંગ વિશે માહિતી મેળવવા માટે 9824790150 પર સંપર્ક કરો.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: મજૂરને લોહી માટે પડતી તકલીફ જોઈ મોરબીના માજી સૈનિકે શરૂ કરી ફ્રી બ્લડ બેન્ક

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon