ઊંઝામાં 2009 માં એક જગ્યાએ જન્માષ્ટમીનો કાર્યક્રમ કરવા માટે 50 જેટલા લોકો એકઠા થયા હતા. આ એકઠા થયેલા લોકોમાં તેમાં 16 થી લઈને 60 વર્ષ સુધીના લોકો એક સાથે સંકળાયેલા હતા. આ કાર્યક્રમ દ્વારા જે લોકો જોડાયેલા હતા તે બધાએ આગળ જતા ભેગા થઇને પોતાનું એક ગ્રુપ રામકૃષ્ણ મિત્ર મંડળ નામે બનાવ્યું અને ઊંઝામાં વિવિધ રચનાત્મક કર્યો શરુ કર્યા જેમાં બેસણાના સ્ટેન્ડની ફ્રી સેવા, સામા પાંચમ નિમિત્તે મહિલાઓને એક દિવસીય પ્રવાસ, બાળકો માટે બાલ ભોજન, રક્તદાન શિબિર, હેલ્થ ચેકઅપ કેમ્પ, પશુ પક્ષી માટે ઠીબ અને ચાટ વિતરણ, પ્લાસ્ટિક મુક્ત ઊંઝા અભિયાન, વૃક્ષારોપણ વગેરેનો સમાવેશ થાય છે.
ધ બેટર ઇન્ડિયા સાથે સંસ્થાના એક સભ્ય હિતેશભાઇએ વાત કરતા જણાવ્યું હતું કે, આ ગ્રુપમાં કોઈ ચેરમેન હોય અને બીજા કાર્યકર્તાઓ હોય તેવું કંઈ છે જ નહીં. બધા જ સભ્યો અહીંયા એક સરખા જ છે અને તેઓ આ સંસ્થાના વિવિધ કર્યોમાં પોત પોતાની ક્ષમતા પ્રમાણેની સેવા આપે છે.

ટિફિન સેવા શરુ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો?
હિતેશભાઇ આગળ જણાવે છે કે, આ બધા કાર્યોની સાથે સાથે થોડા સમય પછી તેઓએ દિવાળી નિમિત્તે ભેળસેળ ધરાવતી મીઠાઈઓ વધારે વેચાતી જોઈ શહેરના લોકો માટે એકદમ નજીવા ભાવમાં તેમજ ઓછા નફા સાથે શુદ્ધ મીઠાઈઓ જાતે જ બનાવડાવી વેચવાની શરૂઆત કરી. આ યોજના થકી જ જે નફો જમા થતો ગયો તેના દ્વારા આ ગ્રુપને ટિફિન સેવા શરુ કરવાનો વિચાર આવ્યો. આમ 2015 માં રામ કૃષ્ણ મિત્ર મંડળનું નામ ટૂંકાવી આર. કે. ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી અને શહેરમાં ટિફિન સેવાની શરૂઆત કરી.
આત્મનિર્ભરતા સાથેની એક અનોખી સેવા
આ ટિફિન સેવા મીઠાઈ વેચી તેમાંથી જમા થયેલ અને બીજી જે તે સભ્યો અને સેવાભાવી લોકો દ્વારા આપવામાં આવેલ મૂડી દ્વારા શરુ કરવામાં આવ્યું પરંતુ તેને જરૂરિયાતવાળા લોકોને આજીવન ફ્રી આપી શકાય તે હેતુ સિદ્ધ કરવા માટે શહેરમાં રહેતા એવા નોકરિયાત અને સક્ષમ લોકો કે જેઓને બહારથી જ ભોજન બંધાવવું પડે છે તેમને પણ એક સુવિધાના ભાગ રૂપે પ્રતિ ટિફિન 50 રૂપિયામાં આપવાનું પણ શરૂ કરવામાં આવ્યું અને આમ સંસ્થાએ ગરીબોને નિયમિત ભોજન મળી રહે તે માટે સક્ષમ લોકોની જરૂરિયાત સંતોષવાની સાથે તેમના દ્વારા ચુકવણી કરવામાં આવેલા પૈસામાંથી નફાના પૈસાનો ઉપયોગ આ સેવાકાર્યમાં થતો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી જેથી એક રીતે સંસ્થા થોડી ઘણી આત્મનિર્ભર પણ બની. જેથી મુશ્કેલ સમયમાં પણ તેઓ પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે. અને આજે આટલા વર્ષો થયા છતાં એક પણ દિવસની રજા પડ્યા વગર સંસ્થા દ્વારા લોકોને દરરોજ ભોજન માટે ટિફિન છેક તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે.

