કોરોના મહામારી પછી ઘણા લોકો ઓર્ગેનિક ફળો અને શાકભાજી તરફ વળ્યા છે. આવી સ્થિતિમાં ઘરમાં ઉગાડવામાં આવતા ફળો અને શાકભાજીની વાત જ કંઈક અલગ હોય છે. બાગકામના શોખીનો ઘણીવાર તેમના બગીચામાં લીલા શાકભાજી પણ ઉગાડે છે. આજે અમે તમને સુરતના એક પરિવારનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ત્રણ પેઢીઓ એકસાથે ગાર્ડનિંગ કરે છે. ઉપરાંત, આ પરિવાર વેલામાં બટાકા ઉગાડવા માટે પ્રખ્યાત છે.
અમે વાત કરી રહ્યા છીએ સુભાષ સુરતીના પરિવારની. ડાયમંડ સિટી સુરતમાં વર્ષોથી રહેતો આ પરિવાર સાથે મળીને ઘરમાં ઝાડ-છોડ ઉગાડે છે. વૃક્ષો અને છોડ ઉગાડવા માટે તેમના ઘરમાં હંમેશા સારી જગ્યા હતી. પરંતુ 15 વર્ષ પહેલા તેણે પોતાનું ઘર ખરીદ્યું ત્યારથી તેમણે ગાર્ડનિંગ પર ખાસ ધ્યાન આપ્યું છે. આજે તેમના ઘરમાં 400 થી વધુ વૃક્ષો અને છોડ છે. સુભાષે બાગકામને યોગ્ય રીતે શીખવા માટે સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી ટેરેસ ગાર્ડનિંગનો એક સપ્તાહનો કોર્સ પણ કર્યો છે.
આ કોર્સમાં તેમને સારા પોટીંગ મિક્સ તૈયાર કરવા અને સિઝન પ્રમાણે પ્લાન્ટ કરવાનું શીખવવામાં આવ્યું હતું. હાલમાં તે પાંચથી છ જાતના ફળો અને મોસમી શાકભાજી ઉગાડે છે. તેમના ઘરમાં દાડમ, ફાલસા, જામફળ, આમળા, સ્ટાર ફ્રૂટ, કેળા, શેતૂર જેવા ફળો પણ ઉગે છે.
સુભાષે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “ગાર્ડનિંગનો શોખ મને મારા માતા-પિતાને જોયા પછી વધ્યો અને આજે મારા બાળકો પણ મારી સાથે ગાર્ડનિંગ કરે છે. અમારા પરિવારની જરૂરિયાત મુજબ લગભગ 30 ટકા શાકભાજી બગીચામાંથી જ મળે છે.”
સાથે જ તેમણે કહ્યું કે તેઓ બજારમાંથી શેતૂર, જામફળ અને સ્ટાર ફ્રુટ જેવા ફળો ખરીદતા નથી.

છોડ સૂર્યપ્રકાશ અનુસાર વધે છે
તે છોડ ઉગાડવા માટે તેના ટેરેસના લગભગ 1000 ચોરસ ફૂટનો ઉપયોગ કરે છે. આ સાથે ઘરની બાજુમાં 3×14 ફૂટની ક્યારી બનાવવામાં આવી છે.
ક્યારીનો ઉપયોગ મોસમી શાકભાજી ઉગાડવા માટે થાય છે. તેણે ઘરના આગળના ભાગમાં સરગવો, જામફળ અને આમળા જેવા કેટલાક મોટા વૃક્ષો વાવ્યા છે. બધા છોડ છત પર ઉગ્યા છે.
વ્યવસાયે એન્જિનિયર સુભાષ કહે છે, “ફળોને સારા સૂર્યપ્રકાશની જરૂર હોવાથી, હું તેને ટેરેસમાં ઉગાડું છું. જ્યારે બાકીના શાકભાજી સૂર્યને ધ્યાનમાં રાખીને ક્યારીમાં વાવવામાં આવે છે.”

હાલમાં જ તેણે શિયાળા દરમિયાન શાકભાજી ઉગાડવાની તૈયારીઓ કરી છે. હાલમાં, તેમણે કોબીજ, કોબી, બ્રોકોલી, મેથી, રીંગણ, વાલોળ, ધાણા, મરચાં, કારેલા વગેરે ઉગાડ્યા છે. તો તેમના ઘરમાં ભિંડા, તુરિયા,દૂધી, ડુંગળી, ચોળી, અળવી વગેરે પણ નિયમિતપણે ઉગે છે. આ ઉપરાંત તેમના ઘરમાં 15 ઔષધીય છોડ પણ લગાવવામાં આવ્યા છે.
સુભાષ અને તેમના પિતા હરિશ્ચંદ્ર સુરતી પણ ઔષધીય છોડના ખૂબ શોખીન છે. તેના બગીચામાં તમને હળદર, લેમનગ્રાસ, પાંચ પ્રકારની તુલસી, ગિલોય, અરડુસી, બ્રાહ્મી, અજમો, કપૂર પાન, ફુદીનો, મોટી એલચી સહિત અપરાજિતાના બે પ્રકારના છોડ મળશે.
આ સાથે તેણે ઘરની અંદર કેટલાક સુશોભન છોડ પણ લગાવ્યા છે. સુભાષની પત્ની રક્ષા સુરતી ફૂલોના છોડના શોખીન છે. રક્ષા પોતે પણ ગામડા સાથે સંબંધ ધરાવે છે, તેથી તે બગીચામાં સમયાંતરે નવા ફૂલો ઉગાડતી રહે છે. ફૂલોમાં તેની પાસે રાતરાણી, ગુલાબ, મોગરા, ગલગોટા વગેરે છોડ છે.

બે વર્ષની મહેનત બાદ ઉગાડ્યા એર પોટેટો
ટ્રેકિંગના શોખીન સુભાષ જ્યારે પણ જંગલો અને પહાડોમાં ફરવા જાય છે ત્યારે ત્યાંથી કેટલાક દુર્લભ છોડ લઈને આવે છે. આવો જ એક છોડ એર બટેટા છે. તેમણે જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા ગીરના જંગલમાં ફરતી વખતે તેણે વેલામાં બટાકાના છોડ ઉગતા જોયા હતા. સ્થાનિક લોકોને પૂછવા પર ખબર પડી કે આ બટાકાની વિવિધતા છે, જેમાં સ્ટાર્ચ ખૂબ જ વધારે હોય છે. તે ગીરથી લાવીને તેનો છોડ લગાવ્યો. જેમાં એક વર્ષ સુધી સારી વૃદ્ધિ જોવા મળી હતી પરંતુ બટાટા ઉગ્યા ન હતા. લગભગ બે વર્ષ સુધી કાળજી રાખ્યા બાદ હવે તેમના વેલામાં બટાટા ઉગવા લાગ્યા છે.
તેમણે તેનો છોડ નીચે ક્યારીમાં લગાવી દીધો, બે વર્ષમાં તેના વેલા 25 ફૂટ મોટા થઈને છત સુધી પહોંચી ગયા છે.
તેઓ ગીરમાંથી માત્ર એક વેલો લાવ્યા હતા, ત્યાર બાદ તેમણે એક-બે વેલા તૈયાર કર્યા છે. તેમણે કહ્યું, “આ બટાકાના છોડની એવી વિવિધતા છે કે જૈન સમુદાયના લોકો તેનો બટાકાના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકે છે. મેં મારા કેટલાક જૈન મિત્રોને તેમાંથી નાના છોડ બનાવવા માટે પણ આપ્યા છે.”

આખો પરિવાર મળીને ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી
સુભાષ કહે છે, “ઘરે ઉગાડવામાં આવતી શાકભાજીનો સ્વાદ એટલો મીઠો હોય છે કે બાળકો તેને કાચા ખાય છે. બીજી તરફ, આ શાકભાજી બહારથી આવતા શાકભાજી કરતાં ઝડપથી રંધાય છે, તેથી બાળકોને ગમે તે શાકભાજી અમે ઘરે ઉગાડીએ છીએ.”
તેમના બે બાળકો હેતવ અને સ્વરાએ લોકડાઉન દરમિયાન ગાર્ડનિંગ માટે સમય કાઢવાનું શરૂ કર્યું અને હવે તેઓ નિયમિતપણે છોડને પાણી આપે છે.
સુભાષના પિતા હરિશ્ચંદ્ર 78 વર્ષના છે અને આ ઉંમરે પણ તેઓ પરિવાર સાથે બગીચામાં કામ કરે છે. તે કહે છે, “પહેલાં, અમે માત્ર થોડા મોસમી શાકભાજી ઉગાડતા હતા, પરંતુ આજે ઘરમાં આટલા બધા છોડ જોઈને મને ઘણો આનંદ થાય છે. જોકે, મારી ઉંમરને કારણે મને કમરમાં દુખાવો થાય છે. પરંતુ મને ઘરે ઉગાડવામાં આવતી તાજી શાકભાજી ખાવા માટે થોડી મહેનત કરવી ગમે છે.”
છેલ્લે સુભાષ કહે છે, “અમારી સોસાયટીમાં 16 ઘર છે. 15 વર્ષ પહેલા જ્યારે હું અહીં રહેવા આવ્યો ત્યારે મારા સિવાય કોઈએ ગાર્ડનિંગ કરતું ન હતું. પરંતુ આજે લગભગ તમામ ઘરોમાં નાનો બગીચો છે. કોરોના સમયગાળાએ દરેકને ઘરે ફળો અને શાકભાજી ઉગાડવાનું શીખવ્યું છે.”

આશા છે કે તમને પણ આ પરિવારની બાગકામની કહાની વાંચીને આનંદ થયો હશે અને તમે પણ તમારા પરિવાર સાથે ચોક્કસથી કેટલાક છોડ વાવશો.
હેપી ગાર્ડનિંગ!
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ભાવનગરના પરિવારે પુત્ર-પુત્રીના લગ્નમાં બનાવી એવી કંકોત્રી કે, ચકલી પણ માંડી શકશે સંસાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.