મહારાષ્ટ્રના પૂનામાં રહેતા 29 વર્ષીય પ્રદીપ જાધવ વર્ષ 2018 થી પોતાનો ફર્નિચર અને ઘર સજાવટનો વ્યવસાય ચલાવી રહ્યા છે. તેમના સ્ટાર્ટઅપનું નામ ‘Gigantiques’ છે, જેમાં તેઓ ઓદ્યોગિક કચરાને રીસાયકલ કરીને ફર્નિચર અને ઘર સજાવટની વસ્તુઓ બનાવે છે. કાપડ, ઑટોમોબાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે જેવા ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા કચરાને ‘ઈન્ડ્રસ્ટીયલ વેસ્ટ’ કહેવામાં આવે છે.
પ્રદીપ તેના ધંધા માટે જુના અને નકામા ટાયર, બેરલ (ડ્રમ્સ) અને સાયકલ, કાર અથવા બાઇકના ભાગોનો ઉપયોગ કરે છે. પોતાના વ્યવસાય દ્વારા પ્રદીપ ગ્રાહકોને ન માત્ર ગુણવત્તાયુક્ત અને ટકાઉ ફર્નિચર જ પ્રદાન કરી રહ્યા છે, પરંતુ સાથોસાથ પર્યાવરણીય સંરક્ષણ તરફ પણ કામ કરી રહ્યાં છે. બેટર ઈન્ડિયા સાથે વાત કરતા પ્રદીપે તેની સફર વિશે વાત કરી હતી.
ગામથી પુના સુધીની સફર:
ધૂલે જિલ્લાના દલવાડે ગામે ઉછરેલા પ્રદીપ જાધવ એક ખેડૂત પરિવારનો સભ્ય છે. તેણે સરકારી શાળામાંથી દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ ITI કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. ITI કર્યા પછી તેણે ડિપ્લોમા કોર્સ પણ કર્યો હતો. પ્રદીપ કહે છે કે ડિપ્લોમા કર્યા પછી તેને એક કંપનીમાં નોકરી મળી. જોબની સાથે સાથે, તે મેકેનિકલ એન્જિનિયરિંગ કરવા માટે કોલેજમાં એડમિશન લીધું. વર્ષ 2016 માં ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેણે પુણેની એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

પ્રદીપે કહે છે કે “નાનપણથી જ, હું મારું પોતાનું કોઈ કામ કરવા માંગતો હતો, તેથી મારા ડિપ્લોમા અભ્યાસની સાથે, મેં એક બુક સ્ટોર પણ ખોલ્યો. પુસ્તકોનું કામ થોડો સમય સારુ ચાલ્યું પણ પછી તેમાં ખોટ ખાવાનો વારો આવ્યો, તેથી મારે તેને બંધ કરવું પડ્યું. પરંતુ, મારા દિલમાં હંમેશાં ઇચ્છા રહી હતી કે મારે કંઈક અલગ વ્યવસાય કરવો છે, જે લોકો માટે નવો હોય. તેથી નોકરી કરતાની સાથે-સાથે હું હંમેશાં અનોખા બિઝનેસ આઈડિયાની શોધમાં હતો.” અને કહેવાય છે ને કે જો તમને તમારા દિલથી કંઇક કરવાનું ચાહો, તો પ્રકૃતિ જ તમારો માર્ગ આપમેળે જ આસાન કરી દે છે. બસ આ જ રીતે, પ્રદીપને તેનો સાચો માર્ગ મળ્યો.
વર્ષ 2018 માં, તેણે યુટ્યુબ પર એક વિડીયો જોયો. તે વિડીયોમાં તેણે જોયું કે એક આફ્રિકન નાગરિક જૂના અને નકામા ટાયરમાંથી ખુરશી બનાવે છે. પ્રદીપ કહે છે કે તે તેના માટે આ નવી વાત હતી કે કોઈ ટાયરમાંથી પણ ફર્નિચર બનાવી શકે છે! તે પછી, તેમણે આ અંગે વધુ સંશોધન કર્યું. આનાથી અપસાઇકલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિષયો પર તેમની જાણકારી વધી. પ્રદીપે જોયું કે ભારતમાં પણ આ ક્ષેત્રમાં કેટલાક લોકો કામ કરી રહ્યા છે. તેથી, તેણે વિચાર્યું કે આ વિચાર સાથે કેમ આગળ વધવું નહીં!

નોકરીની સાથે શરૂ કર્યો ધંધો:
તેમણે નક્કી કર્યું હતું કે તે આ ક્ષેત્રમાં જ આગળ વધશે, તેથી તેણે જુદા જુદા જંકયાર્ડ (ભંગારવાડા)માં જવાનું શરૂ કર્યું. પ્રથમ, તેણે નક્કી કર્યું કે તે કયા પ્રકારના ‘ઈન્ડ્સ્ટ્રીયલ વેસ્ટ’ અપસાઇકલ કરી શકે છે, તેનો કેટલો ખર્ચ થશે અને તે કેવી રીતે આગળ વધશે. બધું નક્કી કર્યા પછી, તેણે એક નાનકડી જગ્યા ભાડે લીધી અને પોતાનું કામ શરૂ કર્યું. તેણે જાતે જ જૂના ટાયરમાંથી ફર્નિચર બનાવવાનું શરૂ કર્યું. તે કહે છે, “હું સવારથી સાંજ સુધી નોકરી કરતો હતો. સાથે જ, તેનો વ્યવસાય આગળ વધારવા માટે રાત્રે પણ કામ કરતો. પહેલાં હું ખુરશીઓ અને ટેબલ ડિઝાઇન કરતો હતો, જેમાં મારા કેટલાક મિત્રો પણ આવીને ઘણી વાર મદદ કરતા.”
2018 માં જ, તેણે પોતાની કંપનીની નોંધણી પણ કરી અને તેનું પોતાનું સોશિયલ મીડિયા પેજ બનાવ્યું. સોશિયલ મીડિયા દ્વારા, તેણે લોકો સાથે બનાવેલ અપસાઇકલ ફર્નિચરની તસવીરો શેર કરવાનું શરૂ કર્યું. પ્રદીપ કહે છે કે તે તેનું નસીબ સારું હતું કે તેને તેનો પ્રથમ ઓર્ડર ખૂબ જ ઝડપથી મળી ગયો. જેમાં તેણે એક કેફે માટે ઇકો ફ્રેન્ડલી અને આકર્ષક ફર્નિચર બનાવવાાનું હતું. પ્રદીપે આ ઓર્ડર પર એકલા હાથે કામ કર્યું હતું અને નોકરી કરતા કરતા વખતે પણ સમયસર ઓર્ડર પૂર્ણ કર્યો હતો. આ પછી, તેના વ્યવસાય વિશે વધુ લોકોને જાણ થઈ અને ઓર્ડર વધવા લાગ્યા.
પ્રદીપ કહે છે કે તેમણે 2019 માં નોકરી છોડી દીધી, કારણ કે ત્યાં સુધીમાં તેણે તેના ધંધામાંથી એટલા રૂપિયા મળવા લાગ્યા, જેટલો તેનો નોકરીમાં પગાર હતો. શરૂઆતમાં, પ્રદીપ મોટાભાગના કામ જાતે કરતા. પરંતુ જેમ જેમ ઓર્ડર વધતા ગયા, તેમ તેમ તેઓએ અન્ય લોકોને પણ કામ પર રાખ્યા. આજે, તેની પાસે 15 કર્મચારીઓ છે અને અત્યાર સુધીમાં તેમણે નાના-મોટા 500 જેટલા ઓર્ડર પૂર્ણ કર્યા છે. તેણે પુના, મુંબઇ, હૈદરાબાદ, બેંગ્લોર જેવા શહેરોમાં પણ ઘણા મોટા પ્રોજેક્ટ્સ કર્યા છે. તેમણે ક્યાંક કોઈનું ઘર ડેકોર કર્યું છે તો વળી ક્યાંક કાફે માટે ફર્નિચર બનાવ્યું છે.

શિરપુરમાં ‘ધ હાઈટઆઉટ કાફે ચલાવતા 22 વર્ષીય ગૌરવ શિંદે કહે છે, “મારે મારા કેફે માટે એવું ફર્નિચર જોઈતું હતું કે જે તદ્દન અલગ હતો. મને યુ-ટ્યુબ વીડિયો પરથી પ્રદીપ વિશે ખબર પડી. જ્યારે મેં તેનો સંપર્ક કર્યો, ત્યારે તેણે મને ઘણા વિકલ્પો બતાવ્યા. તેમણે ઈન્ડસ્ટ્રીયલ બેરલ અને ટાયરમાંથી ખૂબ જ સરસ ખુરશી, ટેબલ, સોફા વગેરે બનાવ્યાં હતા. મને તેની ડિઝાઇન અને તેનું કામ બંને ખૂબ જ ગમ્યું. અમારા કેફેની મુલાકાત લેનારા ગ્રાહકો પણ આ ફર્નિચર વિશે પૂછતા રહે છે. ઘણા ગ્રાહકો આ ફર્નિચર સાથે ફોટા પાડી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે.”
શિંદે કહે છે કે આ અપસાઇકલ્ડ ફર્નિચર સામાન્ય ફર્નિચર કરતા વધુ સસ્તુ અને ટકાઉ છે, તેથી તેઓ ભવિષ્યમાં પ્રદીપ પાસે અન્ય વસ્તુઓ બનાવવા માંગે છે.

લગભગ 500 ટન વેસ્ટનો કર્યો બેસ્ટ ઉપયોગ:
પ્રદીપ કહે છે કે તેણે નકામા અને જુના ટાયરથી શરૂઆત કરી હતી, પરંતુ આજે તે બેરલ, જૂની અને ખરાબ કાર, ઓટો રિક્ષા, બાઇક, સાયકલ, જૂની લાકડાની વસ્તુ વગેરેમાંથી ટેબલ, ખુરશીઓ, સોફા, વોશ બેસિન, ફૂડ ગાડ્સ, બેરલ વાઇન સ્ટોરેજ, હેંગિંગ લાઇટ જેવી વસ્તુઓ બનાવવે છે”. તેઓએ અત્યાર સુધીમાં એક લાખથી વધુ બેરલ, 50 હજારથી વધુ ટાયર અને પાંચ હજારથી વધુ વાહનોનું અપસાયકલિંગ કર્યું છે.
પ્રદીપ કહે છે કે જો તમામ પ્રકારના કચરા (વેસ્ટ) વિશે વાત કરીએ તો તેણે લગભગ 500 ટન કચરામાંથી વસ્તુઓ બનાવી છે. વળી, આ ધંધામાંથી થતી આવક લાખોમાં છે. અંતે તે કહે છે, “શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલ આવતી હતી, કારણ કે હું પણ આ કામમાં નવો હતો, પરંતુ મેં આ કામમાં પાછળ હટવાને બદલે રાત-દિવસ મહેનત કરી અને આ ધંધામાં સફળતા મેળવી. સાથે જ મને એ વાતની સંતુષ્ટી છે કે વધુ નહીં તો પણ અમુક અંશે, હું મારા દેશની કોઈપણ સમસ્યાને હલ કરવામાં અને પર્યાવરણ સંરક્ષણમાં મારું યોગદાન આપી મદદ કરી રહ્યો છું.
પ્રદીપ પોતાની જેમ, બધા યુવાનોને તેમના સપનાઓને વાસ્તવિક બનાવવાની સલાહ આપે છે. જો તમે પ્રદીપના કામ વિશે વધુ જાણવા માંગતા હો અને તેમના સંપર્ક કરવા માંગતા હો, તો તમે તેમના ફેસબુક પેજની મુલાકાત લઈ શકો છો.
આ પણ વાંચો: રાજકોટના 10 પાસ યુવાને બનાવ્યું અનોખું મેન્યુઅલ મશીન, કલાકોમાં બનતી વેફર્સ બને છે મિનિટોમાં!
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.