બેંગલુરુમાં રહેતા સુમેશ નાયક અને મીતુ નાયકના ઘરમાં 1400થી વધારે ઝાડ-છોડ છે. જેમાં 25 પ્રકારના ફળનો સમાવેશ થાય છે. વાત જ્યારે ગાર્ડનિંગની હોય તો ઘણાં લોકોનું એવું માનવું હોય છે કે ઘરમાં બગીચા માટે એક અલગ જ જગ્યા જોઈએ. જેથી ઘરમાં માટી, ખાતર અથવા તો પાનથી ગંદકી ન થાય પરંતુ, આજે અમે એક ‘અર્બન ગાર્ડનર’ની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ, જેમની કોશિશ છે કે તેઓ પોતાના ઘરની એક ખાલી જગ્યાને હરિયાળીથી ભરી દે. અગાશી, ફળિયું અને બાલ્કની ઉપરાંત તેમણે ઘરની અંદર પણ અઢળક છોડવાઓ લગાવ્યા છે. બહારથી જોતાં જ તેમનું ઘર ‘અર્બન જંગલ’થી ઓછું નથી લાગતું.
અમે વાત કરી રહ્યા છે બેંગલુરુમાં રહેતા દંપતિ સુમેશ નાયક અને મીતુ નાયકની. જેની ઈચ્છા ન માત્ર પોતાના ઘરમાં જ પરંતુ આસપાસના વાતાવરણમાં પણ વધારામાં વધારે હરિયાળી ભરવાની છે. મલ્ટી નેશનલ કંપનીમાં કાર્યરત સુમેશ અને મીતુ છેલ્લા આઠ વર્ષથી ગાર્ડનિંગ કરી રહ્યાં છે. તેમણે પોતાના ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ સાથે જ વાતાવરણ અનુસાર શાકભાજી અને આશરે 25 જાતના ફળના ઝાડ પણ લગાવ્યા છે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા સુમેશ નાયકે પોતાના ગાર્ડનિંગની સફર વિશે વિસ્તારથી જણાવ્યું હતું.
વર્ષ 2007માં જ્યારે સુમેશ નાયક કેરળથી બેંગલુરુ આવ્યા તો તેમણે આ શહેરના ઘરમાં હરિયાળીની ઉણપ જોવા મળી હતી. કેરળમાં દરેક ઘરમાં ઝાડ-પાન લદાયેલા હોય છે પરંતુ બેંગલુરુમાં આવું જોવા મળ્યું નહોતું. આ સાથે જ તે એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા જ્યાં તે મર્યાદિત છોડવા લગાવી શકતા હતાં. સુમેશે કહ્યું કે, ‘આ પહેલા મને ઝાડ-છોડ સાથે આટલો લગાવ ક્યારેય અનુભવ્યો નહોતો. કેરળમાં અમારા ઘરમાં એક બગીચો છે. જેની દેખભાળ મમ્મી-પાપા કરતા હતાં. હું કશું જ કરતો નહોતો. જોકે, બેંગલુરુમાં હરિયાળી ઓછી અને બિલ્ડીંગો જ વધારે છે. મીતુ પણ કેરળની જ છે અને તે પણ બેંગલુરુમાં આ જ સમસ્યાનો સામનો કરી રહી હતી.’

લગાવ્યા 1400થી વધારે છોડવાઓ
તેમણે વર્ષ 2013માં જ્યારે પોતાનું ઘર ખરીદ્યું તો પહેલા વર્ષથી જ તેમણે છોડવા લગાવવાના શરુ કરી દીધા હતાં. તેણે કહ્યું કે, ‘અમારી પાસે 1500 વર્ગ ફૂટની જગ્યા છે. જેમાં અમારુ ઘર અને ગાર્ડન બન્ને છે. જેમાં ઘરની જગ્યા વધારે છે અને બહાર થોડી જગ્યા ખાલી છે. આ ખાલી જગ્યાને અમે સૌથી પહેલા હરિયાળી બનાવવાનું નક્કી કર્યું હતું. કેટલાક સામાન્ય છોડ લગાવ્યા પછી અમે ફળના ઝાડ લગાવવાના શરુ કર્યા હતાં. કારણકે અમે ઈચ્છતા હતા કે અહીં એકદમ ઘટાટોપ ઝાડ હોય. જેનાથી સારો છાંયો અને ખાવા માટે શુદ્ધ અને સ્વાદિષ્ટ ફળ મળે.’