માત્ર છ ટીફીનથી થઇ શરૂઆત
6 – 3 – 2015 ના ધુળેટીના દિવસે માત્ર 6 ટિફિન થી શરૂઆત કરી. આજે તેઓ બપોરના 250 આસપાસ અને સાંજે 150 જેટલા ટિફિન લોકોને પહોંચાડે છે. જેમાં ફ્રી ટિફિન દિવસ અને રાતના થઇને ટોટલ 100 ઉપર સમાવિષ્ટ છે.
મફત ટિફિન સેવાનો લાભ લેવા માટે કોઈ પણ વ્યક્તિ ફોન કરી નામ નોંધાવવી શકે છે, તે પછી સંસ્થાના કોઈ વ્યક્તિ દ્વારા તે વ્યક્તિના ઘરે જઈ ચકાસણી કરવામાં આવે છે અને એક વખત વ્યવસ્થિત ચકાસણી કર્યા પછી તે વ્યક્તિ આ સેવાના લાભ માટે સુપાત્ર અને યોગ્ય જણાય ત્યારે જ તેને આ લાભ આપવામાં આવે છે.
મળે છે દસ લોકોને રોજગારી
સંસ્થામાં ભોજન બનાવવાના કાર્ય માટે બે મહારાજ રાખવામાં આવેલા છે જેમનો પગાર મહિનાના 22000 જેટલો છે તથા ત્યાં બીજા કામ માટે પાંચ મહિલાઓને મહિને 5000 રૂપિયા લેખે નોકરી પર રાખવામાં આવી છે. સાથે સાથે દરેક વ્યક્તિને તેના ઘરે જઈને ટિફિન પહોંચાડવા માટે ત્રણ રીક્ષા ચાલકની મદદ લેવામાં આવે છે જેમને પણ દર મહિને 10000 રૂપિયા ચુકવવામાં આવે છે.
સંસ્થાના મફત ટિફિન વિતરણ પાછળના ખર્ચ વિશે પૂછતાં હિતેશભાઇ કહે છે કે, દિવસના 3 થી 4 હજાર લેખે વર્ષે 12 થી 15 લાખનો ખર્ચ તેમાં થાય છે. આ ખર્ચની ભરપાઈ જે લોકો પૈસા આપીને ટિફિન લે છે તેમાંથી મળતા પૈસા દ્વારા કરવામાં આવે છે અને જો થોડું આઘા પાછું રહી જતું હોય તો તે માટે કોઈ વ્યક્તિ દ્વારા દાન આપવામાં આવે, તેનાથી સાચવી લેવામાં આવે છે.
આમ, સંસ્થાના આ અભિયાન દ્વારા જરૂરિયાત વાળા સક્ષમ લોકોને નજીવા ભાવે જયારે ગરીબોને મફત ભોજનની સાથે સાથે દસ લોકોને રોજગારી પણ છેલ્લા સાત વર્ષથી મળી રહી છે.

કોરોના સમયગાળા દરમિયાન સેવા માટે ઉભા રહ્યા ખડે પગે
હિતેશભાઈ જણાવે છે કે કોરોના મહામારીના પ્રથમ ચરણ દરમિયાન મજૂરોના સ્થાનાંતર દરમિયાન સ્થાનાંતરિત થતા પરિવારોને ભોજન ઉપલબ્ધ કરાવ્યું હતું અને બીજા ચરણ દરમિયાન પણ ઊંઝા શહેરના છાપરાવાળા વિસ્તારમાં 236 પરિવારોના 1200 સભ્યોને સતત 13 દિવસ સુધી ભોજનની વ્યવસ્થા કરી આપી હતી. આ ઉપરાંત પ્રથમ ચરણ દરમિયાન શહેરના મધ્યમ વર્ગીય પરિવારોને કરિયાણાની અછત ઉભી થતા સંસ્થાએ તેમને વિનામૂલ્યે 1000 જેટલી કરિયાણાની કીટનું વિતરણ કર્યું હતું.
આ સિવાય હિતેશભાઈ જણાવે છે કે,”કોરોના સમયગાળા દરમિયાન એકપણ દિવસ તેમની ટિફિન સેવા બંધ નથી રહી પરંતુ તે દરમિયાન સમયની જરૂરિયાત પ્રમાણે કોરોના ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી સાથે અમે ડિસ્પોઝેબલ પ્લેટમાં જમવાનું પેક કરીને આપવાનું શરુ કર્યું છે. જેથી આ મહામારીમાં લોકોને ભૂખ્યા ન રહેવું પડે.

જો તમે પણ આ માનવતાવાદી કાર્ય કરતી સંસ્થાને મદદ કરવા ઈચ્છો છો તો સંસ્થાના નીચે જણાવેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો.
R.K.Foundation, Unjha – 7226929292
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 2 ફ્રી ટિફિનથી કરેલ શરૂઆત પહોંચી 1200 એ, જામનગરની સંસ્થા દરરોજ જમાડે છે જરૂરિતમંદોને
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.