સુરતની રહેવાસી 56 વર્ષીય દીપ્તિ પટેલ જ્યારે પણ લાંબી રજાઓ પર જાય છે ત્યારે તેને પોતાના ઘર કરતાં પોતાના ઉગાડેલા વૃક્ષો અને છોડની વધુ ચિંતા હોય છે અને કેમ ન હોય? વર્ષોથી તે પોતાના બાળકોની જેમ આ વૃક્ષો અને છોડની સંભાળ રાખે છે. નાના-નાના પ્રયાસોથી શરૂ કરીને આજે તેમણે 1000થી વધુ રોપાઓ વાવીને પોતાના ઘરને હરિયાળું બનાવ્યું છે.
નાનપણથી જ બાગકામનો શોખ ધરાવતી દીપ્તિ પાસે હંમેશા વૃક્ષો અને છોડ વાવવાની જગ્યા હતી. આનાથી તેમને તેમના શોખને અનુસરવામાં ઘણી મદદ મળી. આજે તે તેના ઘરે 60 થી વધુ જાતના ફળો, ઘણી જાતના ગુલાબ, કેક્ટસ, વોટર લિલી સહિત તમામ મોસમી શાકભાજી ઉગાડે છે.
વ્યવસાયે શિક્ષિકા દીપ્તી પોતાના કામ બાદ બાગકામ માટે સમય કાઢે છે અને બગીચાનું તમામ કામ જાતે કરે છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેણી કહે છે, “વર્ષોથી હું મારી સાંજ આ વૃક્ષો અને છોડ સાથે વિતાવું છું. તેમની સાથે મારો દિવસભરનો થાક અને કોઈપણ પ્રકારનો તણાવ દૂર કરી દે છે.”

બાગકામનો શોખ ખેડૂત પિતા પાસેથી મળ્યો
અમદાવાદમાં ઉછરેલી દિપ્તીના પિતા નોકરીની સાથે ખેતીકામ પણ કરતા હતા. તેમની પાસેથી થોડું શીખીને તે બાળપણમાં ફૂલો વાવતી. તેણે કહ્યું કે તેને ગુલાબ ઉગાડવાનો ખૂબ શોખ હતો, તેણે ગુલાબ અને જાસૂદના છોડથી શરૂઆત પણ કરી હતી. 1980ના દાયકામાં તે શિયાળામાં ઘરે કેટલીક શાકભાજી પણ ઉગાડતી હતી. પરંતુ 1987માં લગ્ન બાદ તે સુરત આવી ત્યારે તેના ઘરમાં જગ્યા હતી, પરંતુ તેના સાસરિયાંમાં કોઈને બાગકામ કરવાનો શોખ નહોતો.
તેણી કહે છે, “સુરત આવ્યા પછી, મેં ફરીથી ફૂલો અને કેટલાક સુશોભન છોડ વાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે મેં મોટા કુંડામાં કેટલીક શાકભાજી અને દાડમ, ચીકુ, સીતાફળ જેવા ફળો ઉગાડવાનું શરૂ કર્યું, જે મારા પરિવારના સભ્યોને ખૂબ ગમ્યું અને થોડા જ વર્ષોમાં મારું ઘર ઘણાં વૃક્ષો અને છોડથી ભરાઈ ગયું.”

ગાર્ડનિંગ કોર્સમાંથી ઘણી માહિતી મળી
તેણે ક્યારેય કોઈ માળીને પોતાના બગીચામાં કામ કરવા માટે રાખ્યો નથી. તે માને છે કે બાગકામમાં માણસ પોતાના અનુભવમાંથી સૌથી વધુ શીખે છે. દીપ્તિને જ્યાં પણ બાગકામને લગતી માહિતી મળતી, તે લેતી રહેતી હતી અને અજમાવવાનો પ્રયત્ન પણ કરતી રહી. તેણે ત્રણ દિવસનો એક ટૂંકો ટેરેસ ગાર્ડનિંગ કોર્સ પણ કર્યો. તેમણે જણાવ્યું, “વર્ષ 2008માં સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મેળામાં કૃષિ યુનિવર્સિટીનો સ્ટોલ મૂકવામાં આવ્યો હતો. ત્યાં તેઓ ટેરેસ ગાર્ડનિંગના કોર્સ વિશે માહિતી આપતા હતા. મેં તરત જ ત્યાં નોંધણી કરાવી. આ કોર્સ માત્ર ત્રણ દિવસનો હતો, જેમાં અમને ખાતર બનાવવાથી લઈને સિઝન પ્રમાણે શાકભાજી ઉગાડવાનું શીખવવામાં આવ્યું હતું.”
આ કોર્સ દરમિયાન દીપ્તિએ એક ગાર્ડનિંગ ગ્રુપ પણ બનાવ્યું, જ્યાંથી તેણે નવા બીજ અને તેને જોઈતી તમામ માહિતી મેળવવાનું શરૂ કર્યું. પછી શું હતું? તેના શોખને પાંખો લાગી ગઈ. અગાઉ તે શિયાળામાં જ શાકભાજી ઉગાડતી હતી, પરંતુ તાલીમ લીધા પછી તેણે આખા વર્ષ દરમિયાન કેટલીક શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું.
સમય જતાં તેને ઓનલાઈન શોપિંગ વિશે ખબર પડી. તેણે એવોકાડો, ડ્રેગન ફ્રુટ સહિત અનેક વિદેશી જાતોના ફળોના બિયારણો ઓનલાઈન ઓર્ડર કર્યા હતા.

પરિવાર માટે ફળો અને શાકભાજી ઉગાડવા લાગી
શાળા પછી અને સવારે વહેલા ઉઠીને, તે દરરોજ ત્રણથી ચાર કલાક ગાર્ડનિંગ માટે સમય કાઢે છે. હાલમાં તેમના ઘરે થાઈ અને દેશી મળીને ત્રણ જાતના જામફળ, પપૈયાની બે જાત, દાડમના ત્રણ ઝાડ, ડ્રેગન ફ્રૂટની બે જાત, સીતાફળની બેજાત સહિત અંજીર, રામફળ, લક્ષ્મણફળ, સફેદ જાંબુ, સંતરા, મોસંબી, સફરજન, કેળા, ચેરી, પેશન ફ્રુટ સિવાય એવા ફળો પણ ઉગે છે, જેના નામ આપણે ક્યારેક જ સાંભળ્યા હશે.
જો કે તેણી પાસે 100 યાર્ડનું વિશાળ ટેરેસ છે, ઘરની બંને બાજુએ સાત ફૂટ લાંબી પથારી બની છે, તેણી કહે છે કે તેણી પાસે રોપવા માટે જગ્યાનો અભાવ છે. તેણે ઘરના આગળના ભાગમાં સુશોભન છોડ વાવ્યા છે. જ્યારે ઘરની બંને તરફ બાંધવામાં આવેલા ક્યારીઓમાં કેટલાક મોટા વૃક્ષો લાગેલા છે. તેણે છત પર પથારી બનાવીને અને ગ્રો બેગનો ઉપયોગ કરીને બાકીના તમામ છોડ વાવ્યા છે.
તે કોઈપણ રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના આ તમામ છોડ ઉગાડે છે. તેણી તેના ઘરના ભીના કચરા અને બગીચાના કચરામાંથી દર છ મહિને 500 થી 600 કિલો ખાતર તૈયાર કરે છે. તો, જ્યારે ખાતર ઓછું પડે ત્યારે તે બહારથી વર્મી કમ્પોસ્ટ લાવે છે અને તેનો ઉપયોગ કરે છે.
તેણીએ કહ્યું, “છેલ્લા બે વર્ષથી હું કેક્ટસ અને વોટર લિલીઝની જાતો પણ ઉગાડી રહી છું. હવે છત પર જગ્યા બચી નથી. મારા પરિવારના સભ્યો પણ મને કહે છે, હવે બસ કર.”

દીપ્તિ ટેરેસ ગાર્ડનિંગ કરનારાઓને વોટરપ્રૂફિંગ પછી જમીનથી થોડી ઉપર ક્યારી બનાવવાની સલાહ આપે છે. આનાથી છત અને ઘરને નુકસાન થવાની સંભાવના બિલકુલ ઘટી જાય છે.
આશા છે કે તમને દીપ્તિના અદ્ભુત ગાર્ડન વિશે વાંચવાની મજા આવી હશે.
હેપી ગાર્ડનિંગ!
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: દરજીઓ પાસેથી કતરણ એકત્ર કરીને, જરૂરિયાતમંદ બાળકો માટે બનાવે છે નવા કપડા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો