Search Icon
Nav Arrow
Freedom Fighter
Freedom Fighter

પેરીનબેન કેપ્ટન: દાદાભાઈ નવરોજીના પૌત્રી, જેમણે આજીવન રાષ્ટ્રની સેવા કરી!

દાદાભાઈ નવરોજીની પૌત્રી પેરિનબેન કેપ્ટન એક સ્વતંત્રતા સેનાની અને સમાજ સુધારક હતાં. તેમનો જન્મ 12 ઑક્ટોબર, 1888 ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેમણે 1919 થી ગાંધીજી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને રાષ્ટ્રીય સ્ત્રી સભાના ગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવી.

ભારતની આઝાદી માટે ઘણા લોકોએ પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. જો તમે ક્યારેય બેસીને ભૂતકાળના પાના ફેરવીને જુઓ, તો તમને આવી ઘણી ભૂલાયેલ કહાનીઓ મળશે જેના વિશે આપણા ઇતિહાસકારો લખવાનું ભૂલી ગયા છે, ખાસ કરીને મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે તો ખાસ.

દાદાભાઈ નવરોજીની પૌત્રી પેરીનબેન કેપ્ટનની વાત પણ કંઈક આવી જ છે, જે કદાચ ઈતિહાસની યાદોમાંથી ખોવાઈ ગઈ છે. પરંતુ આજે ધ બેટર ઇન્ડિયા પર અમે તમને ભારતની આ પુત્રી સાથે પરિચય કરાવીશું, જેમણે ભારતીય સ્વતંત્રતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી!

12 ઓક્ટોબર 1888 ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી ખાતે જન્મેલા પેરીનબેન, દાદાભાઈ નવરોજીના મોટા પુત્ર અર્દેશીરની મોટી પુત્રી હતા. તેમના પિતા ડોક્ટર હતા. તેમણે ખૂબ જ નાની ઉંમરે પોતાના પિતા ગુમાવ્યા. તેમણે પ્રારંભિક અભ્યાસ બોમ્બે (હવે મુંબઈ) માંથી કર્યો. તે પછી તે આગળના અભ્યાસ માટે ફ્રાન્સ ગયા. જ્યાં તેમણે પેરિસની સોહબન નુવેલ યુનિવર્સિટીમાંથી ફ્રેન્ચ ભાષામાં ડિગ્રી પૂર્ણ કરી.

અહીં પેરિસમાં તેઓ ભીખાઈજી કામાના સંપર્કમાં આવ્યા. ભીખાઈજીએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા અને ત્યારબાદ તેણીએ તેમની સાથે તેમની પ્રવૃત્તિઓમાં જોડાવાનું શરૂ કર્યું. અહીંથી પેરિનની સ્વાતંત્ર્ય સેનાની બનવાની શરૂઆત થઈ. એવું કહેવાય છે કે જ્યારે લંડનમાં બ્રિટિશ પોલીસ દ્વારા વિનાયક દામોદર સાવરકરની ધરપકડ કરવામાં આવી ત્યારે પેરીનબેને તેમને મુક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી તેમણે સાવરકર અને ભીખાઈજી સાથે વર્ષ 1910 માં બ્રસેલ્સમાં ઇજિપ્તની રાષ્ટ્રીય કોંગ્રેસમાં ભાગ લીધો.

તે પેરિસની વિવિધ સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા, જેમાંથી એક પોલિશ ઇ-માઇગ્રે ના નામે એક સંસ્થાનો પણ સમાવેશ થાય છે. તેમની સાથે મળીને તેમણે રશિયામાં ઝારવાદી શાસનનો વિરોધ કર્યો.

Freedom Fighters Of India

તે વર્ષ 1911 માં ભારત પરત ફર્યા. અહીં પાછા આવ્યા પછી, તેમને મહાત્મા ગાંધીને મળવાની તક મળી. ગાંધીના આદર્શોથી પ્રભાવિત, પેરિનબેને પોતાનું જીવન દેશના માટે સમર્પિત કર્યું. ગાંધીજી સાથે મળીને, તેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કર્યું.

આ દરમિયાન તેમને ઘણી વખત જેલમાં જવું પડ્યું હતું. પરંતુ હારી કે ગભરાઈને પાછળ ન હટ્યાં. વર્ષ 1920 માં, તેમણે સ્વદેશી અભિયાનને ટેકો આપ્યો અને ખાદી પહેરવાનું શરૂ કર્યું. 1921 માં, તેમણે ગાંધીવાદી આદર્શો પર આધારિત રાષ્ટ્રીય મહિલા સભાની રચનામાં મહત્વનું યોગદાન આપ્યું.

વર્ષ 1925 માં, પેરિનબેને ધુંજીશા એસ. કેપ્ટન સાથે લગ્ન કર્યા, જે વ્યવસાયે વકીલ હતા. લગ્ન પછી પણ તેઓ રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. 1930 માં, તેઓ બોમ્બે પ્રાંતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ માટે ચૂંટાયેલ પ્રથમ મહિલા બન્યા.

તેમણે મહાત્મા ગાંધીએ શરૂ કરેલા સામૂહિક અસહકાર આંદોલનમાં ભાગ લીધો અને જેલમાં પણ ગયા. ગાંધી સેવા સેનાની રચના બાદ તેમને તેના મહામંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. તે 1958માં પોતાના મૃત્યુ સુધી આ પદ પર રહ્યા. તેમણે હિન્દુસ્તાની પ્રચાર સભા માટે પણ કામ કર્યું.

1954 માં જ્યારે ભારત સરકારે પદ્મ નાગરિક પુરસ્કારો રજૂ કર્યા ત્યારે પેરીનબેનનું નામ પદ્મશ્રી માટે પુરસ્કારોની પ્રથમ યાદીમાં સમાવવામાં આવ્યું હતું.

પેરિનબેન ગાંધીજી સાથે સામાજિક સુધારા માટે કામ કરતા રહ્યા. તેમણે પોતાના છેલ્લા શ્વાસ સુધી દેશની સેવા કરી.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

કવર ફોટો

આ પણ વાંચો: માત્ર 11,340માં ફરો દક્ષિણ ભારત, રેલવેના ખાસ પેકેજમાં છે રહેવા-જમવાની પણ વ્યવસ્થા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon