આ અમારી શ્રેણી “ધ ગ્રેટ ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ”નો હિસ્સો છે, જેમાં અમે એ લોકપ્રીય સ્વદેશી વસ્તુઓ તેમજ બ્રાન્ડની સફળતાની ઐતિહાસિક કહાણી અંગે જણાવીએ છીએ, જે અનેક પેઢીઓથી ભારતીયોની પસંદ રહી છે.
વૉશિંગ પાઉડર નિરમા નિરમા!
બની શકે કે આજે તમે કપડાં ધોવા માટે નિરમા ડિટર્જન્ટ પાઉડરનો ઉપયોગ ન પણ કરતા હોવ, પરંતુ ભાગ્યે જ એવું શક્ય છે કે તમે આ જિંગન ન સાંભળી હોય કે પછી સફેદ સ્કર્ટ પહેરીને ગોળ ગોળી ફરતી બાળકીની આ જાહેરાત ન જોઈ હોય!
આકર્ષક જિંગલ અને જાહેરાતના માધ્યમથી જ નિરમા બ્રાંડના સંસ્થાપક કરસનભાઈ પટેલ, 1980ના દશકાની શરૂઆતમાં આખા દેશનું ધ્યાન ખેંચવામાં અને બજારમાં મોટા નામોથી આગળ નીકળવામાં સફળ રહ્યા હતા.
આ કરસનભાઈની કહાણી છે, જેમણે ઘર આંગણે ડિટર્જન્ટ બનાવ્યો અને ભારતના દરેક મધ્યવર્ગના ઘર સુધી પહોંચાડ્યો.
વર્ષ 1959માં એ સમયે આખા દેશમાં હિન્દુસ્તાન લીવર લિમિટેડ (હવે હિન્દુસ્તાન યુનિલીવર)ની એક બ્રાન્ડ ‘સર્ફ’નું ડિટર્જન્ટ બજાર પર રાજ હતું. આ ડિટર્જન્ટની કિંમત 10 રૂપિયાથી 15 રૂપિયા (https://yourstory.com/2016/08/karsanbhai-patel-nirma/) વચ્ચે હતી. જે હાથને નુકસાન પહોંચાડ્યા વગર કપડાં પરથી મેલ કાઢતો હતો અને અન્ય સાબુની સરખામણીમાં સારો હતો. જોકે, મધ્યમવર્ગના પરિવાર માટે આ તેની કિંમત વધારે હતી. મોટાભાગના લોકો માટે આ ડિટર્જન્ટનો ઉપયોગ બજેટ બહાર હતો. આથી તેમણે સાબુનો ઉપયોગ જ ચાલુ રાખ્યો હતો.
કરસનભાઈ પટેલ ગુજરાત સરકારના ખનન અને ભૂવિજ્ઞાન વિભાગમાં કેમિસ્ટ હતા. તેઓ આ બજારમાં પ્રવેશ કરવા માંગતા હતા અને તેમના જેવા મધ્યવર્ગના પરિવારોને થોડી રાહત આપવા માંગતા હતા.

તેમણે અમદાવાદમાં પોતાના ઘર આંગણે જ ડિટર્જન્ટ બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ઇચ્છતા હતા કે ઉત્પાદન ખર્ચ અને ઉત્પાદનની કિંમત બંને ઓછા હોય.
તેમણે એક ફોર્મ્યુલા બનાવી અને પીળા રંગનો ડિટર્જન્ટ બનાવ્યો હતો. આ ડિટર્જન્ટને તેમણે ત્રણ રૂપિયામાં વેચવાની શરૂઆત કરી હતી. નિરમા બ્રાન્ડનું નામ પટેલની દીકરી નિરુપમા પરથી રાખવામાં આવ્યું હતું, જેનું એક અકસ્માતમાં નિધન થયું હતું.
કરસનભાઈ લોકોના ઘરે ઘરે જઈને વૉશિંગ પાઉડર વેચતા હતા અને જો આ પાઉડર કામ ન કરે તો પૈસા પરત આપવાની ગેંરટી આપતા હતા. કરસનભાઈનો આ પાઉડર થોડા જ દિવસોમાં અમદાવાદમાં ખૂબ જ લોકપ્રીય થઈ ગયો હતો.
