‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ , જિગ્નેશભાઈ અને જિજ્ઞાબેને વ્યાસે આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે. મૂળ ઉપલેટાના રહેવાસી જિગ્નેશભાઈ છેલ્લાં 33 વર્ષથી પોતાના ખરચે ભૂખ્યા લોકોને દરરોજ જમાડી રહ્યા છે. એટલું જ નહીં, દરીદ્ર લોકોને તેઓ ચપ્પલ, કપડા અને દવા સહિતની સામગ્રી પણ નિશુક્લ આપી ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ની કહેવતને સાચી પાડી છે. આ ઉપરાંત જિગ્નેશભાઈના ઘરે 365 દિવસ અન્નક્ષેત્ર ચાલુ રહે છે. ગમે ત્યારે કોઈ પણ આવે તેને ચા, શરબત, નાસ્તો અને જમાડવામાં આવે છે. આ સેવા સેવા યજ્ઞ વિશે જિગ્નેશભાઈ ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરી હતી.
સેવાયક્ષ કરવાનો વિચાર ક્યારે અને કેવી રીતે આવ્યો?
જિગ્નેશભાઈએ તેમના સેવા યજ્ઞ વિશે વાત કરતાં જણાવ્યું કે, ”હું નાનપણથી જ દરીદ્ર અને નાના લોકોને જોતાં ત્યારથી એવું થતું હતું કે આ લોકો માટે કંઈક કરવું જોઈએ. મારાથી કોઇનું દુખ જોઈ શકાતું નહોતું. હું 16 વર્ષનો હતો ત્યારથી મેં મારી રીતે પોતાના જ ખરચે સેવાયજ્ઞની શરૂઆત કરી હતી. અમારો કુરિયર સર્વિસનો બિઝનેસ હતો. તેમાંથી મારી જે આવક થતી તે સેવાકાર્યમાં જ વાપરતો હતો. આ પછી અમે શેરીમાં ચબુતરો બનાવ્યો હતો. જેમાં અમે રોજ કબુતરને ચણ, ગાયને લીલુ ઘાસ અને કૂતરાંને ગાઠિયા અને લાડવા આપતાં હતાં. જે આજે પણ રાબેતા મુજબ આપીએ છીએ. આ પછી મને મામલતદાર ઓફિસમાં ડ્રાઇવરની નોકરી મળી હતી. આ રીતે મેં ધીમે-ધીમેં સ્વ ખરચે સેવા યજ્ઞની શરૂઆત કરી હતી.”

કેમ સરકારી નોકરી છોડી સેવા કરવાનું નક્કી કર્યું?
આ અંગે જિજ્ઞેશભાઈ વાત કરતાં કહ્યું કે, ”હું મામલતદાર ઓફિસમાં ડ્રાઇવરની નોકરી કરતો હતો. મારો પગાર પણ સારો હતો. આ પછી વર્ષ 2010માં મેં નક્કી કર્યું કે, હવે સંપૂર્ણ સમય આપી માનવસેવા જ કરવી છે. આમ હું વધુમાં વધુ માનવસેવા કરી શકુ એ માટે મેં નોકરી છોડી દીધી હતી. આ ઉપરાંત મેં અને મારી પત્નીએ નિસંતાન રહેવાનો સંકલ્પ કર્યો છે અને નક્કી કર્યું કે, અમારી ટોટલ આવક સેવાકાર્યમાં જ વાપરીશું. ”

ભૂખ્યા લોકોને કેવી રીતે જમાડો છો અને દરીદ્ર લોકોની સેવા કેવી રીતે કરો છો?
જિગ્નેશભાઈ જણાવ્યું કે, ” અમારે ત્યાં પ્લાસ્ટિક ઉદ્યોગ મોટા પાયે છે. એટલે ઇસરા ગામના પાટિયે અમે મજૂરી કામ કરતાં લોકોને અઠવાડિયે કે પંદર દિવસે જમાડીએ છીએ. મજૂર લોકો માટે અમે ઘરેથી જ જમવાનું તૈયાર કરીને અમારી ગાડીમાં લઈ જઈએ છીએ અને ત્યાં તેમને પંગતમાં બેસાડીને જમાડીએ છીએ. આ ઉપરાંત તેમના બાળકોને દર પૂનમે અમે બટુક ભોજન કરાવીએ છીએ.
આ ઉપરાંત જિગ્નેશભાઈએ વધુમાં જણાવ્યું કે, ” અમારે ત્યાં મામલતદાર ઓફિસે એક ડોશીમાં છે. તે કઈ ભાષા બોલે છે સમજાતું નથી, પણ અમે તેમને ત્યાં રહેવા માટે ઝૂંપડી કરી દીધી. જેમાં સૂવા માટે એક સેટી રાખી છે અને માજીને દરરોજ સમયસર પણ જમવાની વ્યવસ્થા પણ કરી દીધી છે. આ ઉપરાંત થોડાંક વર્ષ પહેલાં, ભાયાવદરથી એક ભાઈ દરરોજ ટ્રેનમાં આવતાં ઉપલેટા આવતાં હતાં. અમે તેમને આખા ગામમાંથી ગોતીને અમારા ઘરે લઈ જઈએ અને તેમને જમાડતાં હતાં. આ પછી તેઓ સાડા ત્રણની ટ્રેન પાછા ભાયાવદર જતાં રહેતાં હતાં. આમ ઘણાં વર્ષ સુધી આ ક્રમ ચાલ્યો પણ, છ વર્ષ પહેલાં ઉપલેટા બ્રોડ ગેજ લાઇન શરૂ થઈ હતી. જેને લીધે ટ્રેન બંધ થઈ ગઈ અને તે ભાઈ છ મહિનામાં ગુજરી ગયાં હતાં. ”

