“વર્ષ 2011 સુધીમાં ભારતમાં વૃદ્ધોની સંખ્યા 98 મિલિયન હતી અને અનુમાન છેકે, વર્ષ 2021 સુધીમાં તે 143 મિલિયન થઈ જશે, જેમાં 51% મહિલાઓ છે.” – હેલ્પએજ ઇન્ડિયા રિપોર્ટ, 2015
વૃદ્ધ લોકોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ સવાલ એ છે કે આજે કેટલા વડીલો તેમના ઘરોમાં પરિવાર સાથે સમ્મનપૂર્વક જીવી રહ્યા છે. આજે કેટલા વડીલોને તેમના ઘરે નિર્ણય લેવાનો અધિકાર છે અથવા કોઈ મહત્વપૂર્ણ નિર્ણયમાં તેમનો અભિપ્રાય લેવામાં આવે છે? હકીકત તો એ છે કે વૃદ્ધોની સતત અવગણના કરવામાં આવે છે. દેશમાં વૃદ્ધાશ્રમની વધતી સંખ્યા વૃદ્ધો પ્રત્યે વધતી સંવેદનશીલતાની પણ પુષ્ટિ આપે છે.
સાથે જ, વૃદ્ધોની સાથે થતી ઘરેલૂ હિંસા (ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ સાથે)ના મામલાઓમાં પણ વધારો થયો છે. જ્યાં ઘણા લોકો વૃદ્ધ લોકોને તેમના પેન્શન માટે જ સાથે રાખે છે, તો ઘણા વૃદ્ધ લોકો એવા છે કે જેમની પાસે આવકનું કોઈ સાધન ન હોવાને લીધે તેમને બે વખતનું ખાવાનું પણ આપતા નથી.

ખરેખર તે આઘાતજનક વાત છે કે જે માતાપિતા તેમના બાળકોને પેટ કાપીને ખવડાવે છે, તેમની વૃદ્ધાવસ્થામાં, તેઓ તેમને આદર સાથે બે વખતનું ખાવાનું પણ આપતા નથી. જ્યારે કોઈનું પેટ ભરવા માટે માત્ર પૈસાની જ જરૂર હોતી નથી, પરંતુ સાચી નિયત અને સાચા હૃદયની જરૂર હોય છે. જો કોઈ વ્યક્તિ ઇચ્છે તો તે પોતાનું તો શું પણ લાખો લોકોનું પેટ ભરી શકે છે અને આ વાત સાબિત કરી રહ્યા છે મુંબઈમાં રહેતા ડૉ. ઉદય મોદી.
50ની ઉંમર વટાવી ચૂકેલાં આયુર્વેદિક ડોક્ટર ઉદય મોદી છેલ્લા 12 વર્ષથી મુંબઇના ભાયંદર વિસ્તારમાં લગભગ 250 વૃદ્ધ લોકોને દિવસમાં ત્રણ વખત ભોજન આપે છે. તે પણ કોઈ પૈસા લીધા વિના. મૂળ ગુજરાતના અમરેલીના રહેવાસી ડૉ.ઉદય આજે તેમના માતાપિતા માટે જ નહીં, પરંતુ આ બધા વડીલો માટે પણ તેમના શ્રવણકુમાર છે.
‘શ્રવણ ટિફિન સેન્ટર’ના નામથી ચાલતી તેમની ફૂડ સર્વિસ, કોઈ પણ પરેશાની થાય તો પણ અટકતી નથી. ફક્ત બે ટિફિનની સાથે શરૂ કરેલી તેમની આ સર્વિસ આજે પુરા 235 ટિફિન સુધી પહોંચી ગઈ છે. તેના સિવાય જો તેઓને રસ્તે જતા કોઈ વૃદ્ધ દેખાય જાય તો તેને પણ ખાવાનું ખવડાવવાથી ચૂકતા નથી.

આ પહેલની શરૂઆત વિશે વાત કરતા ડૉ. ઉદય જણાવે છેકે, 12 વર્ષ પહેલાં લગભગ 70 વર્ષનાં એક વૃદ્ધ તેમના ક્લિનિક પર ગયા હતા. તેમની હાલત જોઈને જ તેઓ સમજી ગયા હતા કે તેમને ઘણા દિવસોથી ખાવાનું ખાધુ નથી. ડો. ઉદયે તેમની પાસેથી સારવારનાં પૈસા માંગ્યા ન હતા અને તેમના માટે ખાવાનું અને જ્યૂસ મંગાવ્યુ હતુ.
ડૉ. ઉદયનો આ ઉદાર સ્વભાવ જોઈને વૃદ્ધ રોવા લાગ્યા અને પુછવા પર તેમણે જણાવ્યુકે, તેમનો પુત્ર અને વહુ તેમને ખાવાનું આપતા નથી. તેમની પત્ની લકવાગ્રસ્ત છે અને એટલા માટે તેમનું ધ્યાન રાખવા માટે તેમને ઘરે રહેવું પડે છે. પરંતુ તેમના પુત્ર-વહુનો વ્યવહાર તેમની સાથે એટલી હદ સુધી ખરાબ છે કે તેમની હાલત બગડતી જઈ રહી છે.
ડૉ ઉદયે કહ્યુ,”વૃદ્ધ વ્યક્તિની વાત સાંભળીને મારું હ્રદય ભરાઈ આવ્યુ. એક તરફ આપણો દેશ માતા-પિતાની આજીવન સેવા કરવાનાં સંસ્કારો માટે જાણીતો છે, તો આજે માતા-પિતાને તેમના બાળકો જ ભૂખ્યા રાથે છે. મે તેમને કહ્યુકે, મને તમારુ સરનામું આપો મારા ઘરેથી દરરોજ તમારા ઘરે ખાવાનો ડબ્બો આવી જશે.”