બહુ ઝડપથી પટેલે નોકરી છોડી દીધી અને આ માર્કેટમાં મોટા ખેલાડીઓ સાથે ઉતારવાનો નિર્ણય કર્યો હતો. એ સમયે મોટાભાગના વેપારીઓનું કામ ક્રેડિટ પર ચાલતુ હતું. જો પટેલ એવું કરતા તો તેમણે રોકડના સંકટનો સામનો કરવો પડતો હતો. તેઓ આવું જોખમ લેવા માંગતા ન હતા. આ માટે તેમણે એક જોરદાર યોજના બનાવી હતી. એવી યોજના કે જેણે નિરમા નામને આખા દેશમાં ઘરે ઘર સુધી પહોંચાડ્યું હતું.
વૉશિંગ પાઉડર અમદાવાદમાં ખૂબ જ લોકપ્રીય થઈ ગયો હતો. આથી પટેલે એક ટીવી જાહેરખબરમાં થોડા પૈસા લગાવવાનું નક્કી કર્યું હતું. આ જાહેરાતનું જિંગલ બહુ ઝડપથી ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગઈ હતી.
જે બાદમાં આ પ્રોડક્ટને ખરીદવા માટે સ્થાનિક બજારમાં ભીડ થવા લાગી હતી. જોકે, પટેલે અહીં થોડી બુદ્ધિ વાપરી હતી. માંગ વધારવા માટે તેમણે 90 ટકા સ્ટૉક બજારમાંથી પરત લઈ લીધો હતો.
આશરે એક મહિના સુધી ગ્રાહકો જાહેરાત જોતા રહ્યા હતા, પરંતુ જ્યારે તેઓ વૉશિંગ પાઉડર ખરીદવા માટે બજારમાં જતા હતા ત્યારે તેમને ખાલી હાથે જ ઘરે પરત ફરવું પડતું હતું.
છૂટક વેપારીઓએ સ્ટૉક માટે પટેલને વિનંતી કરી અને એક મહિના પછી કરસનભાઈ પટેલે માર્કેટમાં સ્ટૉક ઉતારી દીધો હતો.
આ સાથે જ વસ્તુની માંગ આકાશને સ્પર્શી ગઈ હતી. માંગ એટલી વધી કે નિરમાએ સર્ફને પાછળ રાખી દીધો હતો. સાથે જ એ વર્ષે સૌથી વધારે વેચાતો વૉશિંગ પાઉડર પણ બની ગયો હતો. આ શાનદાર પગલાં બાદ તેઓ એક દશકા સુધી માંગને જાળવી રાખવામાં તેમજ પોતાના વેપારને વધારવામાં સફળ રહ્યા હતા.
જોકે, પ્રૉડક્ટની માંગમાં વધ-ઘટને લઈને પટેલ વધારે ચિંતા કરતા ન હતા. કારણ કે તેમણે ડિટર્જન્ટના નિર્માણથી આગળ જવાનો નિર્ણય કર્યો હતો. બહુ ઝડપથી તેમણે ટૉઇલેટ સાબુ, સૌંદર્યુ સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટ લૉંચ કરી હતી.
અમુક ઉત્પાદનો સફળ રહ્યા તો અમુક વધારે સફળ થયા ન હતા. પરંતુ બ્રાન્ડ નિરમાએ બજારમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી હતી. આજે પણ સાબુના માર્કેટમાં તેમની 20 ટકા અને ડિટર્જન્ટ માર્કેટમાં 35 ટકા ભાગીદારી છે.
1995માં પટેલે અમદાવાદ ખાતે નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીની સ્થાપના કરી હતી અને 2003માં તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અને નિરમા યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજીની સ્થાપના કરી હતી.

તેઓ કહે છે કે વેપારને જાળવી રાખવામાં અને બજારમાં તેનો વિસ્તાર કરવાની ધગશ પાછળ તેમની દિવંગત દીકરી પ્રત્યેનો તેમનો પ્રેમ છે.
પટેલને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં 2010માં પદ્મશ્રી પણ સામેલ છે. ફોર્બ્સની યાદીમાં સૌથી ધનિક લોકોમાં તેમનું નામ (2009 અને 2017) સામેલ કરવામાં આવ્યું હતું.
પટેલ પાસે મેનેજમેન્ટની ડીગ્રી ન હતી પરંતુ તેઓ મોટા નામ સાથે ઊભા રહેતા ડર્યાં ન હતાં. વેપારને લગતી ખૂબ ઊંડી સમજણ અને તેજ દિમાગને કારણે કરસનભાઈ ઉદ્યમીઓની બિરાદરીમાં એક દિગ્ગજ નામ છે.
મૂળ લેખ: તન્વી પટેલ
આ પણ વાંચો: સાઉથ આફ્રિકાથી શરૂ થઈ હતી સ્વદેશી ચાની સફર, ગાંધીજીનો છે મોટો ફાળો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.