”હું અને મારી પત્ની જિજ્ઞા ઉત્તરાયણ અને અન્ય તહેવારના નિમિત્તે 35 વસ્તુનું પેકેટ બનાવી આખા તાલુકામાં જ્યાં દરીદ્ર લોકો હોય તેમને વિતરણ કરવા જઈએ છીએ. તહેવાર સિવાય દર મંગળવારે અમે ગાયત્રી મંદિર અને ગણપતિ મંદિરની આસપાસ રહેતાં બાળકોને અલગ અલગ વસ્તુનું વિતરણ કરીએ છીએ. આ ઉપરાંત શિયાળામાં ઘાબળાનું વિતરણ કરીએ, ઉનાળામાં ચપ્પલનું વિતરણ અને ચોમાસામાં તાડપત્રીનું વિતરણ કરીએ છીએ. આ સિવાય દરરોજ અમારા ઘરે આખો દિવસ ચા, શરબત, નાસ્તો તથા જમવાનું આખો દિવસ લોકો માટે ચાલુ જ હોય છે.
અમે નવરાત્રીમાં આખા તાલુકામાં જ્યાં જ્યાં શેરી ગરબા થાય ત્યાંની દરેક બાળાઓને નવે નવ દિવસ પાણીપુરી, ભેળ, ચાઇનીઝ, પંજાબી સહિતની વાનગી જમાડીએ છીએ.”

કોરોનાકાળમાં કેવી રીતે સેવાયજ્ઞ ચાલુ રાખ્યો?
જિગ્નેશભાઈએ જણાવ્યું કે, ”કોરોનાકાળમાં નગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં ગયા વર્ષે અને સાડા ત્રણ મહિના સુધી હરતું-ફરતું અન્નક્ષેત્ર ચાલુ રાખ્યું હતું. જે લોકો હોમ ક્વોરન્ટીન હોય તે લોકોને અમે સમયસર જમવાનું પહોંચાડતાં હતાં. તે દરમિયાન રાત્રે 10.30 વાગ્યે એક માજી રોડ પર સૂતાં હતાં. મેં માજીને ઉઠાડ્યા અને કહ્યું કે, માજી આ લ્યો જમવાનું. તો માજીએ કહ્યું કે, મારે જમવું નથી, મારે દવા જોઈએ છે. મેં તેમને પૂછ્યું કે, કેમ જમવું નથી?. તો માજીએ કહ્યું કે, હું જે ડૉક્ટરની દવા લવ છું ત્યાં જવા માટે કોઈ રિક્ષા કે અન્ય વાહન લોકડાઉનના લીધે આવતું નથી. એટલે મેં ડૉક્ટર મકવાણા સાહેબને ફોન કર્યો અને તેઓ આવ્યા અને આ પછી માજીની તેમને સારવાર નિશુલ્ક કરી હતી.”
અંતમાં જિગ્નેશભાઈએ જણાવ્યું કે, ”આ પછી કોરોનાની બીજી લહેરમાં કોઈ લોકોને હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર નહોતું, અમે અમારી ગાડીમાં દર્દી કહે ત્યાં હોસ્પિટલમાં લઈ જતાં અને તેમને દાખલ કરાવ્યા પછી અમે આવતાં રહેતાં હતાં. આ સિવાય અમે કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી. તેમાં સવાર સાંજે આરતી કરીએ. દર્દી પાસે આરતી કરાવડાવીએ. આ પછી તેમાં કોઈ ગુજરી ગયાં હોય અને તેમના સગાસંબંધી અંતિમ સંસ્કાર કરવા તૈયાર ના હોય તો, તેમના અંતિમસંસ્કાર પણ અમે કરી દેતાં હતાં. જોકે, આ કાર્યમાં મારા 83 વર્ષના ફાધરનો પણ સપોર્ટ હતો. ભગવાનની કૃપાથી અમારા ઘરમાં આજસુધી કોઈને કોરોના થયો નથી.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: અમરેલીના ડૉક્ટર 250 નિસહાય & બેઘર વૃદ્ધોને જમાડે છે, હવે બનાવડાવે છે તેમના માટે ઘર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.