તેમણે પોતાના બગીચામાં કેરી, દાડમ, ચીકુ, અંજીર, પેશન ફ્રૂટ, ત્રણ રીતના જામફળ, સ્ટાર ફ્રૂટ, બિલિમ્બી, સીતાફળ, પપૈયુ, દ્રાક્ષ, આમળા, કેળા, શહતૂત, ચેરી, જમરુલ (વોટર એપ્પલ), ચકોતરા (પોમેલો), એવોકેડો, લિંબૂ અને ડ્રેગન ફ્રૂટ જેવા ફળના ઝાડ લગાવ્યા છે. તેમને દરેક ઝાડમાંથી ફળ મળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ગત વર્ષે, તેમણે પોતાના બગીચામાં લાગેલા બે એવોકાડોમાંથી 100 એવોકાડો મળ્યા હતાં. આ રીતે, તેમને કેરી, ચીકૂ, દાડમ, પપૈયા વગેરે સારા ફળ મળે છે.
તેમણે જણાવ્યું કે ફળના ઝાડ પછી તેમણે બગીચામાં એવા ઝાડ-છોડ લગાવ્યા, જેમને ઓછા તડકાની જરુર હોય છે. કારણકે ઝાડના છાંયડાથી કેટલાક નાના છોડવાઓને વધારે તડકો નથી મળતો. આ ઉપરાંત તેમણે પોતાના ઘરની બાલ્કની અને છત પર પણ ઝાડ-છોડ લગાવ્યા છે. બાલકનીમાં મોટાભાગે સજાવટ અને સુંદર વેલ છે. તો અગાશી પર તેમણે ફૂલના ઝાડ-છોડ લગાવ્યા છે. આ સાથે જ ટમેટા, મરચા, રિંગણા, ભિંડા જેવા શાકભાજી પણ ઉગાડ્યા છે.

તેમનું કહેવું છે કે, ‘જો તમારી પાસે ફળિયામાં જગ્યા ઉપલબ્ધ છે, તો ફળદાર અને છાંયડો આપે તેવા ઝાડ જ લગાવવા યોગ્ય છે. કારણકે છોડને સીધું જમીન પર લગાવીએ તો તે સારી રીતે વિકસિત થાય છે. શાકભાજી મૌસમી હોય છે અને 3-4 મહિનામાં તેમની ખપત પછી નવી રીતે બીજી શાકભાજી લગાવી શકો છો. જેને તમે ઓછામાં ઓછી જગ્યાએ પણ લગાવી શકો છો.’
તેમના ઘરમાં આજે પણ અલગ અલગ પ્રજાતિના 1400થી વધારે ઝાડ-છોડ છે. જેમની દેખરેખ સુમેશ અને મીતુ પોતે જ કરે છે. સુમેશ અને મીતુની આઠ વર્ષની દીકરી પણ ગાર્ડનિંગમાં તેમની મદદ કરે છે. આ દંપતિ રસોઈ અને બગીચાના જૈવિક કચરાથી હોમ-કમ્પોસ્ટિંગ કરે છે. પોતાના બગીચામાં પડેલા દરેક પાનને ફેકી દેવાના બદલે એક કન્ટેનરમાં એકઠા કરે છે અને ખાતર બનાવે છે.
સોસાયટીમાં પણ લગાવ્યા છોડ-ઉછેર્યા ઝાડ
તેમણે આગળ કહ્યું કે આજે તેમના ઘરના બગીચામાં ચકલી, મધમાખી, પતંગિયા, ખિસકોલી જેવા જીવ પણ આવે છે. જોકે, એક સારી ‘ઈકોસિસ્ટમ’ બનાવવા માટે, માત્ર પોતાના ઘરમાં જ નહીં પરંતુ આસપાસમાં પણ ઝાડ લગાવવાની જરુર હોય છે. તેમણે જણાવ્યું કે, ‘જો તમે માત્ર પોતાના ઘરમાં જ ઝાડ ઉછેરતા રહેશો અને આસપાસમાં હરિયાળી ન હોય તો એ યોગ્ય નથી. આ માટે તમારે હંમેશા એ કોશિશ કરવી જોઈએ કે તમે ઘરની આસપાસ જગ્યાઓને પણ હરિયાળીથી હરીભરી બનાવો’

આ વાતને ધ્યાનમાં રાખતા તેમણે પોતાની સોસાયટીમાં લોકો સાથે વાત પણ કરી. દરેકે સાથે મળીને એ નક્કી કર્યું કે ઘરની બહાર, રસ્તાના કિનારે ખાલી જગ્યાઓમાં કેટલાક ઝાડ-છોડ લગાવીએ. સુમેશે જણાવ્યું કે, ‘અમે બધાએ સાથે મળીને, 2014માં એક છોડ વાવો અભિયાન ચલાવ્યું હતું. દરેકે સાથે મળીને ફંડ એકઠું કર્યું અને સોસાયટીમાં છોડ લગાવ્યા. આજે આ દરેક છોડ મોટા થઈને ઝાડમાં ફેરવાયા છે. જેથી હરિયાળી તો વધી જ છે. આ સાથે જ પક્ષીઓ માટે રહેઠાંણ પણ બન્યા છે.’
સુમેશનું કહેવું છે કે, આસપાસ ઝાડ-છોડ હોવાથી ઘરના તાપમાનમાં પણ ફરક પડે છે. ગરમી હોય ત્યારે પોતાના ફળિયામાં અને બાલકનીમાં તે દિવસના સમયે પણ બેસી શકે છે. કારણકે ઝાડ હોય તો ઠંડક આવે છે. બગીચામાં સમય પસાર કરવાથી માનસિક રીતે પણ શાંતિ મળે છે. દિવસભર કોમ્પ્યુટર સ્ક્રિનને જોઈને થાકી ગયેલી આંખો માટે કુદરતી હરિયાળી કોઈ થેરાપીથી ઓછી નથી હોતી.
લોકોને ગાર્ડનિંગ કરવાની સલાહ આપતા તેઓ કહે છે કે, ‘સૌથી પહેલા તમને એ સમજવું જોઈશે કે ગાર્ડનિંગમાં ધીરજની જરુર હોય છે. જો તમે કોઈના બગીચાને જોઈને નકલ કરવા ઈચ્છો છો તો તે યોગ્ય રીત નથી. કારણકે દરેક ગાર્ડન પોતાની રીતે અલગ હોય છે. હું અને મારી પત્ની અઠવાડિયામાં પાંચ દિવસ વ્યસ્ત રહીએ છીએ. ગાર્ડનિંગમાં કામ કરવા માટે અમે એક રુટિન નક્કી કર્યું છે. જેમ કે અમારે ક્યારે ખાતર બનાવવાનું છે. ક્યારે ખાતર આપવાનું છે અને ક્યારે નવા છોડ લગાવવાના છે. આ કારણે તમે પહેલા પ્લાનિંગ કરો કે પોતાની દિનચર્યા અનુસાર તમારે કઈ રીતના ઝાડ લગાવવાના છે.’
જે પછી, તેઓ સલાહ આપે છે કે લોકોને છોડવાઓને પણ સમજવા જોઈએ. તેમને સમજવું જોઈએ કે છોડવાઓને કેટલી સારસંભાળની જરુર પડશે. તેમને કઈ રીતે તડકો અથવા તો છાંયડો જોઈશે. જે પછી જ ઘર માટે છોડવાઓ લગાવવા પડશે તેમનું કહેવું છે કે નાની શરુઆત કરો. સ્થિરતા રાખો. નિયમિત રીતે છોડની દેખરેખ રાખો. કંઈક ને કંઈક નવું શીખતા રહો.
જો તમે સુમેશ અને મીતુનો સંપર્ક કરવા ઈચ્છો છો તો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ઘરમાં છે 700+ ઝાડ-છોડ, ફળ-ફૂલ અને શાકભાજીની સાથે તમને જોવા મળશે વડ અને પીપળા પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.