જ્યારે આ વાતની તેમની પત્નીને જાણ થઈ તો તે પણ તરત આ કામમાં સાથ આપવા માટે તૈયાર થઈ ગઈ. “મારી પત્નીએ કહ્યુકે, બે-ચાર જેટલાં પણ લોકોનું ખાવાનું હોય તમે જણાવી દો. હું સવારે બનાવી દઈશ.” બે વૃદ્ધ પતિ-પત્ની સાથે શરૂ કરેલું આ કામ ધીમે-ધીમે વધુ લોકો સુધી પહોંચવા લાગ્યુ. 2થી 4 થયા અને 4થી 8. ધીમે ધીમે ફક્ત ભાયંદર વિસ્તારમાં જ લગભગ 200થી વધારે જરૂરિયાતમંદ વૃદ્ધો ડૉ.ઉદયનાં સંપર્કમાં આવ્યા.
પહેલા તેઓએ વિચાર્યું કે બાળકો તેમના માતાપિતાને આવી જીંદગી માટે કેવી રીતે દબાણ કરી શકે છે. તેમણે ઘણા બાળકો સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ તેનાથી વિપરિત તેમના પરિવારના સભ્યો ડો.ઉદયના માથે પડવા લાગ્યા હતા. તેમણે કહેવાનું શરૂ કર્યું કે શું અમે તમને કહ્યું હતું કે તમે અમારા માતાપિતાને ખોરાક આપો અથવા તમારે આ લોકોની મદદ શા માટે કરવી છે, તમે તમારું કામ કરો, અમને જ્ઞાન ન આપો. પરંતુ આવી વાતો સાંભળીને, આ વડીલો માટે કંઇક કરવાનો તેમનો ઈરાદો વધુ મજબૂત થઈ ગયો.
ઘરમાં આટલા લોકો માટે રાંધવાનું થોડું મુશ્કેલ હતું. તેથી તેણે ‘શ્રવણ ટિફિન સર્વિસ’ નામનું રસોડું શરૂ કર્યું. અહીં તેણે ખોરાક રાંધવા માટે 3-4 લોકોનો સ્ટાફ રાખ્યો અને ત્યારબાદ વાન ભાડે લીધી, જેથી તેઓ લોકો સુધી સવારે અને સાંજે કોઈ વિલંબ વિના ખોરાક પહોંચાડી શકાય.

દરરોજ સવારે ક્લિનિક પર જતા પહેલાં ડૉ. ઉદય તે સુનિશ્ચિત કરે છેકે, આ બધા વૃદ્ધો માટે સમય પર ખાવાનું પહોંચે. ખાવાની સાથે સાથે તે તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. ડાયાબિટીસથી પીડિત વૃદ્ધો માટે અલગ ખાવાનું બને છે. તો બ્લડ પ્રેશરનાં દર્દીઓ માટે પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
સમય-સમયે ડો.ઉદય આ દરેક વૃદ્ધોને મળે છે અને તેમની સાથે સમય પસાર કરે છે. તે કહે છે, ‘મને પેઢીએ પેઢીએ બદલાતા વિચારો તો સમજમાં આવે છે, તેને અમે ‘જનરેશન ગેપ’ કહે છે. એવું બની શકેકે, બાળકોનો તેમના માતા-પિતા સાથે ઝઘડો થઈ જાય, પરંતુ કોઈ પુત્ર તેના માતા-પિતાને ખાવાનું પણ ન આપે આ વાત મને ન તો 12 વર્ષ પહેલાં સમજમાં આવતી હતી અને ન તો આજે સમજમાં આવે છે પરંતુ હવે મને એટલી ખબર છેકે, છેલ્લાં શ્વાસ સુધીમાં વૃદ્ધોની સેવા કરવા માંગુ છું.’
આ અભિયાનમાં તેમના બંને સંતાનો તેમને સાથ આપે છે. તેઓ જણાવે છે કે તેમના બાળકો દરેક પોકેટમનીમાંથી થોડા પૈસાા બચાવે છે અને એક પિગી બેંકમાં નાંખે છે. દર મહિને આ પિગી બેંકમાં જે પૈસા એકત્ર થાય છે, તે તેમને ટિફિન સર્વિસમાં લગાવવા માટે આપે છે.
પોતાના બાળકોની જેમ જ તેઓ યુવાનોને પણ પોતાના વૃદ્ધો પ્રત્યે પ્રેમભાવ રાખવા માટે પ્રેરણા આપે છે. પોતાના આ નેક કામને કારણે તેમને મુંબઈની બહુજ કોલેજો અને સ્કૂલોમાં જવાની તક મળે છે. ત્યાં તેઓ દરેક બાળકોને મોટા આદર અને સમ્માન કરવાનો સંદેશ આપે છે.
ડો.ઉદય કહે છે, “ઘણીવાર શાળા-કોલેજના બાળકોનું ગ્રુપ મારી પાસે આવે છે. તેઓ કહે છે કે કાકા, અમારી પાસે પૈસા નથી, પરંતુ અમે પણ આ વૃદ્ધ દાદા-દાદી માટે કંઈક કરવા માગીએ છીએ. હું આવા બાળકોને તેમના વડીલો સાથે તેમના જન્મદિવસ, વર્ષગાંઠો પર અથવા જ્યારે પણ મહિનામાં સમય મળે છે ત્યારે થોડો સમય કાઢવા કહું છું. તે બાળકોને એક સારો સંદેશ આપે છે સાથે સાથે આ વડીલો પણ એકલતા નથી અનુભવતા.”
ડૉ.ઉદય મોદી એક સક્ષમ ડોક્ટર હોવાની સાથે જ એક મહાન અભિનેતા છે. જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે કહે છે કે એકવાર સ્કૂલમાં તેના પિતાના મિત્રએ તેને એક ગુજરાતી ફિલ્મમાં અભિનય કરાવ્યો હતો . તે સમયે તેઓ માત્ર 8 વર્ષના હતા. પરંતુ તે પછી તે પોતાના અભ્યાસ અને વ્યવસાયમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તેણે તેના શોખ તરફ ક્યારેય ધ્યાન આપ્યું નહીં.

પરંતુ વર્ષો પછી, તેને ફરીથી પોતાનો શોખ પૂરો કરવાની તક મળી. ડો.ઉદય મોદીએ કહ્યું, “એકવાર ગુજરાતી સિરીયલોમાં કામ કરતો એક વ્યક્તિ મારા ક્લિનિકમાં આવ્યો. વાતોમાં, મેં તેમને કહ્યું કે મને થોડો અભિનય કરવાનો પણ શોખ છે. બસ પછી શું હતું, તેણે પોતે મને તેની એક સિરિયલમાં કાસ્ટ કર્યું અને અહીંથી ફરી અભિનયની પ્રક્રિયા શરૂ થઈ. હજી સુધી મેં લગભગ 30-40 હિન્દી-ગુજરાતી સિરિયલોમાં કામ કર્યું છે અને હજી પણ કરું છું.”
ડૉ. ઉદય અભિનય વ્યવસાયથી જે પણ પૈસા કમાય છે, તે તેની ટિફિન સેવામાં છે. ઉપરાંત, હવે તેમને વધુ પરિચિતોનો ટેકો મળી રહ્યો છે અને આ કારણે ટિફિન સેવા માટે ક્યારેય કોઈ પણ પ્રકારની કમી નથી.
ગયા વર્ષથી, ડો.ઉદય મોદી આ લોકોને પોતાનું ઘર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેણે ભાયંદરથી થોડે દૂર જમીન ખરીદી છે અને હવે અહીં મકાન બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આ સમગ્ર અભિયાન માટે તેમણે મિલાપ પર એક ફંડરેઝિંગ કેમ્પેન ચલાવ્યું છે.
અંતમાં તેઓ ફક્ત એટલું જ કહે છે કે આપણે આજે આપણા વડીલો સાથે જે કરીશું, તે જ કાલે આપણી સાથે પણ થશે. એટલા માટે તે જરૂરી છે કે આપણે આપણા બાળકોને કુટુંબ અને સંબંધોનું મહત્વ સમજાવીએ. અહીં માતાપિતાને ભગવાન કરતા ઉંચો દરજ્જો મળ્યો છે, કારણ કે તેઓ દરેક મુશ્કેલીનો સામનો કર્યા પછી પણ તેમના બાળકોને કોઈ નુકસાન થવા દેતા નથી, તેથી જ્યારે તેઓને જરૂર હોય ત્યારે આપણે પણ તેમનો સહારો બનવું જોઈએ.
ડો.ઉદય મોદીના આ અભિયાનમાં, તમે મિલાપ ફંડ રેઝર દ્વારા નાની-મોટી આર્થિક સહાય આપી શકો છો. ઉપરાંત, જો તમે મુંબઇમાં રહો છો અને આ વડીલો સાથે થોડો સમય વિતાવીને ફાળો આપવા માંગો છો, તો 9820448749 પર ડૉક્ટર મોદીનો સંપર્ક કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કેનેડામાં ભણતી દીકરી બચતના પૈસા મોકલે છે વડોદરા, પિતાએ 20,000+ ટિફિન પહોંચાડ્યાં કોરોનાગ્રસ્ત લોકોને
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.